મેજેસ્ટિક તરીકે ઓળખાતા વિસ્તારમાં કશું બાદશાહી નથી
‘કેશવો’ કઈ રીતે બન્યો ‘કેશવરાવશેટ’?
‘શ્રીખંડ પૂરી ભાજી’નું પુસ્તક પ્રકાશન ગૃહ ‘મૌજ’
કોરોના કાળમાં મુંબઈ નગરીમાં લટાર મારતી વખતે હવે તો જાદુઈ મોજડી પહેરવાની ટેવ પડી ગઈ હશે એટલે યાદ કરાવવું નહિ પડે. પણ હવે આગળ ચાલતી વખતે જરા સાબદા રહેવું પડશે. કારણ હવે આપણે મુંબઈની મધ્યમવર્ગી મરાઠી સંસ્કૃતિના કેન્દ્રબિંદુ સમાન વિસ્તારમાં જવાનાં છીએ. આપણી ભાષામાં એક કહેવત છે. ‘સાપ ગયા ને લિસોટા રહ્યા.’ આમ તો મુંબઈમાં આવી ઘણી જગ્યા છે. કોટ કે ફોર્ટમાં ક્યાં ય કિલ્લો નથી, સી.પી. ટેંકમાં ટેંક – તળાવ નથી. એમ આજે પણ જે વિસ્તાર મેજેસ્ટિક તરીકે ઓળખાય છે ત્યાં કશું મેજેસ્ટિક કે બાદશાહી નથી. જે છે તે બધું સીધું સાદું મધ્યમવર્ગીય જીવનની જરૂરિયાતો પોષતું છે. એક જમાનામાં અહીંના મધ્યમ વર્ગના જીવનમાં બાદશાહી હોય તો તે હતી મેજેસ્ટિક સિનેમાની. હા, નાટક એ મરાઠી માણૂસની પહેલી પસંદગી.
અરદેશર ઈરાની અને ફિલ્મ આલમ આરા
એક ટૂચકો પ્રચલિત છે. કોઈ નિર્જન ટાપુ પર ત્રણ ગુજરાતી જઈ પહોંચે તો પહેલું કામ દુકાન ખોલવાનું કરે. ત્રણ બંગાળીઓ પહોંચે તો પોલિટિકલ પાર્ટી શરૂ કરે, ત્રણ મરાઠીભાષી પહોંચે તો પહેલું કામ નાટકમંડળી કાઢવાનું કરે! એક વાત નોંધી? ધોબી તળાવથી શરૂ કરીએ તો ત્યાં મેટ્રો પછી કાલબાદેવી રોડ પર એડવર્ડ અને પ્રિન્સેસ (ભાંગવાડી) એમ બે થિયેટર. પણ મેટ્રોથી ગિરગામ રોડ પર ચાલીએ તો છેક મેજેસ્ટિક સુધી બીજું કોઈ સિનેમા થિયેટર નહોતું. આજે તો મેજેસ્ટિક પણ નથી. તેની જગ્યાએ બની ગયું છે મેજેસ્ટિક શોપિંગ સેન્ટર. પણ આપણા દેશના સિનેમાના ઇતિહાસમાં આજે પણ આ મેજેસ્ટિક સિનેમાનું મોભાનું સ્થાન છે. કારણ ૧૯૩૧ના વર્ષના માર્ચ મહિનાની ૧૪મી તારીખ ને શનિવારે આપણા દેશની પહેલવહેલી ’૧૦૦ ટકા ટોકી’ ફિલ્મ (હા, જી. જાહેર ખબરોમાં એ ફિલ્મ માટે આ વિશેષણ વપરાયું હતું) ‘આલમ આરા’ આ થિયેટરમાં રિલીઝ થઈ હતી. પહેલે દિવસે લોકોની એટલી ભીડ થઈ કે બંદોબસ્ત માટે પોલીસ બોલાવવી પડી હતી. પહેલાં આઠ અઠવાડિયાં સુધી આ ફિલ્મનો એકેએક શો હાઉસ ફૂલ ગયો હતો. એટલું જ નહિ ચાર આના(આજના ૨૫ પૈસા)ની ટિકિટ કાળા બજારમાં પાંચ રૂપિયામાં વેચાતી હતી.
આલમ આરાનું પોસ્ટર
આ ફિલ્મ બનાવવાનું માન જાય છે મુંબઈના એક પારસી નબીરાને. એમનું નામ અરદેશર ઈરાની. ૧૮૮૬ના ડિસેમ્બરની પાંચમી તારીખે પૂણેમાં જન્મ. ૧૯૬૯ના ઓક્ટોબરની ૧૪મી તારીખે બેહસ્તનશીન થયા. પહેલાં શાળાના શિક્ષક તરીકે કામ કર્યું, પછી કેરોસીનનો વેપાર કર્યો. પણ છેવટે પકડી ફિલમની લાઈન. ૧૯૨૨માં ‘વીર અભિમન્યુ’થી પોતાની મૂંગી ફિલ્મો બનાવવાની શરૂઆત કરી. અને પછી બન્યા હિન્દુસ્તાનની ટોકી ફિલ્મના જનક. અને એ ફિલ્મ રિલીઝ થઇ હતી ગિરગામના મેજેસ્ટિક સિનેમામાં.
મેજેસ્ટિક સિનેમાનું પોસ્ટર
ઉમાશંકર જોશીએ ગાયું છે : ‘ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા’ પણ ડુંગરા એ રીતે ભમી શકાય, શહેરમાં ઘણી વાર સાથે જાણકારની જરૂર પડે. મેજેસ્ટિક સિનેમા વિષે થોડી વધુ જાણકારી માટે આજે આપણી સાથે જોડાય છે સિનેમાનાં ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, વિકાસ, સ્થિતિ, વગેરેના અઠંગ અભ્યાસી અમૃત ગાંગર.
ભારતીય સિનેમાની પહેલી બાળ કલાકાર મંદાકિની
‘અમૃતભાઈ, આ મેજેસ્ટિક સિનેમા બંધાયું ક્યારે?’
અમૃતભાઈ : “ઘણાં વર્ષો પહેલાં બાસુ ભટ્ટાચાર્ય સાથે મેં નાશિકમાં દાદાસાહેબ ફાળકેની દીકરી મંદાકિની ફાળકેની મુલાકાત લીધી હતી. આ મંદાકિની પોતે ફિલ્મમાં કામ કરનારી પહેલી બાળ કલાકાર હતી. પાંચ વર્ષની ઉંમરે તેણે ‘શ્રી કૃષ્ણજન્મ’ અને ‘કાલીયમર્દન’ એ બે મૂંગી ફિલ્મોમાં બાળક કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. તો એ મુલાકાત દરમ્યાન મંદાકિનીએ અમને કહ્યું હતું કે તેની ફિલ્મ ‘શ્રી કૃષ્ણજન્મ’ ૧૯૧૮માં મેજેસ્ટિક સિનેમામાં પ્રિમિયર થઈ હતી. એટલે મોટે ભાગે આ થિયેટર ૧૯૧૮ના અરસામાં બંધાયું હતું. અબ્દુલ અલી યુસૂફ અલી સાથે ભાગીદારીમાં અરદેશર ઈરાનીએ આ થિયેટર બાંધ્યું હતું. તેઓ ઈરાનીનાં બે પ્રોડક્શન હાઉસ ઈમ્પિરિયલ અને મેજેસ્ટિક સાથે પણ સંકળાયેલા હતા. મેજેસ્ટિકની જેમ ગ્રાન્ટ રોડ પરનું ઈમ્પિરિયલ સિનેમા પણ તે બંનેની માલિકીનું હતું.”
‘આપનો ખૂબ ખૂબ આભાર અમૃતભાઈ, આવજો.’
આ મેજેસ્ટિક સિનેમાની ટિકિટો કાળાબજારમાં વેચીને પેટિયું રળી ખાતો એક છોકરો. મા-બાપ ‘મુલુક’માં, ગિરગામમાં એક સગાને ત્યાં રહીને છોકરો ભણે. હોશિયાર. એંસી ટકાથી ઓછા માર્ક ન આવે. પણ એક દિવસ કોઈ વાંક-ગુના વગર સ્કૂલના માસ્તરે શિક્ષા કરી. એ જ દિવસે સ્કૂલને રામ રામ કરી દીધા. પણ હવે કરવું શુ? થોડો વખત તો કાળાબજારમાં ટિકિટો વેચી. પણ મન ડંખે. એવામાં એક દિવસ એક ફેરિયાને જોયો. ફૂટપાથ પર જૂની ચોપડીઓ પાથરીને વેચતો હતો. છોકરો ભણવામાં તો હોશિયાર હતો. ચોપડીઓ સાથે લગાવ હતો. એ જ ઘડીએ વિચાર્યું કે આ ધંધો સારો છે. અને ૧૯૪૦ના અરસામાં મેજેસ્ટિક સિનેમા આગળની ફૂટપાથ પર જ સેકંડ હેન્ડ પુસ્તકો વેચવાનું શરૂ કર્યું. ધીમે ધીમે થોડું કમાયો. એવામાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મુંબઈ પર જાપાન હુમલો કરશે એવી દહેશતને કારણે અડધું મુંબઈ ખાલી થઈ ગયું. ઠેર ઠેર ‘TO LET’ નાં પાટિયાં ઝૂલવા લાગ્યાં. સાવ સસ્તામાં એક દુકાન મળે તેમ હતું, અને તે પણ ફૂટપાથ પર જ્યાં બેસીને ચોપડીઓ વેચતો હતો ત્યાં જ. હિંમત કરીને દુકાન લઈ લીધી. માથે ઉદુમ્બરના વિશાળ ઝાડની છાયા હતી. પણ નામ શું રાખવું દુકાનનું? જે સિનેમાની ટિકિટો કાળાબજારમાં વેચેલી, જેની પાસેની ફૂટપાથ પર બેસીને જૂની ચોપડીઓ વેચેલી, એ જ સિનેમાનું નામ અપનાવ્યું અને ૧૯૪૨ના જૂનની ૧૫મી તારીખે પોતાની નાનકડી દુકાન પર પાટિયું લગાડ્યું : ‘મેજેસ્ટિક બુક સ્ટોલ.’
ફેરિયો હતો ત્યારે બધા ‘કેશવા’ કહીને બોલાવતા. દુકાન કરી અને ચાલવા લાગી પછી ‘કેશવરાવ કોઠાવળે’ બન્યા. પછી બાળકો માટેનાં પુસ્તકોના પ્રકાશનથી ‘મેજેસ્ટિક પ્રકાશન ગૃહ’ શરૂ કર્યું, પુસ્તકોને વરેલું માસિક ‘લલિત’ શરૂ કર્યું, જે ખૂબ વખણાયું. પુસ્તકો, લેખકો, મુદ્રકો, પ્રકાશકો, વિષે તેમાં લેખો, પરિચય, મુલાકાત, ચર્ચા આવે. લોકોને પુસ્તકો સુધી અને પુસ્તકોને લોકો સુધી લઈ જવા માટે ‘લલિત’ અવનવા નુસખા અજમાવે. વાચકોમાં એટલું પ્રિય થયું કે બીજા પ્રકાશકો પણ પોતાનાં પુસ્તકોની જાહેર ખબર નિયમિત રીતે ‘લલિત’માં આપે. પ્રકાશક તરીકે કેશવરાવે બે ઘોડાની સવારી કરી. એક બાજુ સારી રીતે વેચાય એવાં પોપ્યુલર પુસ્તકો છાપે રાખ્યાં, અને બીજી બાજુ ઊંચી સાહિત્યિક ગુણવત્તાવાળાં, પણ કદાચ ઝાઝાં ખપે નહિ એવાં પુસ્તકો પણ છાપતા રહ્યા. પરિણામે શ્રી અને સરસ્વતી બંનેને રીઝવી શક્યા. મુંબઈમાં અને આખા મહારાષ્ટ્રમાં ઠેર ઠેર સાહિત્યિક કાર્યક્રમો કર્યા. તેમાં ‘મેજેસ્ટિક ગપ્પા ગોષ્ટિ’ નામનો કાર્યક્રમ તો ખૂબ લોકપ્રિય થયો.
કેશવરાવ કોઠાવળે અને મેજેસ્ટિક બુક સ્ટોલ
આવો એક કાર્યક્રમ પૂણેમાં યોજ્યો. તેમાં સહભાગી થવા ‘કોઠાવળે શેટ’ (હા, હવે ‘કેશવરાવ’માંથી તેઓ કોઠાવળે શેટ’ બની ગયા હતા) પૂણે ગયા. કાર્યક્રમમાં બેઠા હતા ને કાર્ડિઆક એરેસ્ટનો હુમલો આવ્યો. ત્યાં ને ત્યાં જ, ૧૯૮૦ના મેની પાંચમીએ કૈલાસવાસી થયા. ત્યારે ઉંમરનાં સાઠ વરસ પૂરાં થવાને થોડા જ દિવસની વાર હતી. એમની ષષ્ટિપૂર્તિ ઉજવવાની તૈયારીઓ ચાલતી હતી. ‘મેજેસ્ટિક’ને પણ ચાલીસ વરસ પૂરાં થતાં હતાં અને ‘લલિત’ માસિકને વીસ વરસ પૂરાં થતાં હતાં. આ ત્રિવેણી પર્વની ઉજવણી કરવાની તૈયારીઓ તડામાર ચાલતી હતી. પણ એ બધાનો વીંટો વાળી લેવો પડ્યો. ‘લલિત’નો ખાસ અંક ‘કોઠાવળે અભિનંદન અંક’ તરીકે પ્રગટ થવાનો હતો. તેને બદલે ‘સ્મૃતિ અંક’ પ્રગટ કરવાનો વારો આવ્યો. પ્રખ્યાત મરાઠી નાટકકાર, નવલકથાકાર, હાસ્યકાર, ‘લલિત’માં ‘ઠણઠણપાળ’ના ઉપનામથી અત્યંત લોકપ્રિય કોલમ લખનાર અને કેશવરાવના પરમ મિત્ર જયવંત દળવીએ તેનું સંપાદન કર્યું. કેશવરાવના અવસાન પછી ‘મેજેસ્ટિક’ની વિકાસયાત્રા આજે પણ ચાલુ રહી છે. બીજે મોટી જગ્યા લીધી છે, આધુનિક ઓફિસ, શો-રૂમ કર્યાં છે, પણ પેલી ઉદુમ્બરના ઝાડની છાયા નીચેની નાનકડી દુકાન પર આજે પણ એ જ પાટિયું ઝૂલે છે : ‘મેજેસ્ટિક બુક સ્ટોલ.’
લગન એક ઘરે હોય અને તેનો માંડવો નજીકના બીજા ઘરે બંધાય એવું બને? મેજેસ્ટિક પ્રકાશને એવું કરેલું. મરાઠીના અગ્રણી પ્રકાશક મૌજ પ્રકાશનની સ્થાપનાને પચ્ચીસ વર્ષ પૂરાં થયાં. પણ મૌજના સ્થાપકે તો કહી દીધું કે ‘અમે એવી ઉજવણી-બુજવણીમાં માનતા નથી, અને આમ પણ અમે કઈ ધાડ મારી છે? એક ધંધો જ કર્યો છે.’ એટલે મૌજનો રૌપ્ય મહોત્સવ ધામધૂમથી કોઠાવળેના મેજેસ્ટિક પ્રકાશને ઉજવ્યો. મેજેસ્ટિક અને મૌજ બંને મરાઠી પ્રકાશકો. બંને ગિરગામમાં. ધંધામાં હરીફ, પણ બાકીની બધી વાતમાં મિત્રો. ‘મૌજ’ની શરૂઆત ગિરગામની ખટાઉ વાડીમાં ૧૯૫૦ના ઓગસ્ટની પહેલી તારીખે ‘શ્રીખંડ પૂરી ભાજી’એ કરેલી. શ્રી પુ. ભાગવતની ગેરહાજરીમાં ઘણા તેમનો ઉલ્લેખ મજાકમાં આ રીતે કરતા.
જો કે મૌજ સાપ્તાહિક, સત્યકથા માસિક અને મૌજ પ્રિન્ટિંગ બ્યૂરોની શરૂઆત તો તેનાથી પણ પહેલાં થયેલી. લોકપ્રિય થઈ જાય એવું કોઈ પુસ્તક મૌજ દ્વારા છપાઈ તો નહિ જાય ને, એવી ચિંતા જાણે શ્રી.પુ.(એ નામે જ જાણીતા)ને તથા તેમના સાથી રામ પટવર્ધનને સતત રહેતી. જેવાં પુસ્તકો છાપે એવું જ એક માસિક પણ ચલાવે, ‘સત્યકથા’. વાર્ષિક ‘મૌજ’ પણ દર્જેદાર. સાહેબ, જે લેખકની વાર્તા ‘સત્યકથા’માં છપાય એ થોડા દિવસ તો જમીનથી બે વેંત અદ્ધર ચાલવા લાગે. અને જો એનું પુસ્તક મૌજ છાપે તો તો એ આકાશમાં ઊડવા લાગે! મરાઠી સાહિત્યની સૃષ્ટિમાં મૌજ પ્રકાશન, વાર્ષિક ‘મૌજ’ અને ‘સત્યકથા’ માસિકની જબરી પ્રતિષ્ઠા. મૌજને પોતાનું છાપખાનું. બિનચૂક, સુંદર, સુઘડ છાપકામ માટે જાણીતું. મૌજનું તો બધું કામ તેમાં થાય જ, પણ છાપવાનું બીજું થોડું કામ પણ કરે, જો કરવા જેવું લાગે તો! ૧૯૫૦થી લગભગ પચાસ વરસ સુધી આધુનિક મરાઠી કવિતા અને ટૂંકી વાર્તાને મૌજે પ્લેટફોર્મ પૂરું પાડ્યું. દિલ્હીની સાહિત્ય અકાદમી દર વર્ષે દેશની જુદી જુદી ભાષાનાં શ્રેષ્ઠ પુસ્તકને પુરસ્કાર આપે છે. મૌજે પ્રગટ કરેલાં ૨૩ જેટલાં પુસ્તકોને આ પુરસ્કાર મળ્યો છે.
મૌજ પ્રકાશન ગૃહ અને તેના સ્થાપક શ્રી. પુ. ભાગવત
શ્રી.પુ.એ વર્ષો સુધી મુંબઈની કોલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યું. એટલે ‘મૌજ’ને તેમણે આવકના સાધન તરીકે ક્યારે ય ન જોયું. પણ ૨૦૦૭ના ઓગસ્ટની ૨૧મી તારીખે શ્રી.પુ.નું અવસાન થયું તે પછી મૌજનું તેજ થોડું ઝંખવાયું છે. છાપખાનું હવે વિલેપાર્લે ખસેડાયું છે, અને માત્ર પોતાનાં જ પુસ્તકો છાપે છે. પણ એક જમાનામાં ખટાઉ વાડીમાંનું મૌજ એ મરાઠી સાહિત્યકારો માટે એક તીર્થસ્થાન હતું.
મેજેસ્ટિક અને મૌજ એ બે ઉપરાંત ગિરગામમાં પુસ્તકોની બીજી પણ ઘણી દુકાન. કોઈમાં ધાર્મિક પુસ્તકો વેચાય, કોઈમાં સ્કૂલ કોલેજનાં પાઠ્ય પુસ્તકો, કોઈમાં સેકન્ડ હેન્ડ પુસ્તકો. મરાઠીઓની વસ્તી વધુ હોય એવા વિસ્તારોમાં બીજી એક ધ્યાનપાત્ર બાબત જોવા મળે. ઠેર ઠેર નાની-મોટી સરક્યુલેટિંગ લાઈબ્રેરીઓ હોય. માફકસરની ત્રૈમાસિક કે વાર્ષિક ફી ભરીને પુસ્તકો, મેગેઝીનો ઘરે વાંચવા લઇ જઈ શકાય. દર દિવાળીએ મરાઠીમાં ૨૦૦ કરતાં વધુ દિવાળી અંકો પ્રગટ થાય છે. દીવાળી પછી મહિનાઓ સુધી સરક્યુલેટિંગ લાઇબ્રેરીઓમાંથી લાવીને સાહિત્યપ્રેમી મરાઠીઓ એ અંકો વાંચે. જો કે હવે ‘સોફ્ટ કોપી’ હાથવગી અને ખિસ્સાવગી થતાં આવી લાઇબ્રેરીઓનું મહત્ત્વ થોડું ઘટ્યું છે. પણ આજે ય આવી લાઈબ્રેરીઓ મુંબઈમાં સૌથી વધુ ક્યાં ય હોય તો તે ગિરગામ, દાદર અને પાર્લા ઈસ્ટમાં.
એક જમાનામાં મેજેસ્ટિક સિનેમાની જાહેર ખબર છાપામાં આવતી ત્યારે એનું સરનામું શું છપાતું, ખબર છે? ‘ગિરગામ ટ્રામ ટર્મિનસ પાસે’. હેં? ગિરગામમાં વળી ટ્રામ ટર્મિનસ? હા, જી. પણ એ અંગેની વાત હવે આવતે શનિવારે.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 23 મે 2020