ક્યારેક કોઈ સાવ સામાન્ય લાગતી વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ કઇં કહે કે ગાય અથવા કોઈ કલાનો નમૂનો રજૂ કરે, ત્યારે કોઈ ખાસ કારણ વિના એવો તો હૃદયને સ્પર્શી જાય કે તેના સથવારે વિચારો અને લાગણીઓનાં વમળો ઊઠે તેવું બનતું હોય છે.
આવું જ કઇંક મને અનુભવવા મળેલું. મારાં તો સદ્નસીબ છે કે મોસાળ પક્ષના મોટા ભાગના સભ્યો રચનાત્મક કાર્યો સાથે સંકળાયેલાં, એટલે મને પણ એક એકથી ચડિયાતા અનુભવો થતા આવ્યા, જેણે મારા વિચારો અને લાગણીઓને ઘાટ આપ્યો અને હજુ પણ જીવનને આનંદથી ભરી દે છે. એવી જ એક સંસ્થાની વાત લઈને આવી છું, આજે.
વેડછી પ્રદેશ સેવા સમિતિ – વાલોડ સંચાલિત વનસ્થલી કણજોડ શૈક્ષણિક સંકુલની સ્થાપના 1965માં થઇ. પૂર્ણા નદીના કિનારે આવેલ આ સંકુલમાં ધોરણ 1થી 12 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. આ શિક્ષણનો લાભ ઊંડાણના વિસ્તારના આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓને છેલ્લાં 50 વર્ષથી મળી રહ્યો છે. આ સંસ્થામાં અભ્યાસ કરીને ઘણા વિદ્યાર્થીઓએ ઉચ્ચ પદો સુધી પહોંચીને પ્રગતિ કરી છે અને સંસ્થાનું નામ રોશન કર્યું છે.
મહાત્મા ગાંધીના નઈ તાલીમના સિદ્ધાંતો મુજબ, કાર્યરત આ સંકુલમાં આશ્રમશાળા, કન્યાશાળા અને કુમાર છાત્રાલય, ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય પણ હાલ કાર્યરત છે.
વનસ્થલી કણજોડ શૈક્ષણિક સંકુલમાં શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓ જીવનલક્ષી ભાથું મેળવે તે માટે સફાઈ, ખેતી, રાષ્ટ્રીય અને સામાજિક તહેવારોની ઉજવણી, ગીત-સંગીત, રમત-ગમત, કમ્પ્યુટર માટેની તાલીમ અને સીવણ જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.
આ શિક્ષણ સંસ્થામાં અભ્યાસાર્થે આવતા મોટાભાગના વિદ્યાર્થીઓનાં મા-બાપ ખેતી કરનારાં હોય છે કે મજૂરી કરતાં હોય છે. જો કે કેટલાંક શિક્ષિત હોય અને શિક્ષક તરીકે કામ કરતાં હોય તેવાં પણ છે. કેટલાક બાળકો આગળ ઉપર અભ્યાસ કરીને શિક્ષક, નર્સ કે રિસેપ્શનિસ્ટ બને છે, થોડા એવા વિદ્યાર્થીઓ પણ છે જે આગળ જતાં ડોક્ટર કે મોટા ઓફિસર બને. આમ છતાં એ પણ હકીકત છે કે કેટલાકને તો અભ્યાસ છોડીને ખેડૂત કે મજૂર પણ બની જવાની ફરજ પડતી હોય છે. જે આદિવાસીઓ પોતે ડોક્ટર કે એન્જિિનયર બન્યા છે, ધનવાન છે તેઓ તો પોતાના બાળકોને મોટી ખાનગી શાળામાં મોકલે, આવી ગ્રામશાળાઓમાં નહીં. દૂર ખૂણાનાં ગામડાંઓમાં રહેતા ગરીબ લોકોના સંતાનો આવી ઉત્તર બુનિયાદી શાળાઓમાં આવે.
હું જ્યારે પણ મારાં માસી તરલાબહેન શાહને ઘેર વાલોડ જાઉં, ત્યારે આ શાળાઓમાં જવાની તક ચૂકતી નથી. એકાદ વર્ષ પહેલાં આવી જ એક મુલાકાત દરમ્યાન, મને ચાર પાંચ ગીતો સાંભળવાની લ્હાણ મળી, જેમાનાં નીચેનાં બે ગીતોએ તો મારું મન હરી લીધું છે. તેમાંનું પહેલું આ રહ્યું :-
ઘર મારું ઝળહળતું
મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું
પછી અંધારો ઓરડો ઠેલ્યો, ભીતર મારું ઝળહળતું
મેં તો મેડીએ દીવડો મેલ્યો કે મન મારું ઝળહળતું
પછી ડમરો રેલમછેલ રેલ્યો કે વન મારું ઝળહળતું
મેં તો કૂવા પર દીવડો મેલ્યો કે જળ મારું ઝળહળતું
પછી છાયામાં છાયો સંકેલ્યો અંતર મારું ઝળહળતું
મેં તો ખેતર પર દીવડો મેલ્યો પાદર મારું ઝળહળતું
પછી અવસર અજવાળાનો ખેલ્યો સકળ મારું ઝળહળતું
મેં તો ડુંગર પર દીવડો મેલ્યો ગગન મારું ઝળહળતું
પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો ભવન મારું ઝળહળતું
કવિ: દલપત પઢિયાર
આ ગીત ગાઈ રહેલાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ આ શાળામાં આવીને ખરેખર તેમનાં ઘરના ઉંબર પર દીવડો મુક્યો, અને તેમનાં ઘરના અન્ય ઓરડાઓમાં પણ સમજણ અને જ્ઞાનનું અજવાળું પાથરવાનાં પગરણ માંડયાં એમ ખાતરી થાય. વળી, ઉપર કહ્યું છે તેમ આમાંના મોટા ભાગના વિદ્યાર્થીઓ શહેર ભણી દોડીને કહેવાતા ‘વ્હાઇટ કોલર જોબ’ કરનારા નથી અને પોતાના પરિસરમાં રહીને એ જ ખેતરો, કૂવાઓ, ડુંગરાઓ અને નદી-નાળાંની સંગાથે જીવન વિતાવનારાં છે, અને એટલે જ તો આ ગીતના શબ્દો હૃદય સોંસરવા ઊતરી ગયા. આપણે આશા રાખીએ કે આ આશાવાદી પેઢીએ ડુંગરાઓ પર દીવડો મેલીને ગગનને ઝળહળતું કર્યું, તેને પરિણામે અણદીઠા અક્ષરોરૂપી અડચણો એવી ઉકેલાઈ જાય કે ભવિષ્યમાં તેમનું ભવન; કહોને કે સમગ્ર જીવન ઝળાહળાં થઇ ઊઠે. ધન્ય છે તેના કવિ દલપત પઢિયારને.
પાતળા સોટા જેવા હાથ પગ છતાં મજબૂત બાંધાના ધણી એવા એ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની આંખોમાં કોઈ અનેરી ચમક હોય છે. થોડા શરમાળ લાગે કેમ કે શહેરી ‘સ્ટુડન્ટ્સ’ની માફક અતિ વાચાળ નહીં, તેવો આ વિદ્યાર્થી સમૂહ પોતાની શકિતની અભિવ્યક્તિ માટે થોડું પ્રોત્સાહન માગી લે. બીજાં બે એક ગીતોની પિરસણી બાદ એક બીજી લ્હાણી પણ એ લોકોએ કરી, તે ગીતના શબ્દો અને સૂર હજુ ગુંજતા રહે છે.
બસ ઇતના સા સંસાર
સબસે પહેલે મેરે ઘરકા અંડે જૈસા થા આકાર
તબ મૈં યહી સમજતી થી, બસ ઇતના સા હી હૈ સંસાર
ફિર મેરા ઘર બના ઘોંસલા, સૂખે તિનકોં સે તૈયાર
તબ મૈં યહી સમજતી થી, બસ ઇતના સા હી હૈ સંસાર
ફિર મૈં નિકલ ગઈ શાખોં પર, હરી ભરી થી જો સુકુમાર
તબ મૈં યહી સમજતી થી, બસ ઇતના સા હી હૈ સંસાર
આખિર જબ મૈં આસમાન મેં ઊડી દૂર તક પંખ પસાર
તભી સમજમેં મેરી આયા, બહુત બડા હૈ યહ સંસાર.
(શબ્દ રચના : નિરંકાર દેવ સેવક)
કેટલું અર્થપૂર્ણ છે આ ગીત! ખરેખર જે પ્રજાને ઘરની ચાર દીવાલોની બહાર, અભ્યાસ કરવા કે આજીવિકા રળવા માટેના વ્યવસાય અર્થે, પોતાની ચોખટથી દૂર જવાની તક નથી મળતી હોતી, તેમનો દ્રષ્ટિકોણ કેટલો સાંકડો હોય છે? આ બાળકો જ્યારે ઘરમાં રમતાં હોય છે ત્યારે અન્ય બાળકોની માફક જ પંછીનાં ઈંડા માફક એક સાંકડા જીવનમાં બંધ હોય છે, પણ તે સ્થિતિ લાંબી ટકતી નથી હોતી. એ ઈંડુ ફૂટીને બચ્ચું જરૂર બહાર આવી આસપાસની હવા શ્વાસમાં ભરી લે. ઘરમાંથી શાળામાં જવાના તબક્કાને આ પ્રક્રિયા સાથે સરખાવી શકાય. માધ્યમિક, ઉચ્ચ અને ઉચ્ચતર શિક્ષણની સીડીઓ ચડતાં તો એ પંખીઓ ખરેખર માળામાં માદા કે નર પક્ષીએ લાવી આપેલ ચણરૂપી શાળાના પાઠોમાંથી મળતો ખોરાક લઈને પોતાના સંસારની ક્ષિતિજો વિસ્તૃત કરવા લાગે છે.
જે કુમારો-કુમારીઓ શાળાંત પરીક્ષાઓ પસાર કરી કોલેજમાં પ્રવેશ મેળવવા સદભાગી હોય છે, તેઓ એક વૃક્ષની ઊંચી ડાળ પર બેસીને અનેક પ્રકારના લોકો, વિવિધ તરેહના જીવન પ્રવાહો અને અલગ અલગ પ્રકારના વિચારો ધરાવતા લોકોના સંસર્ગમાં આવીને પોતાપણ વિચારોની ક્ષિતિજો વિસ્તારતા થાય અને જાણે તેમનું વિશ્ચ એટલું વિસ્તરે કે કલ્પનાની પાંખો ફફડવા લાગે અને એવું પણ અનુભવે કે અરે, કાલ સુધી હું જેવડા સંસારમાં રાચતી હતી અને તેમાં જ રચાતી હતી તેનાથી પણ વિશાળ કોઈ જગ્યા હશે શું? અને ખરેખર પોતાનું ગામ કે પ્રાંત છોડવાની તક મળે તેવો વ્યવસાય કરવાનું ભાગ્યમાં લખ્યું હોય તો જાણે સાચ્ચે જ આસમાનમાં ઊડતાં નીચે જે દ્રશ્ય દેખાય તેવી દ્રષ્ટિથી જગતને જોવાની ક્ષમતા સાંપડે છે.
એક ઈંડા માહ્યલું બચ્ચું માત્ર પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા ઝઝૂમે અને તે માટે મા-બાપ પર આધારિત હોય. કુટુંબ અને તેની હૂંફાળી માવજત એ જ તો તેનું વિશ્વ. પછી ઔપચારિક શિક્ષણ મેળવવાના તબક્કા દરમ્યાન એ સમવયસ્ક મિત્રોના સંસર્ગમાં આવે અને શિક્ષકોની આંગળી પકડી પોતાની સર્વ ઇન્દ્રિયો અને શક્તિઓને કેળવીને પોતાની સમજની ત્રિજ્યા મોટી કરી શકે. ઝાડની ડાળ પર બેસતાં – એટલે કે ઉચ્ચતર શિક્ષણ મેળવતાં અથવા કોઈ વ્યવસાયિક તાલીમ લેતાં એ ઊગતાં કિશોર-કિશોરીઓ એક જવાબદાર નાગરિક તરીકે ખીલવા માંડે. તેઓ સ્વ અને પરિવારનાં કુંડાળામાંથી નીકળીને પોતાના લત્તાના અને ગામના લોકોની જરૂરિયાતો, તેમની શક્તિઓ અને તેમની સંગઠિત તાકાતનું મહત્ત્વ સમજવા લાગે છે અને પોતે પણ તેમાં મહત્ત્વનું પ્રદાન કરવા ઘડાતા જાય છે. સામાન્ય રીતે મોટા ભાગના લોકો કદાચ આમ કોઈ લીમડા કે પીપળાની શાખા સુધી જ ઊડી શકે છે. જો તેમને આકાશમાં સ્વૈરવિહાર કરવા જેવી તક મળે તો આ દુનિયામાં કેવા જુદા જુદા ધર્મ અનુસરનારાના, ભાષા બોલનારાના અને પોતાનાથી ભિન્ન સામાજિક, રાજકીય અને આર્થિક વિશેષતાઓ ધરાવનારાઓ પરસ્પર સુમેળથી રહે છે એ સમજી શકે અને તો એવા અનેકવિધ લોકોના પરિચયમાં આવતાં જ તેમની દ્રષ્ટિની કોઈ સીમા નથી રહેતી. યુનાઇટેડ કિંગ્ડમમાં રહેતાં એક વડીલ સન્નારી, કે જેઓએ શાળા કોલેજનું ઉચ્ચ શિક્ષણ નહોતું મેળવ્યું, તેમણે એક સરસ વાત કરી કે ભારત છોડીને ઇંગ્લેન્ડ આવવાથી તો મારી આંખો પાંચ હજાર માઈલ મોટી થઇ ગઈ! તેમનો કહેવાનો મતલબ એ હતો કે તેમનાં વલણો, અન્યને સમજવાની દ્રષ્ટિ, સાંપ્રત પ્રવાહોને માપવાના માપદંડ અને આવડા મોટા જગતમાં પોતાનું શું સ્થાન છે, કર્તવ્ય છે એ સમજવાની રીત જ આખી બદલાઈ ગઈ.
આ નાનકડાં ગીતમાં વ્યક્તિની ઊડાન ભરવાની ક્ષમતા ઉપર તેની ક્ષિતિજો કેટલી વિસ્તરે છે તેનું અનાયાસ અને મધુરું નિરૂપણ થયું છે. વનસ્થલીનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના મુક્ત કંઠે ગવાયેલ ગીતને માણવું હોય તો ત્યાં જવું રહ્યું.
e.mail : 71abuch@gmail.com