જેમ સંગીત ભારતીય ઉપખંડનું સહિયારું છે એમ સાબરી ગાયકો પણ આપણા બધાના હતા. સાબરી પરિવારનો કવ્વાલીના ગાયનમાં લાંબો અને વૈભવી વારસો છે.
હિંદી ભાષાના વરિષ્ઠ પત્રકાર ઓમ થાનવી જ્યારે હિંદી દૈનિક 'જનસત્તા'ના તંત્રી હતા ત્યારે એક વાર પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. તેમણે પાકિસ્તાનના પ્રવાસનું વર્ણન કરતું નાનકડું પુસ્તક લખ્યું છે જેમાં એક પ્રસંગ દિલને સ્પર્શી જાય એવો છે. તેઓ રાતની બસમાં કરાચીથી લાહોર જઈ રહ્યા હતા. પરોઢિયે એક જગ્યા આવી જ્યાં બસ ઊભી રહી. ડ્રાઇવરે મસ્ત કલંદરની કેસેટ વગાડવા મૂકી અને મુસાફરો ઈબાદતની મુદ્રામાં એક તરફ મોઢું કરીને બેઠાં હતાં. એ જગ્યા પ્રસિદ્ધ સેહવાણ શરીફની હતી જ્યાં લાલ શાહબાઝ કલંદરની મઝાર છે. હા, એ જ દમાદમ મસ્ત કલંદરવાળા સૂફી પીર. ઓમ થાનવીએ પણ બીજાઓની જેમ બે હાથ સામે રાખીને ઈબાદત કરી હતી. ઇચ્છા તો મઝાર પર જવાની હતી, પરંતુ વહેલી સવારે એ શક્ય નહોતું.
એક ભારતીય હિંદુ પત્રકાર માટે સેહવાણ જરા ય અજાણ્યું નહોતું. માત્ર ભારતના વિભાજનને કારણે દૂર હતું એટલું જ. જેમ પાકિસ્તાનીઓ માટે દિલ્હીની હઝરત નિઝામુદ્દીનની મઝાર કે અજમેરની ચિશ્તીની દરગાહ દિલમાં હોવા છતાં વિભાજનને કારણે દૂર છે. ભાગ્યે જ એવો કોઈ હિંદુ મળી આવશે જેણે લાલ બાદશાહનું નામ ન સાંભળ્યું હોય અને દમાદમ મસ્ત કલંદરની નાત સાંભળીને નાચી ન ઊઠયો હોય. સૂફીઓ અને સંતોએ આજના ભારતનું ઘડતર કર્યું છે. આટલી વિપુલ માત્રામાં વિવિધતા હોવા છતાં ભારતની એકતા જળવાઈ રહી છે એનું ઘણું મોટું શ્રેય સૂફીઓ અને સંતોને જાય છે અને ભારતનું વિભાજન થયું છે એનું એક કારણ સૂફીઓ અને સંતોના હિંદુ-મુસ્લિમ આધ્યાત્મિક એકત્વના અવાજને નકારવાનું છે.
ભારતીય ઉપખંડમાં આ નકારવાનો ઇતિહાસ પણ હવે તો દોઢસો વર્ષ જેટલો લાંબો થઈ ચૂક્યો છે અને દુર્ભાગ્યે નકારવાની પ્રવૃત્તિ મંદ પડવાની જગ્યાએ તીવ્ર થતી જાય છે. સૂફીઓ અને સંતોના વારસાને નકારવામાં આવી રહ્યો છે. હિંદુસ્તાની ભાષાને નકારવામાં આવી છે. હિંદીને હિંદુઓની ભાષા અને ઉર્દૂને મુસલમાનોની ભાષા બનાવી દીધી છે. ઉર્દૂ ભાષા સામે બંગાળી ભાષાને નકારવામાં આવી એટલે તો પાકિસ્તાનનું વિભાજન થઈને બાંગલાદેશ અલગ થયો. સંતો અને સૂફીઓનું મઝહબીકરણ થઈ રહ્યું છે જ્યારે કે તેઓ તો ખુદા અને બંદા વચ્ચે શરતો લાદીને દીવાલો ઊભી કરનારા સંગઠિત ધર્મોના વિરોધીઓ હતા. કબીર, શિરડીના સાંઈબાબા, પ્રણામી ગુરુ પ્રાણનાથ વગેરે ધાર્મિક એકતામાં માનનારા સંતોનું હિંદુકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મુસ્લિમ સ્ત્રીઓ પાસેથી સાડી છીનવી લેવામાં આવી છે અને હવે સંગીત છીનવી લેવામાં આવી રહ્યું છે.
પખવાડિયા પહેલાં પાકિસ્તાનના જાણીતા કવ્વાલ અમજદ સાબરીની કરાચીમાં હત્યા કરવામાં આવી એ એકત્વને નકારવાની પ્રવૃત્તિનું પરિણામ છે. જેમ સંગીત ભારતીય ઉપખંડનું સહિયારું છે એમ સાબરી ગાયકો પણ આપણા બધાના હતા. સાબરી પરિવારનો કવ્વાલીના ગાયનમાં લાંબો અને વૈભવી વારસો છે. તેમનું ખાનદાન અકબરના જમાનાથી કવ્વાલી દ્વારા ખુદાની બંદગી કરે છે. સાબરી એ તેમની અટક નથી, પરંતુ ચિશ્તી-સાબરી સૂફી સિલસિલા છે. ટૂંકમાં તેઓ વ્યવસાયી ગાયકો નહોતા, પરંતુ સૂફી સિલસિલાના હજુ સુધી ટકી રહેલી માળાના મણકા હતા. ગુલામ ફરીદ સાબરી અને તેમના નાના ભાઈ મકબુલ અહમદ સાબરી પ્રખ્યાત સાબરીબ્રધર્સ તરીકે ઓળખાતા હતા. એ પણ કેવી વિડંબના કે વિભાજન વખતે ગુલામ ફરીદ સાબરી મુસલમાન હતા એટલે જીવ બચાવવા પૂર્વ પંજાબ છોડીને પાકિસ્તાન જવું પડયું હતું અને હવે તેમના પુત્રની તાલિબાનોએ સાચા મુસલમાન નહીં હોવા માટે હત્યા કરી છે. ઇસ્લામમાં બે શબ્દો છે જે આજકાલ સલ્ફી-વહાબી-દેવબંદી સ્કૂલના મુસલમાનોને અને તેમને અભિપ્રેત એવા ઇસ્લામના પ્રચારનું કામ કરતા તબલીગીઓને બહુ વહાલા છે. એ બે શબ્દો છે શિર્ક અને બીદ્દત. શિર્કનો અર્થ થાય છે ખુદાની બરાબરી કરવી અને બીદ્દતનો અર્થ થાય છે ઇસ્લામનો ચીંધેલો માર્ગ ચાતરવો અથવા અજ્ઞાનને કારણે પથભ્રષ્ટ થવું.
પાક્કા મુસલમાનનો અર્થ થાય છે આપણા પોતાના વારસાને નકારવો અને આયાતી વારસાને અપનાવવો. તેઓ આ રીતે સર્વસમાવેશક ભારતીય ઇસ્લામને નકારી રહ્યા છે. ઓછામાં પૂરું હવે સાઉદી પેટ્રો ડોલર્સ દ્વારા ચલાવવામાં આવતી મદરેસાઓ બાળકોનું સલ્ફી-વહાબીકરણ કરવાનું કામ કરે છે. તેમને સૂફીઓની મઝાર પર મુસલમાનો ઈબાદત કરે એ સ્વીકાર્ય નથી. તેમને સૂફીઓની સ્તુિતમાં ગાવામાં આવતી કવ્વાલીઓ સ્વીકાર્ય નથી. અમજદ સાબરીની હત્યા કરવામાં આવી એનું આ કારણ છે. સાચા મુસલમાને ખુદા સિવાય કોઈની ઇબાદત કરવાની ન હોય અને સ્તુિત કરવાનો તો સવાલ જ નથી. સાઉદી પ્રભાવ હેઠળ સલ્ફી-વહાબી મુસલમાનોને તો હવે ખુદા શબ્દ સામે પણ વાંધો છે. ખુદા શબ્દ ફારસી છે એટલે તેની જગ્યાએ તેઓ અરેબીક શબ્દ અલ્લાહનો આગ્રહ રાખે છે જ્યારે કોઈ મુસલમાન ખુદા હાફિઝની જગ્યાએ અલ્લાહ હાફિઝ બોલતો સાંભળવા મળે તો સમજી લેવું કે તે દેવબંદી મુસલમાન છે. સલ્ફી-વહાબીઓના આગ્રહોને કારણે પાકિસ્તાન દોજખમાં ફેરવાઈ ગયો છે, પરંતુ તેઓ એમ માને છે કે તેઓ સાચા ઇસ્લામની સેવા કરી રહ્યા છે. પાકિસ્તાનની સ્થાપના થઈ ત્યારે પાકિસ્તાનમાં માત્ર ૨૪૫ મદરેસાઓ હતી. ૨૦૦૧ની સાલમાં પાકિસ્તાનમાં મદરેસાઓની સંખ્યા વધીને ૬,૮૭૦ થઈ હતી. આજે તેમાં હજુ વધારો થયો હશે. આ મદરેસાઓ સલ્ફી-વહાબી સ્કૂલની છે અને સાઉદી ફંડથી ચાલી રહી છે.
પાકિસ્તાન ધર્મઝનૂનની ગર્તામાં ધકેલાઈ ગયો એમાં સલ્ફી-વહાબી સ્કૂલની આ મદરેસાઓનો અને તબલીગી જમાતનો મોટો હાથ છે. તેઓ માત્ર અહમદિયા અને શિયા સંપ્રદાયનો જ વિરોધ નથી કરતા, પરંતુ બરેલવી સુન્ની ઇસ્લામનો પણ વિરોધ કરી રહ્યા છે. બરેલવી મુસલમાનો શિર્ક અને બીદ્દતને પ્રોત્સાહન આપે છે. ૨૦૧૦માં મૂળભૂતવાદી સલ્ફી-વહાબી ત્રાસવાદીઓએ લાહોરમાં આવેલી દાતા દરબારની મઝાર પર હુમલો કર્યો હતો જેમાં ૪૦ કરતાં વધુ લોકો માર્યા ગયાં હતાં.
સૌજન્ય : ‘સમાલોચન’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 02 જુલાઈ 2016
http://www.sandesh.com/article.aspx?newsid=3425161