અવલોકન : “એક લીલી પળ અતીતની” – કિશોર મોદી
અમેરિકામાં લખાતી કવિતા હવે પગભર થઈ રહી છે તેમ કહીએ તો તેમાં કશી અતિશયોક્તિ કરી રહ્યા હોવાનો ભય નથી જણાતો. અહીં ગીત, ગઝલ અને અછાંદસ કવિતા અઢળક લખાતી લાગે છે પણ ગઝલને એક ઊંચા સ્તરે અને તે પણ સાતત્યપૂર્વક લખતી કલમો તરફ અંગૂલિનિર્દેશ કરવો હોય તો આદિલ મન્સૂરી, અશરફ ડબાવાલા, શકુર સરવૈયા, મધુમતી મહેતા, સુધીર પટેલ, ઇન્દ્ર શાહ કે ભરત ત્રિવેદી પછી બીજાં શોધવા જહેમત ઉઠાવવી પડે. આટલી ટૂંકી યાદીમાંથી પણ આદિલજી અને ઇન્દ્ર શાહ હવે રહ્યા નથી.
અમેરિકામાં વસતો પણ દેશમાં શ્વસતો એક ગઝલકાર એવો પણ છે જે પહેલી નજરે કદાચ ધ્યાન પર ન આવે. પણ અહીં બનતી ઉત્તમ ગઝલની એન્થોલોજી બનાવવી હોય તો જેની ગઝલોને સારી એવી જગા કરી આપવી પડે – એ નામ છે : કિશોર મોદી. ‘જલજ, ‘મધુમાલિકા’, ‘મોહિની’, અને હવે તેઓ લઈને આવ્યા છે ‘એક લીલી પળ અતીતની’.
ત્યારે હું વડોદરામાં એક બેંકમાં કામ કરતો હતો. હશે ૧૯૭૫/૭૬નો ગાળો ! એક તો ઉનાળાની બપોર અને બેંકની સબ-ઓફિસ એટલે ઝાઝી ભીડ પણ ના મળે. જોઉં છું કે બે યુવાન મારી કેબિન પાસે આવી ઊભા છે. એકને તો હું તરત જ ઓળખી ગયો. વતનનો મારો મિત્ર હેમંત ત્રિવેદી, પણ બીજો ચશ્માધારી યુવાન કોણ ? હેમંત કહે : આ છે કિશોર મોદી ! ને મેં ઉમેર્યું – ને ગઝલો લખે છે, બરાબરને ! તે દિવસે અમારી પહેલી મુલાકાત ! સામયિકોમાં તો તેમની ગઝલો જોઈ હતી … આજે રૂબરૂમાં તેમની પાસે તેમની એક/બે ગઝલ સાંભળવા પણ મળી !
કિશોર મોદીની ગઝલો મને ગમે છે કેમ કે એમાં આયાસનું પ્રમાણ નહીંવત્ ને સાદગી અને ચિંતનશીલતા વધારે. ‘એક લીલી પળ અતીતની’નો સ્થાયીભાવ છે : સ્મરણ. અનેક ઉત્તમ શે’રમાંથી જે મારા ચિત્ત પર સવાર થઈ બેઠા છે તે આ રહ્યા :
દરરોજ મારું ગામ આખું સ્મરતું હોય છે,
કાયમ નદી શી લાગણી ભીતર રહેલી હોય છે.
વતન-ઝુરાપો તો આપણા જેવા બે-વતનીને તો લમણે લખાયેલો જ હોય છે ને ? પણ અહીં દિલને દઝાડી મૂકતી યાદો નહીં પણ શાતા આપતી રહેતી લાગણીની વાત થઈ રહી છે. અહીં નદી શી કહીને વતનની નદીને પણ ખૂબ કુશળતાપૂર્વક યાદ કરી લેવાઈ છે. કલમ કસાયેલી હોય ત્યારે એ બધું ડગલે ને પગલે દેખાઈ આવતું હોય છે. એટલે જ તો ભાવક પાસે અડધે રસ્તે આવીને મળવાની અપેક્ષા રહેતી હોય છે. શે’રમાં વેધકતા પણ કેવી કામે લાગતી હોય છે તેનો પણ એક નમૂનો આ રહ્યો :
આટલો ગંભીર ક્યારે થઈ ગયો તું !
બાળપણના ચોતરાનું પૂછવું છે.
અહીં કોણ કોને પૂછી રહ્યું છે તે ખાટી/મીઠી મૂંઝવણ ધ્યાનાર્હ છે ને ?
કિશોર મોદી સ્વભાવે ચિંતનશીલ વ્યક્તિ છે તેથી તેમની ગઝલમાં તે પણ ખૂબ નોંધપાત્ર રીતે દેખાઈ આવે છે અને તેમનું ઋજુ વ્યક્તિત્વ તેને ખૂબ પોષક પણ બને છે તેનો એક નમૂનો જોઈએ :
વૃક્ષો, ફૂલો, પહાડ જોઈ દંગ છે કિશોર
ઈશ્વરની આટલી બધી પરસાદી હોય છે.
ગીતાનો ‘પત્રં પુષ્પમ્ ફલમ્ તોયં’ શ્લોક સ્મરણપટ પર આવી ચડે છે ? અહીં કોણ કોને ‘પરસાદી’ ચડાવતો હોય છે ? ખુદ ઈશ્વર કે પછી તેનો આપણા જેવો અબુધ ભગત ! તમે જ કહો કોઈ ચિંતનશીલ વ્યક્તિ આવે સમયે દંગ રહી ના જાય તો બીજું કરે પણ શું ! જો કે અહીં પણ બે બાબતો ખાસ ધ્યાન ખેંચે છે. એક તો એ કે ગઝલકાર સરળતાને વરેલા છે. અદમ ટંકારવી સાહેબ ફરમાવે છે ને કે :
ગઝલ લખી દો સીધીસાદી અદમ,
જીવીકાકીની સવિતા જેવી.
તો આ રહી જીવીકાકીની સવિતા જેવી સરળ ગઝલો !
કિશોર મોદીનું ભાષાકર્મ કે ગામઠી કે સાચા અર્થમાં તો સુરતી બોલી વિશેષ નોંધપાત્ર છે. ‘એઈ વીહલા’ના સર્જક આ ગઝલસંગ્રહમાં પણ સતત ડોકાતા રહે છે. પટારે, ખાંભી, ઢોચકી, ડોલાભ જેવા અરૂઢ શબ્દો તેમની રચનામાં ધાણીની જેમ સતત ફૂટતા રહે છે.
કોઇ પણ સભાન સર્જક નિજી સર્જનપ્રવૃતિ વિશે ના વિચારે તેમ કેવી રીતે બની શકે ! ગઝલકાર કહે છે :
આ લીમડાની ડાળ હલે – ને ગઝલ મળે,
શ્વાસોની વાત રાત ચાલે – ને ગઝલ મળે.
આ સંદર્ભે 'લ્યો ત્યારે ગઝલ કહું'માં તો તેમણે એક સાથે અનેક વાત કહી દીધી છે પણ એવી સાદગીથી કે સંચયમાંની પૂરી સો ગઝલોમાં તો ક્યાંક નજર-અંદાજ થઈ જાય તો પણ ખ્યાલ ના આવે. મને આ ગઝલ કિશોર મોદીની સિગ્નેચર ગઝલ લાગી છે. કહે છે ને કે હાથ કંગનને આરસીની જરૂર ખરી ? આખે આખી ગઝલ ટાંક્યા વિના બીજો કોઈ જ ઉપાય નથી. તેથી આ રહી તે ગઝલ-જરા જેટલી પણ કાપકૂપ વિના :
લ્યો ત્યારે ગઝલ કહું
નામેરી નામે નંગ, લ્યો ત્યારે ગઝલ કહું,
શબ્દોથી થાતો દંગ, લ્યો ત્યારે ગઝલ કહું.
હું તાકી તાકીને તને જોયા કરું પછી,
આંખોમાં આવે રંગ, લ્યો ત્યારે ગઝલ કહું.
ચહેરા ઉપર હજી એના એ હાવભાવ છે,
છે એ જ સ્મિત, ઢંગ, લ્યો ત્યારે ગઝલ કહું.
આજે જુદા પ્રકારનો અણસાર આવતો,
કોઈ નવ્ય છે તરંગ, લ્યો ત્યારે ગઝલ કહું.
સ્મરણો વડે જીતી ગયો છું હું પૂરેપૂરો,
હોવાપણાનો જંગ, લ્યો ત્યારે ગઝલ કહું.
‘કિશોર’ જિંદગી તો એવી હોવી જોઈએ,
નભ ડોલતો પતંગ, લ્યો ત્યારે ગઝલ કહું.
આદિલજી તો ગયા અને તેની સાથે જ જાણે અમેરિકામાં સર્જાતી ગઝલનો ગ્રાફ દેખાઈ આવે તેટલો નીચે ઉતરી આવ્યો જણાય, પણ અગાઉ નોંધ લેવાઈ છે તે કલમોની સાથે કિશોર મોદી પણ એક મહત્ત્વનું નામ ગણાય. તેમના આ ગઝલ-સંગ્રહના અવલોકન નિમિત્તે હું રાજીપો વ્યક્ત કરું છું.
***
સૌજન્ય : ભરતભાઈ ત્રિવેદીનો આ લેખ “ગુર્જરી ડાયજેસ્ટ”, એપ્રિલ 2013માં પ્રગટ થયો છે. આ લેખનું લખાણ યૂનિકૉડમાં કિશોરભાઈ મોદીના બ્લોગ www.kishoremodi.wordpress.com