= = = = આમ, distanceની સામે છે, nearness, સામીપ્ય. બધા પ્રકારના માનવીય બન્ધનું રસાયણ છે, સામીપ્ય. એમાંથી જન્મે છે સમ્બન્ધો અને સમ્બન્ધોની ખટમીઠી જાળ … = = = =
= = = = પ્રતિપ્રદા એટલે પડવો, એ પછી બીજનો ને પછી ત્રીજનો એમ ચન્દ્ર ક્રમે ક્રમે વિકસીને એક દિવસ પૂર્ણ થાય છે. ચન્દ્રકલા વિકસીને પૂર્ણિમા થાય છે. ગુરુ-શિષ્ય સમ્બન્ધનું પણ એમ જ છે = = = =
કોરોનાકાળમાં જરૂરી છે કે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય. વિજ્ઞાનીઓ, નિષ્ણાતો અને તેમને અનુસરતી સરકારો આ વાતનો એ કારણે આગ્રહ સેવે છે કે ચેપ ફેલાય નહીં ને કોરોનાને બને એટલો ડામી શકાય. આવા જ બીજા આગ્રહો છે, જેમ કે, કાર-ચાલકે બેલ્ટ બાંધવો, મોટરબાઇકરે હૅલ્મેટ પ્હૅરવો, રાહદારીએ ફૂટપાથ પર ચાલવું … આવા આગ્રહો પણ છે કે – જાહેરમાં ન થૂંકાય – એકી ન કરાય …
પણ પ્રજા એવા કશા આગ્રહોને વશ નથી થતી. વર્તમાનમાં ખાસ વાત એ છે કે સોશ્યલ ડિસ્ટન્સ નથી જાળવતી. મુખ્ય દલીલ એ સાંભળવા મળે છે કે મારું શરીર છે, ચેપ મને લાગવાનો છે, તમારે શું છે ! સાંજ પડ્યે ૨૫-૩૦ જણા કૉમન પ્લૉટમાં ક્રિકેટ રમવા ભેગા થઈ જાય છે. કહે છે, ઘરની દીવાલો ખાવા ધાય છે, કંઈક ઍન્ટરટેઇન્મૅન્ટ તો જોઈએ કે નહીં? નજીકના પાર્કમાં પાનાં રમવા ૪-૬ જણા ભેળા થઈ જાય છે. એ લોકો એક જ ધૂન ગાતા હોય છે – જલસા કરો ને જૅન્તીલાલ ! બૂઢાઓ તેમને માટેના બાંકડે સાંકડે-માંકડે ગોઠવાઈ જાય છે – સરકારની આવડે એવી લગભગ કશા આધાર વિનાની ટીકાઓ કરવા. એ વાતમાં એમને ડિસ્ટન્સ નથી વરતાતું એટલે કહે છે – શું લઈને આવ્યા’તા ને શું લઈને જવાના? આ બધાઓએ દણ્ડની બીકે માસ્ક તો રાખ્યું હોય છે, પણ ગળે ખાલી લટકાવી રાખે છે. આ બધાઓ એક અર્થમાં મને કોરોના-વૉરિયર્સ લાગે છે. વૉર તેઓ જીતે તો સારી વાત છે, બાકી, હાર-સંભવ મોટો છે …
આનું મૂળ કારણ તો એ છે કે માણસ સામાજિક પ્રાણી છે. માણસને પોતાની વ્યક્તિતામાં જેટલો રસ છે એટલો જ સામાજિકતામાં પણ છે. વર્તુળ કે જૂથ ઊભું કરીને તેમ જ પક્ષ કે પાર્ટી બનાવીને જીવવાથી એને સારું લાગે છે. એકમેકના સંગાથમાં એને સર્વ વાતે સલામતી અનુભવાય છે. કશેક ટોળું બન્યું હોય તો ડોકિયું કરીને તેમાં સામેલ થયા વિના એનાથી રહેવાતું નથી. વર્તુળમાં સ્થિર ઊભો રહે છે ને વાટ જુએ છે કે ક્યારે મારો વારો આવે ને ગાંઠિયા-ભૂસું ને ખાખરા-સક્કરપારા લઈને ઘરભેગો થાઉં.
અને જુઓને, ગાયો ભેંશો ઘેટાં જેવાં પશુઓમાં જોવા મળતી ધણ-વૃ્ત્તિ – herd instinct – મનુષ્યજીવોમાં પણ હોય છે. નિત્શેના જરથુષ્ટ્રે જોયેલું કે લોક તો લોક છે, લોકડિયાં ! પરન્તુ એણે અને નિત્શેએ આશા સેવેલી કે એમાંથી જ સુપરમૅન નીપજી આવશે. સાર્ત્ર ભલે અન્યને – otherને – નર્ક કહેવા લગી ગયા, પણ એમને પાક્કી જાણ હતી કે એક માણસને બીજાની ઉપસ્થિતિમાં જ સ્વાતન્ત્ર્યનો અનુભવ થાય છે. બાકી, એ એકલો હોય છે. એકલતા અને સ્વતન્ત્રતા વચ્ચે પાકો ભેદ છે.
આ ભૂમિકાએ કશાં ડિસ્ટન્સ ન જળવાય તે એક સ્વાભાવિકતા છે. એથી સ્તો, ઊલટું, એ જુઓ કે આજકાલ એક જુદા જ સ્વરૂપની સહભાગીતા બલકે માનવીયતા આકાર લઈ રહી છે. પડોશીઓ એકમેકના ખબરઅંતર પૂછવામાં મૉડું નથી કરતા. પડોશણો નર્યા ભાવથી બોલતી હોય છે – એવું કંઈ હોય તો ક્હૅજો હૉં, તમારા ભાઈ દોડતા આવી જશે. લોકો કોરોનાવાઇરસના ફેલાવાની સાથે જ ઇન્ટરનેટના માધ્યમે કરીને મૉર ઍન્ડ મૉર કૉમ્યુનિકેટિવ થઈ ગયા છે. ઍપ્રિલમાં ‘ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સે’ જણાવેલું કે વિડીઓ-ચૅટિન્ગમાં અભૂતપૂર્વ વધારો થઈ ગયો છે. +12.4% Google Duo (app). 73.3 % nextdoor.com (web). 79.4% Houseparty (app). એ વધારો નિત્યવર્ધમાન છે. અરે, ઘરઆંગણે જ જુઓને, જાણીતા લગભગ બધા જ વિદ્વાનો વિડીઓ પર આવી ગયા છે. અરે, બીજે-ત્રીજે દા’ડે એમાં કોઈ ને કોઈ ઉમેરાય છે. આયોજકો વેબિનારોથી સૅમિનારોની ખોટ પૂરવા મથી રહ્યા છે. ઑફ્ફલાઇન જે જે નથી થતું તે તે બધું ઑનલાઇન થઈ જશે, એ વાત હવે વિવાદથી પર લાગે છે.
ઈશ્વરને પણ થયેલું કે હું એક છું, બહુ થાઉં. એકલતા રમ્ય હોય છે પણ જીરવવી અતિ કઠિન છે. પ્રખર બુદ્ધિશાળી કે મહા બળશાળી વ્યક્તિ પણ બીજી વ્યક્તિનો સહવાસ ઝંખે છે. એકલ પુરુષ કે સ્ત્રી નિરન્તર સામીપ્ય ઇચ્છે છે.
આમ, distanceની સામે છે, nearness, સામીપ્ય. બધા પ્રકારના માનવીય બન્ધનું રસાયણ છે, સામીપ્ય. એમાંથી જન્મે છે સમ્બન્ધો અને સમ્બન્ધોની ખટમીઠી જાળ …
મને આ ક્ષણે ભારતીય કુટમ્બજાળ યાદ આવે છે : એમાં ભાભી છે, નણંદ છે, દીયર-દેરાણી છે, જેઠ-જેઠાણી છે, મામા-મામી અને માસા-માસી તેમ જ સાળા-બનેવી ને સાઢુ ને વળી સાળાવેલી પણ છે. સન્તાનને જન્મતાંવૅંત મા મળે છે, પિતા, ભાઈ-ભાંડુ, ને ક્રમે ક્રમે શેરીમાં દોસ્તદારો. સમ્બન્ધનો એના જીવનમાં બીજો પડાવ છે શાળા-કૉલેજ, યુનિવર્સિટી ખાતે. ત્યાં એને શિક્ષકો મળે છે. ત્યાં એને એનું ભાગ્ય હોય તો એના જીવનનો એક બહુ મોટો સમ્બન્ધ લાધે છે – ગુરુશિષ્ય સમ્બન્ધ.
ગઇ કાલે જ ગુરુપૂર્ણિમા હતી. મારું એવું મન્તવ્ય છે કે the guru-shishya sambndh is one of the great narratives offered to mankind by India. વિશિષ્ઠ વિશ્વામિત્ર સાંદીપની દ્રોણ શુક્રાચાર્ય જેવા મહાગુરુઓની વિવિધતાસભર કથાઓ વડે આ સમ્બન્ધ-વિચારનાં અનેક પરિમાણ અને પરિણામ પણ વિકસેલાં છે.
પણ કેટલો તો અર્થપૂર્ણ છે આ સમ્બન્ધ : પ્રતિપ્રદા એટલે પડવો, એ પછી બીજનો ને પછી ત્રીજનો એમ ચન્દ્ર ક્રમે ક્રમે વિકસીને એક દિવસ પૂર્ણ થાય છે. ચન્દ્રકલા વિકસીને પૂર્ણિમા થાય છે. ગુરુ-શિષ્ય સમ્બન્ધનું પણ એમ જ છે. શિષ્ય થવા ઝંખનારને એકદમ નહીં પણ ક્રમે ક્રમે સમજાય છે કે આ જ મારા ગુરુ છે અને એ જ રીતે ગુરુને પણ ધીમે ધીમે ખયાલ આવે છે આ જ મારો શિષ્ય છે. સમ્બન્ધનો સેતુ રચાય છે. એ સેતુ પર કોઈ ધન્ય ક્ષણે ગુરુ-શિષ્ય-મિલન સંભવે છે … એક લાક્ષણિક સહયાત્રા શરૂ થઈ જાય છે …
ગુરુનો પાર ન પામી શકાય કેમ કે એ સદા વિકસતો હોય, વળી, અખૂટ હોય. એવો હોય તે હંમેશાં કહે – મને લૂંટી લો. ગુરુને માન આપી શકાય. એની સાથે મતભેદ કરીને એ માનને દૃઢાવી શકાય. ગુરુની ખરી પૂજા એ હોય કે શિષ્ય કાયમ એની આંગળી પકડીને ચાલ્યા ન કરે કે એને ખભે બેસીને લ્હૅર ન કરે. એ જ ધોરણે, એ ગુરુના ટાંટિયા ન ખૅંચે. પરન્તુ ગુરુના વિચારને અનુસરે અને તે-તેને વિવિધ દિશાઓમાં લઈ જઈને પ્રસરાવે. ગુરુમન્ત્ર અગમનિગમ જેવો ન હોય, સરળ હોય. શિષ્યને એ ‘ઉત્તિષ્ઠ’ કહીને ઊભો કરે ને માત્ર દૃષ્ટિથી દર્શાવે કે – જો આ છે જીવન, સમજી લે. ગુરુ બાંધે નહીં, હંમેશાં મુક્ત રાખે. તેમ છતાં, ખરી વાત એ છે કે ગુરુ હોય તો જ શિષ્ય થવાય છે અને રહેવાય છે. અને એ જ રીતે, શિષ્ય મળ્યે ગુરુ થવાય છે અને રહેવાય છે – બાકી, રીટાયર્ડ થઈ જવાય છે …
આ કોરોનાકાળની ઝંઝાઝંઝટ વચ્ચે માનવીય સમ્બન્ધોની જાળ ટકી રહી છે તેને સદ્ભાગ્ય ગણી શકીએ, પણ ગુરુમન્ત્ર જેવું પેલું વચન ન ભૂલીએ કે -સ્ટે હોમ … સ્ટે સેફ …
= = =
(June 6, 2020: Ahmedabad)