બસ, હવે કાઉન્ટ ડાઉન કલાકોમાં પ્રવેશી રહ્યા છીએ : ગાંધીનગરની ગાદીએ બાવીસ વરસે પટ્ટો પૂરો થાય છે કે ફેરતાજો થાય છે તે ૧૮મી ડિસેમ્બરે સમજાઈ રહેશે. જો કે જયપરાજયથી નિરપેક્ષપણે એટલું નિઃશંક છે કે કૉંગ્રેસ નવજીવનના તબક્કામાં હોઈ શકે છે.
હમણાં મેં ચુકાદાની રાહ જોવાની ભાષામાં વાત કરી પણ જે એક ભલે વચગાળાનો પણ ચુકાદો આવી ગયા જેવો છે એની જિકર તો કરવી જ રહી. આ ચુકાદો એ છે કે જે તે પક્ષની છતી બહુમતીએ પણ જનાદેશ વિખંડિત (ફ્રૅકચર્ડ) હોવાનો છે. કેન્દ્રમાં વચ્ચે કેટલાંક વરસ મિશ્ર સરકારનાં ગયાં તે બહુધા વિખંડિત જનાદેશને આભારી હતાં. હવે એવું ન બને અને કેન્દ્રમાં તેમ રાજ્યમાં એક જ પક્ષની સુવાંગ બહુમતીનો દોર જારી રહે તો પણ વિખંડિતતા એક દુર્દૈવ વાસ્તવ હોવાનું છે.
જ્યાં સુધી ભા.જ.પ.નો સવાલ છે, એક વિખંડિતતા તો લગભગ ગળથૂથીગત છે. એને નઠારા ‘ધ અધર’ વગર સોરવાતું નથી. ગુજરાતમાં વિકાસનું વાજું વાગ્યું ન વાગ્યું ત્યાં મતપ્રાપ્તિમાં પાછા પડવાની આશંકાવશ ભા.જ.પે. એકદમ જ મુસ્લિમ મુદ્દો ઉછાળ્યો. પાક રાજદ્વારી આગેવાનો સાથે ગુપ્ત બેઠક અનેેે જિજ્ઞેશ મેવાણીનો નાણાંસ્રોત અનુક્રમે વડાપ્રધાન અને પક્ષપ્રમુખને આ સંદર્ભમાં હાથવગાં બલકે મોંવગાં થઈ પડ્યાં. ૨૦૦૨ની ચૂંટણીનાં નામોનું એક ધ્રુવપદ ‘મિયાં મુશર્રફ’ હતા તેમ હવે એકાએક અહમદ પટેલને મુખ્યમંત્રી બનાવવા માટે કૉંગ્રેસ-પાક સંતલસનો ગુબ્બારો ચલાવાયો. જો કે હાર્દિક પટેલની સેક્સ સીડીની જેમ જ આવા ગુબ્બારાઓને ઝાઝી દાદ ન પણ મળે. પરંતુ, દેશમાં નાગરિક સમાજ કોમને ધોરણે વિખંડિત રહે એ ભા.જ.પ.ની રાજનીતિ અને રણનીતિનું થોડાં ટીલાંટપકાં બાદ કરતાં ચિરસત્ય છે. બંદૂકવાલા જેવા તો એ ઘૂંટડો ગળે ઉતારીને જ ચાલે છે કે અમે શિક્ષણમાં ને ઉદ્યોગમાં જે સાધી શકીએ તે પૂરતું માનીને અમારે ધોરણસરના રાજકીય પ્રતિનિધિત્વનો એટલે કે નાગરિક હિસ્સેદારીનો ખયાલ છોડીને જ ચાલવું રહેશે. ગમે તેમ પણ, ભા.જ.પ.ની ગળથૂથીગત અને કેટલાક કિસ્સામાં કૉંગ્રેસની વ્યૂહગત મર્યાદાને કારણે આ વિખંડિતતા લાંબા ગાળા લગી દુર્નિવાર હોવાની છે. અલબત્ત, ઓવેસી છેડે એનો જવાબ નથી તે પણ આપણે જાણીએ સમજીએ છીએ.
એક ખ્રિસ્તી ધર્માધ્યક્ષે જ્યારે ચૂંટણીમાં ‘રાષ્ટ્રવાદી’ઓની કૃષ્ણછાયા બાબતે સાવધાનીના સૂર ઉચ્ચાર્યા ત્યારે સ્વાભાવિક જ એમના ચિત્તમાં સતાપક્ષપરિવારની ‘ધ અધર’ની માનસિકતાનો અને એથી સંભવિત વિષાક્ત વિભાજન શક્યતાઓનો ખયાલ હશે. અલબત્ત, એમનું આમ કહેવું રાજકીય રીતે સલાહભર્યું અગર ‘પોલિટિકલી કરેક્ટ’ નહોતું અને નામીચા સ્પિનોડીને સારુ એમાં બખ્ખેબખ્ખા હતા. ધર્માધ્યક્ષ બચાડા રાજકીય ખેલાડી નહીં કે ગુજરાતમાં ખ્રિસ્તી સમાજની કોઈ નિર્ણાયક હાજરી નહીં એટલે એમણે ભલે વ્યાપક નાગરિક અભિગમથી વાત કરવાપણું જોયું હોય, પણ સ્પિનોડી જેનું નામ. બાકી, ખ્રિસ્તી ધર્માધ્યક્ષે કહેલી વાતમાં વિખંડિતતાના વારણનો એક મુદ્દો ખસૂસ હતો અને છે.
વિખંડિતતા બાબતે જે ચિંતા છે તે માત્ર હિંદુ વિ. બીજા એટલા સીમિત સંદર્ભમાં જ નથી. જેને આધારે હાલનો સત્તાપક્ષ રાષ્ટ્રની વ્યાખ્યા કરવાની રાજનીતિ કરે છે તે હિંદુસમાજને નાતજાતગત ‘ઊંચનીચ’ની મૂર્છા હજી પૂરી વળી નથી. સ્વરાજસિત્તેરી પછી પણ જે સમજાય છે તે તો એ કે તમે ‘હિંદુ’ને નાતે ગોળબંધ થાઓ તે પછી અને છતાં પેલી ‘ધ આધર’ની તીવ્રતા ઓછી થઈ ન થઈ અને ઊંચનીચનો ખયાલ ઢેકો કાડ્યા વગર રહેતો નથી. નાગરિક અપીલ પર હિંદુ અપીલ હાવી થાય ન થાય અને નાતજાતની અપીલ એકદમ સામે આવે છે. એમાંથી ઓળખનું રાજકારણ એવી રીતે બહાર આવે છે કે રાષ્ટ્રનું પોત સુઘટ્ટ કરવાની નાગરિક પ્રક્રિયા પાછી પડે છે.
મજ્જાગત એવાં આ ઊંચનીચ, પછીથી, એવાં એવાં સ્પિન વાસ્તે પીચ પૂરી પાડે છે જ ન તો ઇષ્ટ હોય, ન તો અભીષ્ટ હોય. તમે પ્રચારની લાયમાં આટલે નીચે કેમ જાઓ છો એવો મુદ્દો ઉપસ્થિત કરવા જતાં અંગ્રેજીમાં તરજુમાશાઈ ગોથામાં (અને બૌદ્ધિક સનક સાથેના કંઈક ધમંડમાં) મણિશંકર અય્યરે ‘નીચ’ પ્રયોગ કર્યો એ ભાષાચૂક અને જીભચૂક સાથે એમણે બાણું લાખ વૈખરીના ધણીને ઓઠાં પ્રહર સ્પિનની સગવડ કરી આપી. કૉંગ્રેસે અય્યરને સસ્પન્ડ કર્યા, પણ બુંદ સે ગઈ હોજ સે નહીં આતી – અને ભા.જ.પ. આ પ્રકારના ચોઈસેસ્ટ ઉદ્ગારોએ મંડિત એક આખી બીજી હરોળ (જેટલી ગ્લિટરાટી એટલી ટિ્વટરાટી) નભાવે છે એ હકીકત, પછી, પોસ્ટ-ટ્રુથ માહોલમાં દૃષ્ટિપ્રત્યક્ષ છતાં ઓઝલ જેવી થઈ જાય છે.
૨૦૧૭ના ગુજરાતમાં ભા.જ.પ. જેને જાતિવાદ વિ. રાષ્ટ્રવાદની લડાઈ કહે છે તે વાસ્તવમાં ઠીક ઠીક પ્રમાણમાં પાટીદાર, ઓ.બી.સી. અને દલિત સમુદાયો ‘રાજકીય હિંદુ’ તરીકેની ગોળબંધીમાંથી હટી રહ્યા હોવાના અહેસાસમાંથી જન્મેલો વિચારપછાડો છે. વસ્તુતઃ આ પ્રક્રિયા કોમી એકત્રીકરણ(અને તજ્જન્ય વિખંડતિતા)માં વિખરાવવાની શરૂઆતની છે. બેશક, વ્યાપક નાગરિક વલણ એક સ્થાયી ભાવ બને તે દૃષ્ટિએ હજુ ખાસી મજલ કાપવી રહેશે. ગાંધીનગર ઢૂંકડું હોય ત્યારે પણ દિલ્હી દૂર હોય એ માત્ર ભૌગૌલિક વાસ્તવ નથી પણ રાજકીય-સામાજિક મનોવાસ્તવ છે. જે સ્વાગતાર્હ શક્યતા, રાજકીય હિંદુ ગોળબંદીમાં સંભવિત વિખરાવથી ખૂલી છે એનો કર્મશીલ બૌદ્ધિકોને નાગરિક સ્પંદ હોવો જોઈશે. પાટીદાર આંદોલન વળ અને આમળા ખાઈ ખાઈને આજે દલિત-ઓ.બી.સી. જોગવાઈઓના સમાદરપૂર્વક પોતાની હકમાંગને સમાયોજવાનું વલણ દાખવી રહ્યું છે એને જરૂર એક વિધાયક નાગરિક ઉન્મેષ લેખે ઘટાવી શકીએ.
નમોના રોડ શો અને રેલીકારણમાં હાર્દિકવશ હાંફ અને હરીફાઈ વરતાયાં તેની પૂંઠે જે એક બીજું પરિબળ કામ કરી રહ્યું છે તે એમના બંને સહિત સંબંધિત સૌએ, રિપીટ, સૌએ સમજવાપણું છે. નરસિંહ રાવ – મનમોહનસિંહના વારાથી શરૂ થયેલી નવી આર્થિક નીતિ (જે તત્ત્વતઃ વાજપેયી વરસોમાં ને મોદી સરકારમાં/બરકરાર છે એણે નવા વંચિતો પેદા કર્યાં છે અને વિષમતા વકરાવી છે. પાટીદાર આંદોલનનો આરંભિક અનામતનાદ વણ સમજ્યે પણ આ પ્રક્રિયાને આભારી હોઈ શકે છે. માહિતી અધિકાર અને મનરેગા જેવી બે બળુકી ભેટો છતાં કૉંગ્રેસે વંચિતતા-વિષમતાના વિવર્ધન વિશે મૂળગત વિચારવાનું રહે છે. ભા.જ.પ. નેતૃત્વ વાસ્તવ સામે વૈખરીના વેશમાં પેશ આવે છે, પણ એણે ય વિકાસની અવધારણા વિશે આત્મનિરીક્ષણપૂર્વક વિચારવું રહેશે એ ગુજરાતના પાટીદાર ઉઠાવ પછી સમજાઈ રહેવું જોઈએ. પાટીદાર ઉઠાવ ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ વખતના રાજકીય વર્ચસમાં નવા ભાગિયા આવ્યા એેને આભારી હશે – સોલંકીના ‘ખામ’ અભિગમ સામે પણ રાજકીય વર્ચસ્વની મનોવૈજ્ઞાનિક તાણ હશે – પણ સૌનો વિકાસ નવી નહીં પણ નવેસરની આર્થિક નીતિ માગે છે.
૨૦૧૭નો નવેમ્બર ઊતરતે અને ડિસેમ્બર બેસતે વિકાસનો મુદ્દો ક્યાં ગાયબ થઈ ગયો! વિકાસની વ્યાખ્યા આમે ય બિનઉત્પાદક બાવલાચાળામાં કે બિનઉપયોગી બુલેટ ટ્રેનાઈમાં સમેટાવા લાગી હતી અને હવે એ બીજા દોરના મતદાન પૂર્વે છેલ્લા પ્રચાર કલાકોમાં ક્યાં આવીને ઠીંગરાઈ ગઈ એ સમજવા જેવું છે. બારમી ડિસેમ્બરે નમોના ગુજરાત રોકાણ બાબતે આ સત્તાવાર યાદી વાંચો એ પછી કદાચ કશું જ કહેવાપણું નહીં રહે. ‘ VM-BJPGUJ:’ શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સવારે ૯ઃ૩૦ વાગ્યે સૌ પ્રથમ વાર રિવર ફ્રન્ટથી સી-પ્લેન દ્વારા ધરોઈ ડેમ થઈ અંબાજી દર્શને જશે, તો મોદીજીના આ વિકાસના કામને સત્કારવા વધુ ને વધુ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાઈએ.’
આ જે ‘જોણું’, એને ‘વિકાસ’ કહેવાનો ચાલ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીથી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લગીમાં આમૂલ તપાસી નહીં શકીએ તો? પૂરતું મોડું થયું છે. અમીર-ગરીબ એ કાયમ જેવી વિખંડિતતા ક્યાં લઈ જશે આપણને. દર્દકા હદસે ગુજર જાના દવા હોતા હૈ, એ ગાલિબનું દર્શન પ્રેમમાં માનો કે સાચું પણ હોય; વિકાસનો રંગલો ક્યારે અનર્થકારણની રંગલી સાથે છૂમંતર થઈ જાચ, કંઈ કહેવાય નહીં.
જે પણ ચૂકાદો આવે, આગામી એજન્ડા અને અગ્રતા સમજાઈ રહે તો ગુજરાતને વિવેકબૃહસ્પતિ બકું.
લખ્યા તા. ડિસેમ્બર ૧૨, ૨૦૧૭
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2017; પૃ. 01-02