સુપરસ્ટારને તમે ધાકમાં રાખી શકતા હોવાની છાપ ખડી કરો તો બેરોજગારીમાં ગેરમાર્ગે દોરાયેલા જુવાનિયાઓ તમારી ‘ગેંગ’ના સભ્ય બનવા તરત તૈયાર થઇ જાય, આ લૉરેન્સ બિશ્નોઈનું ઇમેજ મેનેજમેન્ટ છે
લૉરેન્સ બિશ્નોઈ, આ નામ આપણે માટે નવું નથી. દિવાળી પહેલાં લૉરેન્સ બિશ્નોઈએ ખાસ્સા એવા ફટાકડા ફોડ્યા છે. 2014થી જેલમાં પુરાયેલો એક જુવાનિયો ભારત નહીં પણ કેનેડા અને યુ.એસ.એ.માં પણ ચર્ચાનો વિષય બન્યો છે. પાછું સોશ્યલ મીડિયા પર લૉરેન્સ બિશ્નોઇની વાહવાહી કરનારાઓનો પાર નથી. 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂસે વાલાની ગેંગવૉર સ્ટાઇલમાં હત્યા થઇ અને લૉરેન્સ બિશ્નોઇએ તેની જવાબદારી સ્વીકારી એટલે તેનું નામ લોકોને હોઠે ચઢ્યું. હમણાં કેનેડાએ ભારત સામે વિધાનો કર્યા એમાં તો કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડોએ ભારતીય એજન્ટો લૉરેન્સ બિશ્નોઈ જેવા ગેંગસ્ટરની મદદ લઇને તેમના દેશમાં આતંક ફેલાવે છે. આટલું ઓછું હોય ત્યાં અમેરિકાના ગુરપતવંત સિંઘ પન્નુનના મર્ડરનો પ્લોટમાં પૂર્વ ભારતીય અધિકારી વિકાસ યાદવનો હાથ હોવાનો આરોપ થયો અને તે અધિકારીની કડી લૉરેન્સ બિશ્નોઇ સાથે જોડાયેલી હોવાનો દાવો છે. ઘર આંગણાની વાત કરીએ તો મુંબઈના રાજકારણી બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા થઇ અને એમાં લૉરેન્સનું નામ આવ્યું. તેના નિશાને અભિનેતા સલમાન ખાન તો છે જ પણ શું ખરેખર સલમાન ખાનને ધમકી, તેના ઘરની બહાર ગોળીબાર વગેરે લૉરેન્સનો એક માત્ર એજન્ડા છે?
નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી NIAએ ગયા વર્ષે માર્ચ મહિનામાં એક ચાર્જશીટ ફાઇલ કરી જેમાં લૉરેન્સ બિશ્નોઈ અંગે નવાઈ પમાડે એવી માહિતીઓ હતી. લૉરેન્સ બિશ્નોઈને દાઉદ ઈબ્રાહીમ સાથે સરખાવાયો કે જેલમાં બેઠા બેઠા પણ તેનું નેટવર્ક, તેની પહોંચ છેલ્લાં દસ વર્ષમાં વધી છે અને તેની નીચે 700 શૂટર્સ કામ કરે છે. ખંડણી હોય કે હત્યા – મળો યા લખો લૉરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલ – વાળી ઇમેજ છે આ ગુનેગારની, એ પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે. જો આપણને એમ લાગતું હોય કે બિશ્નોઈ જાતિના લૉરેન્સ બિશ્નોઈને માટે સલમાન ખાનને નિશાને લઈને ચર્ચામાં આવવું એક અગત્યનો એજન્ડા છે તો ત્યાં જ આપણી ભૂલ થાય છે. આ સમજવા માટે આપણે લૉરેન્સની વાહવાહી કરનારા લોકોને સમજવા પડે. ગોડસે પ્રેમીઓને લૉરેન્સ બહુ વ્હાલો લાગે છે અને આ કટ્ટરવાદી હિંદુ ડોનના તેઓ ખોબલેને ખોબલે વખાણ કરે છે તે સોશ્યલ મીડિયા પર દેખાઈ આવે છે. આમે ય મનોવિજ્ઞાને એવા અભ્યાસ કર્યા છે જેમાં અમુક લોકોને ગુનાઈત પ્રકૃતિના લોકો માટે એક વિચિત્ર પ્રકારનું આકર્ષણ હોય છે. ડોન અને ગેંગસ્ટરની ફિલ્મો અમસ્તી જ હિટ જાય છે? લોરેસન્સ બિશ્નોઈ એક એવો જુવાનિયો જેની ફટકી એટલે એ ધારે એની ગોળી મારીને હત્યા કરાવી શકે છે, એનો લોકશાહી, બંધારણ, કાયદો કે વ્યવસ્થા સાથે દૂર દૂર સુધી કોઈ જ લેવાદેવા નથી. પણ લઘુમતીના મોટા માથાઓને કાબૂમાં રાખી શકનારો ગેંગસ્ટર ચોક્કસ વર્ગને બહુ ગમી ગયો છે. કમનસીબે આપણા સમાજમાં ગુનેગારોને ન મળવું જોઇએ એટલું માન મળે છે. છેલ્લા કેટલાક દિવસોમાં લૉરેન્સ બિશ્નોઈ વિધાનસભાની ચૂંટણી લડશે એવી અફવા આવી, તેની સરખામણી ભગત સિંહ સાથે કરાઇ તો એક સાધ્વીએ તો તેને માસૂમ બાળક એમ કહીને ગાંધીવાદી હોવાનું લેબલ પણ આપ્યું.
શું લૉરેન્સ બિશ્નોઈ ખરેખર જામીન પર બહાર આવીને ચૂંટણીમાં ઝંપલાવશે? હિંદુ ડોન તરીકે માથે ચડાવાયેલા આ ગુનેગારનો ઉપયોગ કરી, તેની પાસે ધાર્યું કામ કરાવીને પછી તેને ગુમનામીની ગર્તામાં ધકેલી દેનારા ખેલંદાઓ પણ તો આપણે ત્યાં હોઇ શકે? આ લૉરેન્સ આખરે છે કોણ? 1993માં પંજાબમાં જન્મેલા બલકરણ બ્રારનું નામ એક અંગ્રેજી અધિકારીના નામ પરથી લૉરેન્સ (આ જ અધિકારીએ સનાવરમાં લૉરેન્સ સ્કૂલ સ્થાપી હતી) કરાયું કારણ કે તે દેખાવડો હતો. કોન્વેન્ટ સ્કૂલમાં ભણતો, મોંઘા દાટ કપડાં પહેરતો લૉરેન્સ ગેંગસ્ટર બની જશે એવી તેના માતા-પિતાને કલ્પના ન જ હોય. સો એકર જમીન અને મોટો બંગલો ધરાવતો પરિવાર, લૉરેન્સના પિતા પોલીસ કોન્સ્ટેબલ હતા જે બાદમાં ફરી ખેતી કરવા માંડ્યા અને અત્યારે દીકરો જેલમાં સચવાય એટલે વર્ષે ચાળીસ લાખ રૂપિયા તો તેનો પરિવાર આરામથી ખર્ચી નાખે છે. લૉરેન્સની જિંદગીમાં પ્રેમ અને કૉલેજના રાજકારણે તેની દિશા અને દશા બદલી નાખી એમ કહેવાય છે. સ્કૂલમાં જો છોકરી ગમતી તેની સાથે કૉલેજમાં તેને પ્રેમ થયો. આ દરમિયાન તે કૉલેજના રાજકારણમાં પણ પ્રવૃત્ત થયો. સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન ઑફ પંજાબ યુનિવર્સિટી સ્થાપનારા લૉરેન્સને સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી જીતવી હતી પણ એમ ન થયું એટલે બળ બતાડવા તેણે બંદૂક ઉપાડી. આવતા વર્ષે ફરી ચૂંટણી થઇ ત્યારે વિરોધીઓએ તેની ગર્લફ્રેન્ડને જીવતી સળગાવી દીધી હતી હોવાનો આક્ષેપ છે અને ત્યારે જ બદલાની આગમાં લૉરેન્સે ગુનાની દુનિયામાં પગ મૂક્યો. વિરોધ પક્ષના ઉમેદવારની ગાડી સળગાવી દેવાના ગુનામાં લૉરેન્સ પહેલીવાર જેલ ગયો. વિદ્યાર્થી રાજકારણની બબાલમાં જેલમાં ગયેલા લૉરેન્સની ઓળખાણ યુ.એસ.એ.માં શસ્ત્રોનો વેપલો કરનાર સ્મગલર રણજીત દુપલા સાથે થઇ. આજે પણ રણજીત દુપલા યુ.એસ.એ.માં ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. જેલમાં જઇને લૉરેન્સને જાણે પોતાનું જોર બતાવાના અન્ય હજાર રસ્તા મળ્યા. જે વાત કૉલેજના રાજકારણ અને હિંસા પૂરતી સીમિત હતી તે ગોલ્ડી બ્રાર સાથેની મિત્રતા પછી અન્ય ગુનાઈત પ્રવૃત્તિઓ તરફ વધી. સંપત નેહરા, વિરેન્દ્ર પ્રતાપ સિંહ અને અમનદીપ મુલ્તાની આજે બિશ્નોઈ ગેંગના અગત્યના નામો છે, તે બધા લૉરેન્સના કૉલેજકાળના સાથીઓ છે. પંજાબ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ પતાવીને લૉરેન્સ ગુનાની દુનિયામાં પોતાની રીતે કાયદો વ્યવસ્થા બનાવવામાં મચી પડ્યો. દારુની હેરફેર, શસ્ત્રોનો વેપલો, બીજા ગુનેગારોને રક્ષણ પુરું પાડવાની સાથે સાથે અન્ય મોટા માથાઓ પાસેથી ખંડણી ઉઘરાવવાની કામગીરી પણ લૉરેન્સની ગેંગે શરૂ કર. 2013માં પંજાબ યુનિવર્સિટીના રાજકારણમાં લૉરેન્સ ખાસ્સો એક્ટિવ હતો. પોતાના ઉમેદવારને કોઇપણ ખટપટ વગર જીત મળે એ માટે તેણે વિરોધી ઉમેદવારને દીધો અને ત્યાંથી ભાગી ગયા. 2014માં રાજસ્થાન પોલીસે તેને પકડીને જેલભેગો કર્યો અને ત્યારથી આજ સુધી લૉરેન્સ જેલમાં જ છે. આમ તો વાત અહીં પતી જવી જોઇતી હતી પણ એવું થયું નથી. લૉરેન્સ બિશ્નોઈ ગેંગનું કામ માળું કોઈને કોઇ રીતે ચાલતું રહે છે. હવે આમાં શું સમજવું? સરકારની પકડ કાચી છે કે પછી લૉરેન્સને હાથો બનાવીને સરકાર પોતાના અમુક કામો કરાવી લેતી હશે?
2018માં લૉરેન્સ ચર્ચામાં આવ્યો કારણ કે એણે સલમાન ખાનને પતાવી દેવાની પ્રતિજ્ઞા કરી. કાળિયાર અને સલમાન વાળા કેસથી આપણે અજાણ નથી. એ કથિત ઘટના જ્યારે ઘટી ત્યારે લૉરેન્સ તો પાંચ વર્ષનો હતો અને એ પછી અત્યાર સુધીમાં જંગલોમાં ઘુસણખોરી કરનારાઓએ 100થી વધુ કાળિયાર માર્યા હોવાના અધિકૃત આંકડા હોવા છતાં લૉરેન્સને તો સલમાન ખાનનો જ ભોગ લેવો છે, એને બીજા કોઈ સાથે લેવાદેવા નથી. સીધી વાત છે કે સુપરસ્ટારને તમે ધાકમાં રાખી શકતા હોવાની છાપ ખડી કરો તો બેરોજગારીમાં ગેરમાર્ગે દોરાયેલા જુવાનિયાઓ તમારી ‘ગેંગ’ના સભ્ય બનવા તરત તૈયાર થઇ જાય. આ લૉરેન્સ બિશ્નોઈનું ઇમેજ મેનેજમેન્ટ છે અને એટલે જ તો બાબા સિદ્દીકીને ઉડાડી દેવા માટે પચાસ હજાર લઇને કામ કરનાર શૂટર તેને મળી ગયા.
લૉરેન્સની કામગીરાની ઢબ
જેલમાં બેઠા બેઠા લૉરેન્સે સલમાનને ધમકીઓ આપવા ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પંજાબ, દિલ્હી, રાજસ્થાનમાં પોતાનું સામ્રાજ્ય પ્રસરાવ્યું. બિશ્નોઈ ગેંગ માટે કામ કરનાર દરેક માણસ પોતાના એક માત્ર કહેવાતા બૉસ સિવાય કોઇને નથી જાણતો – આ એ ગેંગનું તંત્ર છે. એક ઑપરેશનમાં કામ કરનારા લોકો એકબીજાને ઓળખતા નથી હોતા જેથી એક પકડાય તો બીજા સલામત રહે. બિશ્નોઈ ગેંગમાં જોડાવા માગનારા બેરોજગાર જુવાનિયાઓ પાસે ફોન હોય તો ય બહુ છે કારણ કે સોશ્યલ મીડિયાની મદદથી તેઓ ગેંગનો હિસ્સો બની શકે છે. લો બોલો, ટેક્નોલૉજી અને ડિજીટાઇઝેશનનો આવો ઉપયોગ કરતાં પણ માળું ગેંગસ્ટરને જ આવડ્યું. જેલમાં બેઠા બેઠા લૉરેન્સે પોતાનું નેટવર્કિંગ એવું મજબૂત કરી દીધું છે કે તમે કલ્પી ન શકો. અનટ્રેસેબલ કૉલિંગ પણ આ ગેંગનું અગત્યનું હથિયાર છે જેના આધારે લૉરેન્સ પોતાના 700 ઑપરેટિવ્ઝ સાથે સંપર્કમાં રહે છે અને મન થાય તો મીડિયામાં ઇન્ટરવ્યુઝ પણ આપી દે છે.
યુનિયન હોમ મિનિસ્ટ્રીએ તો સાબરમતી જેલમાંથી તેને બીજા જેલમાં ખસેડવાની સાફ મનાઈ ફરમાવી છે. બાબા સિદ્દીકીની હત્યા પછી મુંબઈ પોલીસ તેની પૂછપરછ કરવા માગતી હતી પણ એ પણ નથી થઇ શક્યું. લૉરેન્સ સારી પેઠે જાણે છે કે પૈસા અને તાકાત તો એ મેળવી લેશે પણ રાજકારણીઓની ઉપર ધોંસ જમાવવા માટે એક અલગ નેરેટિવ જોઇશે. આ કારણોસર જ તેને હિંદુ રક્ષક અને હિંદુ ડોન તરીકેની ઓળખ આપીને સોશ્યલ મીડિયા પર ચગાવાઈ રહ્યો છે. એક વાત સ્પષ્ટ છે કે લૉરેન્સની પોતાની કોઇ નક્કર વિચારધારા નથી કારણ કે ભૂતકાળમાં જરૂર પડી ત્યારે ખાલિસ્તાનીઓ પાસેથી તેણે શસ્ત્રો પણ મેળવ્યા છે એટલે તેને ખાલિસ્તાની વિરોધી કહેવો ખોટું છે. પણ નક્કર વિચારધારા ન હોવા છતાં ગણપતિનું ટેટુ અને ભગતસિંઘના ફોટાવાળું ટી-શર્ટ પહેરનારા લૉરેન્સને બરાબર ખબર છે કે તેણે શું કરવાનું છે. સિદ્ધુ મુસેવાલાની હત્યા, સુખદુલ સિંગની કેનેડામાં હત્યા, ગિપ્પી ગરેવાલના ઘરે કેનેડામાં હુમલો, સલમાન ખાનના ઘર પર ગોળીબાર, એ.પી. ઢિલ્લોંના ઘર સામે ફાયરિંગ અને છેલ્લે બાબા સિદ્દીકીની જાહેરમાં હત્યા – આ બધા પર લૉરેન્સ ગેંગની મોહર છે. આ બધું થાય છે પણ લૉરેન્સ ભાઇ તો સાબરમતી જેલની હવા ખાય છે, ન તો તેણે કઇ જમાનતની અરજી કરી છે કે ન તો કોઈ બીજી હિલચાલ છે. છતાં ય કેનેડા અને યુ.એસ.એ. સરકારે દસ વર્ષથી જેલમાં બંધ માણસનું નામ પોતાના દેશમાં થયેલા ગુનામા જોડાયેલું હોવાની વાત કરી છે. આ બધું દેખાય છે તેના કરતાં વધારે પેચીદું છે. NSAના અજીત દોવાલે ભૂતકાળમાં દાઉદ ઇબ્રાહીમને પતાવી દેવા માટે છોટા રાજનની મદદ લેવાનો પ્રયાસ કર્યો હતો એ વાત કંઇ છુપી નથી તો પછી આ છેલ્લા કેટલાક ઑપરેશન્સમાં લૉરેન્સની મદદ લેવાઈ હોય એમ બને? આ સવાલોના જવાબ મળવા મુશ્કેલ છે એટલે જ જે દેખાય છે એ સ્વીકારી લેવાની ભૂલ ન કરવી જોઇએ.
બાય ધી વેઃ
લોકો બિશ્નોઈ ગેંગને દાઉદની ડી કંપની સાથે સરખાવે છે. તેનો આતંક અને ડર દિવસે દિવસે વધી રહ્યા છે. યો યો હનીસિંગ અને સોનુ ઠકરાલ જેવા પંજાબી ગાયકોને ધમકી મળી ચૂકી છે તો દિલ્હીમાં કરોડોની ખંડણી માટે બિશ્નોઈ ગેંગ દ્વારા ફાયરિંગ કરાયું હોવાના કિસ્સા છે. સલમાન ખાને પોતાની સલામતી માટે બનતા બધાં પગલાં લીધા છે અને છેલ્લા સમાચાર મુજબ તેના ફાર્મ હાઉસ પર તેને ઉડાડી દેવાની યોજના હતી. સ્ટેન્ડ અપ કૉમિક મુનાવ્વર ફારુકીને પણ ધમકીઓ મળી છે તો બાબા સીદ્દિકીના દીકરાને પણ સુરક્ષા મળી છે. અમિત ડાગર, મનદીપ ધારીવાલ, કૌશલ ચૌધરી બધા લૉરેન્સની વિરોધી ગેંગના સભ્યો છે જેમણે લૉરેન્સના ખાસ વિક્કી મિદ્દુખેરાની હત્યામાં સામેલ હતા.
લૉરેન્સ મોસ્ટ વૉન્ટેડ નહીં પણ મોસ્ટ પૉપ્યુલર છે, મહાત્મા ગાંધીના દેશમાં હાથમાં રિવોલ્વર પકડનારો ગુનેગાર હીરો બની રહ્યો હોય ત્યારે તેનાથી વધુ ચિંતાજનક કંઇ જ ન હોઇ શકે. હિંદુ ડોન તરીકે ઓળખ ખડી કરનારા લૉરેન્સને આપણા શાસ્ત્રોનું જ્ઞાન નહીં જ હોય કારણ કે આપણા શાસ્ત્રોમાં ખંડણી કે કોન્ટ્રાક્ટ કિલીંગને પ્રોત્સાહન આપતી વાત ક્યાં ય નથી. લૉરેન્સની દાદાગીરી ખંડણીની સત્તા મજબૂત કરવા માટે છે, તેને ધર્મ સાથે કોઇ લેવાદેવા નથી. લૉરેન્સને હીરો બનાવવામાં આપણે ન જોડાવું જોઇએ, એ ગુનેગાર છે, તેને નાયક બનાવતી વેબ સિરીઝ કે ફિલ્મો ન આવે તો સારું? બાકી મને એમ થાય કે લૉરેન્સ જેલમાં બેઠા બેઠા 700 જણાની ટીમ સાચવે છે પણ આપણે એક મેઇલનો જવાબ આપવા માટે રોજ બૉસના કહ્યે કોર્પોરેટ ઑફિસ સુધી રોજના ધક્કા ખાવા પડે છે, બોલો!
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 ઑક્ટોબર 2024