મૂળભૂત રીતે આપણે દંભી પ્રજા છીએ. રાજકારણીઓએ આપેલાં સૂત્રો પર ટકી જવાના હોઈએ તેમ પોરસાઈએ છીએ. સૂત્રો મહત્ત્વનાં છે, પણ સૂત્રો જ મહત્ત્વનાં નથી. તેની સાથે પ્રજાકીય કે રાજકીય પુરુષાર્થ ન જોડાય તો તે પ્રલાપથી વધારે કૈં નથી. મોટે ભાગનાં રાજકીય સૂત્રો ને વચનો લવારાથી વિશેષ કૈં નથી. એનું મૂળ કારણ વાણી અને વર્તન વચ્ચેનું અંતર છે. આપણી બીજી ખાસિયત ઝડપથી રાજી થવાની છે. તે એટલે કે એટલું થાય તો વિશેષ કૈં કરવાની જરૂર ન રહે. ઝડપથી સંતુષ્ટ ન થઈએ તો પુરુષાર્થ કરવાની જરૂર પડે ને આપણી વૃત્તિ મોટે ભાગે શ્રમ કરવાથી દૂર રહેવાની છે.
છેલ્લા દસ બાર દિવસમાં 100થી વધુ વિમાનો ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. એ સાથે જ આંધ્રની 3 હોટેલોને ને રાજકોટની ઇમ્પિરિયલ પેલેસ, સયાજી હોટેલ જેવી 10 જાણીતી હોટેલોને ને આજે તો સુરતની લા મેરેડિયન હોટેલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અત્યાર સુધી શંકાસ્પદ કશું મળ્યું નથી, પણ ધમકીનું નામ પડતાં તંત્રો ધંધે લાગી જાય છે ને જેને ધમકી મળે છે તે એરલાઇન્સ, પેસેન્જર્સ, હોટેલ્સ અને આસપાસના લોકો તથા વિસ્તારોનો જીવ પડીકે બંધાય છે તે પણ ખરું. એ સાથે જ વિમાની કંપનીઓને કરોડોની ખોટ જાય છે તે નફામાં.
એવું નથી કે તંત્રો કામ નથી કરતાં. તંત્રો કદાચ વધુ સક્રિય છે. ચંડોળા તળાવને સરકાર પાણીથી ન ભરી શકે એટલે બાંગ્લાદેશી ઘૂસણખોરોએ નર્મદાની પાઇપલાઇન પૂરી દીધી. તળાવને પ્રોસેસ કરેલ કચરાથી ભરી દીધું. એ કચરાથી ઘૂસણખોરોએ પુરાયેલી જગ્યા પર વસાહત ઊભી કરી દીધી. એમના સુધી પોલીસ પહોંચી તો ખરી, પણ અમદાવાદ કે અન્ય વિસ્તારોમાં બાંગ્લાદેશીઓ ઘૂસે છે તે કોની મદદથી શક્ય બને છે તે કોઈથી અજાણ્યું નથી. એ લોકો હિન્દુ નામથી વસી જાય છે, એ પણ ખબર ન પડે એવી બાબત નથી. ગેરકાયદે વસી ગયેલા બાંગ્લાદેશીઓ હવાલા મારફતે બાંગ્લાદેશમાં પૈસા મોકલતા હોય તે પણ કોઈને ધ્યાને ન ચડે એવી બાબત નથી જ ! ચીન, પાકિસ્તાનની શત્રુતા ઓછી હતી તે બાંગ્લાદેશને નોતરવું પડે? એવા વિદેશીઓને નાગરિકતા આપવાનો વેપલો પણ ભારતમાં થાય છે ને આમ વસી ગયેલા વિદેશીઓ આ દેશનું હિત જોશે એવું કેવી રીતે લાગે છે તે નથી સમજાતું. ઘૂસણખોરો તો ગુનેગાર છે જ, પણ એમને સગવડ કરી આપનારા એથી મોટા ગુનેગાર છે. આવા ઘૂસણખોરોથી ભવિષ્યમાં કેવાં જોખમો ઊભાં થાય છે તે પણ સૌ જાણે છે. એમાં કોઈ જાસૂસી ન જ કરે એવો વિશ્વાસ સરકારને કેવી રીતે હોય છે તે નથી ખબર, પણ કોઈ પકડાય તો તંત્રો કેવી રીતે ધંધે લાગી જાય છે તે સૌ જાણે છે.
તાજો જ દાખલો પોરબંદરથી પકડાયેલા પાકિસ્તાની જાસૂસનો છે. કોસ્ટગાર્ડની જાસૂસી કરીને આ જાસૂસ સોશિયલ મીડિયાથી ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો. ATSએ તેની ધરપકડ કરીને કઈ કઈ વિગતો પાકિસ્તાન પહોંચાડી છે તેની તપાસ શરૂ કરી છે. એનો આનંદ જ હોય કે ATS એક્ટિવ છે, પણ ચિંતા એ થવી જોઈએ કે પાકિસ્તાની જાસૂસ પોરબંદર સુધી પહોંચવામાં સફળ કેવી રીતે થયો? એને ભારતમાંથી મદદ ન મળે તો જે તે વિગતો મળે એમ લાગે છે? પાકિસ્તાન જાસૂસી કરાવે છે ને આ તો એક પકડાયો, બીજા પણ હશે ને એ નહીં પકડાય ત્યાં સુધી આપણાં તંત્રો નિષ્ફળ ગણાવાના. પાકિસ્તાન અનેક રીતે ભારતની કનડગત કરતું રહ્યું છે ને આપણને તેની ખબર ન હોય તેમ ઉદાસીન રહીએ છીએ. ગમે તેટલી ડંફાસો મારીએ, તો પણ પાકિસ્તાન સામે આપણો પનો ટૂંકો પડે છે તે હકીકત છે. મુઠ્ઠી જેવડું પાકિસ્તાન ભારતથી કંટ્રોલ નથી થઈ શકતું તે અશક્તિને કારણે નહીં, પણ રાજકીય ઉદાસીનતાને કારણે, તે કહેવાની જરૂર નથી. કોણ જાણે કેમ પણ આપણે અમસ્તા જ આશ્વસ્ત થતાં રહીએ છીએ.
જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર સક્રિય થઈ તે સાથે પૂર્ણ રાજ્ય બનાવવાનો પ્રસ્તાવ મુખ્ય મંત્રીએ મૂક્યો ને કેન્દ્ર સરકાર પણ એ મામલે સંમત જણાય છે. સંસદનાં શિયાળુ સત્રમાં એને લગતો પ્રસ્તાવ લાવવાની વાત પણ છે, પણ સવાલોનો સવાલ એ છે કે પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર (POK) વગર જમ્મુ-કાશ્મીર પૂર્ણ રાજ્ય ગણાય જ કેવી રીતે? ગમ્મત તો એ છે કે POK લઈને જ રહીશું – એવું લગભગ 1947 પછી ભાગ્યે જ કોઈ મંત્રી બોલ્યા વગર રહ્યો હશે, છતાં એ કોયડો આજે પણ વણઉકલ્યો જ છે. આપણી જ જમીન આપણે લઈ શકતાં નથી તે શરમજનક છે. ચીનને એક ઇંચ જમીન નહીં લેવા દઈએ એવા લવારા ઘણા મંત્રીઓ કરતા રહ્યા છે ને ચીને કેટલી જમીન હડપ કરી એની વિગતો પણ આપણું જ મીડિયા આપતું રહે છે. અત્યારે પણ ચીન અને ભારતે લશ્કરો સરહદ પરથી પાછા ખેંચવા માંડ્યાં છે, પણ એ જરા ય ભૂલવા જેવું નથી કે આ ચીન છે ને દગો કરવામાં નામચીન છે.
ભારતીય વિદેશ મંત્રીએ વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ સેનાએ દેશની રક્ષા કરી છે – એવી નોંધ લઈને એમ પણ કહ્યું કે ચીન સાથેના સંબંધો સામાન્ય થયા છે એમ કહેવું વહેલું ગણાશે. એટલે વિદેશ મંત્રી પણ જાણે છે કે ચીન ઓછી માયા નથી. વિદેશ મંત્રી સેનાએ રક્ષા કરી છે એમ કહી બિરદાવે તે આવકાર્ય છે, પણ સવાલ તો એ પણ છે કે સૈનિકો શું શહીદ થવા માટે જ સેનામાં છે? કારણ વગર આતંકીઓને હાથે સૈનિકો વધેરાયા જ કરે ને સરકાર સાક્ષી ભાવે બધું જોયા કરે એ ઉપક્રમ કોઈ રીતે વખાણી શકાય એમ નથી.
કાશ્મીર ખીણમાં 7 દિવસમાં આતંકી હુમલાઓમાં 13 જીવો હણાયા છે. 18 ઓક્ટોબરે શોપિયાંમાં થયેલા હુમલામાં બિહારના મજૂરનું મૃત્યુ થયું. 20 ઓક્ટોબરે ગાંદરબિલમાં 6 બિન-કાશ્મીરી અને એક સ્થાનિક તબીબનું મૃત્યુ થયું. 24 ઓક્ટોબરે ગુલમર્ગમાં સૈન્યનાં વાહન પર હુમલો થયો, જેમાં 3 જવાન શહીદ થયા અને બે પોર્ટરો મરાયા. એ ધ્યાને લેવાનું રહે કે વિધાનસભાની ચૂંટણી પછી, આતંકી હુમલામાં વેગ આવ્યો છે. ગુલમર્ગમાં સેનાના વાહન પર રોકેટ પ્રોપેલ્ડ ગનથી હુમલો કરાયો હતો. અફઘાનિસ્તાનમાં તાલિબાને કરેલા કબજા પછી અમેરિકાએ રાખી મૂકેલાં હથિયારો ને અન્ય શસ્ત્ર – સરંજામ કોઈક રીતે કાશ્મીરી આતંકવાદીઓના હાથમાં આવ્યાંનું લાગે છે. આ વર્ષે સેનાએ ઠાર કરેલા પાકિસ્તાની આતંકવાદી પાસેથી ઓસ્ટ્રેલિયન બનાવટની એ.યુ. બુલપંપ એસોલ્ટ રાઇફલ મળી આવી. આતંકવાદીઓ પાસેથી અમેરિકન નાઈટ વિઝન ડિવાઇસ અને બુલેટપ્રૂફ જેકેટ પણ મળ્યાં છે. એટલું સ્પષ્ટ છે કે એક વર્ષમાં આતંકીઓ વધુ સક્રિય થયા છે, એટલું જ નહીં, તેમની પાસેનાં શસ્ત્રો પણ જે તે દેશ સાથેનું કનેક્શન સૂચવે છે. એ સાથે જ ભારત પ્રત્યેની જે તે દેશની લાગણીનો સંકેત પણ એમાંથી મળી રહે છે.
આ સ્થિતિમાં સેનાનો મત એવો છે કે પાકિસ્તાની આતંકીઓ ઘાટીમાં ભય ફેલાવવા માંગે છે. તેઓ હવે કાશ્મીરીઓને નિશાન બનાવી રહ્યા છે. બારામુલ્લામાં શ્રમિકો પરનો હુમલો તેનો પુરાવો છે. તે ઉપરાંત કાશ્મીરમાં નવું આતંકી સંગઠન પણ મળી આવ્યું છે જે ભરતી રેકેટ ચલાવતું હતું. આ પરિસ્થિતિ હોય ને વધતા જતા હુમલાઓમાં પ્રજા કે સૈનિકોનું લોહી જ રેડાતું રહે એ કોઈ રીતે શોભાસ્પદ નથી. ભારતીય સૈનિકો કોઈ રીતે વધારાના નથી કે આતંકીઓ તેમનો નિર્મમતાથી શિકાર કરે ને સરકાર તટસ્થ રહીને જોયા કરે. સીધી ને સટ વાત એટલી છે કે કોઈ પણ ભોગે પાકિસ્તાનને પાઠ ભણાવવો ઘટે. વર્ષોથી ચાલતી આતંકી પ્રવૃત્તિઓનો સફાયો ન થાય ને ‘POK લેકે રહેંગે’ કે ‘ચીનને એક ઇંચ જમીન નહીં લેવા દઈએ’ના નારાથી ક્યારે ય સૈનિકોનું લોહી રેડાતું બંધ નહીં થાય. સૂત્રો બોલવા-સાંભળવામાં સારા લાગે, પણ એમાં જીવ ન હોય ને કોઈ પુરુષાર્થ જ ન હોય તો હાનિ સિવાય હાથમાં કૈં આવતું નથી, તે રાજ્ય સરકારોએ અને કેન્દ્ર સરકારે સમજી લેવાનું રહે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 ઑક્ટોબર 2024