દીપક હોસ્પિટલમાં બેડમાં પડ્યો, પડ્યો લાઇવ ટી.વી. ટેલિકાસ્ટ જોઈ રહ્યો હતો. તેને આ ભવ્ય સમારંભમાં બેસ્ટ ચિત્રકારનો એવોર્ડ આપવામાં આવવાનો હતો. પણ પોતે તો સખત બીમાર હતો. એવોર્ડ લેવા જઈ શકે તેમ નહોતો, એટલે એવોર્ડ તેના વતી તેનો ભાઈ પ્રભાત સ્વીકારવાનો હતો. સમારંભમાં સેંકડો માણસ ભેગા થયા હતા. તેની પાસે તો ફક્ત તેનાં માતા-પિતા હતાં. દીપક વિચારતો હતો કે ‘પ્રસિદ્ધિ પણ પરપોટા જેવી છે.’ પિતાજીની વાત સાચી હતી. મારાં ચિત્રોનું પ્રદર્શન થતું ત્યારે સોશિયલ મીડિયા ઉપર ફોલોઅર્સનો મારો બોલતો હતો. હજારો લાઇક્સ મળતી હતી. એટલા જ ફોન કૉલ્સ આવતા હતા. પ્રશંસકો ટોળે વળીને ઘેરી લેતા હતા. જ્યારે આજે, સમારંભમાં સેંકડો લોકો હતાં ને મારી પાસે માતા-પિતા. મેં પ્રસિદ્ધિ માટે બહુ મોટું મૂલ્ય ચૂકવ્યું હતું. દીપક સામે વિતી ગયેલી જિંદગી એક ફિલ્મની જેમ દોડી રહી હતી.
દીપકના પિતાજી પણ સારા ચિત્રકાર હતા. દિપકે ત્રણ વર્ષની ઉંમરે કાગળ ઉપર પેન્સિલથી મોર દોરીને પિતાજીને બતાવ્યો, ત્યારે એ ખુશીથી પાગલ થઈ ગયા હતા. તેણે દીપકમાં છુપાયેલી ચિત્રકળાની ખૂબીને પારખી લીધી હતી. પોતાના જ્ઞાન સાથે દીપકને સારી સંસ્થામાં મૂકીને ચિત્રકળાના જ્ઞાનને વધુ સમૃદ્ધ બનાવ્યું હતું. દીપક આગળ વધતો ગયો, તેમ તેમ પ્રશંસા અને ભાવકોમાં ડૂબતો ગયો. તેને મનમાં એક નિશ્ચય કર્યો, ‘મારે એવી ઊંચાઈએ પહોંચી જવું છે, જ્યાં બીજાને પહોંચવું મુશ્કેલ થઈ જાય.’ એક વખત દીપકને તેના પિતાજીએ કહ્યું હતું,
“બેટા સંતાન ખૂબ આગળ વધે એ દરેક માતા-પિતાની ઇરછા હોય, પણ સાથે સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. બેટા, તું એ બાબતને અવગણી રહ્યો છે. હવે આ ભાગદોડ બંધ કર. તે ખૂબ નામના કમાઈ લીધી છે. હવે ધીમે ધીમે આગળ વધે તો સારું. કારણ કે, પ્રસિદ્ધિ એક પાણીના પરપોટા જેવી છે. જેમ પરપોટો મોટો થાય, તેમ, તેની ફૂટી જવાની શક્યતા વધતી જાય છે. તેવું જ કોઈપણ કાર્યક્ષેત્રમાં બની શકે છે. વળી તે મૂડ જાળવવા માટે સિગારેટ પણ પીવાની શરૂ કરી છે. એ તારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. એ વ્યસન વહેલી તકે છોડી દેજે. એમાં જ આપણા સૌની ભલાઈ છે.”
દીપકે ત્યારે પ્રસિદ્ધિના નશામાં પિતાજીની કોઈ વાત ઉપર ધ્યાન આપ્યું નહોતું. ધીમેધીમે દીપક ચેઇન સ્મોકર બની ગયો. સતત કામ અને ભાગદોડથી સ્વાસ્થ્ય ઉપર અસર થવાની શરૂઆત થઈ ગઈ હતી.
ડૉક્ટર સાહેબના મતે દીપક ટી.બી.ના ફર્સ્ટ સ્ટેજમાં હતો. ડૉક્ટર સાહેબે સ્પષ્ટ સૂચના આપી હતી કે હવે કામ ના કરો. તબિયત ઉપર ધ્યાન નહીં આપો તો જીવન ઉપર જોખમ ઊભું થશે.” પણ દીપકે પ્રશંસકોના આગ્રહને વશ થઈ ડૉક્ટર સાહેબની સૂચનાને સતત અવગણી હતી. જેના પરિણામે આજે એવોર્ડ સમારંભમાં હાજર હોવાના બદલે હોસ્પિટલમાં હતો.
દીપકને સમારંભનું લાઇવ ટેલિકાસ્ટ જોઈ આંખમાં આંસુ આવી ગયાં. તેનાં માતા-પિતા, આંખમાં આવેલાં ઝળઝળિયાંને પરાણે રોકીને બેઠાં હતાં.
“પિતાજી ,તમારી વાત સાચી હતી. જીવનમાં પ્રસિદ્ધિ જ સર્વોત્તમ નથી. સાથે સાથે જીવનનું મૂલ્ય પણ સમજવું એટલું જ જરૂરી છે. નહીંતર મળેલ પ્રસિદ્ધિ બહુ મોંઘી પડે છે અને ત્યારે ચૂકવાઈ ગયેલ મૂલ્ય, કોઈપણ કિંમતે પાછું મળતું નથી.”
“હા બેટા! પણ જ્યારે આપણે પ્રસિદ્ધિના દરિયામાં તરતા હોઈએ છીએ, ત્યારે સ્વાસ્થ્યની અવગણનાની ઊંડાઈના માપની આપણને ખબર નથી હોતી કે આપણે તે તરફ કેટલા બેદરકાર હોઈએ છીએ.”
પ્રભાત, એવોર્ડ ટ્રોફી લઈને રૂમમાં દાખલ થયો. દીપક મુક્ત મને રડી પડ્યો. આજે તેને ટ્રોફીનું મૂલ્ય સમજાઈ ગયું હતું.
ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com