આરોગ્ય અને અર્થતંત્રની અભૂતપૂર્વ આફતના બે મહિના પછી, હવે નરેન્દ્ર મોદી સરકારે આ મુસીબતોનો કેવો સામનો કર્યો, તેનું સરવૈયું કાઢવાનો સમય છે. સરકારને ન્યાય ખાતર કહેવું જોઈએ કે વડાપ્રધાન મોદીએ પહેલા લૉક ડાઉનની જાહેરાત કરી ત્યારે અયોગ્ય સમય, અપૂરતી તૈયારીઓ અને અસ્પષ્ટ સંદેશને લગતી મર્યાદાઓ છતાં મેં લૉક ડાઉનનું સમર્થન કર્યું હતું. તેમાં અનિર્ણાયકતા કે વિલંબે આપણી હાલતને વધુ ખરાબ કરી હોત. હવે જોતાં સમજાય છે કે પ્રતિભાવ આપવામાં આપણે મોડા જ હતા. છતાં એ બાબતે સરકારને દોષ દેવાનું યોગ્ય નથી. ત્યારે કોરોના અંગે વૈશ્વિક જાણકારી અને જાગૃતિ એવાં ન હતાં (કે જેથી લૉક ડાઉનમાં વિલંબ કરવા બદલ સરકારને દોષ દઈ શકાય). એવું પણ લાગે છે કે આપણે ઘણા દેશો કરતાં વહેલા જાગ્યા.
આજે ફેલાયેલી અરાજકતાનો બધો દોષ મોદી સરકારના માથે ઢોળી દેવાનું પણ યોગ્ય નથી. અણધારી આવી પડેલી મહામારીથી વ્યવસ્થિતમાં વ્યવસ્થિત જગ્યાએ પણ અંધાધૂંધી મચે. ભારતની નબળી આરોગ્ય પ્રણાલી અને એવી જ તૈયારીઓ જોતાં આપણે ત્યાં તો હાલત ખરાબ જ થાય. માટે, આ મુદ્દે સરકારની ટીકા શું આગોતરું જોઈ શકાયું હોત અને આપણી પરિસ્થિતિની વચ્ચે રહીને શું સિદ્ધ કરી શકાયું હોત, તેને ધ્યાનમાં રાખીને જ થઈ શકે. તેમાં પ્રામાણિક ભૂલોને પૂરતો અવકાશ હોય. આવા પ્રકારની કટોકટીમાં સારામાં સારા નેતા પણ નિર્ણય લેવામાં ગોથું ખાઈ શકે. તેમની ટીકા પણ થઈ શકે. પરંતુ પ્રામાણિક ભૂલો માટે તેમને ઝાટકી ન શકાય.
ખેદની વાત છે કે આટલા વાજબી માપદંડ રાખ્યા પછી પણ તારણ તો એ જ નીકળે છે કે મોદી સરકાર ભારત માટે અણીના વખતે બોદી સરકાર નીવડી છે. આરોગ્ય-કટોકટીનો મુકાબલો કરવામાં સરકારને સાંધા જડતા નથી, તેનાં આર્થિક પરિણામો સાથે પનારો પાડવામાં તે અક્ષમ અને માનવીય કટોકટીની સંભાળ લેવામાં જડ-અસંવેદનશીલ પુરવાર થઈ છે.
પહેલાં આરોગ્ય-કટોકટીની વાત કરીએ. મહામારી સાથે કામ પાડવામાં શરૂઆતના તબક્કે વડાપ્રધાને લીધેલા નિર્ણયો બદલ તેમને દોષી ઠરાવવા ન જોઈએ. સાવચેત રહેવાની વેતરણમાં તેમણે કરેલી ભૂલો બદલ તેમની ટીકા ન થઈ શકે. કારણ કે દુનિયાભરના નેતાઓની જેમ તેમની પાસે પણ કોરોનાના પ્રસાર વિશે વિરોધાભાસી માહિતી હતી. અલબત્ત, કેટલાક સવાલ જરૂર પૂછવાના રહે છે. જેમ કે, શરૂઆતના તબક્કે વધુ ટેસ્ટ કરવાનું સૂચવતા બીજા સૂરને તેમણે કેમ ગણકાર્યા નહીં? વડાપ્રધાને કેરળના મૉડેલમાંથી શીખવાનો અને તેને અપનાવવાનો પ્રયાસ કેમ ન કર્યો? તેમણે રાષ્ટ્રહિતને બદલે રાજકીય ઇર્ષ્યાને પ્રાધાન્ય આપ્યું? તેમના ટેકેદારો મહામારીને કોમવાદી રંગ આપી રહ્યા હતા, ત્યારે તેમણે કેમ એ પ્રયાસોની આકરી ટીકા ન કરી? લૉક ડાઉનથી કેસની સંખ્યાનો ગ્રાફ સપાટ થઈ જવાનો નથી કે ચેપના પ્રસારની સાંકળ તૂટવાની નથી, એ સ્પષ્ટ થઈ ગયા પછી પણ તેમણે લૉક ડાઉનને એકમાત્ર ઈલાજ તરીકે કેમ અજમાવ્યે રાખ્યો? શું તેમણે પોતાના અહમ્ અને છબીની લ્હાયમાં ભૂલસુધારનો રસ્તો ન લીધો? અને છેલ્લે, ઘણા દેશોમાં હોય છે એવી રીતે વડાપ્રધાન કે બીજા કોઈ પ્રધાનની વાત છોડો, કેમ કોઈ વરિષ્ઠ અફસર પત્રકારોના સવાલોના જવાબ આપવા ન આવ્યા? ભાવિ વ્યૂહરચના શી છે? અને સરકાર કશું છુપાવવા માગે છે?
આ બધા સવાલના જવાબ સહેલા નથી અને તેના પરથી દેશ સમક્ષ એક એવી સરકારનું ચિત્ર ઊભું થાય છે, જે ગુંચવાયેલી છે, પણ એ શી રીતે કબૂલવું તે જાણતી નથી અને ગુંચવાડામાંથી નીકળવા માટે મદદ પણ માગતી નથી.
આર્થિક મોરચે સરકારના હાથ બંધાયેલા છે તે ધ્યાનમાં રાખીએ. અલબત્ત, તેના માટે પણ આવકના વધુ પડતા મોટા અંદાજ ને કવેળાએ કૉર્પોરેટ્સનાં મોટાં લેણાંની માફી જેવાં પગલાં કારણભૂત છે. તેમ છતાં, આવી સ્થિતિમાં એટલું તો પૂછવું પડે કે સરકારે ઘણા નોંધપાત્ર અર્થશાસ્ત્રીઓના અભિપ્રાય છતાં, માગ વધારવાના પ્રયાસ કેમ ન કર્યા? માર્ચમાં ફાળવાયેલી વધારાની રોકડ વાપરવામાં બૅન્કો નિષ્ફળ ગઈ હોવા છતાં, અર્થતંત્રમાં વધુ ને વધુ રોકડ કેમ ઓરવામાં આવી? ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂતો અને શ્રમિકોની માગણીઓ પ્રત્યે સરકાર કેમ ધ્યાન આપતી નથી? વધારાની આવક ઊભી કરવા માટેનાં કેટલાંક ઉપયોગી સૂચન છતાં સરકારે એ દિશામાં પ્રયાસ કેમ નથી કર્યા? વર્તમાન આફતનો ફાયદો ઉઠાવીને, આફતના કારણ કે ઉકેલ સાથે જેને કશો સંબંધ ન હોય એવા, શ્રમિકોને લગતા, ખેતીવિષયક, પર્યાવરણને લગતા અને રોકાણને લગતા કાયદામાં નીતિવિષયક ફેરફારો કેમ કરવામાં આવ્યા? અને દેશની વાસ્તવિક આર્થિક સ્થિતિ કેવી છે તેની માહિતી કેમ આપવામાં આવતી નથી? ગમે તેમ કરીને રૂ. વીસ લાખ કરોડના આંકડે પહોંચવા માટે, સાવ શિખાઉના અંદાજમાં ફૂલગુલાબી પૅકેજ રજૂ કરવાની શી જરૂર?
આ બધા સવાલો દુઃખદ જવાબ ભણી દોરી જાય છેઃ મંદી અને બેકારીથી ગ્રસ્ત એવા દુનિયાના પાંચમા ક્રમના અર્થતંત્રમાં યથાયોગ્ય પગલાં લેવાનું કામ દોઢચતુર અર્થશાસ્ત્રીઓ અને નાદાન-અહંકારી રાજકીય નેતાગીરી પાસે છે. એ લોકો અર્થતંત્રને બચાવવાને બદલે પોતાની જાતને અને પોતાના માલેતુજાર ગોઠિયાઓને બચાવવાની વેતરણમાં છે.
છેલ્લે વાત કરીએ માનવીય કટોકટીની, જે સડકો પર સેંકડોની સંખ્યામાં ઊમટી પડેલા સ્થળાંતરિત શ્રમિકો થકી ઉજાગર થઈ. વસતિ અને ઊંડી અસમાનતાને લીધે કેટલાક અંશે આવી સ્થિતિ નિર્માય તે નક્કી હતું. છતાં એટલું તો પૂછવું જોઈએઃ આવી સ્થિતિ સર્જાશે તેની સરકારે કલ્પના સુદ્ધાં કરી હતી? અને તેને કેવી રીતે નિવારવી તેનો વિચાર લૉક ડાઉનની જાહેરાત વખતે કર્યો હતો? નિર્મલા સીતારામને પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યા પ્રમાણે, સ્થળાંતરિત શ્રમિકોની સંખ્યા આશરે આઠ કરોડ જેટલી છે. આટલી મોટી સંખ્યામાં શ્રમિકોની સમસ્યાથી સરકારને આશ્ચર્ય કેમ થયું?
લૉક ડાઉનના પહેલા પચાસ દિવસ દરમિયાન રઝળી પડેલા શ્રમિકો માટે ભોજન અને નાણાંકીય સહાયની વિશેષ વ્યવસ્થા કેમ ન હતી? રોજી ગુમાવી ચૂકેલા, ભૂખ્યા અને નિરાશ શ્રમિકો ચાલતા વતનની વાટ ન પકડે તો બીજું શું કરે? સરકાર તેમની પાસેથી બીજા કયા પ્રતિભાવની અપેક્ષા રાખતી હતી? પોતાના જ દેશના આટલા બધા લોકોને આટલા મોટા પાયે હાલાકી પડી હોય એવા અહેવાલ દુનિયાના બીજા કોઈ દેશમાંથી — આફ્રિકાના ગરીબમાં ગરીબ દેશમાંથી પણ — મળતા નથી. લૉક ડાઉનના પહેલા અઠવાડિયે સરકારને શ્રમિકોની હાલાકી વિશે જાણ થયા પછી તેણે કાયદો અને વ્યવસ્થાને લગતી સૂચનાઓ જારી કરવા સિવાય, શ્રમિકોની તકલીફો દૂર કરવા બીજું શું કર્યું? શ્રમિક ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આટલું મોડું કેમ થયું? અને એ પણ એવા વખતે લેવાયો, જ્યારે તેમાં ચેપ ફેલાવાનું જોખમ વધારે હતું. આફતના સમયે ઘરભેગા થવા ઇચ્છતા લોકો પાસેથી ભાડું લેવાનો આગ્રહ શા માટે? વખાના માર્યા રસ્તા પર આવી પડેલા શ્રમિકોને માનવતાના ધોરણે મદદરૂપ થવાની સીધીસાદી માર્ગદર્શિકા બહાર પાડવામાં પણ ગૃહ મંત્રાલયને કેમ છ અઠવાડિયાં લાગી ગયાં?
રાષ્ટ્રીય સ્તરની માનવીય કટોકટી સાથે સરકારે જે રીતે કામ પાડ્યું તેના માટે ‘અસંવેદનશીલ’ જેવું વિશેષણ તો બહુ હળવું ગણાશે. તેને સંગદિલ કહેવામાં પણ ભોળપણ છે. દેશ સડસડાટ ખાઈમાં ગબડી રહ્યો છે ત્યારે તેના ટોચના રાજકીય સત્તાધીશો રાજકીય કારસ્તાનોમાં, દોષારોપણમાં અને પ્રચારબાજીમાં રાચે છે. આરોગ્ય, અર્થતંત્ર અને માનવતાની રીતે ભારતની સૌથી ખરાબ કહેવાય એવી કટોકટીનો સામનો બેશક સૌથી નિષ્ઠુર અને કદાચ સૌથી અણઆવડતવાળી સરકાર કરી રહી છે.
[“ધ પ્રિન્ટ”, અનુવાદઃ ઉર્વીશ કોઠારી]
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 22 મે 2020