રંગભૂમિ અને સિનેમા વચ્ચેના વાટકીવહેવારનો જમાનો
દાદાસાહેબની ફિલ્મ પહેલાંના હરિશ્ચંદ્રના દશાવતાર
‘હા, આજે પણ એ દિવસ મને બરાબર યાદ છે. ૧૯૧૧ના નાતાલના દિવસો હતા. સેન્ડહર્સ્ટ રોડ પર એક તંબુમાં અમે ‘સિનેમા’ જોવા ગયાં હતાં.’ આ શબ્દો છે સરસ્વતીબાઈના, છેક ૧૯૭૦માં બોલાયેલા. ‘તંબુ બહાર બેન્ડ વાગતું હતું. ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી આઠ આના. છતાં મુખ્યત્વે ખ્રિસ્તીઓ અને યુરોપિયનોની ભારે ભીડ હતી. થોડી વારે બધી લાઈટ બંધ થઈ. સફેદ પડદા પર એક કૂકડો ચાલતો દેખાયો. આ કૂકડો પાથે કંપનીનો ટ્રેડ માર્ક હતો. પછી એક કોમેડી પિક્ચર શરૂ થયું. ફૂલ્સહેડ નામનો એક્ટર તેમાં કામ કરતો હતો. વચમાં વચમાં ફિલમ બંધ થતી અને લાઈટ ચાલુ થતી. સ્ટેજ પર કાં જાદુના કાં અંગ કસરતના ખેલ થતા. તે દિવસનું મુખ્ય પિક્ચર તો જિસસ ક્રાઇસ્ટના જીવન વિશેનું હતું. જિસસ પર દુઃખો પડતાં જોઈને અને તેમને વધસ્તંભ પર ચડાવ્યા ત્યારે ઘણા લોકો રડતા હતા. આ ફિલ્મ કિનેમાકલર પ્રોસેસ વડે રંગીન બનાવી હતી. પિક્ચર જોઈને અમે પાછાં ફરતાં હતાં ત્યારે તેમણે કહ્યું : આવી જ રીતે આપણે આપણા રામ અને કૃષ્ણ વિષે ફિલ્મ બનાવશું. તેમની આ વાત સાંભળીને મને જરા ય આનંદ ન થયો અને મેં કશો જવાબ આપ્યો નહિ.’
સરસ્વતીબાઈ અને દાદાસાહેબ ફાળકે
પણ કોણ હતાં આ સરસ્વતીબાઈ? ધુન્ડીરાજ ગોવિંદ ફાળકે ઉર્ફે દાદાસાહેબ ફાળકેનાં પત્ની. અને દાદાસાહેબ એટલે હિન્દુસ્તાનના ફિલ્મ ઉદ્યોગના પિતા. ૧૮૭૦ના એપ્રિલની ૩૦મી તારીખે નાશિક નજીકના ત્ર્યંબકેશ્વરમાં જન્મ. ૧૯૪૪ના ફેબ્રુઆરીની ૧૬મી તારીખે નાશિકમાં અવસાન. સંસ્કૃતના પરંપરાગત પદ્ધતિના વિદ્વાન. પિતા મુંબઈની વિલ્સન કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા એટલે તેમની સાથે મુંબઈ. ૧૮૮૫માં જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં દાખલ. પછી વડોદરાના કલાભવનમાં ભણ્યા. પછી જુદી જુદી નાટક કંપનીઓ માટે પડદા ચિતરવાનું અને ફોટોગ્રાફીનું કામ કર્યું. થોડો વખત રતલામ જઈ એક ફોટોગ્રાફી સ્ટુડિયોમાં કામ કર્યું. ૧૯૦૩માં આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટમાં જોડાયા. પછી એક છાપખાનું સંભાળ્યું અને છાપકામ શીખવા જર્મની ગયા. પણ પાછા આવ્યા ત્યાં સુધીમાં નક્કી કરી લીધું હતું કે મારું ક્ષેત્ર છાપકામ નહિ, ફિલ્મ છે.
પણ એ વખતે ફિલ્મ બનાવવા અંગે આપણા દેશમાં કોઈ કશું જાણતું નહોતું. એટલે પોતાની જીવન વિમા પોલીસી ગિરવે મૂકીને, પૈસા ઉછીના લઈને ઇન્ગલંડ ગયા. પાછા આવ્યા ત્યારે વિલિયમસન કેમેરા અને ફિલ્મ બનાવવાનાં બીજાં કેટલાંક સાધનો સાથે લેતા આવ્યા. અને હા, કાચી ફિલ્મનાં ફિન્ડલાં તો ખરાં જ. પાછા આવીને તેમણે હિન્દુસ્તાનની પહેલી મૂગી ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું. મુંબઈના પરામાં એક બંગલામાં સ્ટુડિયો બનાવ્યો. એકડે એકથી બધી મહેનત જાતે કરી. ૧૯૧૨માં ૩,૭૦૦ ફૂટ લાંબી ફિલ્મ તૈયાર કરી. એ જમાના માટે આ ઘણી લાંબી ફિલ્મ કહેવાય. ૧૯૧૩ના એપ્રિલની ૨૧મી તારીખે મુંબઈના ગિરગામ વિસ્તારમાં આવેલા ઓલિમ્પિયા થિયેટરમાં આમંત્રિતો માટેનો પહેલો શો યોજાયો અને તેમને ફિલ્મ ઘણી પસંદ પડી. દસ દિવસ પછી ગિરગામ વિસ્તારમાં જ આવેલા કોરોનેશન થિયેટરમાં જાહેર શો શરૂ થયા.
યાદ છે ને, દિલ્હી દરબારના કોરોનેશન કહેતાં રાજ્યાભિષેક માટે શહેનશાહ પાંચમા જ્યોર્જ અને મહારાણી મેરી દિલ્હી જતાં પહેલાં મુંબઈ આવેલાં અને તેમનું ભવ્ય સ્વાગત થયેલું. આ કોરોનેશનની ઘટનાના માનમાં થિયેટરનું નામ કોરોનેશન રખાયું હતું. અને એ થિયેટરમાં દેશની પહેલી ફિલ્મ પહેલી વાર રજૂ થઈ. અને એ ફિલ્મનું નામ હતું રાજા હરિશ્ચંદ્ર. પરદેશી રાજાનું કોરોનેશન અને દેશી રાજા હરિશ્ચન્દ્ર વચ્ચેનો આ હતો નજીકનો સંબંધ.
રાજા હરિશ્ચન્દ્ર ફિલ્મનું એક દૃશ્ય
સેન્ડહર્સ્ટ રોડ પરના તંબુમાંથી બહાર નીકળ્યા પછી તો દાદાસાહેબે પત્નીને કહ્યું હતું કે રામ કે કૃષ્ણ જેવાં પૌરાણિક પાત્રો પર ફિલ્મ બનાવવી જોઈએ. અને પછી ફિલ્મ બનાવી ત્યારે રાજા હરિશ્ચન્દ્ર પર, એમ કેમ? ઓગણીસમી સદીમાં અને વીસમી સદીના શરૂઆતના કેટલાક દાયકા દરમ્યાન મુંબઈમાં મરાઠીભાષીઓ, હિંદુ ગુજરાતીઓ, પારસીઓ, મુસ્લિમો, ખ્રિસ્તીઓ વગેરે વચ્ચે સારો એવો એખલાસ હતો અને સાહિત્ય, સંગીત, નાટક, રંગભૂમિ, વર્તમાન પત્રો, વગેરે ક્ષેત્રોમાં થતાં બીજાનાં કામથી તેઓ પરિચિત રહેતા. એટલે રણછોડભાઈ ઉદયરામ અને કાબરાજીના હરિશ્ચન્દ્ર નાટકને મળેલી અસાધારણ સફળતાથી દાદાસાહેબ પરિચિત હોય જ. આ નાટકના ૧,૧૦૦ શો ભજવાયા હતા એટલું જ નહિ, તેના અનુકરણમાં મુંબઈમાં અને ગુજરાતમાં ઠેર ઠેર હરિશ્ચન્દ્રની કથા નાટક રૂપે ભજવાતી થઈ હતી. આ લખનારના અંગત સંગ્રહમાં રાજા હરિશ્ચન્દ્ર વિશેનાં કુલ દસ નાટકોની ‘ઓપેરા બુક’ છે. તેમાં ૧૮૮૪માં બે નાટકની માહિતી મળે છે. મુંબઈના ભગવાનદાસ લક્ષ્મીદાસ ભણસાલીએ લખેલ ‘નવા હરિશ્ચન્દ્ર તારામતી’ અને મુંબઈના જ જમનાદાસ હરજીવને પણ એ જ નામથી લખેલ નાટક. તેના ટાઈટલ પેજ પર ‘શુદ્ધ ગુજરાતીમાં’ એમ ઉમેરેલું છે. પણ એ પાના પર જ ઓછામાં ઓછી પાંચ ભૂલો છે અને જોડાક્ષર લગભગ વપરાયા નથી! એ છપાયું છે મુંબાદેવી રોડ પરના ચોકસી બજારમાં આવેલ ‘પારસી પ્રીન્ટીંગ પરેસ’માં. ૧૮૮૬માં પણ બે નાટક : મોરબી આર્યજ્ઞાનવર્ધક નાટક કંપની માટે પ્રાણજીવન ગોકળજી રાવળે લખેલ ‘હરિશ્ચન્દ્ર ચરિત નાટક’ અને અજ્ઞાત લેખક કૃત ‘નવો હરિશ્ચન્દ્ર તારામતીનો ખેલ’. વાંકાનેર આર્યહિતવર્ધક નાટક કંપની માટે ત્રમ્બકલાલ દેવશંકર રાવળે લખેલ ‘સત્યવાદી મહારાજા હરિશ્ચન્દ્ર’ની પહેલી આવૃત્તિ ૧૮૮૭માં અને બીજી આવૃત્તિ ૧૮૮૯માં પ્રગટ થઈ છે. પહેલી આવૃત્તિની બે હજાર અને બીજી આવૃત્તિની પાંચ હજાર નકલ છાપી હતી. એ પછી મળે છે ૧૮૯૦માં ‘ડાકોર ગુણગ્રાહક સભાના શુભેચ્છક’ મોતીભાઈ નાથાભાઈ મહેતાએ લખેલ ‘સતવાદી રાજા હરીશ્ચન્દ્ર તારામતી નાટક.’ એ જ વર્ષે એચ.એમ. શેઠનું ‘હરિશ્ચન્દ્ર ને તારામતી નાટક’ અમદાવાદના આર્યોદય પ્રેસમાં છપાઈને પ્રગટ થયું છે. તો ૧૮૯૧ અને ૧૯૨૧માં હરિશ્ચન્દ્ર પરનાં બે ‘હિન્દુસ્તાની’(જેને માટે આજે આપણે ‘ઊર્દૂ’ શબ્દ વાપરીએ છીએ)માં લખાયેલાં પણ ગુજરાતી લિપિમાં છપાયેલાં નાટકો મળે છે. ૧૮૯૧માં ‘મુનસી કરીમબખ્સ મુતખલ્લીસે ગુજરાતીમાંથી અનુવાદ કરેલ ‘દાસ્તાને હરીશ્ચન્દ્ર તારામતી, રોહીદાસ’ પૂણેના ‘જગધ્દીતેછુ’ છાપખાનામાં છાપીને પ્રગટ થયું છે. તો અમદાવાદના આણંદ ભુવન થિયેટર સાથે સંકળાયેલા ‘નજીર બેગ મુનસી’એ લખેલ ‘હરિશ્ચન્દ્ર નાટક’ અમદાવાદના શ્રી જૈન એડવોકેટ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાઈને બહાર પડ્યું છે. આ ઉપરાંત બે નાટકોની પ્રકાશન સાલ મળતી નથી : મહારાજ રામચંદ્ર માધવદાસજીએ લખેલ ‘શ્રી સત્યવાદી હરીશ્ચંદ્ર સત્યવિજય નાટક’ અને ‘બાળકો માટે સત્યવિજય નાટક’. આ નાટકના લેખકનું નામ પણ મળતું નથી. હરિશ્ચન્દ્ર વિશેનાં નાટક ઊર્દૂમાં ભજવાય એની આજે આપણને નવાઈ લાગે પણ એ વખતે મરાઠી-ગુજરાતી-ઊર્દૂ રંગભૂમિ પર આવી લેવડદેવડ થતી રહેતી.
રાજા હરિશ્ચન્દ્ર ફિલ્મની જાહેરાત
દાદાસાહેબ ફાળકે રણછોડભાઈ – કાબરાજીના હરિશ્ચન્દ્ર નાટકથી અને તેને મળેલી અસાધારણ સફળતાથી પરિચિત હોય એ સ્વાભાવિક ગણાય. વડોદરાના કલાભવનમાં તેમણે અભ્યાસ કર્યો હતો એટલે ગુજરાતની રંગભૂમિનો પરિચય પણ હોય તો નવાઈ નહિ. ૧૮૭૪થી હરિશ્ચન્દ્ર વિશેનાં નાટકો અવારનવાર ભજવાતાં રહેલાં એ હકીકતથી પણ તેઓ પરિચિત હોય. એટલે પોતાની પહેલી ફિલ્મ માટે વિષય પસંદ કરતી વખતે તેમણે રણછોડભાઈ – કાબરાજી અને બીજા લેખકોનાં નાટકોની બહોળી અને લાંબા સમયની સફળતાને ધ્યાનમાં રાખી હોય એવો પૂરો સંભવ છે. અને એટલે રામ-કૃષ્ણને બદલે તેમણે પહેલી ફિલ્મ રાજા હરિશ્ચન્દ્ર વિષે બનાવી હોય. પારસીઓએ ભજવેલું ‘ઇન્દ્રસભા’ નાટક પૂણેમાં જોઇને અણ્ણાહેબ કિર્લોસ્કરને મરાઠીમાં સંગીત નાટક લખવાનું સૂઝ્યું હતું અને તેમણે લગભગ રાતોરાત સંગીત શાકુન્તલ નાટક લખ્યું હતું. તો આ જ નાટક પરથી ૧૯૩૨માં ‘ઇન્દ્રસભા’ ફિલ્મ બની હતી જેમાં ૭૦ કરતાં વધુ ગાયન હતાં. આજ સુધી દુનિયામાં બનેલી બીજી કોઈ ફિલ્મમાં આટલાં ગીતો આવ્યાં નથી. અને તે બનાવી હતી જમશેદજી ફરામજી માદનની ‘માદન થીયેટર’ કંપનીએ. એટલે કે એ જમાનામાં રંગભૂમિ અને ફિલ્મો વચ્ચે પણ વાટકીવહેવારનો સંબંધ હતો.
હરિશ્ચંદ્રના ત્રણ અવતાર
આપણા દેશની પહેલી ફિલ્મ ‘રાજા હરિશ્ચન્દ્ર’ જાહેર જનતા માટે પહેલી વાર બતાવાઈ હતી તે કોરોનેશન સિનેમેટોગ્રાફ એન્ડ વેરાયટી હોલ નામના થિયેટરમાં. ફિલ્મની જાહેર ખબરમાં તેનું સરનામું છાપ્યું છે : સેન્ડહર્સ્ટ રોડ, ગિરગામ. આ રોડ નું આજનું નામ વલ્લભભાઈ પટેલ રોડ. પણ આજના આ રોડ કરતાં સેન્ડહર્સ્ટ રોડ ઘણો વધુ લાંબો હતો. તેના એક છેડે હતો ચોપાટીનો દરિયા કિનારો, તો બીજે છેડે હતું જી.આઈ.પી. (આજની સેન્ટ્રલ) રેલવેનું સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન. આ સ્ટેશન અને રસ્તો બંને, ૧૯૧૦માં તૈયાર થયાં હતાં. એટલે કે ૧૯૧૩માં આ ફિલ્મ બતાવાઈ ત્યારે આ રસ્તો અને થિયેટર લગભગ નવાં નક્કોર હતાં. લોર્ડ વિલિયમ્સ મેન્સફિલ્ડ સેન્ડહર્સ્ટ (૧૮૫૫-૧૯૨૧) ૧૮૯૫થી ૧૯૦૦ સુધી મુંબઈના ગવર્નર હતા. અને ૧૯૧૨થી મૃત્યુ સુધી લોર્ડ ચેમ્બરલેન ઓફ ધ હાઉસહોલ્ડ હતા. કારકિર્દીની શરૂઆત લશ્કરમાં. ૧૮૭૬માં પિતાનું અવસાન થતાં બેરન સેન્ડહર્સ્ટ બન્યા. ત્યારે તેમની ઉંમર હતી ૨૦ વર્ષ. પછી ૨૧મા જન્મ દિવસે હાઉસ ઓફ લોર્ડઝના સભ્ય બન્યા. મુંબઈનું ગવર્નરપદ છોડ્યા પછી તેમની નિમણૂક એકસ્ટ્રા નાઈટ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઇન્ડિયા તરીકે થઈ હતી. ૧૯૧૨માં લોર્ડ ચેમ્બરલેનઓફ ધ હાઉસહોલ્ડ બન્યા. ૧૯૧૭માં બર્કશાયર કાઉન્ટીના વાઈકાઉન્ટ સેન્ડહર્સ્ટ બન્યા. તેમની હયાતિ દરમ્યાન જ આ નવા બનેલા રસ્તા અને સ્ટેશનને તેમનું નામ અપાયું.
લોર્ડ સેન્ડહર્સ્ટ
આજે કોઈ ઈમારતના સરનામામાં ફક્ત ‘એસ.વી. રોડ’ લખીએ તો ચાલે નહિ, કારણ રસ્તો ઘણો લાંબો છે અને જુદાં જુદાં પરાંમાંથી પસાર થાય છે. એટલે સાથે વાંદરા, કે વિલે પાર્લે, કે જોગેશ્વરી વગેરે લખવું પડે. તેવી જ રીતે આ સેન્ડહર્સ્ટ રોડ પણ ઘણો લાંબો હતો એટલે રાજા હરિશ્ચન્દ્રની જાહેર ખબરમાં તેના નામ પછી ‘ગિરગામ’ ઉમેર્યું છે. એટલે એટલું તો નક્કી, કે આ થિયેટર સેન્ડહર્સ્ટ રોડ પર અને ગિરગામ વિસ્તારમાં આવ્યું હતું. એટલે તે ૧૯૧૦ પહેલાં તો ન જ બંધાયું હોય. થિયેટરનું નામ હતું કોરોનેશન, અને શહેનશાહ પાંચમા જ્યોર્જ અને મહારાણી મેરીનું કોરોનેશન (રાજ્યાભિષેક) ૧૯૧૧ના જૂનની ૨૨૨મી તારીખે લંડનમાં થયું. એટલે થિયેટર ૧૯૧૧ના જૂન પછી જ બંધાયું હોય. પણ આ નામને તેમનું હિન્દુસ્તાનના શહેનશાહ અને મહારાણી તરીકે કોરોનેશન થયું તેની સાથે સંબંધ હોવાનું વધુ શક્ય છે, અને તો તે ૧૯૧૧ના ડિસેમ્બરની ૧૨મી પછી બંધાયું હોય. આ થિયેટરના નામમાં ‘વેરાયટી હોલ’ ઉમેર્યું છે કારણ તે વખતે માત્ર ફિલ્મ બતાવીને કોઈ થિયેટર ચાલી શકે તેમ હતું નહિ. એટલે અહીં સંગીત, નૃત્ય, જાદુ વગેરેના ખેલ પણ થતાં રહેતાં. આજની ભાષામાં કહીએ તો આ મલ્ટીપર્પઝ હોલ હતો. તેનું નામ ‘કોરોનેશન’ પાડ્યું એટલે તેના માલિક અંગ્રેજ રાજવટ માટે આદર-ભક્તિ ધરાવનાર હોવા જોઈએ. નામમાં તે શું બળ્યું છે એમ કહેવાય છે, પણ ઘણી વાર ઇતિહાસ, ભૂગોળ, રાજકારણ, સંસ્કૃતિ વિશેનાં મહત્ત્વનાં સૂચનો નામમાંથી મળી રહેતાં હોય છે.
‘કોરોનેશન’ નામમાંથી મળતાં કેટલાંક સૂચન અંગેની વાત આવતે અઠવાડિયે. ત્યાં સુધી સત્યવાદી રાજા હરિશ્ચન્દ્ર કી જય!
e.mail : deeepakbmehta@gmail.com
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 04 જુલાઈ 2020