યુનાઇટેડ કિંગ્ડમના વડા પ્રધાન ડેવિડ કેમેરને, 12 સપ્ટેમ્બરે, અામસભામાં જણાવ્યું હતું કે 40 વર્ષ પહેલાં, યુગાન્ડાથી હજારો નિષ્કાશિત ભારતીયો અને અન્ય એશિયાઈઅો બ્રિટન આવ્યા હતા, તેમણે બ્રિટિશ જીવનરચનામાં ‘અસાધારણ યોગદાન’ અાપ્યું છે. વાયવ્ય કેમ્બ્રિજશર મતવિસ્તારનું પ્રતનિધિત્વ કરતા, ભારતીય મૂળના કન્ઝર્વેટિવ સાંસદ, શૈલેષ વારાના એક પ્રશ્નના ઉત્તરમાં, બ્રિટિશ વડાપ્રધાન પ્રતિભાવ અાપતા હતા. 1972 દરમિયાન, અા લોકોના અહીં દેશાન્તરગમનનો વિરોધ થયો હતો, તે સૌ કોઈ ‘સંપૂર્ણપણે ખોટા’ સાબિત થયા છે, તેમ વડાપ્રધાને ઉમેર્યું હતું.
ઈદી અમીનના યુગાન્ડામાંથી હકાલપટ્ટી પામેલા લોકો વિલાયતમાં પહેરેલે કપડે અાવ્યા હતા. કોઈ પણ પ્રકારે નાસીપાસ થયા વિના તે દરેકે તનતોડ મહેનત કરી છે અને મુલકના જનજીવનમાં એકરૂપ બનતા ગયા છે, તેવી રજૂઅાત શૈલેષભાઈની હતી. સંસદમાં તથા દેશભરમાં, ચોમેરે ઊઠેલા વિરોધના વિવિધ સૂરો વચ્ચે ય, તત્કાલીન કન્ઝર્વેટિવ સરકારે, તે દિવસોમાં, નીડર પગલાં લીધાં હતાં, તેની પણ અા સાંસદ સરાહના કરતા હતા.
યુગાન્ડાના તત્કાલીન રાષ્ટૃપ્રમુખ ઈદી અમીને 4 અૉગસ્ટ 1972ના રોજ મુલકમાં વસતી લઘુમતી હિન્દુસ્તાની -પાકિસ્તાની જમાતને 90 દિવસમાં મુલક છોડી જવાનો અાદેશ અાપેલો. અમીને જાહેર કહેલું કે તેમને સપનું અાવેલું જેમાં ભગવાને અા હકાલપટ્ટી હાથ ધરવાનો તેમને અાદેશ અાપ્યો હતો.
હિંદીઅો પ્રત્યેની ઘૃણાના ચોમેર બંધાયેલા વાદળો હેઠળ દેશને હિંદીઅોવિહોણો કરવાના બહાના સારુ, યુગાન્ડાની સરકાર દાવો કરતી રહી કે મૂળ અાફ્રિકીઅોને નુકસાન પહોંચે તે રીતે હિન્દીઅો દોલત તેમ જ સાધનસામગ્રીઅો સંઘરી રહ્યા છે. પરિણામે દેશની અાર્થિક ઉન્નતિનો વિધ્વંશ થવા બેઠો છે.
સહારા રણપ્રદેશવાળા આફ્રિકામાંના ભૂતપૂર્વ બ્રિટિશ સંસ્થાનોમાં, દક્ષિણ એશિયાઈ મૂળના ઘણાં નાગરિકો વસે છે. તેઓને ત્યાં બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા અાણવામાં આવ્યા હતા. બ્રિટિશ તાબાના હિંદમાંથી કારકૂની કામ કરવા કે પછી અર્ધ કુશળ કારીગરો રૂપે અથવા બિન – કુશળ ખેતમજદૂરો તરીકે, 1890ના અરસામાં, અાશરે 32,000 કામદારો કરારબદ્ધ મજૂરિયાઅો તરીકે, પૂર્વ આફ્રિકા પહોંચ્યા હતા. યુગાન્ડા રેલવેના બાંધકામના કમઠાણમાં તેમાંના અનેક સામેલ હતા. કામ પત્યે, કેટલાક ઘરે પરત ફર્યા હતા, જ્યારે 6.724 જેટલાએ, અા કામ પૂર્ણ થયા બાદ, પૂર્વ આફ્રિકા જ રહેવાનો નિર્ણય કર્યો હતો, તેમ ઇતિહાસ સાહેદી પૂરે છે.
યુગાન્ડાસ્થિત વિદ્વાન લેખક વલી જમાલનું ‘Uganda Asians: Then and Now, Here and There, We Contributed, We Contribute’ નામક, ત્રણ ભાગમાં, દળદાર પુસ્તક ટૂંકમાં પ્રગટ થવાનું છે. તે જણાવે છે તેમ, અા સઘળા મુલકોમાં બહુ અોછા લોકોએ કમાણીને અંતે ઋણ અદા કરવાનું રાખ્યું હતું. અા વિચારધારાને જાણે કે ટેકો અપાતો હોય તેમ, બ્યારૂહાંગા જે. રુબિન નામના એક અભ્યાસી લખે છે કે અા હકાલપટ્ટી થયેલા એશિયાઈઅો કને સ્થાનિક નાગરિકપદ હતું જ નહીં. તે સૌ બ્રિટિશ નાગરિકપદ ધરાવતા હતા. તેમના મત મુજબ, હકાલપટ્ટી પામેલા લોકોમાં યુગાન્ડાના નાગરિક હતા જ નહીં ! ટૂંકમાં, એશિયાઈ જમાતની વફાદારી ત્રાજવે તોળાઈ છે.
અરુશા ઢંઢેરાને પગલે પગલે ટાન્ઝાનિયામાં, 1967 દરમિયાન રાષ્ટૃિયકરણ કરવામાં અાવ્યું. તેમાં મકાનોનો ય સમાવેશ હતો. કેન્યામાં પણ સ્વાભાવિક અા રાષ્ટૃવાદનો જુવાળ ફેલાતો હતો. પ્રજાસત્તાકની ઘોષણા બાદ, રાષ્ટૃપતિ જોમો કેન્યાટાએ અાફ્રિકીકરણનો અમલ કરવાની ઘોષણા કરી. 1965-67 વેળા 23,000 જેટલા એશિયાઈઅોએ બ્રિટનનો 1968નો ધારો અમલી બને તે પહેલાં, નવાં ચરિયાણ સારુ અાફ્રિકા માંહેનો અા મુલક છાંડેલો.
ખેર ! … અા ચાળીસીની વરસી ઉજવાય તે બરાબર જ છે અને લેખાંજોખાં ય સૌ કોઈ કરે તે ય અાવકાર્ય છે. ઇતિહાસની એરણે અા સઘળી ઘટનાને નાણવાને સારુ અા પટ નહીંવત્ તેમ જ નર્યો ટૂંકો જ સાબિત થાય. તેને સારુ હજુ લાંબો સમયપટ પસાર થવો જરૂરી છે.
જરાતરા ધીરા ખમીએ. ક્યારેક સ્વતંત્ર ઇતિહાસકારે, નર્યા સંશોધનકામ તથા સજ્જડ અભ્યાસને અાધારે અા બધું તપાસવું જરૂરી થઈ પડવાનું છે. છાપાળવી ઊતારાને અાધારે ખૂબ લખાયું છે. તેથી હકીકત કળાતી નથી, તેમ જ નકરા અન્યાયના થર પણ ખડકાયા કરે છે.
કહેવાય છે કે અા જમાત પહેરેલે કપડે વિલાયત અાવેલી. યુગાન્ડાથી અાવેલાં શરણાર્થીઅોને તો શરણાર્થીઅોની છાવણીઅોમાં ય રહેવું પડ્યું હતું. ત્યાંથી બેઠા થઈ, અા જમાતે કલ્પી ન શકાય તેટલી વામ ભરી છે. અા વામિયા તારાઅોએ તો વળી જે તે ક્ષેત્રે ગણનાપાત્ર નામ ઊભું કરી દેખાડ્યું છે. સમૂળી જમાત પહેરેલે જ કપડે અાવેલી તેમ કહેવું જો કે જૂઠાણું સાબિત થશે. કેટલાકે અાવતાં પહેલાં, એક અરસાથી, બેંકોમાં અને અન્યત્ર ‘ચપટી મુઠ્ઠી’ દોલત ય જાળવી હતી.
અાફ્રિકી મુલકોમાં જે સાહ્યબી હતી તેવી સાહ્યબી પશ્ચિમના દેશોમાં ઘણા પામી શક્યાં નથી. ઘણા તેથીસ્તો તે ગઈ કાલના ‘સોનેરી દિવસો’ને વાગોળતાં જોવા અનુભવીએ છીએ. કેટલાંકને તો તેમનો માળો ચૂંથાયો હોય તેવું અાજ લગી લાગ્યા કર્યું છે, અને હજુ ‘નૉસ્ટાલજિયા’ને સહારે, દિવસો વ્યતિત કરતા ભાળીએ છીએ ! અાવું અાવું છતાં, ઘણાં લોકો નવાં વાતાવરણને અનુકૂળ બની, પોતાનો ચોકો મજબૂત કરતાં અાવ્યાં છે.
ભારત, પાકિસ્તાન, બ્રિટન સહિતના વિવિધ યુરોપીય દેશોમાં, અમેિરકા ખંડ માંહેના દેશોમાં મૂળ સોતાં ઉખડી ગયેલી અા જમાતના અનેક નબીરાઅો બેઠા થઈ ઊગી નીકળ્યા છે. અને અા સમાજના કેટલાક લોકોએ પોતાનાં સ્મરણો અને સંભારણાંઅો અને જીવનકથા અાપી છે. વળી કેટલાંકે અભ્યાસુ કામ પણ અાપ્યું છે. અા બધાંમાંથી પસાર થઈએ છીએ ત્યારે સમજાય છે કે અા સાહસિક લોકોએ પેટિયું રળવાના મુખ્ય અાશય છતાં, જે તે મુલકને તરબતર કરતું યોગદાન અાપ્યું છે.
બીજી તરફ, ડાના એપ્રિલ સીડનબર્ગે નોંધ્યું છે કે ઇન્દરસિંઘ ગિલને જે અનુભવવું પડ્યું હતું તે નજરઅંદાજ કરવા સમ નથી. તે તો યુગાન્ડાના નાગરિક હતા. 1973ના અરસામાં તેમને અનુભવ થયો : તેમની જિંજાની કચેરી પર 50 જેટલા શસ્ત્રધારી સૈનિકો ધસી અાવેલા અને ગિલને દેશ છોડી દેવા અાદેશ અાપવામાં અાવેલો ! વળી, તેમની સમૂળી જમીન, સંપત્તિનું રાષ્ટૃિયકરણ પણ કરી નાખવામાં અાવેલું !
વારુ, અા ઇતિહાસકાર ડાના એપ્રિલ સીડનબર્ગે, ‘મર્કનટાઇલ એડવેન્ચરર્સ’માં, નોંધ્યું છે તેમ, યુગાન્ડાના જાણીતા ઇતિહાસકાર વડાડા નાબુડેરેએ ક્યાંક લખ્યું છે :
‘The exodus forced out all the management manpower in industry and commerce as well as the professions, a move that was bound to have repercussions on the economy as a whole ….. For the workers and peasants, who had been fed on the myth that ‘Asian control of the economy‘ did not allow Africa to advance to ‘economic independence’, the illusion was soon dispelled, when they found out by concrete experience that exploitation knows no colour, race, sex, creed, or tribe.’
અા પ્રકારની લઘુમતી કોમને કોઈક કોઈક મુલકમાંથી હકાલપટ્ટીનો અનુભવ સહેવો પડ્યો હોય તેવા દાખલા ઇતિહાસને પાને જોવા મળે છે. 1492મા સ્પેઇનમાંથી યહૂદીઅો તેમ જ ઉત્તર અાફ્રિકી સંસ્થાનવાદીઅોને તગેડી મુકાયા હતા. તેને કારણે સ્પેઇનના અર્થતંત્રને તેમ જ તેના સાંસ્કૃિતક જીવનને ભારે વરવી અસર પહોંચી હતી. અાવું અાવું યુગાન્ડાનું ય ગણવું.
યોવેરી મુસેવેની યુગાન્ડાના પ્રમખપદે નિયુક્ત થતાં દેશની નીતિરીતિમાં ય બદલાવ અાવવા લાગ્યો. અાજે યુગાન્ડામાં કેટલીક પેઢીઅો અને વ્યક્તિઅો પાછી ફરી છે અને ધંધાધાપામાં જોતરાઈ ગઈ છે. વિશ્વ બેન્કની સહાય પ્રાપ્ત થવા લાગી છે અને માધવાણી અને મહેતા જેવી પેઢીઅો ફરી પાછી ધમધમવા લાગી છે. કમ્પાલા, જિંજા જેવા નગરોમાં, ફરી પાછા, એશિયાઈ ચહેરાઅો દેખાવા લાગ્યા છે.