જૂન ૧૯૩૮ :
૧૯૩૮ની સાલ હતી. બીજું વિશ્વયુદ્ધ શરૂ થવામાં હતું, પરંતુ એ પહેલા જપાને ચીન ઉપર આક્રમણ કર્યું હતું. એ સમયે સુભાષચંદ્ર બોઝ કૉન્ગ્રેસના અધ્યક્ષ હતા અને તેઓ એમ માનતા હતા કે જો બીજું વિશ્વયુદ્ધ શરૂ થાય તો ભારતની કૉન્ગ્રેસ પાર્ટીએ અને પ્રજાએ જપાન-જર્મની-ઇટલીના ધરી દેશોની મદદ લઈને ભારતને આઝાદ કરવું જોઈએ. દુશ્મનનો દુશ્મન મિત્રનો ન્યાય અપનાવવો જોઈએ. આ બાજુ ચીનના લશ્કરી વડા જનરલ શું દેએ જવાહરલાલ નેહરુને પત્ર લખ્યો હતો કે જપાન સામે લડી રહેલા ચીની સૈનિકોની સારવાર સારુ અમને ડોકટરોની જરૂર છે. નેહરુએ એ પત્ર કૉન્ગ્રેસ પ્રમુખ સુભાષચન્દ્ર બોઝને પહોંચતો કર્યો હતો અને સુભાષબાબુએ ૩૦મી જૂન ૧૯૩૮ના રોજ એક નિવેદન બહાર પાડીને ચીન જઈને લશ્કરી સેવા આપનારા ડોકટરો માટે અપીલ કરી હતી.
સુભાષબાબુની અપીલને પાંચ ડોકટરોએ પ્રતિસાદ આપ્યો હતો. એક હતા અલ્હાબાદના ડૉ. એમ. અટલ, બીજા નાગપુરના ડૉ. ચોલકર, બે ડોકટરો કલકત્તાના હતા : ડૉ. બી.કે. બસુ અને ડૉ. દેબેશ મુખર્જી અને એક ડોક્ટર સોલાપુરના ડૉ. દ્વારકાનાથ કોટનીસ. આ પાંચ ડોકટરોને ચીન મોકલવા માટે જાહેર ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો, જેમાં બાવીસ હજાર રૂપિયા જમા થયા હતા. આ પાંચ ડોક્ટરોએ ચીનમાં ખૂબ સેવા આપી હતી, જેમાં ડૉ. કોટનીસનો ચીન માટેનો પ્રેમ અનોખો હતો. થાક્યા વિના કલાકો સુધી તબીબી સેવા આપતા હતા. તેમણે ચીની ભાષા શીખી લીધી હતી અને ચીની મહિલા સાથે લગ્ન પણ કર્યાં હતા. ૧૯૪૨માં તેમને ઘરે દીકરો જન્મ્યો અને બીજા જ મહિને ડૉ. કોટનીસ વાઈની બીમારીમાં ગુજરી ગયા. યોગાનુયોગ એવો હતો કે જે મોરચે ડૉ. કોટનીસ સેવા આપતા હતા એ મોરચે સામ્યવાદી ચીનના સ્થાપક ચેરમેન માઓ ઝેદોંગ પણ હતા અને તેમણે ડૉ. કોટનીસનું ઋણ યાદ રાખ્યું હતું.
કઈ પ્રેરણાથી ડૉ. કોટનીસ અને બીજા ચાર ડોકટરો ચીન ગયા હતા? કોઈએ તેમને મોટો પગાર ઓફર નહોતો કર્યો. તેમના પ્રવાસ ખર્ચ માટે પણ ભારતમાં ફાળો કરવામાં આવ્યો હતો. તેમણે સેવા આપવાનું સ્વીકારીને જીવને જોખમમાં નાખ્યો હતો. તેમને ખબર હતી કે તેમને ગોળી વાગી શકે છે. તો પછી કઈ પ્રેરણા હતી? પ્રેરણા હતી સેવા કરવાની. ખાસ કરીને શક્તિશાળી પ્રજાઓ ગરીબ પ્રજા ઉપર જુલમ કરતી હોય ત્યારે જગતની તમામ શોષિત પ્રજાએ એકબીજાને મદદ કરવી જોઈએ એવી ભાવના હતી. એ ભાવનાની પ્રેરાઈને ચીન માટે ખપી જવા, એક નહીં, પાંચ ભારતીય ડોકટરો આગળ આવ્યા હતા. એ યુગમાં ભારતમાં ગાંધીનો પ્રભાવ હતો, જે શોષણમુક્ત અહિંસક સમાજની રચના કરવા માગતા હતા. એ પ્રભાવથી પ્રેરાઈને પાંચ ડોકટરો ચીન જવા તૈયાર થયા હતા. તેઓ ભારતમાં રહીને ડોકટરી પ્રેક્ટીસ દ્વારા ખૂબ પૈસા કમાઈ શક્યા હોત.
જૂન ૨૦૨૦ :
જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં બાબા રામદેવે બજારમાં દવા મૂકી અને દાવો કર્યો કે એનાથી કોરોનાની બીમારી મટી શકે છે. સરકાર સમક્ષ શરદી-ઉધરસની દવાની મંજૂરી મેળવીને તેને માટેની દવાને કોરોનાની દવા તરીકે રજૂ કરી. નામ રાખ્યું; ‘કોરોનીલ’ આયુર્વેદની દવા બનાવનારાઓ સામાન્ય રીતે તેમની દવાને સંસ્કૃત નામ આપતા હોય છે, જેમ કે અવિપત્તીકર ચૂર્ણ વગેરે. પણ અહીં તો ઝડપથી પૈસા કમાવા હતા એટલે નામ રાખ્યું કોરોનીલ.
સામાન્ય રીતે દવાઓની ચકાસણી થતી હોય છે અને તેના ત્રણથી-ચાર તબક્કા હોય છે. દવા બનાવ્યા પછી ઓછામાં ઓછા છ મહિના બજારમાં મુકતા થાય છે. અનેક ચકાસણીઓમાંથી પસાર થવું પડે છે અને દવા જો જીવનાવશ્યક હોય તો વિશ્વ આરોગ્ય સંસ્થાની પણ મંજૂરી લેવી પડે છે. આપણા બાબાએ રાજસ્થાનની એક હોસ્પિટલમાં કોરોનાના સો દરદીઓને તેમની દવા આપી. સેમ્પલ સાઈઝ માત્ર સો દરદીઓની. એ દરદીઓ કોણ હતા ખબર છે? સોએ સો કોરોનાના સિમ્પટમ્સ વિનાના (માઈલ્ડ પોઝીટીવ) હતા અને સોએ સો યુવાન હતા. બધા સારા થઈ ગયા અને દવા પાસ થઈ ગઈ.
આ માનવજાત સાથેની ઊઘાડી છેતરપીંડી હતી. એમાં માનવીની મજબૂરીનો લાભ લેવામાં આવ્યો હતો. મોતથી ડરતા માનવીને બચાવી લેવાના નામે ખંખેરવાનો ઈરાદો હતો. માત્ર અઢળક પૈસા કમાવા.
કોણ છે આ માણસ? સાધુ છે. ભગવા પહેરે છે. સંન્યાસી છે. દેશપ્રેમી છે. રાષ્ટ્રવાદી છે. હિંદુ છે. હિંદુધર્માભિમાની – આર્યસમાજી – હિન્દુત્વવાદી છે. અને છેતરપીંડી કરીને કોના ખિસ્સા ખાલી કરવાના હતા? ભારતના લગભગ ૮૫ ટકા હિંદુઓના!
આ ફરક છે માનવતાવાદી માનવી ડૉ. દ્વારકાનાથ કોટનીસમાં અને હિન્દુત્વવાદી દેશપ્રેમી બાબા રામદેવમાં. અંગ્રેજી શબ્દકોશનું સંપાદન કરનારા સેમ્યુઅલ જોહન્સન કહી ગયા છે કે, ‘દેશપ્રેમ ધુતારાઓનું આખરી આશ્રયસ્થાન છે.’
આંખ પરની છારી ઉતારવા માટે એટલું પૂરતું નથી?
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 જૂન 2020