મનુષ્યને માતાપિતા ને ધર્મ જન્મની સાથે જ મળે છે. એમાં સંજોગો અનુસાર પાછળથી માતાપિતા ક્યારેક બદલાય તો પણ, તેમાં સંતાનની પસંદગી કામ લાગતી નથી ને જન્મ આપનાર તો બદલાતાં જ નથી તે હકીકત છે. ધર્મનું એવું નથી. કોઈક તબક્કે કોઈ પુખ્ત વયની વ્યક્તિને લાગે કે જન્મથી મળેલો ધર્મ બદલવો છે તો તે તેમ કરી શકે છે, તો ક્યારેક લાલચ આપીને, ભયથી, છેતરીને પણ ધર્મપરિવર્તન કરાવાય છે. એનો હેતુ તો ધર્મ પ્રચારનો જ હોય છે, પણ એમાં ધર્મ સિવાય ઘણું હોય છે. ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં પણ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવૃત્તિ વર્ષો સુધી ચાલી ને આખી ને આખી જાતિનો ધર્મ બદલવામાં વિધર્મીઓ સફળ રહ્યા. એનું ભાન સંબંધિત સરકારોને થયું ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું.
કેટલાક વિધર્મી શાસકોએ પણ તલવારને જોરે ધર્મ પરિવર્તનના પ્રયત્નો કરીને ભારતીય પ્રજાને કેવળ ત્રાસ જ આપ્યો છે. ભારત સ્વતંત્ર થયું તે પછી પણ એક યા બીજા કારણે ધર્મ પરિવર્તનના પ્રયત્નો થતા જ રહ્યા છે. બંધારણના અનુચ્છેદ 25 મુજબ દરેકને ઇચ્છિત ધર્મ પાળવાનો અધિકાર છે. કોઈ સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કરે ને જાણી સમજીને, શુદ્ધ બુદ્ધિથી કરે તેનો તો શો વાંધો હોય, પણ ધર્મ પરિવર્તન કોઈનાં ભોળપણનો કે કોઇની મજબૂરીનો લાભ લઈને કે લાલચ આપીને કે બળજબરીથી કરાવવામાં આવે તો તેને કાનૂની રાહે પડકારવામાં પણ ધર્મ જ છે.
એવું બન્યું છે કે કોઈ ધર્મની વ્યક્તિને વટલાવવામાં આવી હોય કે તેનો પોતાના ધર્મમાં લાવીને દુરુપયોગ કરવામાં આવ્યો હોય કે તેનો આતંકી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવામાં આવ્યો હોય કે પોતાના ધર્મની વસતિ વધારવાનો બદઈરાદો એ ધર્મ પરિવર્તનનાં મૂળમાં હોય તો એવું કરનાર કોઈ પણ વ્યક્તિ કે સમૂહનો કાનૂની રાહે વિરોધ થવો જ જોઈએ અને એ પ્રવૃત્તિ બીજું કૈં પણ હોય, પણ ધર્મ નથી તે સ્વયં સ્પષ્ટ છે.
ઉત્તર પ્રદેશમાં કે મધ્ય પ્રદેશમાં એવા કિસ્સા સામે આવ્યા છે કે કોઈ વિધર્મીએ હિન્દુ યુવતી જોડે લગ્ન કર્યાં હોય ને તે યુવતીને પોતાનો ધર્મ છોડવાની ફરજ પાડવામાં આવી હોય. આવું હિન્દુ યુવતીઓ સાથે જ થયું હોય એવું નથી, હિન્દુ યુવકે વિધર્મી યુવતી જોડે લગ્ન કર્યાં હોય ને તેનો વિધર્મી સમુદાયને વાંધો પડ્યો હોય એવું પણ બન્યું છે. આમાં યુવક કે યુવતી કોઈ પણ ધર્મનાં હોઈ શકે છે. એની ટકાવારીમાં બહુ મોટો ફરક ન હોય એમ બને. આમાં જ્યાં પણ સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન થયું હોય ને પરિણીત યુવક કે યુવતીને તેનો વાંધો ન હોય ત્યાં તો મુશ્કેલી નથી, પણ જ્યાં મુશ્કેલીઓ સર્જાઈ છે ત્યાં, તેને “લવ જેહાદ”નું નામ આપીને કાયદા બદલવાની કે નવો કાયદો લાવવાની હિલચાલ છે. આમ તો લવ અને જેહાદ બંને અનુક્રમે અંગ્રેજી અને અરબી ભાષાના શબ્દો છે, પણ આ બંને ભાષામાં આ મુદ્દે કોઈ મુશ્કેલી સર્જાઈ હોવાનું બહાર આવ્યું નથી. હા, ભારતમાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, કેરળ જેવાં રાજ્યોમાં લવજેહાદને નામે હિંસક તકરારો થઈ છે. કેરળમાં 2009માં 4,500 યુવતીઓનું ધર્મ પરિવર્તન થયું હતું, તો કર્ણાટકમાં એ આંકડો 30,000નો હતો. આ બધાં સ્વૈચ્છિક ધર્મપરિવર્તન ન હતાં એ કહેવાની જરૂર નથી. એટલે ધર્મ પરિવર્તનનો મુદ્દો નવો નથી.
એવું બન્યું છે કે વિધર્મીઓએ હિન્દુ યુવતીઓને ફોસલાવીને, છેતરીને લગ્ન કર્યાં હોય. એ વળી કોઈ કાવતરાનો ભાગ હોય એવું પણ બન્યું છે. હિન્દુ યુવતીઓને પોતે વિધર્મી છે એની જાણ જ ન કરી હોય ને હિન્દુ હોવાનું નાટક કરીને એક પર બીજી પત્ની હિન્દુ કરી હોય એવું પણ નોંધાયું છે. તો, એવું પણ થયું છે કે એક વિધર્મી યુવતીએ હિન્દુ યુવક સાથે લગ્ન કર્યાં હોય ને તેણે સ્વેચ્છાએ હિન્દુ ધર્મ સ્વીકાર્યો હોય ને વિધર્મીઓને એ મંજૂર ન થતાં તેમણે કનડગત કરતાં યુવતીએ પોલીસનું રક્ષણ માંગ્યું હોય ને કોર્ટે પણ યુવતીની ઇચ્છાથી ધર્મ પરિવર્તન થયાનું લાગતાં દખલ ન કરી હોય, આવું પણ થયું છે. એ જ રીતે હિન્દુ યુવતીના કુટુંબીજનો માટે દીકરીનું વિધર્મીમાં જવું સહન ન થયું હોય ને દીકરીને પરત લાવવા સંઘર્ષ કર્યો હોય અને વાત દીકરીની ને અન્યોની હત્યા સુધી પહોંચી હોય. આની વિચિત્રતા એ છે કે જે બે વિધર્મીઓ લગ્નમાં સંડોવાયા હોય એની ઇચ્છાનું મહત્ત્વ તો સ્વીકારાયું જ ન હોય.
courtesy : Surendraji; "The Hindu", 26 November 2020
ઉત્તર પ્રદેશની સરકારે તો તાજેતરમાં જ લવજેહાદને મામલે વટહુકમ બહાર પાડ્યો છે જેમાં ગુનો સાબિત થાય તો ત્રણથી દસવર્ષની સજા અને પંદર હજારથી પચીસ હજાર સુધીનો દંડ થઈ શકે એવી જોગવાઈ છે. મધ્ય પ્રદેશમાં તો કાયદો છે જ, પણ તેમાં પણ સુધારો લાવવાની વાત છે. જોવાની ખૂબી એ છે કે આ મામલે કેન્દ્ર સરકારને પોતાનો મત આપવાનું ખાસ બન્યું નથી. આંતરધર્મી લગ્ન મુખ્યત્વે રાજય સરકારોનો મામલો જ વધુ રહ્યો છે. એક તરફ કેટલીક રાજ્ય સરકારો લવજેહાદને મામલે કડક કાયદો લાવવાની વેતરણમાં છે ને ધર્મ ચુસ્તીનો આગ્રહ રાખે છે તો ઉત્તરાખંડની સરકાર અન્ય ધર્મ કે જાતિમાં થતાં લગ્નમાં રાષ્ટ્રીય એકતા જુએ છે. રાજ્યના સમાજ કલ્યાણ વિભાગના એક અધિકારીએ 22મી નવેમ્બરે જાણકારી આપતા કહ્યું કે ઉત્તરાખંડ સરકાર બીજા ધર્મ અને જાતિમાં લગ્ન કરનારા યુગલોને 50,000ની રોકડ રકમ આપશે. જેના લગ્ન કાયદેસર રીતે રજિસ્ટર્ડ હશે એવાં યુગલોને આ રકમ પ્રોત્સાહન રૂપે અપાશે. જો કે આ મામલે પણ વિવાદ થયો છે ને એમાં સુધારો આવશે એવું લાગે છે. આપણે આંતરધર્મી લગ્નોને માન્ય કરીને ધર્મને મામલે બહુ વિશાળ દૃષ્ટિકોણ રાખ્યાનો દેખાડો કરીએ છીએ, પણ મૂળભૂત રીતે આપણે બહુ જ સંકુચિત અથવા તો ઝનૂની વિચારો ધરાવીએ છીએ. એમાં કોઈ ધર્મ બાકાત નથી. સૌથી વધારે અનુદાર આપણે ધર્મને મામલે છીએ. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ અપનાવી શકે એ ખરું, પણ વાત લગ્નની આવે છે ત્યારે વાત બદલાય છે. તેમાં પણ યુવકને તો ધર્મ બદલવાનો ખાસ આવતો નથી, પણ યુવતીનાં આંતરધર્મી લગ્નની આવે છે તો ધર્મ બદલવાની તેને ફરજ પડે છે. અહીં ધર્મ તેની કહેવાતી સઘળી વિશાળતા ગુમાવીને એક કુટુંબ પૂરતો જ સીમિત થઈ જાય છે. સર્વધર્મ સમભાવ જેવી ભ્રામક વાત ભારતમાં બીજી નથી. જે કિસ્સામાં યુવતી સ્વેચ્છાએ ધર્મ બદલવા તૈયાર હોય ત્યાં તો પ્રશ્ન નથી, પણ જ્યાં ફરજ પડે કે પાડવામાં આવે ત્યાં કેવળ અધર્મ જ બચે છે. માનવધર્મ પણ ધર્મ જ છે ને તેની સૌથી વધુ ઉપેક્ષા દરેક ધર્મીઓ કરે છે.
બનવું તો એવું જોઈએ કે પરણનાર કોઈ પણ વિધર્મી ઇચ્છે તો પોતાનો ધર્મ ન બદલે અને જે ધર્મ પાળે છે તે ચાલુ રાખે. પરણ્યા પછી ધર્મની વાત તો બાજુએ રહી, યુવતીને પૂછ્યા વગર જ તેનું નામ પણ બદલી કાઢવામાં આવે છે ને આ તો એક જ ધર્મનાં લગ્નોમાં બને છે. તે પછી પરિણીતાની અટક બદલાઈ જાય છે. જ્યાં સમાનધર્મી લગ્નોની આ સ્થિતિ છે ત્યાં વિધર્મી લગ્નોમાં ધર્મ કેટલોક સચવાય તે સમજી શકાય એવું છે. વિધર્મી લગ્નોમાં પતિ કે પત્ની ઈચ્છે તે ધર્મ પાળી શકે એટલી સમજ જો સમાજ દાખવે તો કોઈ નવા કાયદા લાવવાની કે બદલવાની જરૂર ન રહે, પણ તેવું થતું નથી. મોટે ભાગે એને પ્રતિષ્ઠાનો, અહમ્નો પ્રશ્ન બનાવવામાં આવે છે ને એમાં પછી સંબંધીઓ, મિત્રો ને રાજકારણીઓ જોડાય છે ને પરિણામ બે જૂથો ને ધર્મો વચ્ચેની તકરારમાં આવે છે. આ તકરાર નાની હોતી નથી. ઘણીવાર તો એ પરંપરામાં પરિણમે છે ને ધર્મને નામે થાય એટલો અધર્મ આચરવામાં આવે છે.
સાચું તો એ છે કે બે પુખ્ત વયની વ્યક્તિને લગ્ન અંગેનો નિર્ણય કરવાનો અંગત અધિકાર છે, પણ તે એટલો જાહેર થાય છે કે એમાં એ બે વ્યક્તિના અધિકારોનો સર્વનાશ ન થાય ત્યાં સુધી કોઈ જંપતું નથી. એ દુખદ હકીકત છે કે ધર્મની એક જ સમજ આપણામાં છે ને તે છે, અધર્મ !
0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 27 નવેમ્બર 2020