બગોદરાથી ફેદરાના રસ્તે, પહોળા થયેલા રસ્તાની ધારે નાનકડો ટુકડો જ કહેવાય એવું ખેતર. એમાં ઊભેલા ચાસિયા ઘઉં, ઓછા વરસાદને કારણે સાવ મરવાના વાંકે જીવતા છોડ પર ઉંબિયો (કણસલાં) માંડ માંડ જીવે એવા હાલ. બપોરના લગભગ ૨-૧૫ વાગ્યાના સુમારે બગોદરા વટી આંબળી મિટિંગ માટે જતાં જોયું તો એક આધેડ મહિલા હાથમાં ડૉલ અને ડબલાથી કંઈક છાંટે છે, પાછળ એક બાળક બીજા નાના ડબલામાં કંઈક લઈને આપવા આવતું દેખાયું. દૂરથી જોયું, ત્યારે લાગ્યું કે ચાસિયા ઘઉંમાં ખાતર કે દવા કેમ છાંટતાં હશે? પિયત વગર ખાતર કે દવા કેમ?
મહિલા ના તો દવા છાંટતી હતી, ના ખાતર, એ ડબલામાં ભરી લાવેલું પાણી છાંટતી હતી! ઢાળિયાથી, સ્પ્રિંકલરથી અને ડ્રીપથી થતી સિંચાઈ તો જોઈ, પરંતુ ડબલામાં પાણી લઈ, છાલકે છાલકે ખેતરમાં સિંચાઈ થાય તે કેવું ? ના, કોઈ નવી પદ્ધતિ નહીં, મજબૂરી હતી સાહેબ!
ભાલનો એ વિસ્તાર, ભૂગર્ભમાં સિંચાઈલાયક પાણી નહીં, નર્મદાનાં પાણી આવ્યાં નહીં, વરસાદ ઓછો, પાકનિષ્ફળતા ખમાય નહીં, ઘઉં સુકાય તો પરિવારનું તો આખું વરસ સુકાય. ધરતીની એટલી મહેર ખરી કે એ જમીનમાં છંટાયેલાં પાણીનો પણ ભેજ થોડો વધારે ટકે, એમાં ય જો રાતનો ઠાર ભળે, તો વળી એથી રૂડું શું? ઠાર પડશે ને ભેજ વધશે, ખાલી મરવાના વાંકે જીવતા ઘઉં જ નહીં, પરિવારનું આખું વરસ બચી જશે, એવી આશાએ સૂનાં ખેતરો વચ્ચે મા-બાળક કેટલી આશાએ પાણી છાંટતાં હતાં! એક નાનકડા ટુકડા-શા ખેતર પર જીવતા પરિવારની આ જિજીવિષા જ કહેવાયને? ટકી રહેવાની જિજીવિષા, આવતી કાલ ઊજળી થશે એવી આશા અને વિશ્વાસ જ તો કહેવાય.
ગાડી ચલાવતાં-ચલાવતાં આખા રસ્તે એ જ દૃશ્ય દેખાય. માનસિક ગડમથલ કે આ કોની નિષ્ફળતા? ખેડૂતોના હામીઓ હોવાનો દાવો કરતા નેતાઓની, સમાજની કે સરકારની? એક નાનકડા ટુકડા પર સ્વમાનભેર જીવવા જરૂરી એવી ખેતીની લઘુત્તમ જરૂરિયાત સમું પાણી આટલાં વરસે ય કેમ નથી પહોંચ્યું? આધેડવયની માતા અને નાનું બાળક ડોલ, ડોલ પાણીએ પોતાનું ખેતર સીંચે, પરિવારનું પેટ ભરવા જ તો! એવડા ટુકડામાંથી પરિવારનું જ માંડ પેટ ભરાય ત્યાં વેચીને નફો કમાવવાની તો કલ્પના ય એમને ક્યાંથી આવે?
એ નાનકડું બાળક જે માતાને ડબલે ડબલે ક્યાંક દૂરથી પાણી લાવી આપે છે, એનાં સપનાં શું હશે? આવું વેઠતું બાળક, મર્યાદિત ટુકડા ઉપર નભતાં પરિવારનું બાળક, એનાં સપનાં ય કેટલાં વિકસવાનાં? સૌની સામૂહિક નિષ્ફળતા છતાં ઉમાશંકર જોશીએ વર્ણવેલા ભૂખ્યાજનનો જઠરાગ્નિ જાગે ને દાવાનળ પ્રગટે, તો કોણ જવાબદાર? અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમતા આવાં કેટલાં પરિવારો ગુજરાતમાં હશે? એમને જી.ડી.પી., ગ્રોથ, એફ.ડી.આઈ., ડિમોનેટાઇઝેશન, કૅશલેસ ઇકોનૉમી, નૅગૅટિવ ઇન્કમટૅક્ષ સાથે સાત પેઢીયે ય, સ્નાનસૂતકનો ય કોઈ સંબંધ ખરો?
શનિવાર (તા. ૨૧-૧-૧૭)ની બપોરે જોયેલું દૃશ્ય ખસતું નથી, એકધારી સહિયારી છતાં ય ધરાર નિષ્ફળતાની અનુભૂતિ જતી નથી. વારેવારે સામે આવીને પૂછે છે કે મારે કેમ ડબલે ડબલે સિંચાઈ કરવી પડે ? મારા બાળકને રમવાની ઉંમરે આમ ખેતરે, છોડવે છોડવે પાણી કેમ છાંટવું પડે છે ? તમારે સ્પ્રિંક્લર ને ડ્રિપ જોઈએ ને અમારે માઇનોર-સબ માઇનોર, જે આપો એના ઢાળિયા ય નહીં? અમારે ડબલે ડબલે છોડ સિંચવાના? અમારી આટલી તે અવગણના શીદને? અને નાના ખેડૂત, નાના માણસ, પણ માણસ તો છીએને? તમારે પાણી બચાવવું છે. ભલે, પણ અમારે તો વરસ બચાવવું છે, જીવવું છે!
લાગે છે કે, છેવાડાના માણસ સાથેનો સંબંધ કપાઈ ગયો છે. હું ય એ જ સમૂહનો થઈને રહી ગયો, જેને રોટલા કરતાં રોટલાના ઘાટ ને ઘડતરની ચિંતા વધારે છે.
રોજરોજનાં આંદોલનો જોઈ કોઈને લાગે કે આમને પ્રસિદ્ધિ મેળવવાની ટેવ પડી ગઈ છે, સ્ટંટ કરે છે. શું કરવું? કાયર થઈને નિષ્ફળતા સ્વીકારી બેસી જવું કે તમામ અવરોધો વચ્ચે અંતિમ ક્ષણ સુધી લડી લેવું?
E-mail : sagar45rabari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 02 ફેબ્રુઆરી 2017; પૃ. 20
![]()


આપણા ચોથિયાને ગીત અને સંગીતમાં ખૂબ રુચિ, હાર્મોનિયમના સૂરના આધારે તાનપુરાની મેળવણી ચાલતી હોય કે તબલાંની, સિતાર મેળવાતી હોય કે સરોદ – તેને તો આવી બધી મેળવણીની પ્રક્રિયા જ જામી હતી. નિઃસ્પૃહભાવે હાર્મોનિયમ એક સ્થિર આધાર આપતું : કાળી ચાર કે સફેદ એક વાર સૂર વહાવતું હોય અને બાકીનાં જે – તે વાદ્યો ઠકઠક કે આઉ કરતાં મેળ બેસાડતાં હોય તે ઘટના જ તેને ભવ્ય લાગતી. આજે વળી ચોથેશ્વરી થોડાક નવરા પડ્યા હતા – શેરડીના સાંઠાનો એક હાથે ચઢ્યો ટુકડો લઈને તે અચાનક જ પ્રગટ થયા. ‘તને આ સંગીતના સૂરમાં ગતાગમ તો પડતી નથી અને આમ બાવરો-બાવરો શું જોયા કરે છે?’ તેમણે ચોથિયાને આવતાવેંત જ પોંખ્યો. ‘ચોથેશ્વરી, સાચું કહું? મને તો આ તમામ વાજિંત્રોનાં દિલમાંથી જાણે કે એક મહેચ્છા રેલાતી હોય તેમ જણાય છે – અમે પણ પેલી કાળી ચાર કે સફેદ એક જેવા ક્યારે થઈએ! તેમાં મને આ અદ્ભુત થવા મથી રહેલા ભારત નામના વિશાળ દેશની તમન્ના પડઘાતી હોય તેવું લાગે છે. મને લાગે છે કે પેલું અમ્મેિરકા અને ઓલું યુરોપ એટલે હાર્મોનિયમના કાળી ચાર અને સફેદ એક. આ દેશના તમામ યપ્પીઓની મહત્ત્વાકાંક્ષા યુરોપ-અમેરિકા થવાની જ હોય છે, તેમ મને પણ થાય છે – ક્યારે મારો દેશ પણ આવો મહાન બને! તેમાં ય પેલા ટ્રમ્પસાહેબે ‘અબ કી બાર ટ્રમ્પ શ-કા’ કહ્યું, ત્યારથી આ તો સૌના દિલ ધડામ કરતાને મતપેટીઓમાં જઈને ખાબક્યાં છે. આપણે પણ મુસલમાનોના જોઈને અને પેલા ચીનાઓને ને પાકલાઓને પાઠ ભણાવી દઈએ. આનું જ નામ ભાયડા.’ બાજુમાં આવી ઊભેલા યપ્પીએ માત્ર મૂંગાંમૂંગાં જ પોતાની સફાચટ મૂછને તાવ દીધો.