નકામો ખર્ચ કરવા બાબતે સુરત કેવું લહેરીલાલું છે એનો કડવો (બાપુ માટે હેં કે!) અનુભવ દાંડીયાત્રા વખતે ગાંધીજીને થયેલો. દાંડીયાત્રા વખતે ગાંધીજી ભરૂચ જિલ્લામાંથી સુરતમાં પ્રવેશેલા ત્યારે સુરત જિલ્લામાં ઉત્તરે આવેલા એરથાણમાં જરીક બબાલ થઈ ગયેલી. ગાંધીજીનો કાફલો કીમ નદી પાર કરીને સુરત જિલ્લામાં જેવો પ્રવેશ્યો કે તેમની બધી જવાબદારી કાનજીભાઈ દેસાઈ, કલ્યાણજી મહેતા કે કુંવરજીભાઈ મહેતા જેવા સુરતના ત્યારના અગ્રણીઓએ લઈ લીધેલી. આ સિવાય બીજા ય ઘણા અગ્રણીઓ હતા, જેમણે ગાંધીજી અને બીજા સત્યાગ્રહીઓને એરથાણથી જલાલપોરના દાંડી ગામ સુધી લઈ જવાની જવાબદારી લીધેલી.
હવે થયું એવું કે ઓલપાડ તાલુકામાં એ સમયે રેંટિયાનો પ્રચાર ઓછો અને એ કારણે ત્યાં સ્વદેશી ખાદીનું ચલણ ઓછું હતું. અને ગાંધીજી સુરત જિલ્લામાં આવવાના હતા એટલે આગેવાનોએ એમ વિચાર્યું કે બારડોલી સત્યાગ્રહ કરી ચૂકેલી પ્રજાના સ્વદેશી પ્રત્યેના આવા અભિગમથી ગાંધીજીને ખોટું લાગશે. એટલે તેઓ જો વળગ્યા તો બીજો કશો વિચાર ન કર્યો ને છેક બારડોલીથી થોડાં ગાડાં ભરીને રેટિંયા સુરત મગાવી લીધા! તેમને ખબર નહોતી કે લોકોની જરૂરિયાત જાણ્યા વિના આ રીતે બલ્કમાં રેંટિયા પહોંચાડવા અને એને માટે તાત્કાલિક ઊભો કરાયેલો ગાડાનો ખર્ચો ગાંધીજી જેવા મિનિમલિસ્ટને અત્યંત કઠી પડશે.
આ કિસ્સા પછી બાપુનું દિમાગ થોડું હટી તો ગયું હતું, પરંતુ ત્યારે તેઓ સમસમીને બેસી રહેલા. એવામાં ગાંધીજી પોતાના ઉપયોગમાં લેતા એ કાચનો પ્યાલો તૂટી ગયો. એટલે કલ્યાણજીભાઈ મહેતાએ એક નહીં ને બે કાચના ગ્લાસ ગાંધીજી માટે મોકલી દીધા. આ બાબતે ય ગાંધીજીનું હટી ગયું હતું કારણ કે આ ફકીર કંઈ ફકીર હોવાનો દાવો માત્ર નહોતો કરતો, ફકીરીને એ ખરા અર્થમાં જીવતો હતો. એટલે એ સાચ્ચેસાચ એ ઝોલો લઈને નીકળી પડતો અને એ ઝોલામાં જેટલી જરૂરિયાતની હોય એટલી જ વસ્તુઓ રહેતી. એમાં એક વધારાના પ્યાલાનું મોહનદાસ શું કરે?
આ સિવાય સુરતમાં ત્રીજો એક કિસ્સો બન્યો. દાંડી યાત્રાના દિવસોમાં મોહનદાસે તેમનો ખોરાક નિયત રાખેલો અને એ નિયત ખોરાક જ લેવાનો તેઓ આગ્રહ રાખતા. તેમના એ ખોરાક પર નજર કરીએ તો સવાર-બપોર અને સાંજે બકરીનું દૂધ (જો હોય તો જ!), સૂકી દ્રાક્ષ અથવા ખજૂર અને ત્રણ ખાટાં લીંબું ! બસ આટલી જ વાનગીઓ હતી. એવામાં સુરતમાં કોઈકે ડહાપણ કર્યું અને કોઈને પૂછ્યા વિના ગાંધીજી માટે સંતરા, લીલી દ્રાક્ષ, બાપુ કંઈક સારું પામશે એવા આશયથી ઘરની થોડી દૂધી અને ટમેટાં પણ મોકલ્યાં.
આ વખતે બાપુ ચૂપ ન રહ્યા અને આટલી બધી સરભરા તેમ જ પોતાને કારણે થઈ રહેલા નાહકના ખર્ચને કારણે તાત્કાલિક અસરથી તેમણે જાહેરાત કરી દીધી કે હવે હું આખી યાત્રા દરમિયાન લીંબુ સિવાય બીજું કોઈ ફળ નહીં લઉં અને કોઈએ પેલાં ખર્ચાળ રેટિંયા ન સ્વીકારી માત્ર તકલી ઉપર જ ૧૬૦ તાર નિયમિત કાંતવું.
ઉપર જણાવી એ ત્રણેય ઘટનાઓ એરથાણ ગામની હતી. ત્યાંથી દાંડીના સત્યાગ્રહીઓ ભટગામ જવાના હતા. એરથાણથી ભટગામનો રસ્તો અત્યંત ખરાબ હતો, વળી એ સમયે અંધારું હતું. એટલે કોઈ સુરતી નેતાએ બીજા કોઈને પૂછ્યા વિના બે ગેસની બત્તીની વ્યવસ્થા કરાવી રાખેલી અને એ બે બત્તીઓ દુર્બળ મજૂરો પાસે ઊંચકાવી હતી. ગાંધીજીએ જ્યારે આ જોયું કે બે દુર્બળ મજૂરો તેમની સાથે માથે ગેસની બત્તી લઈને ચાલવાના છે તો એમને સહેજ ચચર્યું. આથી એ મજૂરોને વધુ સમય કષ્ટ ન પહોંચે એમ વિચારીને મોહનદાસે તેમની ચાલવાની ઝડપ વધારી નાંખી. હવે મોહનદાસ આમે ય તેમની ઝડપી ચાલ માટે ખ્યાત હતા જ, એમાં જો તેમણે તેમની ચાલ વધુ ઝડપી કરી હોય તો તેઓ કેવા ફિલ્મી ઢબે આગળ વધ્યા હશે?
ગાંધીજીની સાથે ચાલનારાઓને એ બાબતે કશી ખબર નહોતી, તેઓ તો ગાંધીજીનું અનુકરણ કરતા વધુ ઝડપે ચાલવા માંડ્યા. પરંતુ પેલા બે મજૂરો બાપડા ગોથું ખાઈ ગયા અને લગભગ દોડી રહેલા મોહનદાસ સાથે તાલ નહોતા મિલાવી શકતા. એવામાં અડધેથી યાત્રામાં સાથે ભળેલા સુરતમાંના એકાદને થયું કે આ મજૂરો ધીરે ચાલે છે તો બાપુને અંધારામાં તકલીફ પડશે. એટલે તેણે જુવારના સાંઠકડાથી મજૂરોને ગોદો માર્યો. પેલાનું નસીબ પાધરું નહીં હોય એટલે ગાંધીજી આ જોઈ ગયા અને કોઈ અત્યંજને આ રીતે નકામી વ્યવસ્થા માટે ભોગગવું પડે એ વાતને લઈને તેઓ ઉશ્કેરાઈ ગયા.
અને ભટગામ પહોંચીને તેમણે ખિન્ન હ્રદયે લાંબુ વ્યક્તવ્ય આપ્યું, જેમાં તેમણે લાખ રૂપિયાની વાત કરી કે, ‘આપણી ગરીબીને છાજે તે કરતાં વધારે ખર્ચ કરવો એ પણ ચોરી જ છે.’ એ વક્તવ્યમાં જરૂરિયાત સિવાયની વધારાની વસ્તુઓ વાપરવા વિશે મોહનદાસે બીજી ય ઘણી વાતો કરેલી, જે વાતો આજના સમયના સંદર્ભમાં ક્યાં તો દંભ લાગે અથવા તો એ કોઈ પણ કાળે અશક્ય લાગે. એ સિવાય એમાં ત્રીજો કોઈ અવકાશ નહીં હોય.
પરંતુ આ આખા કિસ્સામાં મને જે વાતમાં મજા પડી ગઈ એ વાત હતી સુરતી મિજાજની. આમ તો આ ગુણ આખા ગુજરાતનો કહી શકાય, કારણ કે કાઠિયાવાડીઓ પણ આગતાસ્વાગતા બાબતે એવા જ હોશિલા અને પેટમાંનું કાઢી આપે એવા. પરંતુ સુરતનો મિજાજ જરા એવો ખરો કે જ્યાં માત્ર સાંઠ જ ખર્ચવાના હોય તો ય હોંશેહોંશે સો ખર્ચી નાંખે. આને ઉડાઉપણું ન કહેવાય, પરંતુ કરકસર આ પ્રજાનો સ્વભાવ નથી. અને કંજૂસાઈ કોને કહેવાય એની તો આ પ્રજાને ખબર જ નથી.
કરકસર સંદર્ભે આપણે જો કોઈક તાપી દક્ષિણ તટવાસી સાથે દલીલ કરીએ કે ‘આટલા બધા નાહકના ખર્ચાની શું જરૂર હતી?’ તો સામે આવતા જવાબમાં ખ્યાલ આવી જાય કે એ ખર્ચાના મૂળમાં દેખાડો ઓછો, અને ‘ભાઈ, છેલ્લી ઘડીએ ઘટી પઈડું કે વધારેની જરૂર તો ટાઈમ પર કાં દોડહું? એના કરતા થોડુંક વધારે જ લેઈ મૂકેલું હારું!’ જેવો આશય હોય.
અને બીજું ઑબ્ઝર્વેશન એ કે તાપીને દક્ષિણે વસતી આ પ્રજા ખાવાપીવાની બાબતે કે કમ્ફર્ટની બાબતે ગાંધીને ય ઘોળીને પી જાય. ગાંધી ભલે ઓછું ખાવામાં માનતા હોય, પરંતુ આ પ્રજાનો મિજાજ એવો જ રહે કે, ‘ગાંધીજીને હૂજે, એ તો બોઈલા કરે. આપણે એમને ખવડાવહું એટલે તે હો ખુશ થઈ જહે …’ સામે છેડે ગાંધીજી ય એમના નિયમોનું ચુસ્ત પાલન કરે એ વાત અલગ છે, પરંતુ આ પ્રજાનો ખવડાવવાનો શોખ અને જલસાપાણીનો શોખ ગજબ છે. હવે તો ગાંધીના કે ગાંધીજી પર લખાયેલા પુસ્તકોમાં એ શોધવું રહ્યું કે કોઈકે ક્યારેક મોહનદાસને ઘારી કે પોંકની ઑફર કરેલી કે નહીં? ગાંધીએ એ ન ખાધું હોય એ અલગ વાત છે, પણ કદાચ એકાદ એવો કિસ્સોઅ જડી ય જાય કે, ‘બાપુ સદાવ્રત સદાવ્રત હૂં કઈરા કરો … માણહ કંઈ ખાય હો ખરો કે ને? ચાલો જોઉં, થોડાક ભૂંસુ સાથે ઘીથી લથબથ ઘારીનો આ ટુકડો મોંમા મૂકો તો ખરા. મજા પડી જહે …’
તો પછી એ હિસાબે મહાદેવભાઈ જરૂર નોખી માટીના કહેવાય, જે મોહનદાસ સાથે આજીવન તાલ મિલાવી શકેલા!
તમે હૂં કેવ?
(માહિતી આધાર: 'દાંડીકૂચ' પુસ્તક)
https://www.facebook.com/ankit.desai.923/posts/10207050986468985