ગયા સપ્તાહના લેખનું સમાપન કરતા મેં કહ્યું હતું કે ૧૮૫૭ના વિદ્રોહની નિષ્ફળતા પછી હિંદુઓ અને મુસલમાનોનાં બદલાયેલાં વલણને બીજા બે પક્ષકારો બારીક નજરે જોઈ રહ્યા હતા. એક હતા અંગ્રેજ અને બીજા હતા હિંદુઓમાં દલિતો અને બહુજન સમાજ.
૧૯૭૨માં સ્વતંત્ર ભારતનાં રજતજયંતી વર્ષમાં દિવસોમાં ઇન્દિરા ગાંધીની સરકારે દિલ્હીમાં લાલ કિલ્લાના દરવાજાની નજીક ખાડો ખોદીને તેમાં ચેમ્બર બનાવીને એક ટાઈમ કેપ્સુલ (તેને કાલપત્ર નામ આપવામાં આવ્યું હતું) મૂકી હતી કે જેથી જો પ્રલય થાય અને ભારતનો નાશ થાય તો ભવિષ્યમાં નવી પેદા થનારી સભ્યતાને ભારતીય સભ્યતા અને ઈતિહાસનો પરિચય થાય. સવાલ એ હતો કે ભવિષ્યની પ્રજાને માટે ઇન્દિરા ગાંધીએ કેવું ભારત અને કયું ભારત કેપ્સુલમાં કંડાર્યું હતું? આની જાણ કરવામાં આવી નહોતી. જો જાણ કરવામાં આવે તો પ્રશ્નો પેદા થાય અને બધાને સ્વીકાર્ય બને એવો ભારતનો ચહેરો કંડારવો એ તો શક્ય જ નહોતું. માટે ઇન્દિરા ગાંધીએ તેમની પસંદગીના ઇતિહાસકારો પાસે ભારતના ઇતિહાસની કેપ્સુલ તૈયાર કરાવી હતી, પણ સામે પક્ષે દેશભરમાં કુતૂહલ તો હતું જ કે એમાં શું હશે?
કુતૂહલ એટલું હતું કે ૧૯૭૭માં કૉન્ગ્રેસનો પરાજય થયો અને કેન્દ્રમાં જનતા પક્ષની સરકાર આવી ત્યારે એ સરકારે કેપુસ્લ બહાર કાઢીને જોઈ લીધું હતું કે એમાં શું કહેવામાં આવ્યું છે અને શું છૂપાવવામાં આવ્યું છે. સુભાષચંદ્ર બોઝના પેપર્સની જેમ જ એ કેપ્સુલમાંથી ખાસ કાંઈ હથિયાર હાથ લાગ્યાં નહોતાં એટલે તેને ફેંકી દેવામાં આવી હતી. આ જોઈને એ સમયે અબુ અબ્રાહમ નામના ખ્યાતનામ કાર્ટૂનિસ્ટે એક કાર્ટુન દોર્યું હતું જેની આજે યાદ આવે છે. ભારતનાં બે નાગરિકો કેપ્સુલ માટે ખાડો ખોદનારને કહે છે કે ખાડો હજુ વધુ ઊંડો કરો, એમાં થોડાં ઇતિહાસનાં પુસ્તકો પણ દાટવાં છે.
શા માટે? કારણ કે ભારતનો ઇતિહાસ ભારતને ત્રાસ આપી રહ્યો છે. એટલો ત્રાસ આપી રહ્યો છે કે કોઈ ભારતીય સુખેથી જીવી જ ન શકે. તમે ધારો તેની સાથે દોસ્તી કરી શકો અને ધારો તેની સાથે દુશ્મની કરી શકો, ઇતિહાસમાંથી દોસ્તી અને દુશ્મની માટેનાં પ્રમાણ મળી રહેશે. કોઈ સવાલ પણ કરી શકે કે આ ઇતિહાસનાં પ્રમાણો છે કે પછી હાથવગાં હથિયારો છે? આ જ તો ભારતના ઇતિહાસની ખૂબી છે, કહો કે શોકાંતિકા છે.
હિંદુ પ્રજા પોતાના વિશે વાત કરવામાં અને કરાવવામાં સંકોચ અનુભવે છે એટલે આત્મકથા, સંસ્મરણો, જીવનચરિત્રો અને સમકાલીનો દ્વારા લખાયેલો ઇતિહાસ બહુ જૂજ માત્રામાં મળે છે એ વાત અહીં કહેવાઈ ગઈ છે. આપણા સારાનરસા પૂર્વજો જે કાંઈ કરીને ગયા અને વારસો આપતા ગયા તેનાં પ્રાથમિક પ્રમાણો મૂકીને ગયા નથી એટલે ટાંચા સાધનોના આધારે ઇતિહાસકારે ઇતિહાસ લખવો પડે. તો આનો અર્થ એ થયો કે ઇતિહાસકાર જો તટસ્થ અને વસ્તુનિષ્ઠ હોય તો તેણે ખૂબ જહેમત લેવી પડે અને એ પછી પણ કોઈ તારણ ઉપર આવી ન શકે અને ઇતિહાસકાર જો પક્ષપાતી હોય તો તેને મોકળું મેદાન પણ મળે.
અંગ્રેજો ભારતમાં આવ્યા એ પછી તેમના ધ્યાનમાં આવ્યું હતું કે ભારતમાં ભારતનાં ઇતિહાસનાં સાધનો ટાંચા છે. બીજા શબ્દોમાં કહીએ તો મોકળું મેદાન છે. આપણને માફક આવે એ રીતે આપણે ભારતનો ઇતિહાસ લખી શકીએ એમ છીએ. તેમણે પહેલો માર્ગ અપનાવ્યો હતો ભારતને હીણું ચિતરવાનો અને પાશ્ચાત્ય સભ્યતાને, ખાસ કરીને ઈંગ્લિશ સભ્યતાને મહાન ચિતરવાનો. ૧૭૭૩માં સ્કોટલૅન્ડમાં જન્મેલા બ્રિટિશ ઇતિહાસકાર અને અનેક ક્ષેત્રોમાં વિદ્વાન જેમ્સ મિલે ૧૮૧૮માં ‘ધ હિસ્ટરી ઑફ બ્રિટિશ ઇન્ડિયા’ એમ ત્રણ ભાગમાં ભારતનો ઇતિહાસ લખ્યો હતો. તેણે યુરોપનો, ખાસ કરીને ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં પ્રવેશ થયો એ પછીનો ઇતિહાસ લખ્યો છે, કારણ કે તેનો ઉદ્દેશ બ્રિટિશ સભ્યતાની સર્વોપરિતા બતાવવાનો હતો. પૂર્વ અને પશ્ચિમના સંવનન માટે જેમ્સ મિલના ઇતિહાસને દાયકાઓ સુધી પ્રમાણ માનવામાં આવતો હતો. આધુનિક ભારતના ઇતિહાસલેખનનું રચનાવિધાન (હિસ્ટોરિયોગ્રાફી) મિલ પર આધારિત હતું અને આજે પણ કેટલેક અંશે છે.
મિલનું ‘ધ હિસ્ટરી ઑફ બ્રિટિશ ઇન્ડિયા’ ૧૮૧૮માં પ્રકાશિત થયું હતું. એ પછી મિલના ઇતિહાસલેખનની તરાહે બીજાં પુસ્તકો પણ આવવાં લાગ્યાં. એના આધારે ભારતનાં પાઠ્યપુસ્તકો તૈયાર થવાં લાગ્યાં. આ બાજુ મિશનરીઓ તેમને માફક આવે એવો પ્રમાણો સાથે મનફાવે એમ ચેડાં કરીને જાડો ઇતિહાસ લખવા માંડ્યા.
૧૮૫૭ના વિદ્રોહની નિષ્ફળતા પછી અંગ્રેજોને નવો જ અનુભવ થયો. તેમણે જોયું કે હિંદુઓ અને મુસલમાનો અંગ્રેજોની નજીક જવા માટે અને તેમનો વિશ્વાસ સંપાદિત કરવા માટે થનગને છે. એ થનગનાટ એટલો બધો છે કે બંને કોમ એકબીજાને નકારવા માટે આતુર છે. બંને કોમ એકબીજાને શંકાથી જોવા અને દુશ્મની કેળવવા માટે તૈયાર છે. બંને કોમ વચ્ચે ઘણું બધું સહિયારું છે અને સહિયારાપણું સેંકડો વરસનું છે, પણ હવે અંગ્રેજોની કૃપાદૃષ્ટિ પામવા એ સેંકડો વરસ જૂનું ગાઢ સહિયારાપણું છોડવા બંને કોમ થનગને છે. મુસલમાનોએ સર સૈયદને અનુસરીને અંગ્રેજવિરોધી દારુલ હર્બ, જીહાદ અને હિજરતની વાતો કરવાનું ઓછું કરી નાખ્યું છે; પરંતુ હિંદુથી દૂર રહેવા નખશીખ મુસ્લિમનો વહાબી માર્ગ કાયમ રાખ્યો છે. આ બાજુ હિંદુઓમાં હિંદુ જાગરણ પર હવે રાજા રામ મોહન રોયનો પ્રભાવ ઘટી રહ્યો છે અને તેની જગ્યાએ બંકિમચંદ્ર ચેટરજી અને દયાનંદ સરસ્વતીનો પ્રભાવ વધી રહ્યો છે જે મૂળભૂતપણે મુસ્લિમ વિરોધી છે.
જો અંગ્રેજોની કૃપાદૃષ્ટિ પામવા બંને પ્રજા એકબીજાને નકારવા માગતી હોય અને જરૂર પડે લડવા માગતી હોય તો તેમના ખપમાં આવે એવી રીતે ઇતિહાસ લખી આપવો જોઈએ. આને કારણે બ્રિટિશ ઇતિહાસકારો જેમ્સ મિલથી આગળ ગયા હતા. જેમ્સ મિલે ભારતના ઇતિહાસલેખનની શરૂઆત ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી કરી હતી, કારણ કે ત્યારનો ખપ પશ્ચિમની સર્વોપરિતા બતાવવાનો હતો. હવે ખપમાં વિસ્તાર થયો હતો એટલે કાલખંડમાં પણ વિસ્તાર કરવામાં આવ્યો.
પહેલો કાલખંડ હતો હિંદુ યુગનો હતો જેમાં હિંદુ રાજી થાય એ રીતે હિંદુ મહાન હતા, પણ મુસલમાનને ગમે એ રીતે દરેક આક્રમણકર્તા સામે હિંદુ પરાજીત થતા હતા. પાછા હિંદુ સમાજવ્યવસ્થા અન્યાય કરનારી હતી એમ પણ કહેવાયું જે બહુજન સમાજને માફક આવે. બીજો કાલખંડ મુસલમાનોનો હતો જેમાં હિંદુને ગમે એ રીતે મુસ્લિમ શાસકો જુલમી હતા, એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાન રાખતા હતા અને તલવારના જોરે હિંદુઓનું ધર્માંતરણ કરાવતા હતા. એમાં મુસલમાનોને ગમે એ રીતે કહેવામાં આવ્યું હતું કે ઇસ્લામ સમાનતામાં માનનારો મહાન ધર્મ છે, મુસલમાનોએ લગભગ દરેક લડાઈમાં હિંદુઓને પરાજીત કર્યા હતા, હિંદુ એક નિર્બળ કોમ છે વગેરે. ત્રીજો કાલખંડ; ના, ખ્રિસ્તીઓનો નહોતો અંગ્રેજોનો હતો. ફરક સમજાયો? પહેલા બે કાલખંડ હિંદુ અને મુસલમાનના એમ કોમી, પણ ત્રીજો અંગ્રેજ નામની પ્રતાપી પ્રજાનો. ધર્મનાં વાડાઓથી આગળ નીકળી ગયેલો માનવકેન્દ્રી અને માનવલક્ષી કાલખંડ. અંગ્રેજી શાસનમાં ધર્મને કે જ્ઞાતિને ત્રાજવે માણસને નથી જોખવામાં આવતો, માણસાઈના ત્રાજવે માણસને જોખવામાં આવે છે એમ કહેવામાં આવ્યું હતું.
ટૂંકમાં ૧૮૫૭ના વિદ્રોહ પછી એકબીજાને નકારવા માગતા અને અંગ્રેજી શાસનને સ્વીકારવા માગતા હિંદુઓ અને મુસલમાનો માટે ખાસ માફક આવે એવો ઇતિહાસ લખી આપ્યો. એમાં દલિતોનું અને બહુજન સમાજનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. પહેલા બે યુગમાં જે તે પ્રજાને દુઃખી બતાવાઈ અને અંગ્રેજ યુગમાં ત્રણેય પ્રજાને એકસરખી રાજી બતાવાઈ હતી. આ અંગ્રેજોના ઇતિહાસલેખનની ખૂબી હતી.
અંગ્રેજોનો તો પોતાનો એજન્ડા હતો. તેઓ સવર્ણ-અવર્ણ હિંદુ વચ્ચે અને હિંદુ અને મુસલમાન વચ્ચે ભાગલા પાડીને રાજ કરવા માગતા હતા. દુઃખની વાત એ છે હજુ આજે પણ આ ત્રણેય પ્રજાને એ જ ઇતિહાસ માફક આવે છે. એકબીજા સામે લડવા માટે અને એકબીજાને ગાળો દેવા માટે એમાંથી મસાલો મળી રહે છે. માટે અબુ અબ્રાહમે તેના કાર્ટુનમાં કહ્યું હતું કે ખાડો હજુ ઊંડો ખોદો, થોડાં ઇતિહાસનાં પુસ્તકો પણ દાટવાં છે.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 24 મે 2020