– 1 –
શું ઇન્દિરા ગાંધી ખરેખર વડાં પ્રધાન બનવા માગતાં હતાં? શું નેહરુ ઇન્દિરા ગાંધીને તેમની વારસ બનાવવા માગતા હતા? શું વંશવાદ નેહરુપરિવારની ખાનદાની મર્યાદા છે? સૌથી મહત્ત્વનો પ્રશ્ન – આ દેશમાં એવું કોણ હતું જેને ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન બન્યાં એ પહેલાં તેમની રાજકીય ક્ષમતાનો પરિચય થઈ ગયો હોય? એનાથી પણ મહત્ત્વનો સવાલ – આગળ જતાં દુર્ગાનો અવતાર ધારણ કરનારાં ઇન્દિરા ગાંધી શું ઇન્દિરા ગાંધી માટે પણ અજાણ્યાં હતાં?
૧૭ નવેમ્બરે ઇન્દિરા ગાંધીની જન્મશતાબ્દી આવી રહી છે, ત્યારે તેમનું રાજકરણ, રાજકીય શૈલી અને તેમના ભારતીય રાજકારણ પરના પ્રભાવ વિશે વિગતે વાત કરવાનો ઇરાદો છે. આવતા ત્રણ કે ચાર હપ્તામાં એ વિશે વાત કરવામાં આવશે. સ્વાભાવિક રીતે અહીં તેમનાં બાળપણ, લગ્ન અને શરૂઆતનાં વર્ષો વિશે વાત કરવામાં નહીં આવે. એ બધી વિગતો અહીં અપ્રસ્તુત છે.
૧૯૬૬ની ૧૨ જાન્યુઆરીની એ સવાર હતી. અમારા ગામમાં સહકારી ભંડાર હતો જેનું સંચાલન મારા પિતા કરતા હતા. આગલા દિવસે રૅશનિંગનું અનાજ આવ્યું હતું અને લોકો સવારથી જ ભંડારની બહાર લાઇન લગાવીને ઊભા હતા. મારા પિતા કોઈ કારણસર બહારગામ ગયા હતા એટલે દુકાનની ચાવી લઈને હું દુકાને પહોંચી ગયો હતો. હું જ્યારે દુકાને ગયો ત્યારે લોકોનાં ટોળાં બજારમાં ઊભાં હતાં અને વાતાવરણમાં એક પ્રકારની ગમગીની જોવા મળતી હતી. બજારમાં મને કહેવામાં આવ્યું કે તાશ્કંદમાં ગઈ રાતે ભારતના વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું અવસાન થયું છે, એટલે તેમના માનમાં દુકાન બંધ રાખવી જોઈએ. એ રૅશનિંગના જમાનામાં લોકોને નિરાશ કરવા એ મને ઉચિત લાગ્યું નહોતું, એટલે જેટલા લોકો લાઈનમાં ઊભા હતા તેમને અનાજ આપવાનો મેં નિર્ણય લીધો હતો. ગામના કેટલાક વડીલોને મારી વાત ઠીક લાગી હતી અને તેઓ મને મને મદદ કરવા જોડાયા હતા.
અમે અનાજની વહેંચણી કરતા હતા ત્યારે ચર્ચાના મુદ્દા બે હતા – એક લાલ બહાદુર શાસ્ત્રીનું ખૂન થયું છે અને એમાં પાકિસ્તાન અને રશિયાનો હાથ છે. ચર્ચાનો બીજો મુદ્દો હતો : શાસ્ત્રી પછી કોણ? કોણ ભારતના નવા વડા પ્રધાન બનશે? તેમની વાતચીતમાં ઇન્દિરા ગાંધીનું નામ વારંવાર આવતું હતું. મને યાદ છે ત્યાં સુધી મેં રાજકારણમાં રસ લેવાનું ત્યારથી શરૂ કર્યું હતું.
એ પછી ઇન્દિરા ગાંધી સાથેનાં વર્ષોનો લાંબો ઇતિહાસ છે. શરૂઆતનાં વર્ષોમાં ઇન્દિરા ગાંધી પર અનેક લોકો ફિદા હતા એમાં મારો પણ સમાવેશ થતો હતો. એ પછી મોહભંગ થયો હતો અને પહેલાં ગુજરાતનું નવનિર્માણ આંદોલન અને એ પછી બિહાર આંદોલનમાં મુંબઈમાં રહીને સક્રિય સહયોગ આપ્યો હતો. (૧૯૭૦માં અમારા પરિવારે મુંબઈમાં સ્થળાંતર કર્યું હતું.) ઇમર્જન્સીના વિરોધમાં પકડાયા વિના બની શકે એટલા પ્રમાણમાં ભૂગર્ભ સાહિત્ય વહેંચતો હતો અને છાને ખૂણે થતી બેઠકોમાં ભાગ લેતો હતો. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધીએ લોકસભાની ચૂંટણી જાહેર કરી ત્યારે કૉન્ગ્રેસને પરાજિત કરવા દિવસરાત જે યુવાનો કામ કરતા હતા એમાં મારો પણ સમાવેશ થતો હતો. જેમનો ઉછેર ગાંધીજીના ખોળામાં થયો હોય અને જેમણે ભારતમાં લોકતંત્રને સ્થિર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, એ જવાહરલાલ નેહરુની પુત્રી લોકતંત્રનું કાસળ કાઢવાનું કામ કઈ રીતે કરી શકે, એ પ્રશ્ન ત્યારે પણ સમજતો નહોતો અને આટલાં વર્ષે આજે પણ સમજતો નથી. ઇન્દિરા ગાંધીનાં વડા પ્રધાન તરીકેનાં વર્ષો ભારતીય રાજકારણનું એક ઝંઝાવાતી પવર્ છે.
શાસ્ત્રી પછી કોણ એવો સવાલ મેં પહેલી વાર સાંભળ્યો, એના ત્રણ વરસ પહેલાં ૧૯૬૩માં ૩૩ વરસના વેલ્ઝ હેગન નામના અમેરિકન પત્રકારે આફ્ટર નેહરુ, હુ? એવું એક પુસ્તક લખ્યું હતું. વેલ્ઝ હેગન અમેરિકાના નૅશનલ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશનના ભારત ખાતેના બ્યુરોમાં કામ કરતા હતા. એ પુસ્તક માટે તેમણે નેહરુ પછીના વડા પ્રધાનપદના સંભવિત ઉમેદવારો કોણ હશે એનો તાગ મેળવવા કેટલાક લોકોની મુલાકાત લીધી હતી. એમાં મોરારજી દેસાઈ, વી.કે. કૃષ્ણમેનન, લાલ બહાદુર શાસ્ત્રી, યશવંતરાવ ચવાણ, જયપ્રકાશ નારાયણ, એસ.કે. પાટીલ, બ્રિજ મોહન કૌલ અને ઇન્દિરા ગાંધીનો સમાવેશ થતો હતો. ઇન્દિરા ગાંધીએ હેગનને મુલાકાત આપી અને કારણ વિના વિવાદ વકરાવવામાં ફાળો આપ્યો એ માટે જવાહરલાલ નેહરુએ ઇન્દિરા ગાંધીને ઠપકો આપ્યો હતો, એમ કૅથરિન ફ્રાન્કે ઇન્દિરા ગાંધીના જીવનચરિત્ર ‘ઇન્દિરા : ધ લાઇફ ઑફ ઇન્દિરા નેહરુ ગાંધી’માં નોંધ્યું છે.
શું ઇન્દિરા ગાંધી ખરેખર વડાં પ્રધાન બનવા માગતાં હતાં? શું નેહરુ ઇન્દિરા ગાંધીને તેમના વારસ બનાવવા માગતા હતા? શું વંશવાદ નેહરુપરિવારની ખાનદાની મર્યાદા છે? મોતીલાલ નેહરુ તેમના પુત્ર જવાહરલાલને રાજકીય રીતે પ્રમોટ કરતા હતા અને તેમની વગનો ઉપયોગ કરતા હતા એ એક હકીકત છે. જો કે પછીનાં વર્ષોમાં જવાહરલાલની વગની મોતીલાલને જરૂર પડે એટલી હદે જવાહરલાલ નેહરુએ કાઠું કાઢ્યું હતું એ જુદી વાત છે. સૌથી મહત્ત્વનો પ્રશ્ન – આ દેશમાં એવું કોણ હતું જેને ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન બન્યાં એ પહેલાં તેમની રાજકીય ક્ષમતાનો પરિચય થઈ ગયો હોય? એનાથી પણ મહત્ત્વનો સવાલ – આગળ જતાં દુર્ગાનો અવતાર ધારણ કરનારાં ઇન્દિરા ગાંધી શું ઇન્દિરા ગાંધી માટે પણ આશ્ચર્ય હતાં?
છેલ્લો સવાલ ફરી વાંચો – શું ઇન્દિરા ગાંધી ઇન્દિરા ગાંધી માટે પણ અજાણ્યાં હતાં? આ શ્રેણીમાં આવા કેટલાક પ્રશ્નોની ખોજ કરવામાં આવશે.
૧૯૫૯માં ઇન્દિરા ગાંધીને કૉન્ગ્રેસપ્રમુખ બનાવવામાં આવ્યાં હતાં. કેટલાક લોકો કહે છે કે ઇન્દિરા ગાંધીને રાજકીય વારસ બનાવવાની શરૂઆત ત્યાંથી થઈ હતી. એક પ્રસંગ ઘણી વાર સાંભળવા મળે છે, પરંતુ એનું પ્રમાણ આધારભૂત નથી. ૧૯૫૯માં કૉન્ગ્રેસપ્રમુખ ઉછરંગરાય ઢેબર તેમની મુદત પૂર્વે નિવૃત્ત થવા માગતા હતા. તેમની મુદતના બાકીના ૧૧ મહિના માટે તેમના અનુગામી કોણ બને એ વિશે ચર્ચા કરવા તેઓ જવાહરલાલ નેહરુને મળ્યા હતા. ઢેબરભાઈ સંભવિત ઉમેદવારોનાં નામ ગણાવી રહ્યાં હતાં ત્યારે નેહરુ વારંવાર એક જ વાત કહેતા હતા – કોઈ ઔર ભી નામ સોચિએ. આ ત્યાં સુધી ચાલ્યું જ્યાં સુધી ઢેબરભાઈએ ઇન્દિરા ગાંધીનું નામ નહોતું લીધું.
ઇન્દિરા ગાંધીને કૉન્ગ્રેસનાં પ્રમુખ બનાવવવામાં આવ્યાં એ પહેલાં ૧૯૫૫માં તેમને કૉન્ગ્રેસ કારોબારી સમિતિના સભ્ય બનાવવામાં આવ્યાં હતાં. એ ચાર વરસમાં ઇન્દિરા ગાંધીએ કૉન્ગ્રેસ સંગઠનમાં જવાહરલાલ નેહરુની પુત્રી સિવાય કોઈ પ્રતિષ્ઠા રળી નહોતી. તેઓ કારોબારીની બેઠકમાં ભાગ્યે જ બોલતાં હતાં અને ભાગ્યે જ કોઈ દિશાસૂચન કરતાં હતાં. તેમણે કોઈ કાર્યક્રમ સૂચવ્યો હોય અને એનું નેતૃત્વ કર્યું હોય એવું તો એક વાર પણ બન્યું નહોતું. આવાં માત્ર નેહરુની પુત્રીની ખ્યાતિ ધરાવતાં ઇન્દિરા ગાંધીને ૧૯૫૯માં ૧૧ મહિના માટે કૉન્ગ્રેસપ્રમુખ બનાવવામાં આવ્યાં હતાં. જો ઇન્દિરા ગાંધીને કૉન્ગ્રેસપ્રમુખ બનવામાં રસ હોત અને જો જવાહરલાલ નેહરુ તેમને કૉન્ગ્રેસપ્રમુખ બનાવવા માગતા હોત તો અગિયાર મહિનાની વચગાળાની મુદત પૂરી થયા પછી તેઓ પૂરી મુદતનાં કૉન્ગ્રેસપ્રમુખ બની શક્યાં હોત. એ સમયે જવાહરલાલ નેહરુની ઇચ્છા ઇશ્વરઇચ્છા માનવામાં આવતી હતી. ઇન્દિરા ગાંધીની જગ્યાએ નીલમ સંજીવ રેડ્ડીને કૉન્ગ્રેસપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. સંભવિત કારણ એવું છે કે તેઓ તેમના પિતાની સેવા કરવા માગતાં હતાં અને બને એટલા પ્રમાણમાં તેમની ઢાલ બનીને રહેવા માગતાં હતાં.
ઢેબરભાઈ સાથેના પ્રસંગથી બિલકુલ ઊલટો સંકેત આપનારો પ્રસંગ ટી.ટી. કૃષ્ણમાચારી સાથેની વાતચીતનો છે અને એ પ્રમાણભૂત છે. ૧૯૬૨માં ચીન સાથેના યુદ્ધમાં ભારતનો પરાજય થયો અને જવાહરલાલ નેહરુની તબિયત કથળવા લાગી ત્યારે ટી.ટી.કે.એ નેહરુને સૂચવ્યું હતું કે તેમણે કાં તો વિજયાલક્ષ્મી પંડિતને અથવા ઇન્દિરા ગાંધીને કૅબિનેટમાં લેવાં જોઈએ જે પ્રધાનમંત્રીના કાર્યાલયમાંનો તેમનો બોજ ઓછો કરે. જવાહરલાલ નેહરુએ એ સૂચન ફગાવી દેતાં રોષપૂર્વક કહ્યું હતું કે તેઓ જ્યાં સુધી વડા પ્રધાન છે ત્યાં સુધી તેમની બહેનને કે તેમની પુત્રીને કૅબિનેટમાં લેવામાં નહીં આવે અને ઇન્દિરા ચૂંટણી નહીં લડે. ભારત લોકતાંત્રિક દેશ છે અને એમાં આ શોભાસ્પદ નથી.
ખેર, ઇન્દિરા ગાંધીને કૉન્ગ્રેસપ્રમુખ બનાવવામાં આવે છે અને માત્ર ૧૧ મહિના, પણ તેમની રાજકીય શૈલી જુઓ. તેમના પતિ ફિરોઝ ગાંધી કૉન્ગ્રેસની અંદર ડાબેરીઓનું નેતૃત્વ કરતા હતા. એક પ્રકારના જિંજર ગ્રુપની તેમણે રચના કરી હતી, જે કૉન્ગ્રેસને જમણેરીઓ સામે લડત આપતા હતા અને જવાહરલાલ નેહરુને ડાબેરી વલણ અપનાવવા માટે દબાણ કરતા હતા. ફિરોઝ ગાંધીએ ઇન્દિરા ગાંધીને તેમની સાથે જોડવા માટે દબાણ કર્યું હતું અને ઇન્દિરા ગાંધી તેમના જૂથમાં જોડાયાં પણ હતાં. ફિરોઝ ગાંધી જવાહરલાલ નેહરુ ડાબેરી વલણ અપનાવે એમાં ઇન્દિરા ગાંધીનો ઉપયોગ કરવા માગતા હતા, પરંતુ ઇન્દિરા તેમની સાથે શા માટે જોડાયાં હતાં એ એક કોયડો છે. એની પાછળનો તેમનો ઇરાદો લગ્નજીવન ટકાવી રાખવાનો હતો કે પછી તેઓ ડાબેરી વિચારધારામાં શ્રદ્ધા ધરાવતાં હતાં એનો કોઈ ખુલાસો નથી મળતો.
૧૯૫૦માં ઇન્દિરા ગાંધી ૧૧ મહિના માટે કૉન્ગ્રેસપ્રમુખ બને છે. ૧૯૫૯ના એપ્રિલ મહિનામાં તેઓ કેરળના પ્રવાસે જાય છે. ત્યાં તેઓ ઈ.એમ.એસ. નમ્બુિદરીપાદની સામ્યવાદી સરકાર પર પ્રહારો કરે છે, એ ત્યાં સુધી કે સામ્યવાદીઓને તેઓ રાષ્ટ્રના દુશ્મન ગણાવે છે. અસાધારણ યુ-ટર્ન અને એ જ તો ઇન્દિરા ગાંધીની રાજકીય શૈલી હતી. તેમણે તેમના પતિનો સાથ છોડીને કૉન્ગ્રેસમાંના જમણેરીઓ સાથે હાથ મિલાવ્યો હતો. એ પછી ૧૯૫૯ના જુલાઈ મહિનામાં જવાહરલાલ નેહરુએ કેરળની લોકતાંત્રિક માર્ગે ચૂંટાયેલી સામ્યવાદી સરકારને બરતરફ કરી હતી અને રાષ્ટ્રપતિશાસન લાદ્યું હતું. આમાં ઇન્દિરા ગાંધીનો હાથ હતો એમ માનવામાં આવે છે. ખુદ ફિરોઝ ગાંધીએ જાહેરમાં આવો આક્ષેપ કર્યો હતો અને લોકસભામાં પસ્તાળ પાડી હતી. આ ઘટના યાદ રાખજો, કારણ કે આનાથી બિલકુલ વિરુદ્ધ ઘટના ૧૯૬૬માં બનવાની હતી.
વચગાળાની ૧૧ મહિનાની મુદત પૂરી થયા પછી ઇન્દિરા ગાંધી અને જવાહરલાલ નેહરુ પર કૉન્ગ્રેસમાંના જમણેરીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું કે તેમને પૂરી મુદતના કૉન્ગ્રેસપ્રમુખ બનાવવામાં આવે. ઇન્દિરા ગાંધીની પૂરી મુદતના પ્રમુખ બનવાની ઇચ્છા નહોતી. ૩૦ ઑક્ટોબરની રાતે ઇન્દિરા ગાંધી સૂઈ શકતાં નથી. ફરી વાર કૉન્ગ્રેસપ્રમુખ બનવું કે નહીં એ વિશે તેમની અંદર ભારે મથામણ ચાલે છે. છેવટે વહેલી સવારે પોણાચાર વાગ્યે તેઓ પથારીમાંથી ઊઠીને પિતા જવાહરલાલ નેહરુને પત્ર લખે છે. આમ તો પત્ર લખવાની કોઈ જરૂર નહોતી, કારણ કે ઇન્દિરા ગાંધી વડા પ્રધાનના નિવાસ્થાન તીનમૂર્તિ ભવનમાં જ રહેતાં હતાં અને એ જ મકાનમાં બીજા એક ઓરડામાં સૂતાં હતાં. પત્ર લખવાનું કારણ એ હતું કે તેઓ પોતાની ભાવના ગેરસમજ ન થાય એ રીતે શબ્દબદ્ધ કરવા માગતાં હતાં. તેઓ શા માટે કૉન્ગ્રેસપ્રમુખ બનવા માગતાં નથી એ વિશે તેઓ લખે છે …છેક બાળપણથી હું અસાધારણ મહાનુભાવોના સંપર્કમાં આવી છું અને અસાધારણ ઘટનાઓની સાક્ષી અને ક્વચિત એમાં ભાગીદાર રહી છું … પરિવારમાં અને જાહેર જીવનમાં જે પરિસ્થિતિમાં મારા તરુણાઈના દિવસો વીત્યા છે એ કઠિન હતા, સહેલા નહોતા. આ જગત ભલા માણસો માટે બહુ નિદર્યી છે અને ખાસ કરીને સંવેદનશીલ લોકો માટે તો ખાસ. છેલ્લાં આઠ વર્ષમાં મેં ખૂબ સંઘર્ષ કર્યો છે અને એ અવિરત ચાલુ છે. આ દરમ્યાન મને ક્યારે ય એવું નથી લાગ્યું કે હું કોઈ બહુ મહાન કામ કરી શકું એમ છું.
હવે મને એવો અનુભવ થઈ રહ્યો છે કે હું નાનકડા પીંજરામાં પુરાયેલું પક્ષી છું. હું ગમે એ દિશામાં પાંખ ફેલાવું, મને એ નાનકડા પીંજરાની દીવાલો ભટકાય છે. હવે સમય આવી ગયો છે કે હું મારી પોતાની જિંદગી જીવું. શું આ ઠીક કહેવાશે? હું નથી જાણતી. અત્યારે તો હું મુક્ત થવા તલસી રહી છું અને મને મારી પોતાની દિશામાં ઊડવું છે. કૉન્ગ્રેસપ્રમુખ તરીકેના દિવસો મને ઉત્સાહવર્ધક લાગ્યા છે તો ત્રાસનો પણ અનુભવ કર્યો છે, પણ એ એક સાર્થક અનુભવ હતો. હું જો કૉન્ગ્રેસપ્રમુખ તરીકે ચાલુ રહીશ તો એ મારા માટે રાજીપાના દિવસો નહીં હોય. મને એમ લાગે છે કે હું એના માટે યોગ્ય નથી.
આ પત્રની એક કૉપી તેમણે તેમની અંતરંગ મિત્ર ડૉરોથી નૉર્મનને મોકલી હતી જે યેલ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં ડૉરોથી નૉર્મન પેપર્સમાં સંગ્રહાયેલી છે.
બીજા દિવસે સવારે નેહરુને પત્ર આપ્યા પછી નેહરુની સંમતિ સાથે તેમણે નિવેદન બહાર પાડ્યું હતું કે તેઓ કૉન્ગ્રેસ પક્ષના પ્રમુખપદના ઉમેદવાર નથી. આ બાજુ જવાહરલાલ નેહરુનો પણ ઇન્દિરા ગાંધી માટે બહુ ઊંચો અભિપ્રાય નહોતો. નેહરુને ઇન્દિરા ગાંધી હંમેશાં સામાન્ય શક્તિ ધરાવતાં મીડિયોકર લાગતાં હતાં. નેહરુના અફાટ શબ્દરાશિમાં તેમણે ઇન્દિરા ગાંધીની અસાધારણ શક્તિનાં ઓવારણાં લીધાં હોય કે મોટી અપેક્ષા વ્યક્ત કરી હોય એવું તમને જોવા નહીં મળે. નહોતો ઇન્દિરા ગાંધીને પોતાના પર વિશ્વાસ કે નહોતો નેહરુને ઇન્દિરા ગાંધીની ક્ષમતા પર વિશ્વાસ. ઊલટું ઇન્દિરા ગાંધીના મનમાં ભયની અને અસલામતીની ગ્રંથિ હતી. ૧૯૬૩ના નવેમ્બર મહિનામાં એક દિવસ બ્રિટિશ ફિલ્મ-ક્રિટિક અને લેખિકા મારી સેટોને ઇન્દિરા ગાંધીને પૂછ્યું હતું કે તેઓ તેમના પિતાના રાજકીય વારસ બનવા માગે છે કે કેમ? ઇન્દિરા ગાંધીએ તેમને તરત ઉત્તર આપ્યો હતો કે જો એવી કોઈ ઘટના બનતી નજરે પડશે તો તેઓ મને મારી નાખશે. તેમનો અર્થ રાજકીય હરીફ થાય છે.
આમ ૧૯૬૪ના મે મહિનામાં જવાહરલાલ નેહરુનું અવસાન થયું ત્યાં સુધી ઇન્દિરા ગાંધી સત્તાના ગલિયારામાં હોવા છતાં, નહોતાં. તેઓ ઇન્દિરા નેહરુ તરીકે મોટી રાજકીય હસ્તી હતાં, પરંતુ એ સાથે ભયભીત હતાં. તેઓ ઘર પણ સાચવવા માગતાં હતાં અને પિતાની સેવા પણ કરવા માગતાં હતાં. તેઓ અત્યંત ઋજુ અને સંવેદનશીલ હતાં, પણ ભીંસમાં આવે તો પોતે પોતાનો દૃઢ નિર્ણય લઈ શકતાં હતાં અને આક્રમક પણ બની શકતાં હતાં. કેરળની બાબતમાં પહેલી વખત આ જોવા મળ્યું હતું. આવું એક ઝટ ન સમજાય એવું કૉમ્પ્લેક્સ રસાયણ ઇન્દિરા ગાંધી ધરાવતાં હતાં જે આવનારાં વર્ષોમાં પ્રગટ થવાનું હતું. કૉન્ગ્રેસના નેતાઓ પણ આ રસાયણથી છેતરાયા હતા અને એનો શિકાર બની ગયા હતા.
[05 નવેમ્બર 2017]
– 2 –
ઇન્દિરા ગાંધી નેહરુ-ગાંધી વંશવાદનાં આર્કિટેક્ટ નહોતાં, લાભાર્થી હતાં
કામરાજ યોજના વિશે સર્વસાધારણ મત એવો છે કે એ નેહરુની ઇન્દિરા ગાંધીને વારસદાર બનાવવા માટેની ચાલ હતી. આવું આપણને માનવું એટલા માટે પણ ગમે છે કે ભારત જેવા વારસાઈ મૂલ્યો ધરાવતા સામંતશાહી દેશમાં કોઈ નખશિખ લોકતાંત્રિક મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવતું હોય એ વાત માનવા આપણે તૈયાર નથી. નેહરુ કંઈ પણ કહે એ ઢોંગ છે, બાકી ભારતમાં કોઈ પોતાના સંતાનને વારસો આપ્યા વિના જાય એ શક્ય જ નથી. વારસાઈ મૂલ્યો આપણા ચિત્તમાં છે, નેહરુના ચિત્તમાં હતા કે નહીં એ પછીનો પ્રશ્ન છે
ગયા અઠવાડિયે આપણે જોયું કે ઇન્દિરા ગાંધી ભયભીત હતાં, અસુરક્ષાની ગ્રંથિ ધરાવતાં હતાં, તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ હતો અને જવાહરલાલ નેહરુ પણ ઇન્દિરા વિશે બહુ ઊંચો અભિપ્રાય નહોતા ધરાવતા. આની વચ્ચે જ્યારે ઘેરાઈ જાય અને સ્વબચાવ કે સ્વાર્થની વાત આવે ત્યારે તેઓ ઝડપી નિર્ણય લઈ શકતાં હતાં અને ગમે ત્યારે પાલો બદલી શકતાં હતાં એ આપણે કેરળની ઘટનામાં જોયું. ગમે ત્યારે તેઓ એક અંતિમથી બીજા અંતિમ જઈ શકતાં હતાં. ગમે ત્યારે કોઈનો હાથ પકડી શકતાં હતાં અને પતિ ફિરોઝ ગાંધી સહિત કોઈનો ય હાથ છોડી શકતાં હતાં. આમાં અપવાદ હતો જવાહરલાલ નેહરુનો. પિતા માટે તેમના મનમાં અસીમ ભક્તિ હતી.
આ બાજુ આફ્ટર નેહરુ હુ એ ભારતીય રાજકારણનો નેહરુની હયાતી સુધી હયાત રહેનારો પ્રશ્ન હતો. જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધી કંઈ પણ કહે, કૉન્ગ્રેસના નેતાઓ અને રાજકીય સમીક્ષકો એ માનવા તૈયાર નહોતા કે નેહરુ રાજકીય વારસો ઇન્દિરાને આપીને જવાના નથી અને ઇન્દિરા ગાંધી વારસદાર બનવાના નથી. ગયા અઠવાડિયે આપણે જોયું કે ટી.ટી. કૃષ્ણમાચારી (TTK)નું ઇન્દિરા ગાંધીને કૅબિનેટમાં લેવાનું સૂચન નેહરુએ ફગાવી દીધું હતું. બીજો એક પ્રસંગ ભુવનેશ્વરનો છે. ૧૯૬૪ના જાન્યુઆરી મહિનામાં નેહરુ કૉન્ગ્રેસ મહાસમિતિની બેઠકમાં ભાગ લેવા ભુવનેશ્વર ગયા હતા. આઠમી જાન્યુઆરીની સવારે નેહરુ બોલવા ઊભા થયા તો લથડી પડ્યા અને ઇન્દિરા ગાંધીએ તેમને ઝાલી લીધા. નેહરુને લકવાનો હળવો હુમલો આવ્યો હતો. એ સમયે ઓડિશાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બિજુ પટનાયકે ઇન્દિરા ગાંધીને કહ્યું હતું કે હવે તેમણે નાયબ વડા પ્રધાન તરીકે કૅબિનેટમાં જોડાવું જોઈએ. ઇન્દિરા ગાંધીએ ત્યારે – એટલે કે નેહરુનું અવસાન થયું એના ચાર મહિના પહેલાં – કૅબિનેટમાં જોડાવાની ના પાડી દીધી હતી.
ઇન્દિરા ગાંધીને રાજકીય વારસ બનાવવામાં આવનાર છે અને ઇન્દિરા ગાંધી બનવાના છે એમ માનવા માટે એક ઘટના કારણભૂત હતી. કામરાજ નાડર મદ્રાસના મુખ્ય પ્રધાન હતા. તેમને સમજાઈ ગયું હતું કે દ્રવિડ આંદોલનના કારણે મદ્રાસ રાજ્યમાં (અત્યારનું તામિલનાડુ) કૉન્ગ્રેસનું કોઈ ભવિષ્ય નથી. ૧૯૬૭ની ચૂંટણીમાં દ્રવિડ કઝગમનો વિજય નિશ્ચિત છે. તેમણે સામેથી મુદત પહેલાં મુખ્ય પ્રધાનપદ છોડવાનો નિર્ણય લીધો અને એ પણ એ રીતે કે લાગલો રાષ્ટ્રીય રાજકારણમાં દબદબા સાથે પ્રવેશ મળી જાય. તેમણે કૉન્ગ્રેસના નેતાઓને સૂચવ્યું કે નેહરુની કૅબિનેટના વરિષ્ઠ પ્રધાનોએ અને રાજ્યોના કેટલાક શક્તિશાળી મુખ્ય પ્રધાનોએ હોદ્દા પરથી મુક્ત થવું જોઈએ અને પક્ષ માટે કામ કરવું જોઈએ. એ યોજનાને કામરાજ યોજના કહેવામાં આવે છે. જવાહરલાલ નેહરુને પણ એ સૂચન ઠીક લાગ્યું અને ૧૯૬૩ના ઑગસ્ટ મહિનામાં બહુચર્ચિત કામરાજ યોજના અમલમાં આવી.
યોજનાના ભાગરૂપે કામરાજ સહિત છ રાજ્યોના મુખ્ય પ્રધાનોએ અને બીજા કેટલાક કેન્દ્રીય પ્રધાનોએ રાજીનામાં આપ્યાં. રાજીનામાં આપનારા બીજા મુખ્ય પ્રધાનોમાં એક બિજુ પટનાયક પણ હતા જે હમણાં કહ્યું એમ ૧૯૬૪માં ઇન્દિરા ગાંધીને નાયબ વડાં પ્રધાન થવાનું સૂચન કરવાના હતા. આ સિવાય મૈસૂર (અત્યારનું કર્ણાટક)ના મુખ્ય પ્રધાન નિજલિંગપ્પા, પશ્ચિમ બંગાળના કદાવર નેતા અતુલ્ય ઘોષ, આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન નીલમ સંજીવ રેડ્ડી અને કેન્દ્રીય પ્રધાનોમાં મોરારજી દેસાઈ, લાલ બહાદુર શાસ્ત્રી, એસ.કે. પાટીલ, જગજીવન રામનો સમાવેશ થતો હતો. કામરાજ યોજનાના ભાગરૂપે જવાહરલાલ નેહરુએ પણ રાજીનામું આપીને પક્ષ માટે કામ કરવાની તૈયારી બતાવી હતી, પરંતુ નેહરુ અપવાદ છે એમ કહીને તેમના રાજીનામાની ઑફર સ્વીકારવામાં આવી નહોતી.
મોરારજી દેસાઈ અને બીજા ઘણા લોકો એમ માને છે કે કામરાજ યોજના એ મૂળમાં નેહરુની યોજના હતી જે કામરાજના નામે અમલમાં મૂકવામાં આવી હતી. એની પાછળનો ઇરાદો મોરારજી દેસાઈને સત્તાના રાજકારણમાંથી બહાર ધકેલવાનો હતો અને ઇન્દિરા ગાંધી માટે માર્ગ મોકળો કરવાનો હતો. આવો આક્ષેપ નેહરુની હયાતીમાં કરવામાં આવ્યો હતો અને એ જોઈને નેહરુને દુ:ખ પહોંચ્યું હતું. તેમણે કહ્યું હતું : આવી વારસાઈની વાતો કરવી એ સંસદીય લોકશાહીથી વિસંગત છે એ તો જાણે ખરું જ, પરંતુ મને આવી કલ્પના કરતાં પણ મનમાં અરુચિનો ભાવ પેદા થાય છે. ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે જો મારા પિતા મને તેમની રાજકીય વારસદાર બનાવવા માગતા હોત તો તેમણે મને કૅબિનેટમાં સ્થાન આપ્યું હોત, જ્યારે તેમણે મને લોકસભાની ચૂંટણી લડવાનું પણ ક્યારે ય કહ્યું નથી અને હું કોઈ ચૂંટણી લડી નથી.
તો પછી આ કામરાજ યોજના હતી કોની અને એની પાછળનો ઇરાદો શું હતો? મારું એવું માનવું છે કે એ યોજના રાજ્યોના વજનદાર મુખ્ય પ્રધાનોની હતી અને તેમનો ઇરાદો જક્કી અને સત્તાવાહી સ્વભાવના મોરારજી દેસાઈનું પત્તું કાપવાનો હતો. તેમનો ઇરાદો ઇન્દિરા ગાંધીને વડાં પ્રધાન બનાવવાનો હતો જેથી તેમની વગ જળવાઈ રહે. ગયા અઠવાડિયે આપણે જોયું એમ ઇન્દિરા ગાંધીએ કેરળમાં ડાબેરી સરકાર બરતરફ કરાવી હતી અને તેમણે તેમના પતિનો હાથ છોડીને જમણેરીઓનો હાથ પકડ્યો હતો. જેનામાં આત્મવિશ્વાસનો અભાવ હોય, જે ભયભીત હોય, જે વ્યક્તિ સ્વતંત્ર નિર્ણય ન લઈ શકતી હોય અને ઉપરથી જમણેરી હોય તો એનાથી વધારે શું જોઈએ? આ બાજુ મોરારજી દેસાઈ જ્યારે નેહરુનું સાંભળતા નથી તે ક્યાં આપણું સાંભળવાના હતા? તો કામરાજ યોજના રામ મનોહર લોહિયાની ભાષામાં કહીએ તો ગૂંગી ગુડિયાને સત્તામાં બેસાડવા માટેની અને મોરારજી દેસાઈને હાંસિયામાં ધકેલી દેવા માટેની હતી. એ કૉન્ગ્રેસના કદાવર નેતાઓની હતી અને નેહરુનો કે ઇન્દિરા ગાંધીનો એમાં કોઈ હાથ નહોતો.
આ મારું માનવું છે, પરંતુ આ દેશમાં મોટા ભાગના લોકો આમ માનવા તૈયાર નથી. કામરાજ યોજના વિશે સર્વસાધારણ મત એવો છે કે એ નેહરુની ઇન્દિરા ગાંધીને વારસદાર બનાવવા માટેની ચાલ હતી. આવું આપણને માનવું એટલા માટે પણ ગમે છે કે ભારત જેવા વારસાઈ મૂલ્યો ધરાવતા સામંતશાહી દેશમાં કોઈ નખશિખ લોકતાંત્રિક મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવતું હોય એ વાત માનવા આપણે તૈયાર નથી. નેહરુ કંઈ પણ કહે એ ઢોંગ છે, બાકી ભારતમાં કોઈ પોતાના સંતાનને વારસો આપ્યા વિના જાય એ શક્ય જ નથી. વારસાઈ મૂલ્યો આપણા ચિત્તમાં છે, નેહરુના ચિત્તમાં હતાં કે નહીં એ પછીનો પ્રશ્ન છે.
મને એમ લાગે છે કે નેહરુના મનમાં એવી કોઈ યોજના નહોતી અને એ હકીકત તેમનાં વક્તવ્યોમાં પ્રગટ થાય છે, TTK જેવી વ્યક્તિઓ સાથેની વાતચીતમાં પ્રગટ થાય છે, તેમના પત્રોમાં પ્રગટ થાય છે, ખાસ કરીને તેમના બનેવી રાજા હઠીસિંહ સાથેના પત્રવ્યવહારમાં પ્રગટ થાય છે (જેમાં નેહરુ પછી ઇન્દિરાની રાજકીય ભૂમિકા વિશે ચોખ્ખી ચર્ચા કરવામાં આવે છે), ઇન્દિરા ગાંધીનાં વક્તવ્યોમાં અને પત્રોમાં પ્રગટ થાય છે અને સૌથી વધુ તો તેમના આચરણમાં પ્રગટ થાય છે. નેહરુએ ઇન્દિરા ગાંધીને નહોતું લોકસભાની ચૂંટણી લડવા કહ્યું હતું, નહોતાં રાજ્યસભાનાં સભ્ય બનાવ્યાં તો પ્રધાન બનાવવા એ તો બહુ દૂરની વાત છે. આ બાજુ ઇન્દિરા ગાંધીએ પૂરા સમયના કૉન્ગ્રેસપ્રમુખ બનવાની ના પાડી દીધી હતી અને નેહરુના અવસાન પછી તેઓ લંડનમાં સ્થાયી થવા માગતાં હતાં એવાં પણ પ્રમાણ છે. તેમણે એક મકાન જોઈ પણ રાખ્યું હતું, પરંતુ એ તેમના બજેટની બહાર હોવાથી તેઓ ખરીદી શક્યાં નહોતાં.
આમ ઇન્દિરા ગાંધીને વડાં પ્રધાન બનાવવાની યોજના કૉન્ગ્રેસના વગદાર નેતાઓની હતી, બાપ-બેટીની નહોતી એમ મારું માનવું છે. તેઓ મોરારજી દેસાઈની વગનો છેદ ઉડાડીને પોતાની વગ જાળવી રાખવા માગતા હતા. વગદાર કૉન્ગ્રેસીઓમાંના કેટલાક મધ્યમમાર્ગી હતા જેઓ મોરારજી દેસાઈના જમણેરી અંતિમવાદનો વિરોધ કરતા હતા. કેટલાક વગદાર કૉન્ગ્રેસીઓ એવા પણ હતા જેમને એ જમાનામાં એમ લાગવા માંડ્યું હતું કે પક્ષની એકતા ટકાવી રાખવા માટે તેમ જ હજી પા પા પગલી ભરતા ભારતીય રાષ્ટ્ર અને લોકતંત્રને ટકાવી રાખવા માટે નેહરુ ખાનદાનની જરૂર છે. આવું માનનારાઓમાં વિનોબા ભાવે પણ હતા જેમનો કોઈ રાજકીય સ્વાર્થ નહોતો.
તો યોજના મોરારજી દેસાઈને હાંસિયામાં ધકેલી દેવાની હતી. કામરાજ યોજના એને માટે રચવામાં આવી હતી. કામરાજ યોજના હેઠળ રાજીનામું આપનારા કામરાજ, અતુલ્ય ઘોષ, એસ. નિજલિંગપ્પા, નીલમ સંજીવ રેડ્ડી, એસ.કે. પાટીલ અને બિજુ પટનાયક ૧૯૬૩ના ઑક્ટોબર મહિનામાં આંધ્ર પ્રદેશના તિરુપતિમાં ગુપ્ત રીતે મળ્યા હતા અને ત્યાં નિર્ણય લેવાયો હતો કે નેહરુ જ્યારે અવસાન પામે ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીને વડા પ્રધાન બનાવવા. ઇન્દિરા ગાંધીને વિંગમાં ઊભાં રાખવા અને મોરારજીભાઈને તો બને તો હૉલમાં પણ પ્રવેશ ન આપવો. આગળ કહ્યું એમ ૧૯૬૪ના જાન્યુઆરી મહિનામાં ભુવનેશ્વરમાં જવાહરલાલ નેહરુ માંદા પડ્યા અને નાયબ વડા પ્રધાન બનવાનું બિજુ પટનાયકનું સૂચન ઇન્દિરા ગાંધીએ ફગાવી દીધું ત્યારે તિરુપતિની સિન્ડિકેટે કામરાજ યોજના હેઠળ રાજીનામું આપનારા લાલ બહાદુર શાસ્ત્રીને કૅબિનેટમાં પાછા લેવા માટે નેહરુને સમજાવ્યા હતા. શાસ્ત્રીને ખાતા વિનાના પ્રધાન બનાવવામાં આવે છે અને તેમનું મુખ્ય કામ નેહરુને મદદરૂપ થવાનું હતું. એક રીતે તેઓ નાયબ વડા પ્રધાન હતા.
મોરારજી દેસાઈએ કામરાજની યોજનાને ગંભીરતાથી લીધી નહોતી. તેઓ ઇન્દિરા ગાંધીને નેહરુની બેવકૂફ પુત્રી તરીકે જોતા હતા અને લાલ બહાદુર શાસ્ત્રીને કદ વિનાના નેતા તરીકે. તેઓ પોતાને ઇન્દુલાલ યાજ્ઞિકના શબ્દોમાં કહીએ તો સર્વોચ્ચ સમજતા હતા. છેક નેહરુના અવસાન સુધી મોરારજીભાઈ ગાફેલ રહ્યા હતા, પરંતુ ઇન્દિરા ગાંધી ગાફેલ નહોતાં. લંડનમાં સ્થાયી થવાની યોજના બર નહોતી આવતી અને બન્ને છોકરા ભણવામાં સામાન્ય હતા એટલે રાજકારણમાં ક્યાંક ગોઠવાઈ રહેવાનો તેમનો ઇરાદો હતો. તેમના આંતરમનમાં નેહરુનો વારસો કેવોક બળૂકો છે અને રાજકીય દુશ્મનો કેટલા તાકાતવાન છે એ ચકાસી લેવાનું પણ ચાલતું હશે. તેમણે બધા જ વિકલ્પ ખુલ્લા રાખ્યા હતા, પરંતુ મોરારજી દેસાઈ પોતાનામાં મગ્ન હતા : મારા વિકલ્પનો કોઈ વિકલ્પ જ નથી.
ગયા અઠવાડિયે વેલ્લેસ હેન્જન નામના અમેરિકન પત્રકાર અને તેના પુસ્તક ‘આફ્ટર નેહરુ, હુ?’ની વાત કરવામાં આવી હતી. હેન્જન તેમના પુસ્તકમાં લખે છે કે ખરો સવાલ નેહરુ પછી કોણ એ નથી, પણ નેહરુના અનુગામી પછી કોણ એ છે. તેમણે કલ્પના કરી હતી કે લાલ બહાદુર શાસ્ત્રીને ઘણું કરીને નેહરુના અનુગામી બનાવવામાં આવશે. એ પછી કૉન્ગ્રેસની એકતા, દેશની સ્થિરતા, લોકતંત્રનો તકાદો અને કૉન્ગ્રેસમાં જમણેરી-ડાબેરી અભિગમોના રાજકીય ધ્રુવો રચાશે અને એ વિશે ચર્ચા શરૂ થશે. એ ચર્ચાના કેન્દ્રમાં ઇન્દિરા ગાંધી હશે. કૉન્ગ્રેસની એકતા માટે ઇન્દિરા ગાંધી. દેશની સ્થિરતા માટે ઇન્દિરા ગાંધી. લોકોની ચાહના ઇન્દિરા ગાંધી. નેહરુના મધ્યમ માર્ગને ટકાવી રાખવા માટે ઇન્દિરા ગાંધી. ટૂંકમાં, નેહરુના અનુગામી પછીના અનુગામી ઇન્દિરા ગાંધી હશે એમ હેન્જન ૧૯૭૦માં ૪૦ વરસની વયે મૃત્યુ પામતા પહેલાં તેના પુસ્તકમાં કહી ગયો હતો. આવી સચોટ રાજકીય આગાહી એની પાછળનાં પરિબળોની છણાવટ સહિત ભાગ્યે જ જોવા મળશે.
તો વાતનો સાર એટલો કે ભારતીય સમાજમાં પ્રવર્તમાન વંશવાદી માનસિકતાનો કેટલાક કૉન્ગ્રેસીઓએ અંગત ફાયદા માટે ઉપયોગ કર્યો હતો જેનો ઇન્દિરા ગાંધીને લાભ મળ્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો ઇન્દિરા ગાંધી નેહરુ-ગાંધી વંશવાદનાં આર્કિટેક્ટ નહોતાં, લાભાર્થી હતાં.
[12 નવેમ્બર 2017]
– 3 –
ઇન્દિરા ગાંધીએ 1965માં નેહરુના વારસદાર બનવાનો નિર્ણય લઈ લીધો હતો
એક ઓછી જાણીતી વાત તે સમયે રાષ્ટૃપતિ રાધાકૃષ્ણન્ના પુત્ર અને જાણીતા ઇતિહાસકાર એસ. ગોપાલે કહી છે. એસ. રાધાકૃષ્ણને ઇન્દિરા ગાંધીને વડાં પ્રધાન બનાવવા માટે સક્રિય રસ લીધો હતો. તેઓ કોન્ગ્રેસના સંસદસભ્યોને રાષ્ટૃપતિભવન પર બોલાવતા હતા અને ઇન્દિરા ગાંધીને ટેકો આપવા સમજાવતા હતા. રાષ્ટૃપતિ રાષ્ટૃપતિભવનમાં બેસીને રાજકારણ કરે એ કોઈ આજની બીમારી નથી.
૨૨મી મે ૧૯૬૪ના રોજ જવાહરલાલ નેહરુએ પત્રકાર પરિષદ બોલાવી હતી. દેશવિદેશના ૨૦૦ કરતા વધુ પત્રકારો તેમાં આવ્યા હતા. સવાલ અનેક હતા જેમાં એક સવાલ જુદીજુદી રીતે વારંવાર ઉપસ્થિત થતો હતો; આફ્ટર નેહરુ, હુ. અનેક વાર પ્રશ્ન ટાળ્યા પછી જવાહરલાલ નેહરુએ કંટાળીને જવાબ આપ્યો હતો; માય લાઈફ ઈઝ નોટ એન્ડીંગ સો વેરી સૂન. તેમની એ ભવિષ્યવાણી ખોટી પડી હતી અને પાંચ દિવસ પછી ૨૭મી મેના રોજ બપોરે નેહરુનું અવસાન થયું હતું.
નેહરુ તેમના વસિયતનામામાં કહી ગયા હતા કે તેમના મૃત્યુ પછી અતિમસંસ્કાર કરતી વખતે અને એ પછી કોઈ ધાર્મિક વિધિ કરવામાં ન આવે. ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસના નેતાઓના દબાણ હેઠળ આવીને તેમના પિતાની ઈચ્છા વિરુદ્ધ જઇને ધાર્મિક વિધિ કરાવી હતી. કોંગ્રેસના નેતાની અંતિમવિધિ ધાર્મિક વિધિ વિના સેક્યુલર રીતે થાય એમાં કોંગ્રેસના નેતાઓને રાજકીય જોખમ નજરે પડ્યું હતું. પિતાની અંતિમ ઈચ્છાની વિરુદ્ધ જવું એ ઇન્દિરા ગાંધી માટે વસમો નિર્ણય હતો અને આજે પણ એ માટે ઇન્દિરા ગાંધીની ટીકા કરવામાં આવે છે.
જવાહરલાલ નેહરુની અંતિમ વિધિ પત્યા પછી કોને વડા પ્રધાન બનાવવા એનું રાજકારણ શરુ થાય છે. મોરારજી દેસાઈ તો રિંગમાં હતા જ. ૩૦મી મેએ લાલ બહાદુર શાસ્ત્રી ઇન્દિરા ગાંધીને મળવા તીન મૂર્તિ હાઉસ ખાતે જાય છે અને ઇન્દિરા ગાંધીને કહે છે: ‘અબ આપ મુલ્ક કો સંભાલ લીજીએ’. ઇન્દિરા ગાંધી વડા પ્રધાન બનવાની ના પાડે છે અને એ સાથે વિવેક પૂરો થાય છે. લાલ બહાદુર શાસ્ત્રીને પોતાને અને તેમને ટેકો આપનારા સિન્ડીકેટના નેતાઓને બે વાતની જાણ હતી. એક તો એ કે લાલ બહાદુર શાસ્ત્રીને જો વડા પ્રધાન બનાવવા હોય તો ઇન્દિરા ગાંધીના ટેકાની જરૂર છે. કોંગ્રેસના સંસદસભ્યોની નેહરુ માટેની શ્રદ્ધાનું ઇન્દિરા ગાંધી પ્રતિનિધિત્વ કરતાં હતાં. તેમને બીજી જાણ એ વાતની હતી કે મોરારજી દેસાઈ વિવેક પૂરતા કે રાજકીય રમતના ભાગરૂપે પણ ઇન્દિરા ગાંધીને વડા પ્રધાનપદની ઓફર કરવાના નથી. મોરારજીભાઈનું અભિમાન એમાં આડું આવતું હતું. દેખીતી રીતે ઇન્દિરા ગાંધીએ લાલ બહાદુર શાસ્ત્રીને ટેકો આપ્યો હતો.
ઇન્દિરા ગાંધીએ લાલ બહાદુર શાસ્ત્રીને ટેકો આપ્યો એ પછી મોરારજીભાઈ માટે દાવેદારી પડતી મુકવા સિવાય અને શાસ્ત્રીને ટેકો આપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. બીજી જૂને કોંગ્રેસ સંસદીય પક્ષની બેઠકમાં રખેવાળ વડા પ્રધાન ગુલઝારીલાલ નંદાએ લાલ બહાદુર શાસ્ત્રીનું નામ સૂચવ્યું હતું જેને મોરારજી દેસાઈએ ટેકો આપ્યો હતો. એ પછી લાલ બહાદુર શાસ્ત્રીએ કોંગ્રેસ સંસદીય પક્ષને સંબોધતા જે પહેલું પ્રવચન કર્યું હતું, તેમાં તેમણે ઇન્દિરા ગાંધીના સક્રિય સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. લાલ બહાદુર શાસ્ત્રીએ ઇન્દિરા ગાંધીને માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન બનાવ્યાં હતાં અને રીતે ઇન્દિરા ગાંધી પહેલીવાર સરકારમાં જોડાય છે. ઇન્દિરા ગાંધી દાવો કરતાં હતાં કે વડા પ્રધાને તેમને વિદેશ ખાતાની ઓફર કરી હતી, પરંતુ તેઓ નેહરુના સ્મારક માટે સમય કાઢવા માંગતાં હતાં એટલે તેમણે માહિતી અને પ્રસારણનું હળવું ખાતું પસંદ કર્યું હતું. આ બાજુ મોરારજી દેસાઈ શાસ્ત્રીના પ્રધાન મંડળમાં જોડાયા નહોતા. પોતાનાથી જુનિયર અને ક્ષમતા વિનાના વડા પ્રધાનના પ્રધાન મંડળમાં જોડતા તેમને નાનપ લાગતી હતી.
નેહરુના વારસદાર બનવાની, લોકસભાની ચૂંટણી લડવાની તેમ જ સરકારમાં જોડાવાની સતત ના પાડતાં રહેલાં ઇન્દિરા ગાંધી લાલ બહાદુર શાસ્ત્રીના પ્રધાન મંડળમાં શા માટે જોડાયાં એ વિષે ઇન્દિરા ગાંધીએ તેમની બહેનપણી નોર્મન ડોરોથીને લખ્યું હતું કે નેહરુના અવસાન પછી દિલ્હીમાં રહેવા માટે તેમને મકાનની અને પૈસાની જરૂર હતી. જો પ્રધાન બને તો તેમને એ બંન્ને ચીજ મળી શકે એમ હતી. આ ઉપરાંત ગયા સપ્તાહે કહ્યું હતું એમ તેઓ રાજકારણનો વિકલ્પ ખુલ્લો રાખવા માંગતાં હતાં. સંજોગો કઈ રીતે આકાર લે છે અને શું બને છે એને આધારે તેઓ ભવિષ્યમાં પોતાનો માર્ગ નક્કી કરવા માગતાં હતાં.
કેન્દ્રીય પ્રધાન તરીકેનું તેમનું કામ જરા ય નોંધપાત્ર નહોતું. કેબીનેટની બેઠકમાં અને સંસદમાં તેઓ ભાગ્યે જ બોલતાં હતાં. મને એમ લાગે છે કે એક વરસની અસમંજસ અવસ્થા પછી ૧૯૬૫માં તેમણે પૂરી તાકાત અને ગંભીરતા સાથે રાજકારણ કરવાનો નિર્ણય લીધો હોવો જોઈએ. એ એક વરસમાં તેમને એ પણ સમજાઈ ગયું હતું કે નેહરુની પુત્રી હોવાની તાકાત તેઓ ધારતા હતાં એના કરતાં અનેકગણી વધારે છે. ઇન્દિરા ગાંધીએ કાઠું કાઢવાનું અને લાલ બહાદુર શાસ્ત્રીની અવગણના કરવાનું શરુ કર્યું હતું. ૧૯૬૫માં તામિલનાડુમાં થયેલા હિન્દી વિરોધી આંદોલન વખતે અને એ પછી કાશ્મીરમાં પેદા થયેલી અશાંતિ વખતે તેમણે લાઈન તોડીને અને વડા પ્રધાનને નીચા દેખાડવાનું શરુ કરી દીધું હતું. ગૃહ કે સંરક્ષણ ખાતું નહીં સંભાળતાં હોવા છતાં ઇન્દિરા ગાંધી કાશ્મીર પહોંચી ગયાં હતાં. પરિસ્થિતિ એવી બની કે એક સમયે લાલ બહાદુર શાસ્ત્રીએ ઇન્દિરા ગાંધીને કાશ્મીરથી દિલ્હી પાછા આવવાનો આદેશ આપ્યો હતો જેને ઇન્દિરા ગાંધીએ ગણકાર્યો નહોતો. લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધી વચ્ચેના મધુર સંબંધનો અંત આવી ગયો હતો.
ઇતિહાસમાં જો અને તોનો કોઈ અર્થ હોતો નથી, એ છતાં સવાલ થાય કે જો લાલ બહાદુર શાસ્ત્રીનું ૧૯૬૬ના જાન્યુઆરી મહિનામાં અવસાન ન થયું હોત તો શું થાત? મને એમ લાગે છે કે ૧૯૬૭ની લોકસભાની ચૂંટણી પછી ઇન્દિરા ગાંધીએ લાલ બહાદુર શાસ્ત્રી સામે વડા પ્રધાનપદની દાવેદારી કરી હોત. જો કોંગ્રેસના જમણેરી નેતાઓની સિન્ડીકેટે ઇન્દિરા ગાંધીની જગ્યાએ લાલ બહાદુર શાસ્ત્રીને ટેકો આપ્યો હોત તો કોંગ્રેસનું વિભાજન ૧૯૬૯માં થયું એ બે કે ત્રણ વરસ વહેલું થાત. પાકિસ્તાન સાથેના યુદ્ધ પછી રશિયાની મધ્યસ્થીમાં તાશ્કંદમાં શાસ્ત્રીજીએ પાકિસ્તાન સાથે જે સમાધાન કર્યું એને મુદ્દો બનાવીને ૧૯૬૬માં જ લાલ બહાદુર શાસ્ત્રીને ઘેરવામાં આવ્યા હોત. પાકિસ્તાન સાથેના કરારની વિગતો આવી ત્યારે જ દિલ્હીમાં અસંતોષ અને આક્રોશ પેદા થતો હતો, પરંતુ બીજી સવારે શાસ્ત્રીજીનું અવસાન થતાં સ્થિતિ બદલાઈ ગઈ હતી.
આમ આગળ કહ્યું એમ ઇન્દિરા ગાંધીએ ૧૯૬૫માં નેહરુના વારસદાર બનવાનો નિર્ણય લઈ લીધો હતો અને તરત જ ૧૯૬૬માં લાલ બહાદુર શાસ્ત્રીનું અવસાન થતાં તેમને તક મળી ગઈ હતી.
કેન્દ્રીય પ્રધાન તરીકેની ઇન્દિરા ગાંધીની કામગીરી એટલી સાધારણ હતી કે મોરારજી દેસાઈ સહિત કેટલાક નેતાઓને એમ લાગતું હતું કે ઇન્દિરા ગાંધી વડા પ્રધાન બની શકે એવી કોઈ લાયકાત ધરાવતાં નથી એટલે જો તેઓ દાવો કરશે તો પણ પક્ષ તેમની દાવેદારીને ટેકો આપશે નહીં. આ બાજુ કોંગ્રેસના જમણેરી નેતાઓને એવાં વડા પ્રધાન જોઈતા હતા જેને તેઓ નચાવી શકે. તેઓ પોતાની વગ ઓછી થાય એવું ઈચ્છતા નહોતા. ગયા અઠવાડિયે કહ્યું હતું એમ ૧૯૬૩ના ઓક્ટોબર મહિનામાં સિન્ડીકેટના નેતાઓ આંધ્રપ્રદેશના તિરુપતિમાં ગુપ્ત રીતે મળ્યા હતા અને ત્યાં નિર્ણય લેવાયો હતો કે નેહરુ જ્યારે અવસાન પામે ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીને વડા પ્રધાન બનાવવા. ઇન્દિરા ગાંધીને વીંગમાં ઊભાં રાખવાં અને મોરારજીભાઇને તો બને તો હોલમાં પણ પ્રવેશ ન આપવો. આમ લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન પછી વીંગમાં ઊભાં રાખવામાં આવેલાં ઇન્દિરા ગાંધીને સ્ટેજ પર બોલાવવામાં આવ્યાં હતાં.
૧૧મી જાન્યુઆરીએ લાલ બહાદુર શાસ્ત્રીનું અવસાન થયાના સમાચાર મળ્યા પછી ઇન્દિરા ગાંધીએ સવારે સાડા પાંચ વાગે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન દ્વારકા પ્રસાદ મિશ્રાને દિલ્હી બોલાવ્યા હતા અને તેમની મદદ માગી હતી. એ સમયે ડી.પી. મિશ્રા ભારતીય રાજકારણના ચાણક્ય ગણતા હતા. ઇન્દિરા ગાંધીએ ડી.પી. મિશ્રાને રાજ્યોના મુખ્ય પ્રધાનોનો ટેકો મેળવી આપવાનું કામ સોંપ્યું હતું. ૧૫મી જાન્યુઆરીએ કોંગ્રેસ શાસિત આઠ રાજ્યોના મુખ્ય પ્રધાનોએ ઇન્દિરા ગાંધીની ઉમેદવારીને ટેકો આપ્યો હતો. બીજા દિવસે બીજા ચાર મુખ્ય પ્રધાનોએ ઇન્દિરા ગાંધીની તરફેણમાં નિવેદનો કર્યા હતા. કુલ ૧૪ રાજ્યોમાંથી આઠ રાજ્યોના મુખ્ય પ્રધાનોએ ઇન્દિરા ગાંધીને ટેકો આપ્યો હતો. હવે બાજી પલટાઈ ગઈ હતી. આ બાજુ સિન્ડીકેટના નેતાઓ કોઈપણ સંજોગોમાં મોરારજી દેસાઈને વડા પ્રધાન બનવા દેવા નહોતા માંગતા.
એક ઓછી જાણીતી વાત એ સમયના રાષ્ટ્રપતિ એસ. રાધાકૃષ્ણન્ના પુત્ર અને જાણીતા ઇતિહાસકાર એસ. ગોપાલે કહી છે. એસ. રાધાકૃષ્ણને ઇન્દિરા ગાંધીને વડા પ્રધાન બનાવવા માટે સક્રિય રસ લીધો હતો. તેઓ કોંગ્રેસના સંસદસભ્યોને રાષ્ટ્રપતિભવન પર બોલાવતા હતા અને ઇન્દિરા ગાંધીને ટેકો આપવા સમજાવતા હતા. રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિભવનમાં બેસીને રાજકારણ કરે એ કોઈ આજની બીમારી નથી. બીજી ઓછી જાણીતી વાત એ છે કે ઇન્દિરા ગાંધીનાં ફઈબા વિજયા લક્ષ્મી પંડિતે પ્રારંભમાં ઇન્દિરા ગાંધીની જગ્યાએ મોરારજી દેસાઈને ટેકો આપ્યો હતો. એ પછી જ્યારે તેમને ખાતરી થઈ ગઈ કે ઇન્દિરાના રથને કોઈ રોકી શકે એમ નથી ત્યારે તેમણે ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન બને એનું સ્વાગત કર્યું હતું. તેમનું નિવેદન મોઘમ હતું. તેમણે કહ્યું હતું કે ‘ઇન્દિરાને અનુભવ નથી, પરંતુ એ તો શીખી જશે. તેની તબિયત પણ સારી રહેતી નથી, પરંતુ સાથી પ્રધાનોના સહયોગથી મેનેજ કરી લેશે. ફઇ-ભત્રીજીનો સંબંધ કેવો હતો એ આમાં જોઈ શકાશે.
હવે ઇન્દિરા ગાંધી માટે રસ્તો સાફ થઈ ગયો હતો અને કોંગ્રેસના નેતાઓ તેમ જ કાર્યકરોએ ઇન્દિરા ગાંધીના ઘરે જઇને અભિનંદન આપવાનું શરુ કરી દીધું હતું, પરંતુ મોરારજી દેસાઈ હજુ પણ દાવો છોડવા તૈયાર નહોતા. ઇન્દિરા ગાંધીની ચાલાકી જુઓ; જીતવાની કોઈ શક્યતા નહીં હોવા છતાં મોરારજીભાઇ દાવો છોડતા નહોતા, જ્યારે ઇન્દિરા ગાંધી માટે રસ્તો મોકળો હોવા છતાં તેઓ વડા પ્રધાનપદનો વિધિવત દાવો કરતાં નહોતાં. બીજા લોકો પાસે બોલાવડાવતા હતાં અને પોતે ચૂપ રહીને વડાં પ્રધાન બનવાની બાબતે ઉદાસીન હોય એવો દેખાવ કરતાં હતાં.
૧૯મી જાન્યુઆરી ૧૯૬૬ના રોજ કોંગ્રેસના ઇતિહાસમાં પહેલી અને છેલ્લી વાર વડા પ્રધાનપદ માટે કોંગ્રેસ સંસદીય પક્ષમાં ચૂંટણી થાય છે જેમાં ઇન્દિરા ગાંધીનો મોરારજી દેસાઈ સામે ૩૫૫ વિરુદ્ધ ૧૬૯ મતથી વિજય થાય છે. વડાં પ્રધાન તરીકે મનોનીત થયા પછી ઇન્દિરા ગાંધી ટૂંકા પ્રવચનમાં જવાહરલાલ નેહરુને અને લાલ બહાદુર શાસ્ત્રીને અંજલિ આપે છે. એ પછી તેઓ મોરારજીભાઇ પાસે જઇને હાથ જોડીને નમસ્તે કરતા અંગ્રેજીમાં પૂછે છે: વિલ યુ બ્લેસ માય સકસેસ?
મોરારજી દેસાઈ કહે છે: આય ગીવ યુ માય બ્લેિંસગ.
પાછળનાં વર્ષોમાં ઇન્દિરા ગાંધીએ પોતાના વિજય માટે કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ તેમની સાથે હતા એના કરતાં મોરારજી દેસાઈની વિરુદ્ધમાં વધુ હતા જેનો તેમને ફાયદો થયો હતો.
મોરારજી દેસાઈ જેમને નેહરુની છોકરી તરીકે ઓળખાવતા હતા અને ડૉ. રામ મનોહર લોહિયા જેમને ગુંગી ગુડિયા તરીકે ઓળખાવતાં હતાં એ ઇન્દિરા ગાંધી ભારતના ત્રીજાં વડાં પ્રધાન બને છે એ સાથે ભારતીય રાજકારણમાં એક ઝંઝાવાતી યુગ શરુ થાય છે. એવો યુગ જેમાં લોકતંત્રનો હ્રાસ થયો હતો અને જાહેરજીવન અભડાયુ હતું.
[19 નવેમ્બર 2017]
– 4 –
ઇન્દિરા ગાંધી ધરાવતાં હતાં ભલભલા દિગ્ગજોને રમતમાં માત કરવાની આવડત
ઓડિશામાં ચૂંટણીપ્રચાર કરતી વખતે એક સભામાં તેમના પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો જે તેમના નાક પર વાગ્યો હતો. તેમણે વિચલિત થયા વિના લોહી નીંગળતા નાક સાથે અડધો કલાક ભાષણ કર્યું હતું. એ પથ્થરે અને લોહીએ ઇન્દિરા ગાંધીને બહાદુર માતા તરીકે સ્થાપિત કરી દીધાં હતાં. દુર્ઘટનાને અવસર બનાવવાની તેમનામાં અદ્ભુત ક્ષમતા હતી
ઇન્દિરા ગાંધીને કઠપૂતળીની જેમ નચાવી શકાશે એવી ધારણાથી દોરવાઈને કૉન્ગ્રેસના જમણેરી નેતાઓએ તેમને વડાં પ્રધાન બનાવ્યાં હતાં. ઇન્દિરા ગાંધી ગૂંગી ગુડિયા બની રહેશે અને એ સ્થિતિમાં વિરોધ પક્ષોને સત્તા સુધી પહોંચવાની તક મળશે એમ વિરોધ પક્ષો માનતા હતા. મોરારજી દેસાઈ તેમને નેહરુની છોકરી તરીકે ઓળખાવીને ઇન્દિરા ગાંધીની શક્તિને ઓછી આંકતા હતા. કોઈને એમ નહોતું લાગતું કે ઇન્દિરા ગાંધી જુદી માટીનાં છે અને તેઓ દરેકને ખૂણામાં ધકેલીને પોતાની જગ્યા બનાવી લેશે. મને એવો એક પણ રેફરન્સ નથી મળ્યો જેમાં કોઈએ કહ્યું હોય કે ઇન્દિરા ગાંધી સફળ અને કૃતનિશ્ચયી વડાં પ્રધાન સાબિત થશે.
ઇન્દિરા ગાંધી ઝડપથી પરિસ્થિતિનું આકલન કરી શકતાં હતાં. ઇન્દિરા ગાંધી ઝડપથી નિર્ણયો લઈ શકતાં હતાં. તેઓ અચાનક એક અંતિમથી બીજા અંતિમે જઈ શકતાં હતાં અને એમાં તેમણે ક્યારે ય સંકોચ અનુભવ્યો નહોતો. ઇન્દિરા ગાંધી કૃતનિશ્ચયી હતાં અને એટલે કદાચ તેમનામાં તાનાશાહનાં લક્ષણો હતાં. આશ્ચર્યની વાત એ છે કે પહેલા બે ગુણોનો પરિચય બીજા તો ઠીક, તેમના પિતાને પણ નહોતો થયો અને છેલ્લા બે ગુણોનો પરિચય તેમના વિરોધીઓને નહોતો થયો. પરિસ્થિતિનું ઝડપી આકલન, ઝડપથી નિર્ણય લેવાની ક્ષમતા અને કૃતનિશ્ચયતાનો પરિચય બંગલા દેશના યુદ્ધ વખતે થયો હતો. એક અંતિમથી બીજા અંતિમે જવાની તેમની ક્ષમતાનો પહેલી વાર પરિચય તેમણે કેરળની સામ્યવાદી સરકારને બરતરફ કરાવી ત્યારે જોવા મળ્યો હતો અને એ પછી અનેક વાર જોવા મળ્યો હતો. તેમની તાનાશાહીનો તો દેશને લાંબો અને કડવો અનુભવ છે.
વડાં પ્રધાન બન્યા પછી તરત જ ૧૯૬૬ના માર્ચ મહિનામાં ઇન્દિરા ગાંધી અમેરિકાની મુલાકાતે ગયાં હતાં. વડા પ્રધાન તરીકેની તેમની એ પહેલી વિદેશયાત્રા હતી. એ સમયે લીન્ડન જૉન્સન અમેરિકાના પ્રમુખ હતા. જૉન્સન ઇન્દિરા ગાંધીના ચાર્મિંગ વ્યક્તિત્વથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે ઇન્દિરા ગાંધીએ જે માગણી કરી એ બધી જ મંજૂર રાખી હતી અને માગ્યા કરતાં વધુ આપ્યું હતું. એ સમયે ઇન્દિરા ગાંધીના પિતરાઈ બી.કે. નેહરુ ભારતના અમેરિકા ખાતેના એલચી હતા અને તેમણે વર્ણવેલો પ્રસંગ ટાંકવા જેવો છે. ઇન્દિરા ગાંધીના માનમાં બી.કે. નેહરુએ પોતાના ઘરે નાનકડી પાર્ટી રાખી હતી. જૉન્સન પણ એમાં ઉપસ્થિત હતા અને ઇન્દિરા ગાંધીના લટ્ટુ હોય એમ તેમનાથી દૂર ક્યાં ય નહોતા જતા. જ્યારે ડિનરનો સમય થયો ત્યારે બી.કે. નેહરુનાં પત્ની ફોરી નેહરુએ મહેમાનોને જમવાના ટેબલ પર ગોઠવાવા કહ્યું હતું. અમેરિકન પ્રોટોકૉલ મુજબ વિદેશી મહેમાન માટે યોજવામાં આવતી ખાનગી પાર્ટીમાં પ્રમુખ હાજર રહેતા નથી અને તેમની જગ્યાએ ઉપપ્રમુખ હાજરી આપે છે. ફોરી નેહરુએ મજાકમાં કહ્યું પણ હતું કે સૉરી મિસ્ટર પ્રેસિડન્ટ, યૉર પ્રોટોકૉલ ડઝ નૉટ પરમિટ યુ ટુ જૉઇન અસ. પ્રમુખ જૉન્સને જવાબ આપ્યો હતો કે ટુડે આઇ વિલ બ્રેક ધ પ્રોટોકૉલ. જૉન્સન ડિનરમાં હાજર રહ્યા હતા. વિદાય લેતા પહેલાં પ્રમુખ જૉન્સને કહ્યું હતું : નો હાર્મ કમ્સ ટુ ધીસ ગર્લ.
ભારત પાછા ફર્યા પછી ઇન્દિરા ગાંધીએ રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું અને એ પણ ૫૭.૫ ટકા જેટલું. આ પગલું આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના આગ્રહ અને અમેરિકાના દબાણ હેઠળ લેવામાં આવ્યું હતું. ભારતની આર્થિક સ્થિતિ એવી હતી કે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. એ પગલાને પરિણામે જમણેરીઓ અને ડાબેરીઓ એમ બન્ને નારાજ થયા હતા. ઇન્દિરા ગાંધીને વડાં પ્રધાન બનાવવામાં સિંહફાળો આપનારા કામરાજ નારાજ થયા હતા. મોરારજી દેસાઈ, કામરાજ અને બીજા કૉન્ગ્રેસીઓએ મળીને કૉન્ગ્રેસ કાર્યસમિતિમાં ઇન્દિરા ગાંધીના નિર્ણયની નિંદા કરનારો ઠરાવ પસાર કર્યો હતો. હવે કામરાજ પણ ઇન્દિરા ગાંધીને હટાવવા માગતા હતા. એ સમયે કૉન્ગ્રેસમાં હજી લોકશાહી હતી. ઇન્દિરા ગાંધીએ નિંદાનો જવાબ આપતાં કહ્યું હતું કે સવાલ પક્ષ કોને ઇચ્છે છે અને જનતા કોને ઇચ્છે છે એનો છે અને એનો જવાબ મળી રહેશે.
ડાબરીઓને લાગતું હતું કે ઇન્દિરા ગાંધી અમેરિકાતરફી છે અને જમણેરીઓને લાગતું હતું કે ઇન્દિરા ગાંધી કરોડરજ્જુ વિનાનાં છે. બન્ને પક્ષો વિરોધમાં હોય તો જનતામાં ખોટો મેસેજ જાય. આમાંથી માર્ગ કાઢવો જરૂરી હતો. માર્ચ મહિનાના અંતમાં અમેરિકાથી પાછા ફર્યા પછી જુલાઈ મહિનામાં ઇન્દિરા ગાંધી મૉસ્કો જાય છે અને ત્યાં અમેરિકાની ટીકા કરતાં નિવેદનો કરે છે. આ નિવેદનને કારણે ઇન્દિરા ગાંધી પર સમરકંદ બુખારા વારી જનારા અને નો હાર્મ કમ્સ ટુ ધીસ ગર્લ કહેનારા પ્રમુખ જૉન્સન ગુસ્સે થાય છે. ભારત માટેના અનાજના શિપમેન્ટ રોકી દેવામાં આવે છે. ઇન્દિરા ગાંધીએ ડાબેરી માર્ગ અખત્યાર કરવાનો નિર્ણય લઈ લીધો હતો. આમાં બે ફાયદા હતા. એક તો ગરીબતરફી નીતિ અપનાવીને જમણેરી કૉન્ગ્રેસીઓનો મુકાબલો કરી શકાય એમ હતું. તેમણે હજી મહિના પહેલાં પક્ષની ઇચ્છા અને જનતાની ઇચ્છાની વિભાજનરેખા દોરી લીધી હતી અને જનતાની વચ્ચે કૉન્ગ્રેસના વડીલોને પડકારવાનો નિર્ણય લઈ લીધો હતો. બીજો ફાયદો એ હતો કે કૉન્ગ્રેસમાંના ડાબેરીઓનો ટેકો મળી શકે એમ હતો. તેમણે એકસાથે નેતા અને જનતા વચ્ચેની રેખા દોરી હતી અને તલવાર મ્યાનમાંથી કાઢી હતી. માત્ર ચાર મહિનામાં તેમણે રણનીતિ બદલી નાખી હતી.
હવે ઇન્દિરા ગાંધીનો ડાબેરી રાજકારણનો દોર શરૂ થાય છે. ૧૯૬૭ની લોકસભાની ચૂંટણીમાં તેમણે ભારતમાતાનું સૉન્ગ રચ્યું હતું. તેમણે કહ્યું કે ‘કૉન્ગ્રેસના અને વિરોધ પક્ષોના નેતાઓને તો તેમના પોતાના એક પરિવારની ચિંતા કરવાની હોય છે, જ્યારે મારા માટે આખો દેશ અને દેશની જનતા પરિવાર છે. તેમને બે ટંકનો રોટલો મળે એ મારી જવાબદારી છે. તેઓ ક્યારેક આપસમાં લડી પડે છે ત્યારે તેમને લડતા રોકવાની અને સંપ જાળવી રાખવાની જવાબદારી મારી છે. તેમની આંગળી પકડવાની અને આંસુ લૂછવાની જવાબદારી મારી છે. મારો ધર્મ શાસકનો નથી, માનો છે.’
ઓડિશામાં ચૂંટણીપ્રચાર કરતી વખતે એક સભામાં તેમના પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો જે તેમના નાક પર વાગ્યો હતો. તેમણે વિચલિત થયા વિના લોહી નીંગળતા નાક સાથે અડધો કલાક ભાષણ કર્યું હતું. એ પથ્થરે અને લોહીએ ઇન્દિરા ગાંધીને બહાદુર માતા તરીકે સ્થાપિત કરી દીધાં હતાં. દુર્ઘટનાને અવસર બનાવવાની તેમનામાં અદ્ભુત ક્ષમતા હતી.
આવાં હતાં ઇન્દિરા ગાંધી. ૧૯૬૭ની લોકસભાની ચૂંટણી તેઓ રાયબરેલીથી લડ્યાં હતાં અને ભવ્ય વિજય મેળવ્યો હતો, પરંતુ વિરોધ પક્ષોએ મોરચો રચ્યો હોવાથી કૉન્ગ્રેસની સંખ્યામાં આગલી લોકસભાની ચૂંટણીની તુલનામાં ૯૫ બેઠકોનો ઘટાડો થયો હતો. એ ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીનો વિરોધ કરનારા દિગ્ગજ નેતાઓ હારી ગયા હતા. ખુદ કામરાજ હારી ગયા હતા. આ ઉપરાંત એસ.કે. પાટીલ, અતુલ્ય ઘોષ, બીજુ પટનાયકનો પરાજય થયો હતો. ત્યારે એમ કહેવામાં આવતું હતું કે દિગ્ગજોના પરાજયમાં ઇન્દિરા ગાંધીનો હાથ હતો. ૧૯૬૭માં ઇન્દિરા ગાંધી પહેલી વાર લોકસભાની ચૂંટણી લડ્યાં હતાં અને પહેલી વાર સભ્ય તરીકે લોકસભામાં પ્રવેશ મેળવ્યો હતો. લાલ બહાદુર શાસ્ત્રીએ જ્યારે તેમને પ્રધાન બનાવ્યાં ત્યારે તેઓ રાજ્યસભાનાં સભ્ય બન્યાં હતાં.
મોરારજી દેસાઈને ત્યારે એમ લાગ્યું હતું કે કૉન્ગ્રેસની સંખ્યામાં થયેલો ઘટાડો ઇન્દિરા ગાંધીની અણઆવડત અને લોકોની નારાજગીનું પરિણામ છે એટલે વડા પ્રધાન બનવાનો અવસર તેમને મળી શકે એમ છે. બીજા દિગ્ગજો એમ નહોતા માનતા. તેમને સમજાઈ ગયું હતું કે કૉન્ગ્રેસની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં ઇન્દિરા ગાંધીની લોકપ્રિયતામાં વધારો થયો છે, લોકસભાના સભ્યો તેમને સાથ આપવાના છે. મોરારજી દેસાઈએ વડા પ્રધાનપદ માટે ઉમેદવારી જાહેર કરી દીધી હતી. છેવટે સમાધાનના ભાગરૂપે મોરારજી દેસાઈએ નાયબ વડા પ્રધાનપદ અને ગૃહ ખાતાની માગણી કરી હતી અને ઇન્દિરા ગાંધીએ તેમને નાયબ વડા પ્રધાનપદ અને નાણાં ખાતું આપીને મનાવી લીધા હતા. કૉન્ગ્રેસના વિભાજનનું આ સાથે મંગલાચરણ થઈ ગયું હતું.
કેબીનેટમાં હાડોહાડ જમણેરી મોરારજી દેસાઈ નાણાં પ્રધાન હતા અને આગળ કહ્યું એમ ડાબેરી નીતિ અપનાવવામાં ઇન્દિરા ગાંધીને રાજકીય ભવિષ્ય નજરે પડતું હતું. ગરીબ તરફી ભારતમાતા બનવા માટે ડાબેરી માર્ગ અપનાવવો જરૂરી હતું. ઇન્દિરા ગાંધીએ ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. ખાનગી વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. ખાનગી માલિકો પાસેથી ખાણો આંચકી લઈને તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. રાજા-મહારાજાઓને આપવામાં આવતા સાલિયાણાં બંધ કરવામાં આવ્યાં હતાં એટલું જ નહીં તેમના ટાઈલ્સ આંચકી લેવામાં આવ્યાં હતાં. વટહુકમો બહાર પાડીને એક પછી એક ધડાકા કરવામાં આવતા હતા જેને દેશની જનતા વધાવતી હતી અને કોંગ્રેસના દિગ્ગજો ખૂણે ધકેલાતા જતા હતા. મોરારજી દેસાઈના વિરોધનો કોઈ અર્થ નહોતો. ઇન્દિરા ગાંધીએ નાણાં ખાતું મોરારજીભાઈ પાસેથી લઈ લીધું હતું, પણ તેમને નાયબ વડા પ્રધાન તરીકે કાયમ રાખ્યા હતા. ઇન્દિરા ગાંધીને ખાતરી હતી કે અભિમાની મોરારજી દેસાઈ કેબીનેટમાં નહીં રહે અને સામેથી રાજીનામું આપીને જતા રહેશે અને બન્યું પણ એમ જ.
હવે સરકારમાં ઇન્દિરા ગાંધી સામેના વિઘ્નો દૂર થઈ ગયા હતા, માત્ર પક્ષમાંના વિઘ્નો દૂર કરવાના હતા જેની તક તેમને રાષ્ટ્રપતિ ડૉ. ઝાકીરહુસેનના અવસાન પછી મળી ગઈ હતી. કોંગ્રેસના દિગ્ગજોએ નીલમ સંજીવ રેડ્ડીને રાષ્ટ્રપતિ બનાવવાનો નિર્ણય લીધો હતો. કાર્યસમિતિમાં ઇન્દિરા ગાંધી બહુમતી નહોતાં ધરાવતાં એટલે તેમણે વિરોધ કર્યા વિના નીલમ સંજીવ રેડ્ડીનું નામ સ્વીકારી લીધું હતું, પરંતુ વિરોધી છાવણીનો માણસ રાષ્ટ્રપતિભવનમાં બેઠો હોય એમાં તેમને અસલામતી નજરે પડતી હતી. તેઓ મોકાની ખોજમાં હતાં અને જમણેરી નેતાઓએ મોકો આપી દીધો હતો.
એસ. નિજલિંગપ્પા એ સમયે કોંગ્રેસના પ્રમુખ હતા. ઇન્દિરા ગાંધી કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા તરીકે નીલમ સંજીવ રેડ્ડીને મત આપવાનો વ્હીપ જારી નહોતાં કરતાં એ જોઇને કોંગ્રેસના નેતાઓ ડરી ગયા હતા. તેમને એમ લાગ્યું હતું કે ઇન્દિરા ગાંધીના ઈશારે કેટલાક કોંગ્રેસીઓ સંજીવ રેડ્ડીની જગ્યાએ અપક્ષ ઉમેદવાર વી.વી. ગિરિને મત આપશે. ત્યારે એવું પણ માનવામાં આવતું હતું કે હાર્ડકોર કોંગ્રેસી અને ઉપ રાષ્ટ્રપતિ વી.વી. ગિરિએ અપક્ષ તરીકે ઉમેદવારી કરી તેની પાછળ ઇન્દિરા ગાંધીનો હાથ છે. આ સ્થિતિમાં ગભરાયેલા કોંગ્રેસી દિગ્ગજોએ જન સંઘ અને સ્વતંત્ર પાર્ટીનો ટેકો માંગ્યો હતો.
બસ, બળવો કરવા માટે ઇન્દિરા ગાંધીને તક મળી ગઈ હતી. હકીકતમાં એ હાથ લાગેલી તક નહોતી, પેદા કરવામાં આવેલી તક હતી. ઇન્દિરા ગાંધીએ જ વી.વી. ગિરિને અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રાખીને અને વ્હીપ જારી નહીં કરીને સિન્ડીકેટના નેતાઓને જન સંઘને શરણે જવા મજબૂર કરી દીધા હતા. કોંગ્રેસ ફાસીવાદીઓની મદદ લઈ કેમ શકે? શું ગાંધીજીની હત્યા ભૂલી જવામાં આવી છે, એવા સવાલો તેમણે કર્યાં હતાં અને વ્હીપ જારી કરવાની જગ્યાએ કોંગ્રેસી લોકપ્રતિનિધિઓને અંતરાત્માના અવાજને અનુસરીને મત આપવાની તેમણે અપીલ કરી હતી. બાજી પલટાઈ ગઈ. બાજી ઇન્દિરા ગાંધીએ ગોઠવી હતી જેમાં જમણેરી દિગ્ગજો ફસાઈ ગયા હતા. કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નીલમ સંજીવ રેડ્ડીનો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પરાજય થયો હતો અને અપક્ષ ઉમેદવાર વી.વી. ગિરિ રાષ્ટ્રપતિ બન્યા હતા. બાય ધ વે, કેન્દ્ર સરકારે ઇન્દિરા ગાંધીની જન્મ શતાબ્દી કેમ ન ઉજવી એવો જે સવાલ પુછાઈ રહ્યો છે તેનો જવાબ મળી ગયો હશે.
હવે કોંગ્રેસનું વિભાજન અટલ હતું એન એ થયું હતું. ઇન્દિરા ગાંધીની સરકાર લઘુમતીમાં મુકાઇ ગઈ હતી જેને ભારતીય સામ્યવાદી પક્ષે ટેકો આપ્યો હતો. હવે ભારતીય રાષ્ટૃીય કોંગ્રેસ ઇન્દિરા કોંગ્રેસ બની ગઈ હતી. હવે ભારતમાતા ઇન્દિરા ગાંધી દુર્ગા તરીકે દેશની જનતાના દિલનો કબજો કરવા માંગતા હતાં. પાકિસ્તાને તેમને એ તક આપી દીધી હતી. હવે ભારતીય રાજકારણમાં તાનાશાહીનો યુગ શરુ થવાનો હતો. હવે જવાહરલાલ નેહરુએ પોષેલી લોકશાહી સંસ્થાઓ પર તેમની પુત્રી દ્વારા જ કુઠારાઘાત થવાના હતા. હવે કોંગ્રેસમાં વંશવાદ અને ચાપલુસીનો યુગ શરુ થવાનો હતો. હવે કોંગ્રેસ પક્ષ રાજકીય પક્ષ મટીને ચૂંટણી લડવા અને જીતવાની યંત્રણામાં ફેરવાઈ જવાનો હતો. તેમનામાં રહેલી અસલામતી અને કોઈ પણ ભોગે ઉગરી જવાની તીવ્ર ભાવના(ઇન્સ્ટીંગ ઓફ ઇન્સીક્યોરિટી એન્ડ સર્વાંઈવલ)નું આ બધું પરિણામ હતું. આનાં સારાં-નરસાં બન્ને પ્રકારના પરિણામો દેશે ભોગવવા પડ્યા છે અને હજુ ભોગવી રહ્યો છે.
[26 નવેમ્બર 2017]
– 5 –
એક વાક્યમાં ઇન્દિરા ગાંધીના રાજકીય વારસાનો નિચોડ કાઢવો હોય ત શું કહી શકાય ? અદ્દભુત શક્તિઓનાં ધણી, પરંતુ તેઓ ખરાબ શાસક હતાં
ઘણા લોકો સવાલ કરે છે કે સામે ચાલીને ઇન્દિરા ગાંધીએ ઈમરજન્સી કેમ ઉઠાવી લીધી? એક ખુલાસો એવો આપવામાં આવે છે કે ઇન્દિરા ગાંધીને ગુપ્તચર સંસ્થાઓ પાસેથી રિપોર્ટ મળ્યો હતો કે ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે. બીજો ખુલાસો એવો આપવામાં આવે છે કે ઇન્દિરા ગાંધી નેહરુની પુત્રી થઈને ઈમરજન્સી લાદવા માટે અને લોકતંત્રનું ગળું ઘોંટવ માટે શરમ અનુભવતાં હતાં. તેઓ અપરાધભાવથી ગ્રસ્ત હતાં. મને બીજો ખુલાસો વધારે ગળે ઊતરે છે.
આખી ૨૦મી સદી પર નજર કરશો તો ધ્યાનમાં આવશે કે ૨૦મી સદીમાં મૂડીવાદ અને સમાજવાદ વચ્ચે સંઘર્ષ થયો છે અને બન્નેએ એકબીજાનો છેદ ઉડાડવાનો પ્રયાસ કર્યો છે. મૂડીવાદમાં લોકતંત્ર પાંગરે છે, પરંતુ સંપત્તિ થોડા હાથોમાં જમા થાય છે. છેલ્લા માણસ સુધી વિકાસનો લાભ પહોંચતો નથી એ મૂડીવાદની મર્યાદા છે. બીજી બાજુ સમાજવાદમાં છેવાડાના માણસને વિકાસનો લાભ તો મળે છે, પરંતુ લોકતંત્રનો ક્ષય થાય છે અને ભ્રષ્ટાચાર વધે છે એ સમાજવાદની મર્યાદા છે. ૨૦મી સદીમાં જગતમાં એવો એક પણ દેશ નહોતો જે આદર્શ મૂડીવાદનું કે આદર્શ સમાજવાદનું મોડેલ વિકસાવી શક્યો હોય. આજે પણ એવી જ સ્થિતિ છે.
ભારત આઝાદ થયો ત્યારે તેની પાસે બે પડકાર હતા. એક તો દેશનો વિકાસ કરવો અને વિકાસના લાભ છેવાડાના માણસ સુધી પહોંચાડવો. એ વંચિત ન રહેવો જોઈએ. બીજો પડકાર દેશમાં ટકોરાબંધ લોકતંત્ર વિકસે એ માટે પ્રયાસ કરવો. સાચા લોકતંત્ર માટે લોકશાહી સંસ્થાઓ અને લોકતાંત્રિક પરંપરા વિકસે એ જરૂરી હતું. આગળ કહ્યું એમ જગતમાં સાચા સમાજવાદનું એક પણ મોડેલ નહોતું એ જોતા ભારતે પોતાની રીતે પ્રયાસ કરવાનો હતો અને સમાજવાદી મોડેલ વિકસાવવાનું હતું જેમાં લોકતંત્રનો ક્ષય ન થાય. જવાહરલાલ નેહરુએ મધ્યમ માર્ગ અર્થાત્ મિશ્ર અર્થતંત્ર અપનાવીને સાચા ટકોરાબંધ લોકતાંત્રિક સમાજવાદનું મોડેલ વિકસાવવાનું બીડું ઝડપ્યું હતું.
જવાહરલાલ નેહરુને આમાં સંપૂર્ણપણે સફળતા મળી હતી એવું પણ નહોતું તો તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યા હતા એવું પણ નહોતું. ભારતનો વિકાસ ધીમો હતો, પરંતુ લોકતંત્ર દિવસોદિવસ સદ્ધર થતું ગયું હતું. છેવાડાના માણસને ધીમી ગતિએ વિકાસના લાભો મળતા થયા હતા. ત્યારે ઘણા લોકો કહેતા હતા અને આજે પણ અનેક લોકો માને છે કે નેહરુએ મધ્યમ માર્ગ અપનાવીને ભૂલ કરી હતી. તેમના મતે નેહરુએ પાશ્ચત્ય મૂડીવાદના મોડેલને તેના દરેક અર્થમાં સંપૂર્ણપણે અપનાવવું જોઈતું હતું. મારો મત એવો છે કે નેહરુ પછીના શાસકોએ નેહરુના મધ્યમ માર્ગને પૂરી નિષ્ઠા સાથે અપનાવવો જોઈતો હતો. એટલી નિષ્ઠા સાથે જેટલી નેહરુમાં જોવા મળતી હતી. બન્ને બાબતે; સમ્યક વિકાસ અને ટકોરાબંધ લોકતંત્ર.
આમાં લાલ બહાદુર શાસ્ત્રીના ૧૮ મહિનાના ટૂંકા શાસનકાળને બાદ કરો તો બીજા શાસક ઇન્દિરા ગાંધી હતાં જેમણે તેમના પહેલા શાસનકાળ દરમ્યાન એકધારું ૧૧ વરસ અને બીજા શાસનકાળ દરમ્યાન પાંચ વરસ રાજ કર્યું હતું. નેહરુના મધ્યમ માર્ગના મોડેલને પૂરી નિષ્ઠા સાથે આગળ લઈ જવાની જવાબદારી નેહરુનાં પુત્રી ઇન્દિરા ગાંધીની હતી. જગતે હજુ સુધી જોયું નહોતું એવું મધ્યમમાર્ગીય લોકતાંત્રિક સમાજવાદનું મોડેલ વિકસાવવાનું બીડું નેહરુએ ઉઠાવ્યું હતું જે ઇંદિરા ગાંધી માટે વારસો બનવો જોઈતો હતો.
બન્યું ઊલટું. તેમણે રેડિકલ સમાજવાદને અપનાવીને લોકતંત્રનો ક્ષય કરવાનું શરુ કર્યું હતું. આ બધું છેવાડાના માણસને ન્યાય આપવાનાં નામે કરવામાં આવતું હતું જેમ બીજા સમાજવાદી દેશો કરતા હતા. ઇન્દિરા ગાંધીએ અપનાવેલું વલણ તેમના સમાજવાદી વિચારધારા ધરાવનારા કોંગ્રેસીઓની સલાહનું પરિણામ હતું કે પછી તેમની પોતાની આવી માન્યતા હતી કે તેમના એકાધિકારશાહી માનસને એ અનુકુળ હતું એ એક કૂટપ્રશ્ન છે. એમાં કોઈ શંકા નથી કે ઇન્દિરા ગાંધી ગરીબ માણસ માટે સાચી હમદર્દી ધરવતાં અને એમાં પણ કોઈ શંકા નથી તેઓ આપખુદશાહી વલણ ધરાવતાં હતાં. તેઓ તેમના સમાજવાદી વલણ ધરાવનારા મિત્રોની સલાહથી દોરવાઈને કે રશિયાના દબાણને વશ થઈને લોકશાહી વિરોધી સમાજવાદી વલણ અપનાવતાં થયાં હતાં એમ કહેવું એ ઇન્દિરા ગાંધીને અન્યાય કરવા જેવું ગણાશે. ઇન્દિરા ગાંધી કોઈના પ્રભાવમાં કે દબાણમાં આવે એવાં કાચાપોચાં શાસક નહોતાં.
સમાજવાદ એ એક ઓઠું હતું અને તેઓ દેશની ગરીબ જનતાને ભોળવીને સત્તા પોતાના હાથમાં કેન્દ્રિત કરવા માંગતા હતાં એવી સર્વસામાન્ય સમજ છે. બીજી બાજુ એક સમજ એવી પણ છે કે જમણેરી વલણ ધરાવનારા કોંગ્રેસીઓ તેમ જ નોકરશાહો અને બંધારણને ચુસ્તપણે વળગી રહેનારા જજો ઇન્દિરા ગાંધીને મુક્તપણે કામ કરવા દેતા નહોતા. એકાધિકારશાહી અને લોકતાંત્રિક સંસ્થાઓ તેમ જ પરંપરાઓ સાથે કરવામાં આવેલાં ચેડાં એ તેમની ગરીબો માટેની હમદર્દીમાંથી પેદા થયેલી જરૂરિયાત હતી. ઇન્દિરા ગાંધી વિષે આવા બે અંતિમોના અભિપ્રાય જોવા મળે છે. મારો અભિપ્રાય એવો છે કે ઇન્દિરા ગાંધીએ લોકતાંત્રિક સંસ્થાઓ અને પરંપરા સાથે કરેલાં ચેડાં એક અક્ષમ્ય અપરાધ હતો અને તેનો હમદર્દીના નામે બચાવ ન થઈ શકે. ગરીબો માટે હમદર્દી જવાહરલાલ નેહરુ પણ ધરાવતા હતા અને તેમની સામેના પડકારો ઇન્દિરા ગાંધી કરતાં પણ મોટા હતા, પરંતુ એ છતાં નેહરુએ ક્યારે ય લોકતાંત્રિક મૂલ્યો સાથે બાંધછોડ નહોતી કરી. વિકાસ, સામાજિક-આર્થિક ન્યાય અને સમાજવાદ કરતાં સ્વતંત્રતાલક્ષી લોકશાહી મૂલ્યો અદકેરાં છે. લોકતાંત્રિક મૂલ્યોનો વાળ પણ વાંકો ન થવો જોઈએ, પછી શાસકોની નિસબત સમાજવાદ માટેની હોય કે અત્યારે જોવા મળે છે એમ સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ માટેની હોય.
બેન્કોના અને ખાણોના કરવામાં આવેલા રાષ્ટ્રીયકરણના તેમ જ રાજાઓના રદ કરવામાં આવેલા સાલિયાણાંઓનાં પગલાંને અદાલતમાં પડકારવામાં આવ્યાં હતાં અને અદાલતોએ સંપત્તિ ધરાવવાના મૂળભૂત અધિકારોનાં નામે સરકારની વિરુદ્ધ ચૂકાદાઓ આપ્યા હતા. અમલદારો પણ ઇન્દિરા ગાંધીના સમાજવાદી વલણને બહુ અનુકુળ નહોતા. ઇન્દિરા ગાંધીએ જમણેરી કોંગ્રેસીઓના, ન્યાયતંત્રનાં અને અમલદારોનાં વલણને ગરીબ વિરોધી પ્રતિક્રિયાવાદી તરીકે ઓળખાવવાનું શરુ કર્યું હતું. પ્રતિક્રિયાવાદ અને પ્રતિક્રિયાવાદી એ યુગમાં સમાજવાદી વિશ્વની લાડલી સંજ્ઞા હતી જે જમણેરીઓને ગાળો આપવા માટે છૂટથી વપરાતી હતી. જમણેરીઓ તો જવાહરલાલ નેહરુના વખતમાં પણ હતા અને તેઓ કોંગ્રેસમાં ઘણો મોટો પ્રભાવ ધરાવતા હતા, પરંતુ જવાહરલાલ નેહરુએ તેમને પ્રતિક્રિયાવાદી તરીકે ઓળખાવીને નિંદા કરી હોય એવો એક પણ રેફરન્સ નેહરુ સાહિત્યમાં મને જોવા મળ્યો નથી. શા માટે? કારણ કે નેહરુની લોકતાંત્રિક મૂલ્યો માટેની પ્રતિબદ્ધતા અદકેરી હતી.
ગરીબોને ન્યાય મળે એ માટેની ઇન્દિરા ગાંધીની જદ્દોજહદની વચ્ચે આવતા કહેવાતા પ્રતિક્રિયાવાદીઓનો મુકાબલો કરવા ઇન્દિરા ગાંધીએ પહેલા પ્રતિબદ્ધ નોકરશાહીની અને એ પછી પ્રતિબદ્ધ ન્યાયતંત્ર(કમિટેડ બ્યુરોક્રસી એન્ડ કમિટેડ જ્યુડીશીઅરી)ની થીયરી આગળ કરી હતી. કોના માટે પ્રતિબદ્ધ? કહેવામાં એમ આવતું હતું કે ગરીબો માટે પ્રતિબદ્ધ, સામાજિક-આર્થિક ન્યાય માટે પ્રતિબદ્ધ, સમાજવાદ માટે પ્રતિબદ્ધ વગેરે; પરતું વાસ્તવમાં પ્રતિબદ્ધતા ઇન્દિરા ગાંધી માટે અપેક્ષિત હતી.
એ પછી પ્રતિબદ્ધતાના નામે અમલદારોને જીહજુરિયા બનાવી મુકવામાં આવ્યા હતા. પ્રતિબદ્ધતાના નામે કોંગ્રેસીઓને ચાપલૂસ દરબારીઓ બનાવી મુકવામાં આવ્યા હતા. પ્રતિબદ્ધતાના નામે સંસદીય પરંપરા સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. પ્રતિબદ્ધતાના નામે બંધારણના પ્રાણને જ નુકસાન પહોંચે એવા સુધારાઓ કરવામાં આવ્યા હતા. પ્રતિબદ્ધતાના નામે કોંગ્રેસમાં પક્ષઅંતર્ગત લોકતંત્ર ખત્મ કરવામાં આવ્યું હતું. પ્રતિબદ્ધતાના નામે ચૂંટણીપંચ, સી.એ.જી., સ્પીકર જેવી લોકતાંત્રિક સંસ્થાઓ અને હોદ્દાઓની સ્વાયત્તા છીનવી લેવામાં આવ્યા હતા. અને ચરમસીમા એ વાતની હતી કે પ્રતિબદ્ધતાના નામે ન્યાયતંત્ર અને સૈન્ય સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. આ બધું ગરીબોના હિતમાં કરવામાં આવે છે એવો દાવો કરવામાં આવતો હતો, પરંતુ વાસ્તવમાં તે ઇન્દિરા ગાંધીનાં હિતમાં કરવામાં આવતું હતું. ઇન્દિરા ગાંધી સામે કોઈ પડકાર પેદા ન થવો જોઈએ અને જો કોઈ પડકાર પેદા થાય તો તેને કોળાવા માટે કોઈ જગ્યા બચવી ન જોઈએ. પ્રતિબદ્ધ શાસનયંત્રણા તેનું કોઈને કોઈ જગ્યાએ ગળું દાબી દેશે.
આ બધું ગરીબોને ન્યાયના નામે કરવામાં આવતું હતું જેમ અત્યારે દેશપ્રેમના નામે કરવામાં આવે છે. બધા જ લક્ષણો એકસમાન છે એટલે સ્વતંત્રતાપ્રેમીઓએ સાવધાન રહેવાની જરૂર છે. ઊલટું અત્યારે વધારે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે ફાસીવાદ શાસકીય સમાજવાદ કરતા વધારે ખતરનાક છે. ૨૦મી સદી પર એક નજર કરી જોશો તો ફરક સમજાઈ જશે.
જ્યારે સમાજવાદી તખતો રચાઈ ગયો ત્યારે લાગ જોઇને ૧૯૭૧ના પ્રારંભમાં ઇન્દિરા ગાંધીએ લોકસભા બરખાસ્ત કરીને મધ્યસત્ર ચૂંટણી જાહેર કરી દીધી. આ પહેલાં કહ્યું હતું એમ કોંગ્રેસના વિભાજન પછી ઇન્દિરા ગાંધીની સરકાર લઘુમતી સરકાર હતી અને ભારતીય સામ્યવાદી પક્ષના સહારે ચાલતી હતી. એ પાંચમી લોકસભામાં ઇન્દિરા ગાંધીની કોંગ્રેસને ૫૨૦ બેઠકોમાંથી ૩૬૨ એટલે કે બે તૃતીયાંશ બેઠકો મળી હતી. કુલ ૫૫.૩ મતદાન થયું હતું અને ઇન્દિરા ગાંધીની કોંગ્રેસને ૪૩.૭ ટકા મત મળ્યા હતા. ઇન્દિરા ગાંધી સામે વિરોધ પક્ષોએ ગ્રેંડ એલાયન્સ કર્યું હતું જેને કુલ મળીને ૫૧ બેઠકો મળી હતી. કહેવાની જરૂર નથી કે ઇન્દિરા ગાંધીની કોંગ્રેસને મૂળ કોંગ્રેસની માન્યતા મળી ગઈ હતી. ત્યારે સંગઠીત વિરોધ પક્ષોના ઇન્દિરા હટાઓના નારાની સામે ઇન્દિરા ગાંધીના ગરીબી હટાઓના નારાનો ભવ્ય વિજય થયો હતો.
એક બાજુ ભવ્ય રાજ્યારોહણ થયું અને બીજી બાજુ પાકિસ્તાનમાં પૂર્વ પાકિસ્તાનનો એટલે કે બંગલાદેશનો પ્રશ્ન વકરતો જતો હતો. ઇન્દિરા ગાંધીએ પહેલા દિવસથી જ પાકિસ્તાનના સંકટનો લાભ લેવાનું શરુ કર્યું હતું અને તેમાં એક પણ તક નહોતી ગુમાવી. તેમને ૧૯૭૧ના પ્રારંભથી જ ખાતરી થઈ ગઈ હતી કે આ પાકિસ્તાનના ટુકડા કરવામાં ઉપયોગી નીવડે એવું સંકટ છે અને એમ જ બન્યું. એ ઘટના વિષે એટલું બધું લખાયું છે કે તેની પુનરોક્તિ કરવાની અહીં જરૂર નથી. એક વાત નોંધવી જોઈએ; ઇન્દિરા ગાંધીને હાથે પાકિસ્તાનનો પરાજય નહોતો થયો, અમેરિકા અને ચીનનો પરાજય થયો હતો. પાકિસ્તાનનો પરાજય તો એક ગૌણ ઘટના હતી. પાંચ વર્ષ પહેલાં જેને રબરસ્ટેમ્પ તરીકે સત્તામાં બેસાડવામાં આવ્યા હતા અને જેમને ગુંગી ગુડિયા તરીકે ઓળખવામાં આવતાં હતાં એ ભારતમાં દુર્ગા બની ગયાં હતાં અને વૈશ્વિક રાજકારણમાં મુત્સદી તરીકે પંકાયાં હતાં. બંગલાદેશનું યુદ્ધ જીત્યા પછી ૧૯૭૨માં વિધાનસભાઓની ચૂંટણી યોજાઈ હતી અને ઇન્દિરા ગાંધીનો દિગ્વિજય સંપૂર્ણ સિદ્ધ થઈ ગયો હતો.
કોઈના દિવસો ક્યારે ય એક સરખા જતા નથી અને જેઓ સાધનશુદ્ધિ વિનાનું ટૂંકા રસ્તાનું રાજકારણ કરે છે તેવા લોકોના દિવસો જલદી બદલાય છે. બંગલાદેશનું યુદ્ધ અને લોકસભા અને વિધાનસભાઓની ચૂટણીઓમાં ભવ્ય વિજય મેળવ્યા પછી ઇન્દિરા ગાંધીના દા’ડા બદલાવા લાગ્યા હતા. મુખ્યત્વે ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારી સામે લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં અસંતોષ પેદા થવા લાગ્યો હતો. શરુઆત ગુજરાતથી થઈ હતી. (આને યોગાનુયોગ કહેશો કે ગુજરાતની તાસીર?) એ પછી આંદોલન બિહારમાં વિસ્તર્યું હતું. જયપ્રકાશ નારાયણ મેદાનમાં ઊતર્યા પછી આંદોલન સ્થાનિક હોવા છતાં રાષ્ટ્રીય બની ગયું હતું. આ બાજુ ૧૯૭૫ના જૂન મહિનામાં ૧૯૭૧ની ચૂંટણી વખતે ઇન્દિરા ગાંધીએ આચારસંહિતાનો ભંગ કર્યો હતો એવા સાવ ક્ષુલ્લક અને ટેકનિકલ કારણસર અલ્હાબાદની વડી અદાલતે ઇન્દિરા ગાંધીની લોકસભાની સદસ્યતા રદ્દ કરી હતી અને છ વરસ ચૂંટણી લડવા સામે પ્રતિબંધ મૂકી દીધો હતો.
જવાહરલાલ નેહરુની પુત્રી ઇન્દિરા ગાંધીએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપી દેવું જોઈતું હતું, પરંતુ ઇન્દિરા ગાંધી ત્યાં સુધીમાં નેહરુથી બહુ દૂર જતા રહ્યાં હતાં. તેમની અંદર અસુરક્ષા અને અસલામતીની ભાવના એટલી તીવ્ર હતી કે તેઓ આક્રમક બની જતાં હતાં. તેઓ કોઈના પર ભરોસો નહોતાં કરતાં એટલે તેમનું તેમના પુત્ર સંજય ગાંધી પરનું અવલંબન વધતું જતું હતું. દસ વરસમાં કોંગ્રેસનું કલેવર સાવ બદલાઈ ગયું હતું એટલે સંજય ગાંધી સમાંતર સત્તાકેન્દ્ર બની ગયા હતા, જેનો કેટલાક લોકો લાભ લેતા હતા. ઇન્દિરા ગાંધી પોતે રચેલી દુનિયામાં કેદ થઈ ગયાં હતાં. દરેક તાનાશાહોની આવી જ ગતિ થતી હોય છે અને ઇન્દિરા ગાંધી તેમાં અપવાદ નહોતાં. ૧૯૭૫ના જૂન મહિનામાં દેશ પર લાદવામાં આવેલી ઈમરજન્સી આનું સ્વાભાવિક પરિણામ હતું.
ઈમરજન્સી દેશના ઇતિહાસનું એક કલંક છે અને એ કલંકના કર્તા ઇન્દિરા ગાંધી હતાં, જવાહરલાલ નેહરુનાં પુત્રી. ઈમરજન્સીમાં એટલા અતિરેકો થયા હતા જેની કિંમત ૧૯૭૭માં યોજાયેલી લોકસભાની ચૂટણીમાં ઇન્દિરા ગાંધીએ ચૂકવવી પડી હતી. ઘણા લોકો સવાલ કરે છે કે સામે ચાલીને ઇન્દિરા ગાંધીએ ઈમરજન્સી કેમ ઊઠાવી લીધી? એક ખુલાસો એવો આપવામાં આવે છે કે ઇન્દિરા ગાંધીને ગુપ્તચર સંસ્થાઓ પાસેથી રિપોર્ટ મળ્યો હતો કે ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે. બીજો ખુલાસો એવો આપવામાં આવે છે કે ઇન્દિરા ગાંધી નેહરુની પુત્રી થઈને ઈમરજન્સી લાદવા માટે અને લોકતંત્રનું ગળું ઘોંટવ માટે શરમ અનુભવતાં હતાં. તેઓ અપરાધભાવથી ગ્રસ્ત હતાં. મને બીજો ખુલાસો વધારે ગળે ઊતરે છે.
૧૯૮૦થી ૧૯૮૪નાં વર્ષોની ઇન્દિરા ગાંધીની બીજી મુદત વિષે મૂલ્યાંકન કરવાનું રહે છે જે ભવિષ્યમાં ક્યારેક. બીજી મુદતમાં એકંદરે શાસનનું સ્વરૂપ એ જ હતું જે પહેલી મુદતમાં હતું, બલકે વધુ વિકૃત હતું. ઇન્દિરા ગાંધીએ બીજી મુદતમાં સત્તા ખાતર સમાજમાં ઊભી-આડી તિરાડો પાડી હતી જેની કિંમત તેમણે પોતાના પ્રાણ ગુમાવીને અને એ પછી તેમના પુત્ર રાજીવ ગાંધીએ પ્રાણ ગુમાવીને ચૂકવી હતી.
છેલ્લે, એક વાક્યમાં ઇન્દિરા ગાંધીના વારસાનો નીચોડ કાઢવો હોય તો શું કહી શકાય? અદ્ભુત શક્તિઓના ધણી, પણ ખરાબ શાસક. આજે કોંગ્રેસની જે અવસ્થા છે અને નરેન્દ્ર મોદીનો ઉદય થયો છે એમાં ઇન્દિરા ગાંધીના રાજકીય વારસાનો ફાળો છે. નરેન્દ્ર મોદી માટે પણ આમાં ધડો છે.
[10 ડિસેમ્બર 2017]
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 05 નવેમ્બર 2017; 12 નવેમ્બર 2017; 26 નવેમ્બર 2017; તેમ જ 10 ડિસેમ્બર 2017