આમ તો ઑક્ટોપસને
આઠ પગ હોય છે,
પણ હિંદ મહાસાગરમાં તરતા આ ઑક્ટોપસને તો
માત્ર બે જ પગ હતા.
એક ઉત્તર સમુદ્રમાં ને બીજો દક્ષિણ સમુદ્રમાં.
પણ પછી ઑક્ટોપસે તો ઉત્તર સમુદ્રમાં
એક પગ હતો ત્યાં
પ્રયોગશાળામાં ભણ્યો ન જાણે
કયા ભગવાનનો મંત્ર કે એને
સેંકડો પગ ફૂટી નીકળ્યા
ને પહોંચ્યા છેક અનાર્યાવર્તમાં પણ.
બહુ પુરાણો છે આ ઑક્ટોપસ.
મોટાં મોટાં મગર-મત્સ્યો જ જીવી શકે
એવા ફેરફાર પાણીના રાસાયણિક બંધારણમાં કરવાની
ટેક ધરાવે છે આ ઑક્ટોપસ તો …
આજે તો પાડી જ દો આ ઑક્ટોપસને.
નહીં તો બે ચાર વરસ પછી તો
સહસ્રાર્જુનના હાથની જેમ
આ ઑક્ટોપસને ફૂટી નીકળશે
હજાર હજાર પગ,
ને પછી તો
આપણને બોલવાનો પ્રયત્ન કરતાં જ
દબોચી લેશે આ ઑક્ટોપસ.
મોકો છે,
આ વખતે તો આ ઑક્ટોપસને પાડી જ દો.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2017; પૃ. 18
![]()


ગુજરાતનાં હજારો સરકારી અને અર્ધસરકારી સ્ત્રી-પુરુષ કર્મચારીઓની ચૂંટણી કામગીરી માટે નિમણૂક કરવામાં આવી છે. તેમાંથી મોટા ભાગનાંને આ કામ અઘરું અને કંટાળાજનક લાગે તે અસ્વાભાવિક નથી. તેમાં ય મતદાન મથકના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રિસાઇડિંગ ઑફિસરનું કાર્ય અનેક પ્રકારની વિશેષ કુનેહ અને કર્તવ્યનિષ્ઠા માગી લે છે. એ કઈ હદની હોઈ શકે એનું દૃષ્ટિપૂર્ણ નિરુપણ આગામી એકેડેમી અવૉર્ડ માટે ભારતે નૉમિનેટ કરેલી ‘ન્યૂટન’ ફિલ્મમાં જોવા મળે છે. મહત્ત્વનાં સન્માન મેળવી ચૂકેલી આ ફિલ્મના લેખક-દિગ્દર્શક અમીત મસૂરકરે મયંક તિવારીની સાથે તેનો સ્ક્રીન-પ્લે પણ લખ્યો છે. ‘શહીદ’ અને ‘ક્વીન’ જેવી ફિલ્મોથી જાણીતા બનેલા રાજકુમાર રાવ તેમાં ન્યૂટન નામના પ્રિસાડિંગ ઑફિસરની ભૂમિકા ભજવે છે. ન્યૂટન નક્ષલગ્રસ્ત છત્તીસગઢના દંડકારણ્યમાં ૭૬ આદિવાસી મતદારો ધરાવતાં ખૂબ દૂરનાં કોડનાર ગામમાં ચૂંટણી કરાવે છે. તેને પાછા પાડવા માટેની એટલી બધી કોશિશો સુરક્ષાકર્મીઓના ઉપરી કરે છે કે આખરે તેને ફરજ બજાવવા માટે મરણિયા થવું પડે છે.