૨૮ વર્ષની ઉંમરે, ત્રણ નાના છોકરાં મૂકી, જ્યારે મદન આ જગ્યાએથી વિદાય થયો, ત્યારે મણિની હાલત શું થઈ હશે? એ કલ્પના પણ જો ભયપ્રેરક હોય તો હકીકત કેવી હોઈ શકે. મણિ હજુ તો છ મહિના પહેલાં, ત્રીજા મેહુલની મા બની હતી. ધાવણો દિવસમાં ચાર વાર માને બચબચ ધાવતો. મોટો મનોજ ચારનો અને વચલો મનન ત્રણનો. મણિ મદન ગયાના દુ:ખને રડે કે, રડતા ત્રણ ભુલકાંની પાછળ ફરે.
મદનના માબાપ તેને નાનો મૂકીને સ્વર્ગે સિધાવ્યા હતાં, પોતાની આવડત અને હોશિયારી દ્વારા મદન બે પાંદડે થયો હતો. મણિ રૂપિયાના ત્રણ અડધા લાવે તેવી શુશીલ હતી. મદનને દિલોજાનથી ચાહતી હતી. ઉપરા ઉપરી ત્રણ બાળકની મા થઈ હતી, છતાં મદનને કશી ઘરની ચિંતા કરવા દેતી નહીં.
'તું નવો ચાલુ કરેલો કાપડનો ધંધો સંભાળ. હું છોકરાં જીવની જેમ સાંચવીશ.'
સાંજના મદન ઘરે આવે, તે પહેલાં, બધા છોકરાંઓને નવડાવી, ખવડાવી તૈયાર કરતી, જેથી મદન તેમને રમાડી હળવો થાય. બધાને ૮ વાગ્યામાં સુવાડી, બંને સાથે એક ભાણામાં જમે.
તું મારી જાદુની પરી છો. કામમાં પાવરધી અને મને ખુશ કરવામાં એક્કો. મણિ, સાતે ય જનમમાં મને તું 'ઘરવાળી' તરીકે જોઇએ. મણિ પોરસાતી અને મદન તેના પર વારી જતો. આજે સાંજના ઘરે આવ્યો, 'મણિ મને પેટમાં અસુખ છે. મારે
ખીચડી ખાવી છે'. બનાવેલી રસોઈ બાજુમાં હડસેલી સરસ મજાની છોતરાંવાળી, મગની દાળની ખીચડી બનાવી. બે ય માણસ જોડે મીઠું દહીં, પાપડ, કચુંબર અને ઘી લઈ બેઠાં. ખાતાં ખાતાં મદન આંગળા ચાટે જાણે, જાણે કે તેને સ્વર્ગનું રાજ ન મળ્યું હોય!
જમીને મણિ સાથે થોડી ગપસપ કરી, થોડું વહાલ કર્યું અને સૂતો એ સૂતો. સવારના ઊગતા સૂરજના દર્શન તેનાં ભાગ્યમાં નહોતાં. મણિ છક્કડ ખાઈ ગઈ. મદનને પેટમાં શેનો દુખાવો હતો કે પછી લોહીમાં ગાંઠ આવી ગઈ અને ભાઈએ વિદાય લીધી. વિધિ અનુસાર, ક્રિયા કરી. પાડોશની સમજુએ તેનાં બાળકો સાંચવ્યા.
હિંમત હારે તે બીજાં. મણિ પાસે રડવાનો કે મદનનો શોક પાળવાનો સમય જ ક્યાં હતો. તેરમે દિવસે મદનની વરસી વાળી શોક ઉતાર્યો. વહેલી સવારે દુકાન ખોલી ગલ્લા પર આવીને બેઠી. ગામ આખું જોતું રહી ગયું. મણિ પ્યારની પ્રતિકૃતિ બાળકોમાં વ્યસ્ત રહેતી.
તે મનથી મજબૂત હતી. બાળકોનાં માતા અને પિતા બનેનો ભાગ સફળતાપૂર્વક ભજવવો હતો. આજે ૨૧મી સદીમાં ભણતર અને ગણતર બંનેની કિમત તેને ખબર હતી.
નસીબ સારાં કે બાળકો પ્યારની છત્ર છાયામાં ઉછરી રહ્યા હતા, એટલે ભણવામાં ખૂબ સારા હતા. તેમની પ્રગતિ જોઈ મણિ પોરસાતી. બેવડા ઉમંગથી ધંધો અને ઘર સંભાળતી. બાળકો ધીરે ધીરે મોટા થઈ રહ્યા હતા. બાજુમાં રહેતી સમજુ સવાર સાંજની રસોઈ બનાવતી. મણિને ખૂબ રાહત થઈ. શરૂમાં સમજુએ પાડોશી ધર્મ બજાવ્યો. મણિ તેને યોગ્ય પૈસા આપતી, જેથી સમજુ પોતાના ઘરનો વ્યવહાર અને બાળકોને સારું શિક્ષણ આપી શકે.
વર્ષો પાણીના રેલાંની જેમ પસાર થઈ ગયાં. મોટો મનોજ ડૉક્ટર થયો. મેહુલ એમ.બી.એ. અને વચલો મનન વકીલ થયો. મણિની આંખો અને આંતરડી બંને ઠર્યાં. એકલી પડતી ત્યારે મદનની છબી સાથે વાતો કરતી. તને હાથ દીધો, તેં અધવચ્ચે તરછોડ્યો. જો આ બાળકો તારા વગર મહેનત અને પ્રભુ કૃપાથી કેવા સુંદર ભણીગણી તૈયાર થયા. મનોજ જ્યારે એમ.બી.બી.એસ.ના છેલ્લા વર્ષમાં હતો, ત્યારે હ્યુસ્ટનથી ભણવા ગયેલી મોના તેના ક્લાસમાં હતી. બંને પ્રેમમાં પાગલ થયાં. મનોજને ખબર પડી કે મોના અમેરિકાથી ભારત ભણવા આવી છે. એણે મોનાને સાફ કહ્યું, 'મારે મારી માને વાત કરવી પડશે'.
મણિને પહેલાં જરા આંચકો લાગ્યો. હવે તેને થાક પણ લાગતો હતો. છેલ્લાં ૨૫ વર્ષથી એકલે હાથે જીવનસંગ્રામમાં વીરાંગનાની જેમ અડીખમ હતી. હવે જ્યારે એક પછી એક ત્રણે બાળકો તૈયાર થયા, ત્યારે તેને પોરો ખાવો હતો. જો મનોજ અમેરિકા જતો રહે તો નાના બેનું શું ? મનોજે માને કહ્યું, 'મા, હું તને અને મારા બે ભાઈઓને મૂકી જતો રહું એવો સ્વાર્થી નથી.'
મણિને કાળજે ટાઢક થઈ. જો કે દુકાનમાં બે માણસો રાખ્યા હતાં. બાળકો પણ રજાઓમાં માને બનતી બધી મદદ કરતાં.
‘મનોજ, આઈ અનડરસ્ટેન્ડ યોર ફીલિંગ્ઝ ફોર યોર ફેમિલિ. આફટર વી સેટલ ઇન અમેરિકા, વી કેન કૉલ બોથ ઓફ યોર બ્રધર્સ એન્ડ મૉમ.’
મનોજે મણિને સમજાવી, ‘મા, હું ડોક્ટર છું. અમેરિકામાં ડૉક્ટર સુખી હોય છે. બે વર્ષમાં હું બંને ભાઈ અને તને બોલાવી લઈશ.’
‘બેટા, પરણીને અને અમેરિકાની હવામાં તું અમને ભૂલી તો નહીં જાય ને?’
'મા, હું તારો અને મારા પિતાનો દીકરો છું. તને તારા લોહી પર વિશ્વાસ નથી? જો ન હોય તો મારે એક પણ શબ્દ આગળ બોલવો નથી.' મણિ પોતાના રતન જેવા દીકરાને ઓળખતી હતી.
ખુશી ખુશી મનોજ અને મોનાના લગ્ન લેવાયા. મોના, મણિની પ્રતિભા જોઈ અંજાઈ ગઈ.
કઈ માટીની આ સ્ત્રી બની હશે? જેણે એકલે હાથે ત્રણ નાના છોકરાંઓને ઉછેરી, સુંદર સંસ્કાર અને ભણતર આપી સુંદર જુવાન બનાવ્યા. પતિવ્રતા નારીને તે આદરથી વંદી રહી.
મનન અને મેહુલ ત્રણ વર્ષમાં અમેરિકા આવી પહોંચ્યાં. મણિએ પોતીકું ઘર છોડવાની ના પાડી. તે કહેતી, ‘તમે જ્યારે બોલાવશો ત્યારે હું આવી પહોંચીશ. તમારા કોઈ પણ કાર્યમાં જરૂર હોય તો મને તેડાવતા મુંઝાશો નહીં.’ એક વાર મણિ મનનને ત્યાં ડિલિવરી કરવા આવી હતી. ત્યાંથી મનોજને ત્યાં આવી.
દીકરાઓ પ્રેમથી કહેતાં 'મા, તું જરા ય સંકોચ રાખીશ નહીં. જે જોઈએ તે ખરીદજે. 'મણિ મોટે ભાગે ખરીદી પાડોશીના છોકરાં અને અનાથ આશ્રમનાં નાનાં બાળકો માટે કરતી. મણિની પોતાની જિંદગી ખૂબ સાદી હતી. મંદિરના ઠાકોરજીને સામગ્રીમાં ધરવા મેવો અને કેસર લેતી. એક દિવસ બપોરે આડે પડખે થઈ હતી. ત્યાં મનનની પત્નીનો ફોન આવ્યો.
'મમ્મી સૂતાં છે. ઊઠે એટલે ફોન કરાવું'.
મોનાભાભી મારે એક વાત કરવી છે.' મમ્મીએ ખૂબ ખરીદી કરી છે. તેમને ક્યાં ખબર છે બીલ પછી આપણે ચૂકવવાના હોય છે.'
મણિ સૂતી હતી, પણ વાતચીતનો અવાજ સાંભળી આંખ ખૂલી ગઈ. તેણે ફોન ઉપાડ્યો એટલે છેલ્લી લીટી સંભળાઈ.
'મીનાવહુ, હું ભારત જઈશ પછી તમને હિસાબ મોકલાવીશ, મનનના પિતા ગયા ત્યારે તે ત્રણ વર્ષનો હતો. બધો હિસાબ મેં લખ્યો છે. તેના ઉછેર અને ભણતર પાછળ ———–
http://pravinash.wordpress.com/