Courtesy : "The Hindu", 22.05.2013
Courtesy : "The Hindu", 22.05.2013
મહાનુભાવોના જીવનમાંથી જ નહીં, તેમના મૃત્યુમાંથી પણ કંઈ ને કંઈ શીખવા મળતું હોય છે. શું? કેવી રીતે ? એની એક વાત અહીં કરવી છે.
૨૧ મી મે, ૧૯૯૧નો દિવસ હતો. મહેમદાવાદ રાત્રે પોણા દસ વાગે આવતા અમદાવાદ જનતા એક્સપ્રેસ(હવે લોકશક્તિ એક્સપ્રેસ)માં હું અને ઉર્વીશ/ Urvish Kothari ગોઠવાયા. છેલ્લા બે એક વરસથી, અમે મુંબઈ જઈને ગમતા ફિલ્મકલાકારોને મળવાનો ક્રમ શરૂ કર્યો હતો. એ જ ક્રમમાં અમે મુંબઈ જઈ રહ્યા હતા. ટિકિટો રીઝર્વ કરાવેલી હતી. સીધા જ કાકાને ઘેર જવાનું હતું, એટલે થોડો સામાન પણ વધુ લીધો હતો. કાકી માટે અમુક ચીજો પણ મમ્મીએ મોકલાવી હતી. ટ્રેન શરૂ થઈ એટલે અમે બર્થ પર લંબાવી દીધી. હવે આવે સીધું બોરીવલી !
અડધીપડધી ઊંઘમાં એટલો ખ્યાલ આવ્યો કે ટ્રેન લાંબા સમયથી કોઈ સ્ટેશને ઊભી રહી છે. બેઠા થયા અને ઘડિયાળમાં જોયું તો સવારના ચારેક વાગ્યા હતા. ટ્રેનમાંના કેટલા ય લોકો પ્લેટફોર્મ પર આવીને ટહેલતા હતા. અમે પણ નીચે ઉતર્યા અને મામલો શું છે તે જાણવાની કોશિશ કરી. કંઈ ખ્યાલ આવતો નહોતો. કદાચ ‘સફાળે’ નામનું સ્ટેશન હતું. લોકો ગુસપુસ કરી રહ્યા હતા. એમાં એટલું સમજાયું કે આગળ કશી તકલીફ છે અને ટ્રેન હવે અહીં જ પડી રહેવાની છે. કોઈકે એમ પણ કહ્યું કે ‘રાજીવ ગાંધીને ઉડાડી દીધા છે’ એટલે ટ્રેન અહીં જ પડી રહેશે. ટ્રેનના મુસાફરોમાં આવા ગપગોળાઓની નવાઈ હોતી નથી, એટલે ઘણાએ આ વાત હસી નાંખી. સ્ટેશન માસ્ટરની કેબિનમાં જઈને અમુક લોકો પૂછી આવ્યા. એટલે એક વાત નક્કી થઈ ગઈ કે ટ્રેન અહીં અનિશ્ચિત મુદ્દત સુધી પડી રહેશે. શું કરવું એની અવઢવમાં સૌ હતા એવામાં ‘વિરાર પેસેન્જર’ નામની ટ્રેન આવી, જે વિરાર જવાની હતી.
તેમાં બેસવું કે નહીં એ હજી વિચારતા હતા ત્યાં તો તેને સિગ્નલ મળ્યો અને ઉપડવાની નિશાનીરૂપે તેનું ભૂંગળું વાગ્યું. અમે ઝપાટાબંધ અમારો સામાન લઈને ‘વિરાર પેસેન્જર’માં ચડી બેઠા. જોતજોતાંમાં અમે વિરાર આવી પહોંચ્યા ત્યારે સવારના સાત- સાડા સાત થયા હશે.
અમારો ભારેખમ સામાન લઈને અમે વિરાર સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉતરીને દાદરો ચડ્યા અને પ્લેટફોર્મ નં.૧ પર જેમ તેમ કરીને આવી પહોંચ્યા. અહીં એક પાટિયા પર રાજીવ ગાંધીની તસવીર લગાડેલી હતી, જેની પર હાર પહેરાવેલો હતો. નીચે મરાઠીમાં નોંધ લખેલી હતી, જે સૂચવતી હતી કે રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી છે અને તેને કારણે મુંબઈ આખું બંધ રહેશે.
અમે એક જગાએ સામાન મૂક્યો. સ્ટેશનની બહાર સૂમસામ હતું. એકે એક દુકાન બંધ હતી. ન હતા કોઈ રિક્સાવાળા કે ન હતા કોઈ ટેક્સીવાળા. જાણવા મળ્યું કે સબર્બન ટ્રેન સેવા પણ બંધ કરવામાં આવી છે, કેમ કે મુંબઈમાં તોફાનો ફાટી નીકળ્યા છે. હજી તો સવાર માંડ પડ્યું હતું. અમારે પહોંચવાનું હતું સાન્તાક્રુઝ. પણ ત્યાં જવા મળે એવી કોઈ શક્યતા લાગતી નહોતી. તો પછી ? અહીં ચોવીસ કલાક કાઢવા પડશે ? કેમ કે, હોટેલ, દુકાન, ગલ્લા, લારીઓ કશું ય ખુલ્લું નહોતું.
હવે શું કરવું એ વિચારતા હતા અને મૂંઝાતા હતા. એવામાં યાદ આવ્યું કે અમારા મામા વસઈમાં રહે છે. પણ વિરારથી વસઈ જવું શી રીતે ? એનું અંતર કેટલું ? તપાસ કરતાં ખબર પડી કે વિરારથી વસઈ વચ્ચે ટ્રેનમાં એક જ સ્ટેશન છે – નાલાસોપારા. અને વસઈની ખાડી વસઈ પછી આવે છે. વિરારથી વસઈ ટ્રેનમાં દસેક મિનિટ લાગે છે. મુંબઈની સબર્બન ટ્રેનની ઝડપના હિસાબે આ સમય વધારે કહેવાય. એનો અર્થ એ કે આ બન્ને સ્ટેશનો વચ્ચે સહેજે દસેક કિલો મિટરનું અંતર હોવું જોઈએ.
અમે નક્કી કરી લીધું. ચોવીસ કલાક અહીં ગાળવા શક્ય નહોતા. એને બદલે શરૂ કરી દઈએ પદયાત્રા. રેલવેના પાટેપાટે ચાલવા માંડીએ. અને વસઈ પહોંચી જઈએ. સ્ટેશનની બહાર જઈને એકાદ ઘરમાંથી અમે પાણીની બોટલ ભરી. એ પછી સામાન શી રીતે ઊંચકવો તેનું આયોજન કર્યું. બન્નેના એક એક હાથમાં એક વજનદાર દાગીનો, અને એક સૌથી વજનદાર દાગીનો બન્નેય જણ બે બાજુથી પકડે. એ ઉપરાંત બીજો સામાન ખભે ભરવી દીધો. પાટા પર ટ્રેન તો આવવાની હતી નહીં. એટલે અમારી પદયાત્રા શરૂ થઈ.
અમારા જેવા અસંખ્ય લોકો હતા. કોઈકને દાદરથી બીજી ટ્રેન પકડવાની હતી. કોઈકને ક્યાંક લગ્નપ્રસંગમાં પહોંચવાનું હતું. સૌ પાટા પર ચાલતા જતા હતા. જાતજાતની રીતે લોકોએ સામાન ઊંચક્યો હતો. કોઈએ માથે, કોઈએ ખભે, કોઈએ હાથમાં, તો કોઈએ કેડમાં સુદ્ધાં સામાન મૂક્યો હતો. સૂરજ માથે ચડવા લાગ્યો હતો. એની સાથે પાટા પરના ઉબડખાબડ પથ્થર પર ચાલવું ય કપરું બનતું જતું હતું. હાંફતા જતા, વચ્ચે રોકાતા, શ્વાસ ખાતા, પાણીનો ઘૂંટડો પીતા કરતા અમે આગળ વધતા જતા હતા.
જોતજોતામાં નાલાસોપારા સ્ટેશન આવ્યું. એટલે અડધી મંઝીલે આવી પહોંચ્યાનો આનંદ થયો. ક્યાં ય કોઈ સ્ટૉલ સુદ્ધાં ખુલ્લો નહોતો. હવે પાણી પણ ખલાસ થવા આવ્યું હતું. જેમ તેમ કરતા અમે આગળ વધતા ગયા. પગમાં ચપ્પલ પહેરેલા હતા. પથ્થર પર ચાલવાથી ક્યાંક ક્યાંક ચપ્પલનું ચામડું ઘસાવાથી એ ભાગની ચામડી છોલાઈ રહી હતી. ભારેખમ સામાન જેમતેમ ઊંચકીને ‘મામાનું ઘર કેટલે’ એમ વિચારતા અમે આગળ વધતા રહ્યા. દૂરથી વસઈ સ્ટેશન દેખાયું ત્યારે જીવમાં જીવ આવ્યો. મામાની ઑફિસ સ્ટેશનની બહાર જ હતી. તેમને ત્યાં પહોંચ્યા ત્યારે આવા હાલહવાલ અને આટલા સામાન સાથે અમને આવેલા જોઈને એ નવાઈ પામી ગયા.
અમને શાંતિથી બેસાડ્યા. ધરાઈને પાણી પાયું. અને પછી તેમને ઘેર લઈ જવા માટે વ્યવસ્થા કરી.
ત્યારથી તીસરી કસમ ખાધી કે ભલે ટિકિટ રિઝર્વ કરાવી રાખી હોય, પણ સાથે એટલો જ સામાન રાખીને મુસાફરી કરવી કે ચાલવાનો વારો આવે ત્યારે આસાનીથી તેને ઊંચકીને ચાલી શકાય.
રાજીવ ગાંધીના મૃત્યુિદને તેમનો પક્ષ કે દેશ ભલે ગમે તે દિન મનાવે, અમારો હાથ અનાયાસે અમારા પગના તળિયે જતો રહે છે અને એ છાલાની યાદ આવતાં પગ ધ્રુજી ઊઠે છે.
સૌજન્ય : http://birenkothari.blogspot.com
આખરે બદલીનો ઓર્ડર આવી ગયો. મીરાંએ કેટલી કોશિશ કરી હતી તે રોકવાની ! મૅનેજર મિ. અસરાનીને વિનન્તીઓ કરી, હેડ ઑફિસમાં ચક્કર ચલાવવાની કોશિશ પણ કરી જોઈ. સુબોધને કહી દીધું હતું, કોઈને ‘ફૂલપાંદડી’ આપવાની હોય તો ય વાંધો નથી; પણ બદલી તો ન જ જોઈએ.
કશું ન ચાલ્યું. સરકારી નોકરીમાં એક અને અવિચળ સત્ય, તે બદલી. છોડની જેમ ખેંચીને ઉખેડી ક્યાંના ક્યાં ફંગોળી દે. ‘અરે સુબોધ ! તને શી ખબર ! બદલીના કેવા કેવા ખેલ ખેલાય ! તમને ભોજિયો ય ન ઓળખે ત્યાં જઈ નવું ઘર માંડો કે પેઈંગ ગેસ્ટ–ગેસ્ટ હાઉસ એ ચિન્તા તમારી. નોકરીની ખીંટીએ જીવન ટીંગાતું હોય ત્યાં લોકો કરેયે શું ! જાયે તો જાયે કહાં ?’
‘તારું લાંબું ભાષણ સાંભળ્યું; પણ તને વાંધો શો છે ?’
સુબોધ ઑફિસેથી આવતાં ફરી બદલીની વાત ઉખળી. મીરાં મોં ચડાવીને બેઠી હતી. હરસુતાબહેન સમોસાં તળતાં હતાં. એ પ્લેટ લઈને બહાર આવ્યાં.
‘લ્યો, બે ય થાકીને કામ પરથી આવ્યાં છો, ગરમ નાસ્તો કરો. પછી ચર્ચા કરજો.’
મીરાં ખુશ થઈ ગઈ. સવારે રોટલી–શાકના લંચમાં કંઈ મઝા નહોતી આવી અને સેન્ડવીચવાળા પાસે પણ ભીડ હતી. ભૂખ ભડભડતી હતી. ત્યાં બદલીનો ઓર્ડર ! માથું ફરી ગયું હતું. સુબોધને જવાબ આપવાને બદલે મીરાં જલદી ગરમ સમોસાં ખાવા લાગી. મોટો ગ્લાસ ભરીને ઠંડું પાણી પીતાં ઠંડો શેરડો પડ્યો. હાશકારો થઈ ગયો.
‘ભૂખનો હુમલો શમ્યો ? તો હવે બોલ, બદલીનો ઓર્ડર આવ્યો તે આવ્યો. રોજ હજારો લોકોની બદલી થાય છે, તારી કંઈ નવી નવાઈની છે ?’
મીરાંએ સાસુની મદદ માંગી. હમ્મેશની જેમ. ‘મમ્મા તમે જ બોલો, સાવ અજાણ્યા ગામમાં જઈ, સાંજ પછી માખી મારવાનો બિઝનેસ કરું ? શનિ – રવિ રજાઓમાં ભૂતની જેમ ધૂણું ?’
‘ભૂત ન ધૂણે; ભૂવો ધૂણે, મીરાંજી !’ સુબોધને હસવું આવ્યું. મીરાંનો મિજાજ ફરી છટક્યો. સમોસું છુટ્ટું મારવાનું મન થયું; પણ ગરમ સમોસાંની સુગન્ધે લોભાઈ મોંમાં મુક્યું.
‘જુઓ મમ્મા, સુબોધ મારી વાત હસી કાઢે છે. એનું ચાલે તો ડાકલાં લેવા દોડશે પછી કહેશે ત્યાં ધૂણજે.’
‘સૉરી મીરાં, તારી મશ્કરી કરવાનો મારો ઈરાદો થોડો હોય ? તારી વાત કબૂલ કરું છું. અજાણ્યું ગામ અને કોઈ સમ્બન્ધીઓ પણ નહીં; એકલું તો લાગે જ. શનિ – રવિ રજાઓમાં આપણે અપડાઉન કરતાં રહીશું. વરસ તો ક્યાં ય નીકળી જશે …’
‘વરસના દિવસ ૩૬૫ હોય છે, ખબર છે ને ! કેમ મમ્મા ?’
હરસુતાબહેન નિરાંતે દીકરા–વહુને સામસામે ફૂલદડો ફેંકતાં હોય તેમ ચણભણ કરતાં જોઈ રહ્યાં એમને કોઠે ટાઢક હતી. બન્ને વચ્ચે પ્રેમ હતો અને સમજણ પણ હતી. આમ તો કૂંડળીઓ મેળવી, દોકડા ગણીને કરેલાં લગન. કાકીને ત્યાં ઉછરેલી મીરાં ઉલટથી, ‘આ તો મારો પોતાનો સંસાર’ કહીને મા–દીકરાનાં જીવનમાં સમરસ થઈ ગઈ હતી. સુબોધ સાથે બહાર જતી હોય ત્યારે એમને ય સાથે પરાણે લઈ જતી, ‘બહુ સરસ ફિલ્મ છે, તમેયે ચાલો. ઘરે એકલાં નથી બેસી રહેવાનું. કમોન મમ્મા ! સાઈઠ વળોટ્યાં એટલે ધરાર ભજનમાં જવું ને મન્દિરે ચક્કર કાપવાનાં ? સરસ મનભર જીવો તે ય પ્રાર્થના જ છે.’ મીરાંએ એને કોચલામાંથી બહાર કાઢી હતી. ધોળીફક્ક સાડીઓ ધરાર આપી દીધી અને આછા રંગની બોર્ડરવાળી, ભરતવાળી સાડીઓ લઈ આવી હતી, ‘મમ્મા ! હવેથી તમારે આ જ સાડીઓ પહેરવાની. જો નહીં પહેરો તો હું યુદ્ધની ઘોષણા કરીશ.’
હરસુતાબહેને પહેલેથી જ નક્કી કર્યું હતું. જો સુબોધની પત્ની સાથે નહીં બને અથવા એમને અલગ રહેવું હોય તો ખુશીથી બન્ને એમની અલગ દુનિયા વસાવે. સુબોધ નાનો હતો ત્યારથી એને એકલાએ જ છાતીએ ચાંપી મોટો કર્યો હતો; પણ લગ્ન પછી કોઈને એની અમાનત સોંપી દેશે. પોતાના પુત્રને મિલકતની જેમ સખત જાપ્તામાં તો નહીં જ રાખે; પણ મીરાં લગ્ન પહેલાં ઘરે પહેલી વાર આવી ત્યારે એવા ઉમળકાથી પગે લાગવાને બદલે ભેટી પડી હતી, ત્યારથી બન્ને મિત્રો બની ગયાં હતાં.
‘અરે મમ્મા, તમે તો કંઈ બોલતાં જ નથી ! ક્યારની તમને પૂછું છું, સુબોધને સમજાવોને ! મારે ટ્રાન્સ્ફર જોઈતી નથી, બસ. અને છતાં એ લોકો જો ધરાર મને કોઈ ગામડામાં ધકેલી દેશે તો રાજીનામું જ મૂકી દઈશ … ઝંઝટ જ નહીં ને !’
‘ના, ના, પ્લીઝ. એવું ન કરતી. એક વરસનો તો સવાલ છે ! તને ખબર છે ને કે સરકારી નોકરીમાં જે બદલી સ્વીકારે છે એને જ પ્રમોશન મળે છે ! ઑફિસમાં તારું લેડીઝ ગ્રુપ બની ગયું છે.’
મીરાં હવે ખરેખર ચીડાઈ, ‘એ બધું મેળવવાના લોભમાં મમ્માને ત્રાસ આપવાનો ? એ કેવાં એકલાં પડી જશે ! કામનો બોજ વધશે.’
હરસુતાબહેને તરત વચમાં કહ્યું, ‘બેટા ! મારી ફિકર નહીં કર. હું મજામાં છું, તું જુએ છે ને ! તને કાળાંપાણીની સજા થોડી થાય છે ! આપણે મળતાં રહીશું ને ! એક વરસ તો ક્યાં ય નીકળી જશે.’
‘જો મમ્મા પણ કહે છે ને ! માની જા, મીરાં. ચાલ, તારે શી શી ખરીદી કરવી છે, લીસ્ટ કરી કાલે પૅકીંગ કરીશું. ઓ.કે. ?’
સુબોધ ઉઠવા જતો હતો કે ઘવાયેલા સ્વરે મીરાંએ લાગલું જ કહ્યું, ‘તો તેં નક્કી જ કરી નાખ્યું છે કે મને અહીંથી ધકેલી દેવી !’
અચાનક મીરાંએ તીક્ષ્ણ વસ્તુનો ઘા કર્યો હોય એમ ‘ધકેલી’ શબ્દે સુબોધને ચોટ પહોંચાડી. એ સોફામાં બેસી પડ્યો, ‘એટલે તું એમ માને છે કે હું તને અહીંથી કાઢી મુકવા માગું છું ? તારા પરથી મારું મન ઊઠી ગયું છે એમ ?’
હરસુતાબહેનનું હૃદય ફફડી ઊઠ્યું. બે વર્ષનાં લગ્નજીવનમાં સુબોધ–મીરાંની વચ્ચે બોલાચાલી તો શું, મન પણ કદી ઊંચાં થયાં નહોતાં. બે જણનો સંસાર. મીરાંએ એમાં ત્રીજો ખૂણો રચીને એક સરસ આકૃતિ રચી દીધી હતી; પણ આજે કોઈ અચાનક એ સુન્દર આકૃતિ પર કૂચડો ફેરવવા તૈયાર થઈ ગયું હતું કે શું ? પણ એ વચ્ચે બોલે એ પહેલાં જ મીરાંએ ઉશ્કેરાટમાં કહી દીધું, ‘એવું મેં ક્યારે કહ્યું ? હા, કદાચ આપણે ફ્લેટ બુક કર્યો છે એનો હપ્તો ભરવાની તને ચિન્તા હોય … બની શકે …’
વીજળીના ખુલ્લા તારને અડી જવાયું હોય એમ ઝટકા સાથે તે ઊભો થઈ ગયો, ‘થૅન્ક્સ, તારા પૈસાથી ફ્લેટ બુક થયો છે તે તેં યાદ કરાવ્યું. સાચે જ હું ભૂલી ગયો હતો. બિલ્ડરને જ ફ્લેટ પાછો ખરીદી લેવામાં રસ છે. ભરેલી રકમ વ્યાજ સાથે લઈ પીયૂષે પાછો આપી દીધો. હું પણ વેચી દઈશ અને તારા પૈસા તને પાછા આપી દઈશ. ખુશ ? રાજીનામું મારે ટાઈપ કરવાનું હોય તો મને ઑફિસે ફોન કરજો.’
બન્ને એક સાથે ઊભાં થઈ ગયાં. ત્રણેયની હાજરી છતાં ઘર નિર્જન લાગવા માંડ્યું. જલદી તૈયાર થઈ સુબોધ એકલો ઑફિસે જવા નીકળી ગયો. પાછળ જ, ‘બાય મમ્મા, આજે બધું બ્રેકફાસ્ટમાં ખવાઈ ગયું. લંચબોક્સ નહીં કરતાં’ બોલતી બોલતી મીરાં પણ નીકળી ગઈ.
દરવાજો બંધ થયો, જાણે બારીબારણાં વિનાના ખંડમાં પુરાઈ ગયાં હોય એવી ગૂંગળામણ હરસુતાબહેનને થઈ આવી. બસ, એક નાની સરખી વાત; પણ શાહીનું ટીપું ફેલાતું જાય એમ આખા જીવન પર એક ધબ્બાની જેમ ઘાટઘૂટ વગરનો આકાર રચી દીધો. આજથી પચીસ વરસ પર, જમવાની કોઈ નહીં જેવી વાત પરથી બે શબ્દ પતિએ કહ્યા, એણે ચાર, પછી એનો સરવાળો થતો ગયો અને એ ઘર છોડી ક્યાં ચાલી ગયા, એમનું શું થયું, તે આજ સુધી કદી ખબર ન પડી ! પચીસ વર્ષ તપ કરતાં હોય તેમ જીવ્યાં એનું ફળ પણ ઈશ્વરે કેવું સરસ આપ્યું હતું ! સુબોધ જેવો હોશિયાર દીકરો અને મીરાં જેવી મજાની વહુ !
હરસુતાબહેન પરાણે ઊઠ્યાં, થોડું ખાઈ લીધું, બધું ઢાંકી દીધું. કામ કરવા વીજુ આવી ગયો. બપોરનો આ સમય એમનો ટીવી સીરિયલ્સ જોવાનો. રિમોટ હાથમાં લઈ ટીવી જોતાં હતાં; પણ મનમાં ઊથલપાથલ ચાલતી હતી.
કૉલેજ પૂરી કરી, સમય પસાર કરવા મીરાંને બહેનપણીની ખાલી જગ્યા પુરવા બે મહિના માટે નોકરી મળી હતી; પણ એ સમયગાળો લંબાતો ગયો અને એ કાયમી થઈ ગઈ. પગાર સારો હતો, ઑફિસમાં બહેનપણીઓ બની ગઈ હતી. લગ્નની વાત થઈ ત્યારે એમણે જ સામેથી કહ્યું હતું, ‘ચિન્તા ન કરશો. મીરાંને કામ કરવું હોય તો અમે રાજી છીએ. આટલું ભણી તેનો ફાયદો શો ? એને મનગમતું હોય તો ખુશીથી કરે અને ન કરવું હોય તો મને કે સુબોધને વાંધો નથી. એનાં પગાર–બોનસની અમને લાલચ હોય એવું ન માનશો …’
માને બદલે મીરાં જ બોલી હતી, ‘અને તમે ય એવું ન માનશો આન્ટી કે હું કમાઈશ ને મારું–તારું કરીશ. જે હોય તે સહુનું જ ગણાય.’
હરસુતાબહેન ગદ્દગદ થઈ ગયાં હતાં. જેમણે વચ્ચે રહીને બે કુટુમ્બોને મેળવ્યાં હતાં એમણે કહ્યું હતું, ‘મીરાં સુબોધ માટે હા પાડે તો તમે ભાગ્યશાળી, દિલની સાફ, મજાની છે.’
ટીવી સ્વીચ ઓફ કરી હરસુતાબહેન ઊઠ્યાં. સવારનું અખબાર લઈ બેડરૂમમાં આવ્યાં. આડાં પડ્યાં. કશું ય થવાનું નથી, મનને આશ્વસ્ત કરવા મથ્યાં. બન્ને કેટલાં સમજદાર અને એકમેકની કાળજી કરે એવાં ! પણ મન ઊંચાં થશે તો દૂર રહ્યે રહ્યે એક કેમ થશે ? અને જોડે રહેશે તો … એ જ બળતરામાં જરી આંખ મીંચાઈ ગઈ.
સાંજે બન્ને ઑફિસેથી આવ્યાં. રોજની જેમ ખાસ વાતો ન થઈ. રસોઈ થઈ. જમ્યાં. ‘પાન ખાઈ આવું,’ એવું મોટેથી બોલતો સુબોધ ગયો. હરસુતાબહેન મીરાં પાસે આવ્યાં. એ સવારે પહેરવાની સાડી પસંદ કરતી હતી. એમણે હાથ પકડી મીરાંને પાસે બેસાડી.
બેસને ઘડીક. સાડીની થપ્પી ખસેડતી એ બેઠી.
‘આજે કોનો પક્ષ લેવાનાં છો, મમ્મા ?’ હરસુતાબહેને વહાલથી એને માથે હાથ ફેરવ્યો, ‘ગાંડી રે ! આ કંઈ યુદ્ધભૂમિ છે તે મારે પક્ષ લેવાનો વારો આવે ? તને કદી કહ્યું નથી; પણ આજે તમારાં લગ્ન પહેલાંની એક વાત યાદ આવી.’
‘બોલો, તો હું ય તમારી સ્મૃિતયાત્રામાં જોડાઉં.’
‘ના. આ તો અમારા બે વચ્ચેની ખાનગી વાત હતી; એટલે કે છે.’
‘મમ્મા, તમે રહસ્યકથાની જેમ વાત માંડો છો, હોં !’
‘વાત તો રહસ્યની જ છે. મારી અને તારી મમ્મી વચ્ચેની મુલાકાત, તે ય રેસ્ટોરન્ટમાં.’
મીરાં નવાઈ પામી ગઈ. આ તો વળી નવું ! અમારાં બન્નેની માતાઓ મળી હતી અને અમને ખબર જ નહીં !
‘તારાં મમ્મીનો ફોન આવેલો કે …’ મીરાં આખી વાત ઉત્સુકતાથી સાંભળી રહી. ઘરમાં કોઈને કહ્યા વિના બન્ને મમ્મીઓ મળી હતી. આમ તો બન્ને કુટુમ્બો એકમેકથી અજાણ્યાં હતાં. આશાબહેનનો આગ્રહ હતો હરસુતાબહેનને મળવાનો. એમની દીકરી મીરાંની વાત કરવી હતી. બહુ ભોળી અને પ્રેમાળ; પણ નાનપણથી જ બહુ બીકણ. અંધારાથી ડરે, કૂતરા–બીલાડાંની તો બહુ બીક. એક વાર પ્રાણીબાગ લઈ ગયાં, તો સિંહનું પાંજરું જોઈ તાવ ચડી ગયેલો. અજાણ્યા સાથે વાત પણ ન કરે. બાપુજીએ તો સાઈકિયાટ્રીકનેયે બતાવેલું. એણે સલાહ આપેલી : ‘ઘણાં બાળકો નાનપણથી ડરપોક અને શરમાળ હોય છે. બધાં સાથે ભળતાં શીખવવાનું કામ તમારું. નહીં તો મોટી થતાં આવી એની પ્રકૃતિ એનો વિકાસ નહીં થવા દે.’ મીરાંને થોડો સમય દવાઓ પણ આપેલી. એટલે કૉલેજ પૂરી થતાં બાપુજીએ જ નોકરીનો આગ્રહ કરેલો. કાયમી ધોરણે નોકરી થાય તે માટે ચાલીસ હજાર ચૂકવ્યા હતા. ધીમે ધીમે મીરાંના વ્યક્તિત્વમાં નિખાર આવવા લાગ્યો પછી …
‘અને મમ્મા, તમે આ બધું જાણતા હતાં છતાં તમે મારી સાથે સુબોધનાં લગ્નનો આગ્રહ રાખ્યો ?’
‘સાચું પૂછ તો, બેટા, મેં જ સુબોધને આ વાત કરી તારી સાથે લગ્ન કરવાની સલાહ આપેલી. આવી નાની સરખી વાત માટે તારા જેવું રતન અમે ખોઈએ ? તારી બદલી માટેના સુબોધના આગ્રહને હવે તું સમજે છે ને ! નોકરી છોડી ઘરમાં બંધાઈ રહે એવી અમારી બન્નેની ઇચ્છા નહીં. તને ઊંચું પદ મળે, તારું માન–સન્માન થાય એનો અમને કેટલો હરખ છે !
મીરાં નીચું જોઈ સાડીના છેડા સાથે રમત કરતી હતી. આ નાની સરખી વાત નહોતી; છતાં સાસુ કેટલી સાહજિકતાથી કહી રહ્યાં હતાં ! સુબોધ લગ્નની ના પાડી શક્યો હોત. કેટલા પુરુષ, પત્નીના વ્યક્તિત્વને ખીલવવા માટે ચિન્તિત રહેતા હશે !
એને યાદ આવ્યું. એનાં સુવર્ણાફોઈની સગાઈ તૂટી ગયેલી. એ પડી ગયેલાં ને જખમનો આછો કાળો ડાઘ રહી ગયેલો. સગાઈ પછી ઘરે જમવા બોલાવ્યાં, ડાઘ જોયો. થયું. સમ્બન્ધ પર પૂર્ણવિરામ. ‘છોકરીને ચામડીનો કોઈ રોગ છે, એ નક્કી.’ કેટલું કરગર્યા, ડૉક્ટરને બતાવવાનું કહેલું; પણ સુવર્ણાફોઈએ જ ના પાડી દીધેલી. ‘જે આટલા અમથા ડાઘથી પરેશાન છે એ ભવિષ્યમાં મારે માથે વિપત આવશે તો શું મારી પડખે ઊભો રહેશે ! મારા હાથ પર ડાઘ છે; પણ એના તો મન પર ડાઘ છે.’
સુવર્ણાફોઈ જ્યારે બોલતાં હતાં તે સમયે તેમની તેજભરી આંખો એની સ્મૃિતફ્રેમમાં મઢાઈ હતી.
હરસુતાબહેને મીરાંનો નીચે ઢળેલો ચહેરો ઋજુતાથી ઊંચો કર્યો, – ‘બેટા, પૈસા માટે નહીં; પણ તું તારે માટે જા. આ પરિચિત હૂંફાળા વાતાવરણના કોચલામાંથી તું બહાર આવી તારી આવડતથી તારી જગ્યા બનાવ. તારી જ નજરમાં તારું આત્મસન્માન કેટલું થશે એનો અનુભવ તો કરી જો, ગાંડી રે ! અમે તને એકલી થોડી પડવા દઈશું ? તો ય તને ત્યાં ન ગમે તો એક ફોન જ બસ છે ! શરત મારવી છે કેટલી ઝડપથી સુબોધ એની પત્નીને તેડવા જાય છે ?’
‘શું મમ્મા, તમે પણ ……’ કહેતી મીરાં સાસુને વહાલથી વળગી પડી.
નવેમ્બર 2012ના ‘અખંડ આનંદ’ના ‘દીપોત્સવી’અંકના, પાન 30 ઉપરથી, લેખિકાબહેનની પરવાનગીથી સાભાર … ઉત્તમ ગજ્જર
(સૌજન્ય : “સન્ડે ઈ–મહેફીલ” – વર્ષ ઃ આઠમું – અંકઃ 270 – May 19, 2013)