એક પા, ‘મારા રામ તમે સીતાની તોલે ન આવો’ તો બીજી પા ‘જય સિયારામ’ને રુખસદ અને ‘જય શ્રીરામ’નો જયજયનાદ: ક્રાન્તિની નિયતિ સીતા જેવી છે, શું પહેલાં કે શું પછી, એને લલાટે વનવાસ નક્કી

પ્રકાશ ન. શાહ
કેમ કે છઠ્ઠી ડિસેમ્બર સારુ તેજછાયામાં રમી રહ્યો છું, રામ જન્મભૂમિ પ્રકરણનું સ્મરણ થઈ આવે છે, લગરીક જુદે છેડેથી, સીતાને છેડેથી.
સીતા ક્યાં ખોવાઈ ગયાં, કેમ ખોવાઈ ગયાં, એવી એક અભિજાત અંતરખોજને ધક્કે આ લખી રહ્યો છું. અવધ પંથકનું જે સર્વસાધારણ લોક, એનો પરસ્પર અભિવાદનનો સહજોદ્દગાર ‘જય સિયારામ’ રહ્યો છે. હમણેનાં વરસોમાં એ અખિલ હિંદ ફલક પર ખાસ કાકુ સાથે સહસા ‘જય શ્રીરામ’માં તબદલી થઈ ગયો છે (અ લા દારાસિંહ?) શું કહેવું એને વિશે, વિમાસું છું. અને હા, લખતે લખતે એ પણ સાંભરે છે કે 1992ની છઠ્ઠી ડિસેમ્બરે જે બધું ધ્વસ્ત થઈ ગયું એમાં ‘સીતા કી રસોઈ’નું સ્થાનક પણ હતું.
કેમ કે સીતાની વાત ચાલી છે, ચિત્ત થોડા દાયકા પાછળ જવા કરે છે. 1970માં ‘સાહેબ’ (જયન્તિ દલાલ) ગયા તે પછી વરસોવરસ રંજનબહેનનાં નિમંત્ર્યાં સૌ જ.દ. સ્મૃતિ દિવસે એમના નિવાસસ્થાને, શરૂનાં વરસોમાં સાંકડી શેરી, જીવણ પોળમાં અને પછી નદીપાર ‘જીવભાઈ’માં મળતાં અને ભજનસંધ્યામાં ભળતાં. એમાં જ્યારે રતિકુમાર વ્યાસ આવી ચઢે ત્યારે રંજનબહેનની આરતે ભીંજી આગ્રહી ફરમાયશ હોય – અને રતિકુમારને કંઠે ‘મારા રામ તમે સીતાની તોલે ન આવો’ અચૂક સરી આવે.
એકોતરી ઊતરે એ પહેલાં, 1966-1980નાં વરસોમાં ચિત્તનો કબજો એ મતલબની બે મરાઠી કાવ્યપંક્તિઓએ લીધો હતો કે ક્રાન્તિની નિયતિ સીતા જેવી હોય છે, વનવાસમાં રામની સાથે અને રામના રાજ્યારોહણ પછી જ્યારે જ્યારે એક જેપી બટુક તરીકે પાછા પડ્યાની લાગણી જાગતી ત્યારે એ પંક્તિઓ આળસ મરડી બેઠી થઈ જતી, શલ્યાની અહલ્યા જાણે.
સીતા આસપાસ જે પણ વાંચવા વાગોળવાનું બન્યું હશે એમાં મને સવિશેષ અપીલ કરી ગયેલી કિતાબ ગાંધીજીના પૌત્ર અને રાજાજીના દોહિત્ર રામચંદ્ર ગાંધીની ‘સીતા’ઝ કિચન’ છે. એની પહેલી આવૃત્તિ 1992 પહેલાંની છે.
વારુ રસોઈ કે રસોડું કહેતાં ઊઠતો ને ઠરી રહેતો ભાવ એક તરેહની અંતરંગ આત્મીયતા ને પવિત્રતાનો છે. માત્ર બેઠકખાનાનો નાતો નહીં પણ દિલી નાતો. વળી, રામુ ગાંધી ઉમેરશે, રસોડું આવ્યું અને વનપક ફળ ને ઝરણાંનાં જળ ઉપરાંત (અગર એને સ્થાને) પક્વ અન્નનો ખયાલ પણ લેતું આવ્યું. અહીં વિવિધ રસ છતાં એકરસ-સમરસ, એવો ઘાટ છે. આ રસોડું તે કુદરત સાથેના મનુષ્યના મુકાબલાની બલકે અર્થપૂર્ણ આપલેની મહદ્દ ઘટના છે. કુદરતમાં જીવતો મનુષ્ય નગર બાંધતો, સમાજ ઘડતો ને વિકસાવતો બન્યો. એક મેલ્ટિંગ પોટ જ કહો ને. ભારતીય પરંપરામાં, જેમ કે, ઈસ્લામ થકી સૂફી મત પ્રવેશ્યો તે આવા એક સંવાદી મિલન મુકાબલાની અને તેથી કરીને સીતાને રસોડે નવ્ય વ્યંજનની ઇતિહાસ શક્યતા હતી અને છે.
સીતા તો ધરતીની પુત્રી. સમાઈ પણ ધરતીમાં. ધાત્રીધરિત્રી બધું એકાકાર. અણુરેણુમાં વ્યાપ્ત જે ચૈતન્ય એનો જ એક આવિષ્કાર નિસર્ગકૃપાએ મહોરેલ વનસંપદા એમાં વિકસેલી ને વસેલી પ્રાણીસૃષ્ટિ બલકે પર્યાવરણ સમસ્ત આ ચૈતન્યનો સ્તો સાક્ષાત્કાર છે. આ અભિગમપૂર્વક રામુ ગાંધી રામાયણની સૃષ્ટિમાં પ્રવેશ્યા હતા. (એટલે, પછીથી, એમને મન સીતા કી રસોઈ સમેત પરિસર સમગ્રનો ધ્વંસ ભારતીય પરંપરાનો ધ્વસ જ બની રહે ને?)
કૌંચ યુગલની પ્રણયસમાધિન, હિંસ્ર ભંગે કરીને વ્યથાવ્યાકુલ વાલ્મીકિએ રચના કરી. એમાં જો ધર્મ અવિરુદ્ધ કામનો સહજ સમાદર છે તો મનુષ્યજાતિ તેમ પશુપંખી સર્વે યોનિઓ ને વનસંપદા સૌનોયે છે. પર્યાવરણના, પ્રાણીમાત્રના પાવિત્ર્યની આ રામાયણ પરંપરા છે. (કોઈ ઉચ્ચવર્ણી વર્ગ વિશેષ, સંપ્રદાય વિશેષ, કોમ વિશેષની પ્રતિષ્ઠાની નહીં પણ) લોકપરંપરા ભણીની એની ગતિ છે. નિષાદ, શબર, વાનર સૌને એમાં સ્થાન છે. રામુ ગાંધીએ જો કે ખાસ સંભારેલો પ્રસંગ તો ગુહે રામ-સીતા-લક્ષ્મણને નદી પાર કરાવી તે છે. આદિમ કહો, આદિ જાતિ કહો, એની કને એવું કોઈ ગુહ્ય જ્ઞાન હતું કે તે અયોધ્યાની નગર સંસ્કૃતિના ઉત્તમોત્તમ પ્રતિનિધિની નૈયા પાર કરાવી શકે.
નહીં કે સીતા પરત્વે કોઈ સાત્ત્વિક ફરિયાદને અવકાશ નથી. સીતાએ મૃગને માટે હઠ લીધી હતી. કંચન-કામિની સંલક્ષણ(સિન્ડ્રોમ)થી હટીને રામુ ગાંધીએ કરેલો ફરિયાદ મુદ્દો એ છે કે મૃગના પ્રાણ હરવાની પેરવી વાસ્તવમાં પ્રાકૃતિક સમતુલા સામે કારનામાનો કિસ્સો છે. ક્ષમયા ધરિત્રી એ ખયાલને ધરતી-માતા-પુત્રીની ઓળખ લેખે જોતાં હોઈએ તો આ મૃગઘટના વાસ્તવમાં ધરતીએ ધરતીપણું ખોયાની ને ધરતીબાળ એવા મનુષ્યે મનુષ્યપણું ખોયાની નિશાની છે. એટલે સીતા લંકાવાસ વેઠે, પ્રાકૃતિક સમતુલાને જોખમાવવા સબબ કંઈક યંત્રણામાંથી પસાર થાય એમાં લેખક કવિન્યાય જુએ છે, અને એમાંથી તત્ત્વબોધ પામે ને પમાડે છે.
ગમે તેમ પણ, જેમણે તહસનહસ કીધું એમને ઓસાણ સરખાં પણ ક્યાંથી હોય કે આપણે આ એક સાર્થક સંવાદતક ખોઈ રહ્યા છીએ. રામુ ગાંધીનું આ વેદનાદર્શન વાંચીએ છીએ ત્યારે સિતાંશુ સાંભરે છે : વેદના, તું નેત્ર દે.
શરૂમાં મેં ‘જય સિયારામ’થી ‘જય શ્રીરામ’ એ સંક્રાન્તિની જિકર કરી અને સીતા ક્યાં ગયાંનું કૌતુક કીધું, પણ એની સામે શાસ્ત્રસમ્મત સમજૂત અલબત્ત આપી શકાય કે શ્રી કહેતાં લક્ષ્મી, એનો અવતાર તે સીતા, માટે સ્તો શ્રીરામ. વાત સાચી પણ રણઘોષ વચ્ચે આવી કોઈ સભાનતાને ભાગ્યે જ અવકાશ હોય.
આટલો વિચાર વિહાર – નકરો વિહાર નહીં – તે સાંકડી સમજથી ઊંચે ઊઠી સભ્યતાના વ્યાપક ફલક પર સહિયારી ખોજમથામણ વાસ્તે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 06 ડિસેમ્બર 2023