સાવ ઝાંખા શબ્દના અજવાસમાં,
હું ઉકેલું છું; મને હર શ્વાસમાં.
શી રીતે પૂરી થશે મારી સફર ?
કોઇ પણ સાથે નથી સહવાસમાં !
હર પળે સંશય રહે છે એટલે;
ઠોકરો ખાધી છે મેં વિશ્વાસમાં.
જિન્દગી છે; ત્યાં લગી જીવવું રહ્યું,
સુખ નહીં તો સુખના આભાસમાં.
શી રીતે જૂદો તમે કરશો મને ?
હું વસું છું; આપના હર શ્વાસમાં.
========
હજારો શક્યતાઓ જોઇ છે !
આંખના રણમાં હજારો શક્યતાઓ જોઇ છે !
રેત કણ-કણમાં હજારો શક્યતાઓ જોઇ છે !
મારા ચહેરામાં હજારો ફેરફારો થઇ ગયા !
મેં ય દર્પણમાં હજારો શક્યતાઓ જોઇ છે.
આંખ સામે જે તૂટી જાતાં ય જોયા છે અહીં,
એ જ સગપણમાં હજારો શક્યતાઓ જોઇ છે !
કોઇ પણ જન્નતને હું ઝંખુ નહીં કોઈ ક્ષણે,
ઘરના આંગણમાં હજારો શક્યતાઓ જોઇ છે !
તા. ૦૬-૧૨-૧૯૮૩
========
થઇ ગયો છે !
જ્યારે સમય જીવનમાં; શમશીર થઇ ગયો છે,
હસનાર એક ચહેરો, ગંભીર થઇ ગયો છે !
હર રોજના બનાવો, હર રોજની પીડાઓ,
પ્રત્યેક માનવી જ્યાં; તસ્વીર થઇ ગયો છે
આંસુ અમારા કરમે; એણે લખી દીધાં છે !
જલસો તો આપ કેરી જાગીર થઇ ગયો છે !
છોડીને ચાલી મીરાં; એની જ સાથ પળમાં,
મેવાડ આખો જાણે; મલીર થઇ ગયો છે !
સંબંધ આપણો આ; સાદો નથી પરંતુ,
તું મારે માટે જાણે; તકદીર થઇ ગયો છે !
સ્વતંત્રતા મળી છે; એની અસર આ કેવી ?
હર એક માનવી અહીં; શૂરવીર થઇ ગયો છે !
શોધું છું માનવી હું; પણ, માનવી તો આજે;
મસ્જિદ થઈ ગયો છે ! મંદિર થઈ ગયો છે !