બુદ્ધત્વ મેળવવાનું નથી. એ આપણી અંદર છે જ. એને જોવાનું, ખોલવાનું, પ્રતીત કરવાનું છે – અત્યારની ક્ષણમાં, અત્યારના સ્વમાં. આપણે સૌએ પોતપોતાના વાસ્તવમાં જીવવાનું છે. સમસ્યાઓ ને તકલીફો એનો એક ભાગ છે. પણ જેમ માણસ મજબૂત હોય તો વજન સાથે પણ પર્વત ચડી જાય છે તેમ બુદ્ધત્વનો યાત્રી પોતાના વાસ્તવમાં ડૂબતો નથી, એને તરી જાય છે. સારાં-માઠાં પરિવર્તનો વચ્ચે સ્થિર, નિર્ભય, અસ્પર્શ્ય રહે છે. બધાની વચ્ચે રહીને પણ એ અ-સંગ, મુક્ત હોય છે અને પોતાનામાંથી જ જન્મેલા અચલ અમિશ્ર આનંદને જીવે છે.
ધ્રુવ ભટ્ટની નવલકથા ‘અતરાપી’નો નાયક એક શ્વાન છે, જે મુક્ત આત્માનું પ્રતીક છે. ગલૂડિયું હતો ત્યારથી મૃત્યુ પામ્યો ત્યાં સુધી એ ઘણું ફરે છે, ઘણાને મળે છે. જ્યાં હોય ત્યાંનો થઈને રહે છે, જેની સાથે હોય તેને જવાબદારીપૂર્વક ચાહે છે. પણ કોઈ વ્યક્તિ, કોઈ સ્થળ, કોઈ સલામતી-સગવડ, કોઈ મહત્ત્વાકાંક્ષા, કોઈ સંબંધ, કોઈ અપેક્ષામાં તે બંધાતો નથી. મૃત્યુ પામ્યા પછી તેનો ભાઈ તેને સ્વર્ગમાં અને નરકમાં શોધે છે. જવાબ મળે છે, ‘તે ક્યાં ય નથી.’ પૃથ્વી પર હતો ત્યારે પણ તે ક્યાં ય ન હતો, તેથી મૃત્યુ પછી પણ તે ક્યાં ય નથી. મુક્તિ આ છે.
અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રએ ઉત્તરાના ગર્ભનો નાશ કર્યો ત્યારે કૃષ્ણએ કહ્યું, ‘જો હું અખંડ ને આજીવન બ્રહ્મચારી હોઉં તો હે આત્મા, તું આ બાળકના મૃત શરીરમાં પ્રવેશીને એને જીવતો કર.’ અને ઉત્તરાનો બાળક જીવતો થયો. કૃષ્ણને પ્રિયતમા હતી, પત્નીઓ હતી, સંતાનો હતાં; છતાં તેઓ ‘અખંડ અને આજીવન બ્રહ્મચારી’ હતા? કેવી રીતે? ઓશોએ એનો સુંદર જવાબ આપ્યો છે કે કૃષ્ણએ જીવનમાં જે આવ્યું તે સ્વીકાર્યું અને પછી એમાંથી નીકળી ગયા. પ્રેમ, રાસલીલા, રાજનીતિ કે યુદ્ધ – એમનું મન, એમની ઇન્દ્રિયો અ-લિપ્ત જ રહ્યાં. ગીતામાં કહ્યું છે, ત્યક્તવા કર્મફલાસંગ નિત્યતૃપ્તો નિરાશ્રય, કર્મણ્યભિપ્રવૃત્તોઽપિ નૈવ કિંચિત્કરોતિ સ: (4, 20)
23 મેના દિવસે બુદ્ધપૂર્ણિમા છે. બૌદ્ધ દર્શન અનુસાર બુદ્ધ કોઈ માણસનું નામ નથી. બુદ્ધત્વ એક અવસ્થા છે. અંદરથી જન્મ-મરણમાં હોવા કે ન હોવાનો ફરક પડે નહીં, મુક્તિની ઈચ્છા પણ ખરી પડે અને બહારથી જિંદગી જે આપે તે જવાબદારી અને સુખદુ:ખનો સમત્વપૂર્ણ સ્વીકાર થાય આવી અવસ્થામાં જીવે તે ‘બુદ્ધ’ છે. માણસ પોતાની અવસ્થાને સમજે અને તેને પરિવર્તિત કરવાની ક્ષમતા મેળવે તો તે આ જ જન્મમાં બુદ્ધત્વ પ્રાપ્ત કરી શકે.
આ સંદર્ભમાં નિચિરેન બુદ્ધિઝમની ‘ટેન વર્લ્ડ થિયરી’ સમજવા જેવી છે. જાપાનમાં બારમી સદીના અંતે નિચિરેન દાઈશોનિન નામના બૌદ્ધ વિદ્વાન સાધુ થઈ ગયા. તેઓ બોધિસત્વનો અવતાર ગણાતા. તે વખતે પ્રવર્તતું તમામ બૌદ્ધ જ્ઞાન મેળવી તેમણે નિચિરેન બુદ્ધિઝમની સ્થાપના કરી, જે મહાયન બૌદ્ધ ધર્મની એક શાખા છે. બુદ્ધત્વનું બીજ વાવવું, આ જ જન્મમાં બુદ્ધત્વ પ્રાપ્ત કરવું અને અન્યોને પણ બુદ્ધત્વ પ્રાપ્ત કરવા પ્રેરિત કરવા એ તેનું ધ્યેય છે. બૌદ્ધ ધર્મના સ્થાપક, જેમને આપણે ભગવાન બુદ્ધ કહીએ છીએ તેને નિચિરેન બુદ્ધિઝમ શાક્યમુનિ કહે છે, જેમણે લોકોનાં દુ:ખોને પોતાનાં દુ:ખ તરીકે જોયાં અને એનો ઉપાય શોધવા મહાભિનિષ્ક્રમણથી લઈ બુદ્ધત્વપ્રાપ્તિ સુધીની યાત્રા કરી.
નિચિરેને કહ્યું છે કે આપણી અંદર દસ વિશ્વો કહેતા દસ અવસ્થાઓ છે છે. એના અંગ્રેજી નામ જ આપું છું – હેલ, હંગરી સ્પિરિટ્સ, એનિમલ્સ, અસુર, હ્યુમન બિઈંગ્સ, હેવનલી બિઈંગ્સ, વૉઇસ હિયરર્સ, કૉઝ અવેકન્ડ વન્સ, બોધિસત્વ અને બુદ્ધ. આ વિશ્વોને સમજીએ તો આપણને આપણા અત્યારના ‘સ્ટેટ ઓફ લાઈફ’ની ખબર પડે અને એમાં પરિવર્તન કરવાની દૃષ્ટિ પણ ખૂલે.
હેલ સૌથી નિમ્ન વિશ્વ છે. એમાં વસતો માણસ દુ:ખોમાં કેદ, ચારે બાજુથી બદ્ધ, એક પ્રકારની આગથી ઘેરાયેલો અને તેથી ઉગ્ર, હતાશ, અસંતોષી હોય છે. હંગરી સ્પિરિટ્સ એટલે પોતાનાં સંતાનોને પણ ખાઈ જાય એવી ભૂખ-અતૃપ્તિ અને એનું શમન ન થતાં અનુભવાતી પીડાથી ઘેરાયેલા, લોભી આત્માઓ. ઈચ્છા અને ભૂખ કુદરતી છે. પણ એના ગુલામ થવું એટલે હંગરી સ્પિરિટ્સના વિશ્વમાં રહેવું. એનિમલ્સ એટલે વિચારહીન અને આવેગોને વશ લોકો. તાત્કાલિક લાભ જોવો, બળવાનથી ડરવું, નિર્બળનો શિકાર કરવો. ટકવા માટે અન્યનો નાશ કરવો ને મારવું કે મરવું. અસુરનો સ્વભાવ છે ક્રોધ, અહંકાર, સ્વકેન્દ્રીપણું, સરખામણી અને સૌથી ચડિયાતા થવાનો નશો. તેઓ ઊતરતા સાથે અભિમાન, ચડિયાતાની ઈર્ષા અને શક્તિશાળી સામે કાયરતા બતાવે છે. હ્યુમન બિઈંગ્સ એટલે કે મનુષ્ય. પરિસ્થિતિ બરાબર હોય તો ખુશ નહીં તો દુ:ખી એવો તેનો સ્વભાવ હોય છે. હેવનલી બિઈંગ્સમાં સુખની ઈચ્છા, કલાપ્રેમ હોય છે. તેનું પોષણ થતાં તેને આનંદ થાય છે. આ આનંદ સારો છે, પણ દુન્યવી છે. સમય જતાં ઝાંખો પડે છે. જે શાશ્વત આનંદની પ્રાપ્તિ આપણું ધ્યેય છે તે આનંદ આ નથી.
આ છ ‘માર્ગ’ ગણાય છે. માણસના કાબૂ બહાર હોવાથી તે પૂર્ણ સ્વતંત્ર કે સ્વ-શાસિત નથી. તેનાથી ઉપર ઊઠવાનું છે, આગળ જવાનું છે; જેથી આનંદ બહારના અંકુશોથી મુક્ત થાય.
વૉઇસ હિયરર્સ વિશ્વમાં વસતો માણસ જાગૃતિની દિશામાં પ્રયાણ કરે છે. કૉઝ અવેકન્ડ વન્સનું વિશ્વ પોતાનાં નિરીક્ષણ અને પ્રયત્નોથી બધું ભંગુર છે એ પ્રકારની જાગૃતિ મેળવે છે. આ બંને આટલી પ્રાપ્તિથી સંતોષ પામે છે. પૂર્ણ જાગૃતિ -બુદ્ધત્વ શોધવામાં પડતા નથી. ઉપરાંત એમને પોતાની જ જ્ઞાનપ્રાપ્તિમાં રસ હોય. બીજાને મદદ ન કરે. આ સ્વકેન્દ્રીપણું આ બે વિશ્વોની સીમા છે. બોધિસત્વ બુદ્ધત્વપ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ રહે. બીજા પણ જાગૃત થાય એવો પ્રયત્ન કરે. તેનામાં કરુણા, પ્રેમ અને ભલાઈ હોય. બુદ્ધોનું વિશ્વ ઉચ્ચતમ શિખર છે. બુદ્ધ સિંહ જેવા હોય છે – ભવ્ય, નિર્ભય, સ્વસ્થ, આત્મવિશ્વાસથી ભરપૂર. સાથે સ્થિર, પ્રસન્ન, કરુણાપૂર્ણ.
હરમન હેસની નવલકથા ‘સિદ્ધાર્થ’માં સિદ્ધાર્થ બુદ્ધ સાથે વાત કરે છે, પછી અનુભવે છે કે કાંચળીની જેમ જૂનું જીવન ખરી ગયું છે. શીખવા-સાંભળવાની ઈચ્છા પણ ખરી ગઈ છે. આ સ્વને ક્યાં લઈ જવાનો છે? તેને થાય છે, ‘આટલું બધુ શીખ્યો, સૌએ આટલું જ્ઞાન આપ્યું, છતાં એ શું છે જે નથી તેઓ શીખવી શક્યા, નથી હું શીખી શક્યો. હું જીવું છું, જાણું છું કે હું સૌથી જુદો છું પણ હું મારા વિષે જગતમાં સૌથી ઓછું જાણું છું. હું મારાથી અજાણ્યો છું … કદાચ તેથી હું મારાથી ડરું છું. બ્રહ્મની, આત્માની શોધના રસ્તામાં હું જ ક્યાંક રહી ગયો છું – પણ હવે હું મારાથી નહીં ભાગું. હું મારો જ શિષ્ય બનીશ. મારી પાસેથી જ મારું-સિદ્ધાર્થનું રહસ્ય પામીશ.’ અને ચહેરા પર સ્મિત સાથે, લાંબા સ્વપ્નમાંથી જાગેલા અને અને ક્યાં જવાનું છે – શું કરવાનું છે એ જાણતા માણસની જેમ તે પગ ઉપાડે છે.
તો, બુદ્ધત્વ મેળવવાનું નથી. એ આપણી અંદર છે જ. એને જોવાનું, ખોલવાનું, પ્રતીત કરવાનું છે – અત્યારની ક્ષણમાં, અત્યારના સ્વમાં. આપણે સૌએ પોતપોતાના વાસ્તવમાં જીવવાનું છે. સમસ્યાઓ ને તકલીફો એનો એક ભાગ છે. પણ જેમ માણસ મજબૂત હોય તો વજન સાથે પણ પર્વત ચડી જાય છે તેમ પરમ આનંદમાં જીવતો માણસ પોતાના વાસ્તવમાં ડૂબતો કે ફસાતો નથી, એને તરી જાય છે. વળી પર્વતારોહી જેમ વધારે કપરું ચઢાણ ચડે તેમ વધારે સંતોષ અને આત્મવિશ્વાસ મેળવે છે તેમ બુદ્ધત્વનો યાત્રી જેમ વધુ કસોટી વચ્ચે મુકાય છે તેમ વધુ જીવનઊર્જા, વધુ આત્મપ્રતીતિ મેળવે છે. તે બ્રહ્માંડના લય સાથે પોતાનો લય મેળવી શકે છે. સારાં-માઠાં પરિવર્તનો વચ્ચે સ્થિર, નિર્ભય, અસ્પર્શ્ય રહી શકે છે. ભૌતિકતાની વચ્ચે ‘બોધિ’ અને જન્મ-મરણ આવાગમન વચ્ચે ‘નિર્વાણ’ શક્ય છે એ સમજાયા પછી એને બધાની વચ્ચે રહીને પણ અ-સંગ, મુક્ત રહેવાનું આવડી જાય છે. પોતાનામાંથી જ જન્મેલા અચલ અમિશ્ર આનંદને એ જીવે છે.
ટૂંકમાં મુક્તિ જ્યાં છો ત્યાં જ છે, નહીં તો ક્યાં ય નથી.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 મે 2024