પહેલાં શીરો શબ્દ આવ્યો હશે કે શિરામણ? આ પેચીદો સવાલ છે. કારણ કે શીરો શબ્દ ફારસી અને શિરામણ અસલ તળપદી, પાઘડી પહેરેલો; તો શીરો સાવ સામી પાટલીએ બેઠેલો — ટોપી અને તે ય પાછી મુસ્લિમ ટોપી પહેરેલો. એટલે શીરા પરથી આપણું શિરામણ આવ્યું કે આપણા શિરામણમાંથી એમણે શીરો ચોરી લીધો! આમ તો આ બન્ને સ્વજનો જ પણ સામસામી પાટલી પર બેઠા તેથી મૂળ ધાતુમાં હૃસ્વ-દીર્ઘનો ફેર થઈ ગયો બાકી એમનો ભાઈચારો તો અકબંધ જ.
પહેલાના જમાનામાં સવારના નાસ્તામાં આ શીરો ખવાતો હશે તેથી સવારના નાસ્તા અર્થાત્ દેશી બ્રેકફાસ્ટ માટે શિરામણ શબ્દ વપરાશમાં આવ્યો હશે. શીરો એ ફારસી વાની છે, મીઠી વાનગી છે, અતિ મધૂરું વ્યંજન છે.
શિરામણ શબ્દ અને મહેરામણ બન્ને આગલા જન્મના ભાઈઓ. સવારસવારમાં મસમોટા તાંસળામાં રેલમછેલ કરતું ઘી રેડાયું છે, ઘીને અગ્નિદેવતાનો સાથ મળે છે અને એમાં ઘઉંનો લોટ પડે છે, ઘીમાં ભળી જઈને શેકાય છે, ફળિયામાં બધાની નાસિકા સંત જ્ઞાનેશ્વરે કહ્યું છે તેમ પોતે જ સુગંધ બની જાય છે, બાજુમાં ઊકળતું ગોળવાળું ફફળતું પાણી રાહ જોઈ રહ્યું છે — ઘી અને લોટ સાથે હસ્તધૂનન કરવાની. અને આ ત્રણેય ભેગા થઈને એક મસ્તધૂનન માટેની હવા સર્જી આપે છે.
વાડીએ કે પેઢીએ જનારા નાહીધોઈપરવારીને રસોડાની બહાર બેસી જાય છે, ટોળે વળીને. સુગંધિત નાસિકાવાળા પાસપાડોશી પણ એ ટોળામાં સામેલ થઈ જાય છે. એ જામ્યો મહેરામણ શિરામણ ટાણે!
તો આ છે શિરામણ અને શીરાની દોસ્તીનું રહસ્ય.
ભલેને પહેલાના જમાનામાં સવારના નાસ્તા માટે શિરામણ વપરાતો પણ એનો આ શીરો તો આઠે પહોર માટે વપરાતો થઈ ગયો. સવારના મંગળાના દર્શનથી માંડીને રાતના શયન સુધી શીરાની બોલબાલા રહી છે આપણે ત્યાં.
મીઠીમધૂરી વાનગીઓમાં આપણા ગુજરાતીઓમાં શીરો શિરમોર સમો. સવારસવારમાં મોહનથાળ ન ઠરે કે મેસૂબની જાળી ન જામે કે માલપૂઆ ન ઊતરે કે ઘેવરની જાળી ન પડે. એ તો વાટકામાં શીરો જ પડે.
આપણે આ શીરોપૂરીને જેટલા મોંઢે ચઢાવ્યા છે એટલા બીજા કોઈને ય નહીં. ન શિખંડપૂરી કે ન બાસુંદીપૂરી કે ન રસપૂરી. અને આમે ય આ બધા તો વરસના વચલે દહાડે પધારનારા પણ શીરાભાઈ ઘરના જ! ભર શિયાળામાં શિંખડપૂરીનું નામ મોંએ ન ચડે કે ઉનાળા સિવાય રસપૂરીનું નામ જીભે ન ચડે, શ્રાદ્ધ સિવાય દૂધપાકપૂરી નહીં, તો બાસુંદીપૂરી ભાગ્યે જ કાને પડે પણ શીરોપૂરી રોજેરોજ જડે.
શીરો એટલે ઘઉં-ગોળ-ઘીની સંગત, તબલા-હારમોનિયમ-કંઠ જેવી સૂરીલી. પછી એ કંઠ ખાંસાહેબનો હોય કે બાઈનો હોય. ફાડા હોય, વચલો બાટ હોય કે થૂલીનો બાટ; આખરે તો ઘઉં જ. લાપસી હોય, કંસાર હોય કે શીરો પણ આંધણ તો એક જ, ગોળનું. અર્થાત્ કૂળગોત્ર તો એક જ.
ઘઉં-ગોળ-ઘીનો શીરો પૌષ્ટિકતામાં અવ્વલ નંબરે બિરાજે, એલચીનો છંટકાવ એને ઓર નિખારે, તો લાલ દ્રાક્ષ (કિશમિશ) શીરાને મૂઠી ઊંચેરો બનાવે. શીરાની બહેન એ શીરી, એટલે આપણી રાબ. એનો ય શો રુઆબ! બદામ-ખસખસથી સોહંતી અને એલચી-કેસરથી મહેંકતી. માંદા પડવાની એ જ તો છે મજા. અને પંજાબીઓ આમ તો શીરાને સૂજી કા હલવા કહે પણ રાબને શીરી કહેતા મેં મારા પંજાબી પાડોશીને સાંભળ્યા છે. તો અમારા મદ્રાસી મિત્ર શીરાને કેસરી નામે બોલાવે. એમ તો ચણાના લોટનો પણ શીરો થાય, ઢીલો મોહનથાળ જોઈ લો. શેકતી વખતે થોડી મલાઈ નાંખો, શીરાને મલાવીમલાવીને ખાવાનું મન થઈ આવશે.
રવાનો શીરો રૂપેરંગે સોહામણો પણ ભારે વાયડો. તોયે સત્યનારાયણની પૂજાનો પ્રસાદ ખરોને, દાઢે વળગી જાય, બ્રશ કરવાનું મન ન થાય. કથા સિવાય અમસ્તાયે એ જ પવિત્ર ભાવથી શીરો શેકવામાં આવે તો એ જ પ્રસાદનો સ્વાદ દાદ લઈ જાય. છલોછલ ઘી ને એમાં —શ્રી કૃષ્ણ શરણમ્ મમ-ની ધૂન ગાતાંગાતાં — શેકાતો ગુલબિયો રવો, કિશમિશ તો ખરી, બદામની કતરણ જોજો ન ભૂલાય. અને પછી એમાં પડતું છમ્મકારા સાથે ઊકળતું દૂધ. એ દૂધ સહેજ ભળે ન ભળે ત્યાં જ ખાંડ ભળી જાય, દૂધ બળવાની રાહ નહીં જોવાની. રવો-દૂધ-ખાંડ એ ત્રિપૂટી હાથમાં હાથ મિલાવી કડાઈમાં દોડાદોડ કરી મૂકે. પછી એમને ઠારવા પાણીવાળી થાળી ઉપર ઢાંકી દો, પેલી ત્રિપૂટીની ધમાલ પણ થાકીને ઠરી જશે અને આપણી જીભબાઈ ફાવી જશે. થાળી ઊતારીને જુઓ તો જાણે પારણામાં હસતા બાળકૃષ્ણ, એમની નજર ઊતારવા છાંટી દો એલચીનો ભૂકો. રંગ-રૂપ-રસ-સ્વાદ-સુંગધનો દરિયો હેલે ચઢે.
માનતા રાખીને કરેલી પૂજામાં ધરાવાતો એકમાત્ર ખાસમખાસ પ્રસાદ એટલે શીરો. ન કે મોહનથાળ કે ન મેસૂબ કે દૂધપાક કે ન બાસુંદી, ન રસ કે ન શિખંડ.
ભર શિયાળામાં આગળ પડતું ઘી નાંખેલા રવાના શીરાને થાળીમાં ઠારીને મોહનથાળની જેમ ચકતાં પડતા પણ ગામડામાં જોવા મળે.
સો વાતની એક વાત : શીરાનો સિદ્ધાંત એક જ, લોટમાં ઘી ને દૂધ (કે પાણી) ઓછા ન ખપે.
*
બડે મિંયા તો બડે, છોટે મિંયા ભી સુભાનલ્લા !
નાનું બાળક પણ શીરાનો મહિમા જાણે અને તેથી જ શીરાના નામે જ રીઝે. “રાધે રાધે રાધે, શિરોપૂરી ખાજે.” તો એ નાનકું હસી પડે ને બે હાથે તાળી પાડવા મંડે. પણ “રાધે રાધે રાધે” સાથે “શિખંડપૂરી” કે “રસપૂરી” બોલી જોજો, એ નાનકું અવળું ફરીને ભાંખોડિયા ભરવા લાગશે; એ ય બધું સમજે. નાના ઊછરીને મોટા થાય તે શીરા થકી જ, કૌવત મેળવે તે શીરા થકી જ.
શીરાની સખી પૂરી અને ભજિયાં તો એના હજૂરિયા; ના, ના હનુમાનજી. સિંહાસને બિરાજેલાં શ્રીરામ-સીતા ને ચરણોમાં દાસ એવો ફોટો નજર સામે તરી આવે આ શિરો-પૂરી ને ભજિયાંનું નામ પડતા.
પૂરી ને ભજિયાં ન હોય તોયે શીરો તો જામે જ. સાંજના નાસ્તામાં શીરો હોય તો એની સાથે પાપડ કે સારેવડું સરસ જાય, અમારા મરાઠીઓમાં તો બપોરની ચા સાથે શીરો હોય તો રકાબીમાં બાજુમાં ખાટાં અથાણાંનું ચીરિયું અચૂક હોય.
રવા ઉપરાંત મગની દાળનો શીરો પણ એકદમ સ્વાદિષ્ટ, બરફી જેવો કણીદાર. માત્ર ને માત્ર બદામનો શીરો તો શાહી શીરો, રસના ચટકાની જેમ બદામના શીરાની ય ચમચી-બે ચમચી જ હોય, વાટકો નહીં. લેવાના દેવા થઈ જાય!
*
ઉપવાસ તો શીરાનો મહિમા ઓર વધારે. કેટકેટલા ઉપવાસી શીરા! શિંગોડાનો, રાજગરાનો, બટાકાનો, શક્કરિયાનો. શીંગશિંગોડાનો શીરો ખાઈ જોજો. શિંગોડાના લોટમાં ભારોભાર શેકેલી શીંગના ભૂકાની મસ્તી થાવા દો અને પછી પેટમાં એમની દોસ્તી થાવા દો. આ બધા શીરા એકએકથી ચડિયાતા. સવારે પેટભાઈને બસ એક વાડકો ભરીને શીરો ખવડાવી જુઓ, આખો દી’ શી વાતે ઓશિંગણ થઈને તમારા ઉપવાસને પેટ ખમી લેશે.
કચ્છડાની જેમ અને રોટલા કે બટાકાની જેમ આ શીરો તો બારે માસ ને આઠે પહોર. ને પછી કરો લીલા લહેર. લસલસતો શબ્દ શીરા જેટલો કોઈ સાથે ન જાય. ગળે ઊતરવામાં પણ લસલસતા શીરાની તોલે કોઈ ન આવે. કોઈ પાસ થઈ ગયું કે કોઈને પ્રમોશન મળી ગયું કે બાબો આવ્યો કે લક્ષ્મીજી પધાર્યાં કે સારા સમાચાર આવ્યા તો ભઈ, ઝટપટ શીરો શેકી નાંખો, બજારમાંથી પેંડા આવે એટલી રાહ કોણ જુએ? અતિથિ પધાર્યા તો શીરો સામેથી દોડ્યો આવે. હાથવગો ને હોઠવગો, તેથી જ તો એ હૈયાવગો !
***
e.mail : arunataijadeja@gmail.com