સડકો પર સંભળાઈ છે ‘છાત્રોની ગુંજ’
નવાં બળો અને પરિબળોનાં ઉદય સાથે સ્વરાજી કાઁગ્રેસ કુળ પરંપરાનું પુનઃ આવાહન, શોધન અને સંધાન, નવલાં શરસંધાન વાસ્તે જરૂરી છે. વિપક્ષી રાજનીતિ પણ હતી તો સ્વરાજી કાઁગ્રેસકુળ પરંપરામાં.

પ્રકાશ ન. શાહ
‘છાત્રોંકી ગુંજ’ એ શ્રેણીમાં પુણેની મહિલાકેન્દ્રી જમાવટ જોયા પછી રાહુલ ગાંધી વિશે અંગ્રેજી ઢબે કદાચ એટલું જ કહેવાનું રહે છે કે ‘હી હેઝ એરાઇવ્ડ’, અસ્તંગમિતમહિલા જેવો વરતાતો કૉંગ્રેસ પક્ષ, હજુ સંગઠને ઢીલોઢાલો, પણ આ અક્ષરશ: યુવા નેતૃત્વ થકી કંઈક આશ્વસ્ત ને કંઈક આશાન્વિત જરૂર થઈ શકે. પુણ હમણેનાં વરસોનો રાહુલ દોર પક્ષનિરપેક્ષપણેય દેશમાં એક વૈકલ્પિક નેતૃત્વની આશા સંપડાવે છે, એ નિઃ શંક.
લાંબો સમય આપણે એમને ‘પપ્પુ’ કહ્યા – આપણે એટલે કે, ખાસ તો, અમિત માલવિય હસ્તકની આઈ.ટી. સેલે અને રૂપિયે બે રૂપિયે રમતી લાઈકોડી મંડળીએ હમણાં રૂપિયે બે રૂપિયે એમ કહ્યું, પણ એ તો એક કહેવાની રીત થઈ. મુદ્દે, હજારો કરોડની, ‘તમારાં રાજદ્વારોના ખૂની ભપકે’ નીંગળતી સરકારી અને સત્તાપક્ષી, પ્રચારમારાની એ કમાલ હતી. પણ ભારત જોડો યાત્રા સાથે આ ‘પપ્પુ’ મિથક પિગળવા લાગ્યું અને 2024ના લોકસભા-પરિણામ સાથે નેતા પ્રતિપક્ષના વિધિવત ઉદય તેમ જ સ્થાપનપૂર્વક કેમ જાણે નવસંવતના આરંભ શી અરુણિત લાલિમા વરતાઈ.

રાહુલ ગાંધી
‘રાહુલ? કોણ રાહુલ’ એકદા વર્તમાન વડા પ્રધાને અજબ જેવી માસૂમિયતથી સ્ક્રિપ્ટશૂરા કોઈ ચેનલનવીસને પૂછ્યું હતું. પણ 2024ના જૂન સાથે કેમ જાણે આછીપાતળી પણ ‘ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની’ની તરાહ ને તરજ પર ‘આ સ્તો રાહુલ’ એવો જવાબ આવી મળ્યો … અને એ પણ બિલકુલ બાયોલૉજિકલ.
આ જે રાહુલ એની ચૂંટણી ઝુંબેશ ચાલુ દાયરાની બહાર ‘મહોબતની દુકાન’થી માંડી ‘સંવિધાન’ સરખા મુખર સંકેતો વાટે એક નવું કથાનક ઘડતી માલૂમ પડે છે.
ક્યારેક એમનું રાજકારણ ‘કેમિયો’ જેવું લાગતું હતું. પણ હવે આપણે એમને ટ્વેન્ટી ફૉર બાય સેવન લગભગ જોતા હોઈએ એવો ઘાટ છે. આજે પાર્લમેન્ટ સ્ટ્રીટની પોલીસ ચોકી પર એફ.આઈ.આર. નોંધાવવા માટે કલાકોના કલાકો લગી ધરણા પર, ને કાલે પુણે … વાંસોવાંસ નાગપુરની તારીખ પણ ગમે તે ક્ષણે આવી પડશે સ્તો!
ચિહ્નો બધાં જ એવાં છે કે જંતરમંતરથી શરૂ થયેલો ઘટનાક્રમ ઝાલ્યો ઝલાવાનો નથી. આપણા ચાલુ માળખામાં એ પૂરેપૂરો કેમ પડઘાય તે અલબત્ત જોવું રહે છે. તે સંદર્ભે કંઈક દાયિત્વ, કંઈક ઉત્તરદાયિત્વ ચાલુ રાજકીય પરિબળોનુંયે હોય તે સંસંદીય લોકશાહી રાજકારણમાં સહજ છે. દાયિત્વ ને ઉત્તરદાયિત્વની આ રમઝટમાં આપણા સરજાતા ઇતિહાસમાં ઉભરી રહેલી શખ્સિયત રાહુલ ગાંધી છે.
જેન ઝી ઇતિહાસધક્કા ઉપરાંત એમની પાસે ક્યારેક સ્વરાજની વડી પાર્ટી એવી ભાંગ્યું તોયે ભરૂચ જેવી કાઁગ્રેસ છે. આ કાઁગ્રેસ પાસે હજુ બાર વરસ પરનો મનમોહન દસકાનો ઇતિહાસ છે. 2014-26ના બાર વરસનો મુકાબલે 2004-2014ના મનમોહન અભિગમની વિશેષતાઓ ધીરે ધીરે ઊઘડતી જાય છે, કેમ કે હમણેના દસકાની મૂઠ ને મૂર્છા ઊતરી રહી છે.
નરસિંહરાવને અને રાજીવ ગાંધીને વટીને ઇન્દિરાકાળમાં જઈએ ત્યારે અત્યારના સંદર્ભમાં એક વિલક્ષણ વાત સામે આવે છે. અજ્ઞેયની એક જાણીતી રચના ‘બૌદ્ધિક બુલાયે ગયે’ છે જેમાં કટોકટીના સંદર્ભમાં ચહેતા ને પાળીતા બૌદ્ધિકોની જિકર આવે છે. પણ તમે જુઓ કે મનમોહન કાળમાં સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં બનેલા એડવાઇઝરી કમિટી પર એ કુળના લોકો હતા જેઓ કટોકટીકાળે સહજક્રમમાં જે.પી. આંદોલન સાથે હોઈ શકતા હતા. મોરારજી સરકાર ટકી હોત તો આગળ ચાલતાં એણે હાથ ધર્યાં હોત એવાં કેટલાંક પગલાં આ એડવાઇઝરી કમિટીનાં હતાં. હાલનું માનવ અધિકાર પંચ, એમ તો નરસિંહરાવની ભેટ છે!
હમણાં એક ‘ગુંજ’ દરમિયાન જેન ઝી મિજાજથી છાત્રે રાહુલ ગાંધી સાથેના સંવાદમાં લોહિયાને સંભાર્યા હતા કે સડકો સૂની પડે ત્યારે સંસદ ‘આવારા’ બની જાય છે! કાઁગ્રેસને કંઈક કાંઠુ લાગે ને કુડીબંધ નાગરિકોને પણ કંઈક કઠે, છતાં જે.પી.-કૃપાલાણી-લોહિયાની વિપક્ષી રાજનીતિ પણ હતી તો સ્વરાજી કાઁગ્રેસકુળ પરંપરામાં, એટલો વિવેક જેમ રાહુલ ગાંધીને તેમ સ્વતંત્ર નાગરિકોનેય વસવો તો જોઈએ.
ગમે તેમ પણ, પરિવર્તનનો વાયરો વહી રહ્યો છે એટલું ચોક્કસ.
26 ઑગસ્ટ 2026
e.mail : prakash.nireekshak@gmail.com
![]()




તેમાં સવારે નવ વાગે, ’સુરતમહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, સાંસદશ્રીઓ. ધારાસભ્યશ્રીઓ, મ્યુનિ.સભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ’ દ્વારા પ્રખર સમાજસુધારક અને ગરવી ગુજરાતના પ્રણેતા એવા કવિશ્રી નર્મદને સુતરાંજલિ સહ વંદના કરવામાં આવશે.’ એ સાથે છેલ્લે નગરજનોને ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પણ અપાયું છે. સાંસદો, અધિકારીઓ, ધારાસભ્યોને ગણી ગણીને આમંત્રણ અપાયું છે, પણ ભૂલમાં પણ એક સાહિત્યકાર કે કવિને આમંત્રણ અપાયું નથી. શહેરના સાહિત્યકારો કે કવિઓ એટલા નિર્માલ્ય છે કે એમને આવું અપમાન થાય તો પણ કંઇ ફરક નહીં પડે. સુરત મહાનગરપાલિકા એક પણ સાહિત્યકાર કે કવિને લેખામાં જ ન લે એ અસહ્ય છે. એને તો નર્મદ પણ રાજકારણી જ લાગ્યો હશે, પણ એ સાહિત્યકાર અને સુધારક હતો અને એણે સાહિત્યકારોનાં આવાં અપમાનનો જડબેસલાક જવાબ પણ આપ્યો હોત. સુરત મ.ન.પા.ના તમામ હોદ્દેદારોએ નર્મદને કવિ કે સુધારક તરીકે સમજીને જ 24 ઓગસ્ટ ઉજવવાનું નક્કી કર્યું હશે ને એમાં સુરતનો એક કવિ કે લેખક બોલાવવા જેવો ના લાગે એ અપમાનજનક અને શરમજનક છે. કોઈ એવું કહી શકે કે છેલ્લે નગરજનોને આમંત્રણ અપાયું જ છે. સાહિત્યકાર પણ નગરજન તો ખરો જ, પણ તે આવી સામાન્ય કેટેગરીનો માણસ નથી. એવું જ હોય તો કોર્પોરેશનના અધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો પણ નગરજનો તો ખરા જ ને! તો એમને કેટેગરીવાઈઝ ગોખી ગોખીને જુદું આમંત્રણ કેમ અપાયું? એ અપાયું તો સમ ખાવા પૂરતો એકાદ કવિ કે નાટ્યકાર યાદ ન આવ્યો? કે સાહિત્યની કશી સમજ જ બચી નથી? એ કેવળ દુ:ખદ છે કે રાજકારણીઓ ન હોય એવા તમામને બાજુ પર મૂકવામાં આવ્યા. આ ઠીક ન થયું. નર્મદના નામ પરથી નર્મદ સાહિત્ય સભા આ શહેરમાં છે કે નર્મદના નામ પરથી આ શહેરમાં યુનિવર્સિટી ચાલે છે, તો એમને આમંત્રણ આપી શકાયું હોત, આમાં એક પણ શિક્ષણ શાસ્ત્રી તો ઠીક, કુલપતિને પણ સ્થાન નથી. આ ઠીક છે? આ બધી રીતે અપમાનિત કરનારું છે.
નર્મદ જેવો સુધારક અને સર્જક આજ સુધી ગુજરાતમાં બીજો પાક્યો નથી. નર્મદ પહેલાં ગદ્ય ખાસ હતું જ નહીં, પ્રવચનો ત્યારે પદ્યમાં થતાં. દેશાભિમાન, સ્ત્રી કેળવણી, વિધવા વિવાહ, ધર્મ, શબ્દકોશનો વિચાર પણ દુર્લભ હતો, એવા સમયમાં નર્મદે એ બધું ચરિતાર્થ કરી બતાવ્યું. નર્મદ ‘ધર્મવિચાર’ નામનું પુસ્તક કરે છે. પણ તે ઓળખાયો તો વિષયી ધર્મગુરુઓની સામે પડવાને લીધે. તેણે ‘યા હોમ કરીને’ ઝંપલાવ્યું છે ને યાહોમ કરનારો હોમ કરવા સુધી પણ પહોંચે છે. નર્મદે જે કર્યું તેનાથી વિરુદ્ધ પણ તે વર્ત્યો છે ને ત્યારે તે થૂંકેલું ચાટતો હોય એવું લાગે, પણ તેની વિશેષતા એ છે કે તેને જે લાગ્યું તે તેણે પૂરી ઈમાનદારીથી કર્યું છે. તે યાહોમ કરતો લાગે છે તો તે બાબત છુપાવતો નથી. એમ જ તે હોમ કરવા સુધી પહોંચે છે તો તે વાત પણ છુપાવતો નથી. તે સુધારાદિત્ય થઈને મેદાને પડે છે તો તેમાં પણ તેની પ્રતીતિ છે ને ફરી ધર્મ તરફ વળે છે તો તેમાં પણ તેની પ્રતીતિ છે. તે અજાણતા કે ઉતાવળે કંઇ કરતો નથી. ટૂંકમાં, તે માનતો નથી એવું કંઇ તે કરતો જ નથી. એક યુનિવર્સિટી ન કરે એટલું ગંજાવર કામ તેણે કર્યું છે. તેણે શબ્દકોશ એકલે હાથે કરવાનું સ્વીકાર્યું ને આ બધું જ તેણે 18થી લઈને 53 વર્ષની ટૂંકી જિંદગીમાં કર્યું છે. તેના કેટલા ય સુધારાઓ સામે પહાડ જેવડો વિરોધ હતો, પણ ‘ડગલું ભર્યું તે ના હટવું …’ કરીને તે આગળ વધે છે. વિધવા પુનર્લગ્નની પ્રતીતિ તે પોતે વિધવા જોડે લગ્ન કરીને કરાવે છે. તેનો જીવન મંત્ર એ જ તેનાં સમગ્ર સર્જનમાં ડોકાયા કરે છે.