નવરાત્રિના દિવસો છે એટલે ઝાંઝીબારમાં ગાળેલા આ મહોત્સવની યાદ આવી ગઈ. અહીં બ્રિટનમાં ક્રિસ્મસ સમયે બાળકો આપણું બારણું ઠોકી કેરલ્સ ગાઈ, થોડા પૈસાની આશા રાખે, તે જ રીતે નવરાત્રિના નવ દિવસ દરમિયાન ધોબી, કોળી, રાણા વગેરે જ્ઞાતિની બાળાઓ પોતાના માટીના ગરબા લઈ, નાનાંનાનાં જૂથમાં હિંદુ લોકોને ત્યાં જઈ ગરબા ગાય અને બદલામાં ઘરગૃહિણી તેમને પૈસો બે પૈસા આપે.
આ ગીતો સ્મૃિતપટ પરથી ભૂંસાઈ જાય તે પહેલાં તેમને કયાંક સલામત લખી નાખું, એ આશયથી મારા મોટા ભાઈ નટુભાઈની મદદથી “ઓપિનિયન”માં એ પ્રગટ કરવા મોકલું છું.
સિક્કાઓ વિશે લખવાનો આશય એ છે કે નીચેનાં ગીતોમાં એ સિકકાઓનો ઉલ્લેખ થયેલો જોઈ શકાય છે.
એ જમાનામાં ઝાંઝીબારમાં એક શિલીંગના સો સેન્ટ હતા. સિકકામાં એક સેન્ટ, બે સેન્ટ્સ એટલે એક કાળો પૈસો, પાંચ સેન્ટ્સ એટલે બે પૈસા, દસ સેન્ટ્સ એટલે ચાર પૈસા, સુમની એટલે પચાસ સેન્ટ્સ, અને એક શિલીંગ એમ છ સિક્કાનું ચલણ હતું પણ આ ગીતોમાં રૂપિયાનો ઉલ્લેખ પણ છે.
એક દડો, ભાઈ બીજો દડો, ત્રીજા તોરણ બાંધજો
આજના મારા વિપુલભાઈ તમારી વહુને વારજો
તમારી વહુ છે લાડકાં ઝાંઝરિયાં ઘડાવજો
ઝાડ ઉપર ઝૂમખાં, ચોખલિયાળી ભાત રે
ભાત રે ભાત રે ભળકડાં વેલ છૂટતી જાય રે
વેલમાં બેઠો વાણિયો કાગળ લખતો જાય રે
કાગળમાં બે પૂતળી હસતી રમતી જાય રે
વાંકાશેરનો વાણિયો શેર કંકુ તોળે રે
આછી ટીલી ઝગેમગે, ટહુલે ટહુલે મોર રે
મોર વધાવ્યા મોતીડે ઈંઢોણી મેલી રડતી રે
રડતી હોય તો રડવા દેજે.
•
તેલ પૂરાવે તેને તેલિયો દીકરો આવે રે
ઘી પૂરાવે તેને ઘેલો દીકરો આવે રે
પૈસો પૂરાવે તેને પાંચ દીકરા આવે રે
સેન્ટિયો પૂરાવે તેને સેડાળો દીકરો આવે રે
રૂપિયો પૂરાવે તેને રૂપાળો દીકરો આવે રે
ચોખા પૂરાવે તેને ચાર દીકરા આવે રે
કંઈ ન પૂરાવે તેને કાણિયો દીકરો આવે રે.
•
ચાંદા ચાંદાની રાત ચાંદો કેદી ઊગશે રે
ચાંદો પાછલી પરોડ મોતીડાં વીણશે રે
જ્વાહરભાઈ ચાલ્યા દરબાર, ઘોડે બેસી આવશે રે
લાવશે કમળનાં ફૂલ, અનુપમા વહુ સૂંઘશે રે.
•
મા એકના એકવીસ ગરબો ઘૂમે છે
મા બેના બાવીસ ગરબો ઘૂમે છે
મા ત્રણના ત્રેવીસ ગરબો ઘૂમે છે
મા ચારના ચોવીસ ગરબો ઘૂમે છે
મા પાંચના પચીસ ગરબો ઘૂમે છે
મા છના છવીસ ગરબો ઘૂમે છે
મા સાતના સત્તાવીસ ગરબો ઘૂમે છે
મા આઠના અઠાવીસ ગરબો ઘૂમે છે
મા નવના ઓગણત્રીસ ગરબો ઘૂમે છે
મા દસે પૂરા ત્રીસ ગરબો ઘૂમે છે.
•
ચકી તારા ખેતરમાં મેં ઝીંઝવો વાવ્યો
ઝીંઝવે ચડી જોઉં રે કોઈ આદમી આવે
હંસલો ઘોડો હાથમાં જવાહરભાઈ આવે
હાલડહૂલડ બેટડો ધવડાવતી નાર આવે
આવ ને વીરા વાત કહું, કયા દેશથી આવ્યા?
ઝીણી ભરડાવું લાપસી વીર વાડીએ જમજો
આદુમરીનાં આથણાં વીર વાડીએ જમજો.
•
મારો ગરબો રે ચાર ચોક વચ્ચે જાય
ફરતો ફરતો રે જવાહરભાઈના ઘરે જાય
તેલ પૂરશે રે અનુપમાવહુ વારંવાર
એ શું પૂરશે રે એ તો લોભણી છે નાર.
[13/10/2005]
e.mail : bhadra.v@btinternet.com