આજે ગુજરાત વિધાનસભાની બાકીની ૯૮ બેઠકો માટે મતદાન થશે. તે સાથે ગુજરાતના મતદારો આગામી પાંચ વરસ માટે ક્યા પક્ષની સરકાર બનાવવી તે નક્કી કરશે. આ વખતે ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારની જવાબદારી રાહુલ ગાંધીના શિરે હતી. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં જ રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ બન્યા છે. એટલે ગુજરાતનાં પરિણામો રાહુલ ગાંધીના નેતૃત્વ અંગે પણ ફેંસલો કરનારા હશે.
છેલ્લાં ૧૯ વરસોથી કોંગ્રેસ પ્રમુખનું પદ સંભાળનારાં, તેમના માતા સોનિયા ગાંધી પાસેથી, ૪૭ વરસના રાહુલ ગાંધી પ્રમુખ પદ સ્વીકારશે. રાહુલ ગાંધીના કોંગ્રેસ પ્રમુખ બનવા સાથે ગાંધી નહેરુ ખાનદાનની પાંચમી પેઢીના છઠ્ઠા સદસ્ય કોંગ્રેસ પ્રમુખ બનશે. તેના કારણે કોંગ્રેસનો વંશવાદ અને ગાંધી નહેરુ પરિવાર પરનું કોંગ્રેસનું અવલંબન વધુ એક વાર સ્પષ્ટ થયું છે. કોંગ્રેસની સ્થાપનાના ૩૪ વરસો પછી મોતીલાલ નહેરુ તેના પ્રમુખ બન્યા હતા. આજે ૧૩૨ વરસની કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી બન્યા છે.
રાજીવ ગાંધીની હત્યા પછી સોનિયા ગાંધી અને તેમના બાળકો રાજકારણથી અળગા રહ્યા હતા. પરંતુ કોંગ્રેસ રસાતળમાં જઈ રહી હતી ત્યારે ૧૯૯૮માં સોનિયા ગાંધીએ તેનું સુકાન હાથમાં લીધું હતું. ઓગણીસ વરસના પોતાનાં કાર્યકાળમાં તેમણે કોંગ્રેસને બે વાર કેન્દ્રમાં સત્તા અપાવી . એ જ સોનિયા ગાંધીના નેતૃત્વમાં ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ આ પૂર્વે ક્યારે ય નહોતી એટલી કમજોર સાબિત થઈ છે, ત્યારે તેમના પુત્ર રાહુલને કોંગ્રેસનું પ્રમુખ પદ સંભાળવાનું થયું છે. લોકસભામાં આજે કોંગ્રેસના ૪૪ જ સભ્યો છે, દેશના ૪,૦૦૦ કરતાં વધુ વિધાનસભ્યોમાં કોંગ્રેસના ૭૬૬ જ છે અને કર્ણાટક ,પંજાબ જેવા બે મોટા રાજ્યોના અપવાદ સાથે ૨૯માંથી ૮ જ રાજ્યોમાં કોંગ્રેસની રાજવટ છે. આવી વિકટ સ્થિતિમાં ભારે પડકારો સાથે રાહુલ ગાંધીનું કોંગ્રેસ પ્રમુખ બનવું ભારે હિંમત માંગી લે છે.
૨૦૦૪માં રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના અમેઠી મતવિસ્તારમાંથી ચૂંટણી લડી લોકસભામાં પ્રવેશ કર્યો હતો. ૨૦૦૭માં તેઓ પક્ષના મહાસચિવ બન્યા હતા, ૨૦૧૩માં ઉપાધ્યક્ષ અને હવે અધ્યક્ષ બન્યા છે. આમ ક્રમશ: છતાં કોંગ્રેસ પક્ષમાં રાહુલ ગાંધીનો આ એકધારો ઝડપી ઉદય તેઓ નહેરુ ગાંધીના વંશજ હોવાના કારણે જ શક્ય બન્યો છે, તે દીવા જેવું સ્પષ્ટ છે. જો કે રાહુલ વંશવાદને ન માત્ર ભારતના રાજકારણની, એકંદર તમામ ક્ષેત્રોની સમસ્યા માને છે. તેઓ અખિલેશ યાદવ, અનુરાગ ઠાકુરનું જ નહીં મુકેશ-અનિલ અંબાણી અને અભિષેક બચ્ચનનું પણ ઉદાહરણ આપી કહે છે, ‘આપણા દેશમાં બધું આમ જ ચાલે છે.’
કોંગ્રેસ પ્રમુખની જવાબદારી સંભાળવાની થઈ છે તે પૂર્વે રાહુલ ગાંધીએ દીર્ઘ સમય સુધી કોંગ્રેસની સત્તા જ જોઈ છે. એક આક્રમક અને સમજદાર વિપક્ષની ભૂમિકા ભજવવાની અને પોતાના પક્ષને સત્તા અપાવવાની કામગીરી હવે તેમણે બજાવવાની છે. રાહુલ ગાંધી વચમાં વચમાં લાંબો ટૂંકો-અવકાશ લઈને જે રાજનીતિ કરતા રહ્યા હતા તેનાથી તેમની નિરંતર સક્રિયતા જોવા મળતી નહોતી. તેઓ કમને રાજકારણમાં જોતરાયેલા (રિપીટ જોતરાયેલા) જ વધુ લાગતા હતા. અનેક મહત્ત્વના પ્રસંગોએ તેમની હાજરી અનિવાર્ય હતી ત્યારે જ તેઓ ગાયબ થઈ જતા હતા. એમની આવી રાજનીતિને કારણે જ શાયદ ઈતિહાસવિદ્દ રામચંદ્ર ગુહાએ તો એમને રાજકારણ છોડી ઘરસંસાર વસાવી લેવાની સલાહ આપવી પડેલી !
કેન્દ્રમાં બી.જે.પી. સત્તામાં આવી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી રાહુલ ગાંધીએ સતત અને આક્રમક રાજનીતિ અખત્યાર કરવાનો પ્રયાસ કર્યો છે. અમેરિકાની યુનિવર્સિટીઓમાં તેમના તાજેતરના વ્યાખ્યાનો, સંસદમાં અને સંસદ બહાર બી.જે.પી. વિરોધી કાર્યક્રમો અને હાલની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં રાહુલ ગાંધીની ભૂમિકા તેમને પૂર્ણ સમયના રાજકારણી બનાવી રહી છે. નરેન્દ્ર મોદી-અમિત શાહ જેવા રાજકારણના બહુ મોટા અને વસમા ખેલાડીઓ સામે તેમણે ગુજરાતમાં શાલીનતા સાથે આક્રમક નહીં તો આકરા સવાલો સાથે કામ લીધું છે. ગુજરાતની વર્તમાન ચૂંટણી રાહુલ ગાંધી માટે બહુ મહત્ત્વની બની રહી છે. કોંગ્રેસની પરંપરાગત વોટ બેન્ક ગણાતા આદિવાસીઓ, દલિતો, પછાત વર્ગો અને લઘુમતીઓની બહુ ફિકર કર્યા સિવાય રાહુલે ઠેરઠેર મંદિરોમાં જઈને નરમ હિંદુત્વનો રાહ લીધો. ગુજરાતના જન આંદોલનોની યુવા ત્રિપુટીને સાથે રાખી, કોંગ્રેસે તેના ઇતિહાસમાં પહેલીવાર જિગ્નેશ મેવાણીને પોતાની સલામત એવી વડગામ અનામત બેઠક અપક્ષ ઉમેદવાર તરીકે લડવા આપી કે વડોદરાની એક સામાન્ય બેઠક પરથી દલિત ઉમેદવાર નરેન્દ્ર રાવતને ઉમેદવાર બનાવ્યા, પાટીદાર અનામત માટે (કમ સે કમ અત્યારે) સંતોષકારક ફોર્મુલા ઘડી, તો અગાઉના પોતાના ગઠબંધન સાથી એવા એન.સી.પી. સાથે ગુજરાત ચૂંટણીમાં ગઠબંધન ન કર્યું, છોટુભાઈ વસાવા સાથે ગઠબંધન કરી તેમના માટે બેઠકો છોડી, શંકરસિંહ વાઘેલા અને તેમના સમર્થક ધારાસભ્યોને કોંગ્રેસ છોડવા દીધી – આ બધી બાબતો રાહુલ ગાંધીના વિચારો મુજબની કોંગ્રેસના અને કોંગ્રેસના રાજકારણમાં આવી રહેલા પરિવર્તનોના દ્યોતક છે.
રાહુલ ગાંધીએ આવનારા દિવસોમાં હજુ વધુ મોટા પડકારોનો સામનો કરવાનો આવવાનો છે. ગુજરાત અને હિમાચલના પરિણામોથી તેનો આરંભ થશે. દરબારી અને હાઈકમાન્ડકેન્દ્રી કોંગ્રેસી રાજકારણથી છૂટકારો મેળવવો રાહુલ માટે જરા ય આસાન નથી. નેતાઓથી ઉભરાતા અને કાર્યકરો વગરના કોંગ્રેસ પક્ષમાં સંગઠનને નામે સાવ મીંડુ છે. એમાં સંઘ પરિવાર અને ભા.જ.પ. જેવા બળુકા રાજકીય હરીફો સાથે રાહુલનો પનારો પડ્યો છે. રાજકીય નેતાઓની ભા.જ.પ.-કોંગ્રેસમાં અદલાબદલી જે રીતે થઈ રહી છે તેનાથી તે બે પક્ષો વચ્ચેની રાજકીય વિચારધારાનું જુદાપણું પારખવું બહુ મુશ્કેલ છે. રાહુલ ગાંધીએ યુપીએ સરકાર વખતે સજા પામેલા રાજકારણીઓને ચૂંટણી લડતા રોકવા અંગેના કાયદામાં સુધારા સંબંધી વિધેયકના જાહેરમાં લીરેલીરા કરી પોતાની અસંમતિ વ્યક્ત કરી હતી. પણ બિહારમાં નીતિશ કુમારે ભા.જ.પ.નો સાથ લીધા પછી હવે તેમણે લાલુપ્રસાદ યાદવને સાથે રાખ્યા છે. આ વિરોધાભાસ સાથે તેમણે સમાન વિચારો ધરાવતા પક્ષોને સાથે રાખી જોડાણની રાજનીતિ કરવાની છે. કોંગ્રેસ એકલા હાથે સત્તા મેળવી શકે કે બી.જે.પી.ને રોકી શકે તેમ નથી ત્યારે પોતાના સાથીઓની પસંદગી અને નેતૃત્વ માટેની બાંધછોડ તેમની કસોટી કરનાર બની રહેશે.
રાહુલ ગાંધીની મોદી સરકાર માટેની પ્રિય ટીકા તો તે ઉદ્યોગપતિઓની સૂટબૂટની સરકારની છે. આમ કહી ને તે લોકોની તાળીઓ અને મીડિયા કવરેજ તો મેળવી લે છે પણ તેમનું કોઈ વૈકલ્પિક આર્થિક દર્શન જોવા મળતું નથી. તેમના દાદી ઇંદિરા ગાંધી ‘ગરીબી હઠાવો”ના નારે વરસો સુધી ચૂંટણી વૈતરણી તરતાં રહ્યાં હતાં. પણ રાહુલ તો ગરીબીને માનસિક અવસ્થા ગણે છે. વળી પાછા રોજગારવિહીન આર્થિક વિકાસનો કશો અર્થ નથી એમ તો કહે છે પણ રોજગાર સર્જન માટેની આર્થિક વિચારધારા કે કોઈ યોજના જાહેર કરતા નથી. રાજકીય આઝાદી તો મળી છે પણ સામાજિક-આર્થિક આઝાદી વિશેનું રાહુલ ગાંધીનું દર્શન પણ જાણવું બાકી છે.
હત્યાના ત્રણેક દિવસ પહેલાં (૨૭મી જાન્યુઆરી ૧૯૪૮) ગાંધીજીએ ‘કોંગ્રેસના સ્થાન’ અંગે લખેલું “કોંગ્રેસ સત્તા કબજે કરવાના બેહુદા ઝઘડામાં સંડોવાશે તો એક દિવસ તેને એકાએક ભાન થશે કે તેની હસ્તી ભૂંસાઈ ગઈ છે.” અમિત શાહના કોંગ્રેસમુક્ત ભારતના નારાને રાહુલ જરૂર ખોટો ઠેરવે, પણ ગાંધીજીની ‘સત્તા માટેના બેહુદા ઝઘડા’ની વાત કાળજે ધરી રાખે, તેમાં તેમના કોંગ્રેસ પ્રમુખપણાની સાર્થકતા હશે. આખરે મા સોનિયા ગાંધીએ તો તેમને ઉપાધ્યક્ષ બનતી વેળાએ જ સત્તા ઝેર હોવાની શિખામણ આપી જ હતીને ?
e.mail : maheriyachandu@gmail
![]()


સિનેમા અધ્યયનના પિતામહ તરીકે ઓળખાતા ફાધર ગાસ્તોં રોબેર્જ(GASTON ROBERGE)નો જન્મ કેનેડાનાં મોન્ટ્રીઅલ નામનાં શહેરમાં થયો હતો. ભારતીય સિનેમા (ખાસ કરીને સત્યજીત રાયનું સિનેમા) તેમ જ ભારતીય કળા અને સંસ્કૃિતથી પ્રભાવિત થઈને તેઓ કેનેડાથી ભારતમાં આવીને વસ્યા. સત્યજીત રાયની ફિલ્મ પાથેર પાંચાલીનો તેમના પર જબરદસ્ત પ્રભાવ પડ્યો અને બાદમાં તેમણે કલકત્તામાં ચિત્રાબાની નામની એક ફિલ્મ ઇન્સ્ટિટ્યુટ પણ શરૂ કરી. ફાધર ગાસ્તોં રોબેર્જનું ચોક્કસપણે એવું માનવું છે કે ફિલ્મ્સમાં શૈક્ષણિક મૂલ્યો હોવાં ખૂબ જ જરૂરી છે, કારણ કે ફિલ્મ એ એક એવું માધ્યમ છે કે જેનાં થકી સમાજ પ્રભાવિત થાય છે. વર્ષ ૧૯૯૮માં ૪૬માં રાષ્ટ્રીય પુરસ્કાર અંતર્ગત ગાસ્તોં રોબેર્જને તેમનાં પુસ્તક COMMUNICATION CINEMA DEVELOPMENT માટેનો સિનેમા આધારિત શ્રેષ્ઠ પુસ્તકનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
આ એવી વાત છે કે જો સમગ્ર બંગાળ માણિકદા(સત્યજીત રાયને તેમનાં મિત્રો આ નામથી સંબોધતા હતા)માં હોય તો ધનવાન અને ગરીબ, શક્તિશાળી અને વિનમ્ર, ખેડૂત અને શહેરી યુવાનો, બાળકો, તરુણ, યુવાનો, વૃદ્ધો અને સ્ત્રીઓ આ તમામ ઘટના તમને સત્યજીત રાયનાં કાર્યમાં જોવા મળશે. સત્યજીત રાય સાથેની અંતિમ મુલાકાત વિશે ગાસ્તોં રોબેર્જ નોંધે છે કે અમે બંને મિત્રો જ્યારે છેલ્લી વખત હોસ્પિટલમાં મળ્યા હતા, ત્યારે રાય મરણપથારીએ હતા. તે દિવસે રવિવાર હતો અને હું સવારે નવ વાગ્યે તેમને મળવા માટે પહોચી ગયો હતો. તેમનું શરીર ખૂબ જ નંખાઈ ગયું હતું અને તેઓ એક બાળક જેવું વર્તન કરી રહ્યા હતા. હું ત્યાં વધારે રોકાઈ શક્યો નહિ અને જ્યારે હું ત્યાંથી જઈ રહ્યો હતો, ત્યારે રાયે મને કહ્યું કે ભાલો લાગ્લો (ખૂબ જ સુંદર લાગી રહ્યા છો) અને આ તેમના મારા માટેના છેલ્લાં શબ્દો હતા.
૧૭ નવેમ્બરે ઇન્દિરા ગાંધીની જન્મશતાબ્દી આવી રહી છે, ત્યારે તેમનું રાજકરણ, રાજકીય શૈલી અને તેમના ભારતીય રાજકારણ પરના પ્રભાવ વિશે વિગતે વાત કરવાનો ઇરાદો છે. આવતા ત્રણ કે ચાર હપ્તામાં એ વિશે વાત કરવામાં આવશે. સ્વાભાવિક રીતે અહીં તેમનાં બાળપણ, લગ્ન અને શરૂઆતનાં વર્ષો વિશે વાત કરવામાં નહીં આવે. એ બધી વિગતો અહીં અપ્રસ્તુત છે.
જવાહરલાલ નેહરુની અંતિમ વિધિ પત્યા પછી કોને વડા પ્રધાન બનાવવા એનું રાજકારણ શરુ થાય છે. મોરારજી દેસાઈ તો રિંગમાં હતા જ. ૩૦મી મેએ લાલ બહાદુર શાસ્ત્રી ઇન્દિરા ગાંધીને મળવા તીન મૂર્તિ હાઉસ ખાતે જાય છે અને ઇન્દિરા ગાંધીને કહે છે: ‘અબ આપ મુલ્ક કો સંભાલ લીજીએ’. ઇન્દિરા ગાંધી વડા પ્રધાન બનવાની ના પાડે છે અને એ સાથે વિવેક પૂરો થાય છે. લાલ બહાદુર શાસ્ત્રીને પોતાને અને તેમને ટેકો આપનારા સિન્ડીકેટના નેતાઓને બે વાતની જાણ હતી. એક તો એ કે લાલ બહાદુર શાસ્ત્રીને જો વડા પ્રધાન બનાવવા હોય તો ઇન્દિરા ગાંધીના ટેકાની જરૂર છે. કોંગ્રેસના સંસદસભ્યોની નેહરુ માટેની શ્રદ્ધાનું ઇન્દિરા ગાંધી પ્રતિનિધિત્વ કરતાં હતાં. તેમને બીજી જાણ એ વાતની હતી કે મોરારજી દેસાઈ વિવેક પૂરતા કે રાજકીય રમતના ભાગરૂપે પણ ઇન્દિરા ગાંધીને વડા પ્રધાનપદની ઓફર કરવાના નથી. મોરારજીભાઈનું અભિમાન એમાં આડું આવતું હતું. દેખીતી રીતે ઇન્દિરા ગાંધીએ લાલ બહાદુર શાસ્ત્રીને ટેકો આપ્યો હતો.
ઇન્દિરા ગાંધીને કઠપૂતળીની જેમ નચાવી શકાશે એવી ધારણાથી દોરવાઈને કૉન્ગ્રેસના જમણેરી નેતાઓએ તેમને વડાં પ્રધાન બનાવ્યાં હતાં. ઇન્દિરા ગાંધી ગૂંગી ગુડિયા બની રહેશે અને એ સ્થિતિમાં વિરોધ પક્ષોને સત્તા સુધી પહોંચવાની તક મળશે એમ વિરોધ પક્ષો માનતા હતા. મોરારજી દેસાઈ તેમને નેહરુની છોકરી તરીકે ઓળખાવીને ઇન્દિરા ગાંધીની શક્તિને ઓછી આંકતા હતા. કોઈને એમ નહોતું લાગતું કે ઇન્દિરા ગાંધી જુદી માટીનાં છે અને તેઓ દરેકને ખૂણામાં ધકેલીને પોતાની જગ્યા બનાવી લેશે. મને એવો એક પણ રેફરન્સ નથી મળ્યો જેમાં કોઈએ કહ્યું હોય કે ઇન્દિરા ગાંધી સફળ અને કૃતનિશ્ચયી વડાં પ્રધાન સાબિત થશે.
મોરારજી દેસાઈને ત્યારે એમ લાગ્યું હતું કે કૉન્ગ્રેસની સંખ્યામાં થયેલો ઘટાડો ઇન્દિરા ગાંધીની અણઆવડત અને લોકોની નારાજગીનું પરિણામ છે એટલે વડા પ્રધાન બનવાનો અવસર તેમને મળી શકે એમ છે. બીજા દિગ્ગજો એમ નહોતા માનતા. તેમને સમજાઈ ગયું હતું કે કૉન્ગ્રેસની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં ઇન્દિરા ગાંધીની લોકપ્રિયતામાં વધારો થયો છે, લોકસભાના સભ્યો તેમને સાથ આપવાના છે. મોરારજી દેસાઈએ વડા પ્રધાનપદ માટે ઉમેદવારી જાહેર કરી દીધી હતી. છેવટે સમાધાનના ભાગરૂપે મોરારજી દેસાઈએ નાયબ વડા પ્રધાનપદ અને ગૃહ ખાતાની માગણી કરી હતી અને ઇન્દિરા ગાંધીએ તેમને નાયબ વડા પ્રધાનપદ અને નાણાં ખાતું આપીને મનાવી લીધા હતા. કૉન્ગ્રેસના વિભાજનનું આ સાથે મંગલાચરણ થઈ ગયું હતું.
જ્યારે સમાજવાદી તખતો રચાઈ ગયો ત્યારે લાગ જોઇને ૧૯૭૧ના પ્રારંભમાં ઇન્દિરા ગાંધીએ લોકસભા બરખાસ્ત કરીને મધ્યસત્ર ચૂંટણી જાહેર કરી દીધી. આ પહેલાં કહ્યું હતું એમ કોંગ્રેસના વિભાજન પછી ઇન્દિરા ગાંધીની સરકાર લઘુમતી સરકાર હતી અને ભારતીય સામ્યવાદી પક્ષના સહારે ચાલતી હતી. એ પાંચમી લોકસભામાં ઇન્દિરા ગાંધીની કોંગ્રેસને ૫૨૦ બેઠકોમાંથી ૩૬૨ એટલે કે બે તૃતીયાંશ બેઠકો મળી હતી. કુલ ૫૫.૩ મતદાન થયું હતું અને ઇન્દિરા ગાંધીની કોંગ્રેસને ૪૩.૭ ટકા મત મળ્યા હતા. ઇન્દિરા ગાંધી સામે વિરોધ પક્ષોએ ગ્રેંડ એલાયન્સ કર્યું હતું જેને કુલ મળીને ૫૧ બેઠકો મળી હતી. કહેવાની જરૂર નથી કે ઇન્દિરા ગાંધીની કોંગ્રેસને મૂળ કોંગ્રેસની માન્યતા મળી ગઈ હતી. ત્યારે સંગઠીત વિરોધ પક્ષોના ઇન્દિરા હટાઓના નારાની સામે ઇન્દિરા ગાંધીના ગરીબી હટાઓના નારાનો ભવ્ય વિજય થયો હતો.