દ્રવિણ દ્રવ્ય વસુ વિત્ત બલ રાય અર્થ સુખઓક,
ધન જેવું વ્રજનંદનું તેવું નહીં ત્રણ લોક.
ભૂતપૂર્વ ગોંડલ રાજ્યના વિદ્યાધિકારી અને ‘ભગવદ્દગોમંડલ’ કોશ કચેરીના મુખ્ય અધિકારી ચંદુલાલ બહેચરભાઈ પટેલને, ‘ભગવદ્દગોમંડલ’ના ભાગ – 1ના, 488મે પાને, શું અભિપ્રેત હશે, તે વિશે, ચાલો, સમજણની થોડીઘણી મથામણ કરી લઈએ. ‘પિંગળલઘુકોષ’માંથી ઉદ્ધૃત કરેલું એક અવતરણ અહીં વાંચવા મળે છે. આ શબ્દકોશ / જ્ઞાનકોશમાં, અર્થના (એટલે કે પૈસો; ધન; દોલત) ત્રણ પ્રકારના અર્થ (એટલે કે માયનો; સમજ; સમજૂતી) અભિપ્રેત છે : એક, શુક્લ એટલે પ્રમાણિકપણે મેળવેલ; બે, શબલ એટલે પ્રમાણિક અને અપ્રમાણિક બંને રીતે ભેગો કરેલ; અને ત્રણ, કૃષ્ણ એટલે અપ્રમાણિકપણે એકઠો કરેલ.
‘બ્રિટિશ બ્રોડકાસ્ટીંગ કોરપોરેશન’ની આફ્રિકી તેમ જ હિન્દી સેવાઓ દ્વારા, ‘આફ્રિકા અને ભારત વચ્ચેના સંબંધો અર્થતંત્ર સિવાયના છે ખરા કે ?’ — વિષય બાબત, ગઈ 11 જૂને, નભોવાણીના સ્તરે, એક જાગતિક સ્તરનો પરિસંવાદ અહીં યોજાઈ ગયો. સંયોજકોને, ભલા, કયો અર્થ અભિપ્રેત હશે, તેનો ઝાઝો તાગ નથી. પરંતુ ઇન્ટરનેટી માધ્યમ વાટે 239 જેટલી, આની જે વિવિધ ચર્ચા વાંચવા મળી છે તે, જાણવાસમજવા જેવી છે.
07 જૂન 1893. તે ઘટનાને આજે 115 વર્ષ થયા. જગત ભરમાં, હિંદી જમાત પર આ ઘટનાની ભારે મોટી અસર પડી છે. આપણે દરેક મગરૂરીથી જીવી શકીએ છીએ તેનો યશ આ ઘટનાને ફાળે ઓછો નથી. દક્ષિણ આફ્રિકાના રંગભેદ સંબંધક કાયદાકાનૂનોનો સામનો કરવા પીટરમારિત્સબર્ગના રેલવે સ્ટેશન પરે ગાંધીને ટ્રેનમાંથી ઉતારી મૂકવામાં આવ્યા હતા. તેમાંથી સત્યાગ્રહનો જન્મ થયેલો. મોહનમાંથી મહાત્મા તરફની મહાયાત્રાની એ પ્રયોગશાળા હતી. નેલસન મન્ડેલા કહે જ છે કે તમે બેરિસ્ટર ગાંધીની નિકાસ કરી હતી; અમે મહાત્મા ગાંધીની નિકાસ કરી.
અંગ્રેજીમાં લખતા ભારતના એક અગ્રગણ્ય લેખક અમીતાવ ઘોષનું સ્થાન સ્વાભાવિક પહેલી હરોળમાં આવે. ‘સી ઑવ્ પૉપીસ’ નામની તેમની નવલકથા હાલમાં પ્રગટ થઈ છે. અફીણના જાગતિક વેપારની વાત પણ લેખકે અહીં વણી છે. અમીતાવ ઘોષ કહે છે : ‘બ્રિટિશરો હિંદમાં આવ્યા, તે પહેલાં, હિન્દુસ્તાન જગતનું ભારે અગત્યનું અર્થતંત્ર હતું. એ પછીના બસ્સો વરસ લગી ભારતની પડતી થતી રહી અને પછી તેની ક્ષમતા તળિયે જઈને બેઠી !’ અને હવે જુઓ, આ સાંપ્રત એક ધ્રુવી વિશ્વમાં, અમેરિકી દાદાગીરી ફૂલેકે ચડી છે. અને તે પછી, આ મહાસત્તાનાં વિદેશ મંત્રી કોન્ડોલિઝા રાઈસે હાલમાં એક નિવેદનમાં કહેલું કે ભારત, રશિયા તેમ જ ચીન જેવા કેટલાક મોટા દેશો સાથે વહેવારુ અને વિધેયક સંબંધ જળવાય તે આવશ્યક છે. તે વગર જગતના અનેક કોયડાઓ ઉકેલી શકાય તેમ નથી, તેમ તેમનું માનવું છે. મૂળગત ભારતની આર્થિક તાકાત વધી રહી છે તેની આમાં સાહેદી વર્તાય છે.
વારુ, દક્ષિણ આફ્રિકાની આપણે વાત કરતા હતા. તે મુલક સાથે, સ્વતંત્રતા પહેલાંથી, હિંદને વેપારવણજનો સંબંધ રહ્યો છે. તત્કાલીન સરકારની રંગભેદની નીતિને કારણે ભારતે 1948થી દક્ષિણ આફ્રિકા સાથે કોઈ અધિકૃત સંબંધ રાખ્યો નહોતો, છતાં વેપારવણજને ઝાઝી આંચ આવેલી નહીં. પરંતુ હવે પરિસ્થિતિ કેવી છે ? ભારતનો પગપેસારો આફ્રિકા ખંડમાં વધતો રહ્યો છે. દક્ષિણ આફ્રિકા તેમ જ પૂર્વ આફ્રિકાના અનેક મુલકોમાં પણ હિંદી વેપારીઓ નાની મોટી ધંધાકીય પેઢીઓ દાયકાઓથી ચલાવતા રહ્યા છે. દક્ષિણ આફ્રિકા આઝાદ થયું અને તેણે મેઘધનુષી રાષ્ટ્ર તરીકેની છાપ ઊભી કરી. દરેક વર્ણના અને રંગના લોકોને સમાદાર મળે તેમ જાહેર પણ રહ્યું. અને તેમ છતાં, આ વૈશ્વિક અર્થતંત્રની રૂખમાં ત્યાં પણ બહારના લોકો પ્રત્યેનો રોષ હવે વધવામાં છે. છેવટે રોજગારીનો સવાલ અહીં પણ સર્વત્ર કેન્દ્રસ્થ રહ્યો છે. ભૂમિપુત્રોની આવી ઘટનાઓએ પરિણામે ત્યાં જોર પકડ્યું છે. આફ્રિકા ખંડના બીજા મુલકોમાંથી આવેલી પ્રજાઓ ભણીનો જ એ રોષ હવે રહ્યો નથી; એ વિસ્તરી રહ્યો છે. ડરબન સરીખા શહેરમાં રાધિકા અને ગોપાલ મોહન જેવાં કેટલાંક મૂળ હિન્દવી કોમનાં લોકોને પણ રંજાડ સહેવાનો વારો આવ્યો છે. તે સૌએ ઉચાળા ભરી પોતાના વતનમાં ચાલી જવું રહ્યુંની કોઈક ઝુંબેશ ચલાવાઈ રહી છે.
બી.બી.સીનાં આ રેડિયો પરિસંવાદ વિષે ઉપલકિયા નજરે અવલોકન કરીએ તો સમજાય છે કે દક્ષિણ અને પૂર્વ આફ્રિકાના મુલકોમાંથી ભાગ લેનારાઓની ઊંચી ટકાવારી હિંદીઓની રીતરસમની ટીકા કરે છે અને સાથે સાથે ભારતના સૂચિતાર્થો વિશે શંકાશીલ છે. જ્યારે નાયજિરિયા સમેતના પશ્ચિમી મુલકોમાંના મોટા ભાગનાઓ ભારતની સરાહના કરે છે. નાયજિરિયાના લિંકન ઓરોનના મત મુજબ તો ભારત પાસેથી ખૂબ પામી શકાય તેમ છે. પરંતુ સવાલ એ છે કે આફ્રિકામાં મોટા ભાગે આગેવાનો રાજ કરતા નથી, શાસકો શાસન ચલાવે છે, તેમણે ઉમેરેલું. આવો મત નાયજિરિયાના જેકબ એકેલેનો પણ રહ્યો. એ કહે : મારા પિતા ભારતમાં ભણ્યા. પાછળના વરસોમાં હિંદીઓ અમારી પડોશમાં રહેતા હતા. મહાત્મા ગાંધીના જ જાણે કે વારસદાર સમા. ક્યારે ય ઝગડા વહોરે નહીં. પરંતુ જગતનો વિકાસ સાધવાને સારુ એશિયાઈ વાઘની પેઠે ફટાક દઈને બેઠા ગયા. ભારતીય અર્થતંત્રમાંથી આફ્રિકાએ ઘણું શીખવા જેવું છે.
યુગાન્ડાની મૂળ વતની પણ હાલ યુરોપમાં વસતી ગ્રેઇસ કહેતી હતી કે અમારા મુલકની જેમ, સઘળે હિંદીઓ વેપાર કરી જાણે છે; પરંતુ મૂડીનું રોકાણ જે તે આવા મુલકમાં કરવાને બદલે સઘળું પશ્ચિમી દેશો ભણી તાણી જાય છે. ઝામ્બિયાના શૂટી એફ.એન. લિબૂટા કહેતા હતા : બ્રિટન અને અમેરિકાના નમૂનાઓ અનુભવ્યા પછી તેમના જેવા થવાની જરૂર નથી. આફ્રિકા ખંડે અને ભારતે એક બીજા પ્રત્યે સમજણ કેળવવી જોઈએ. અરસપરસ સહાયભૂત થવાનું રાખવું જોઈએ. બ્રિટનમાં વસતા માલકમ ઝાંગ કહેતા હતા : ભારત રાષ્ટ્રસમૂહનો દેશ છે અને તેથી ચીનની સરખામણીએ વધુ મહત્ત્વનો મુલક છે. મોટા ભાગના આફ્રિકી દેશના કાયદાકાનૂનો, રીતરસમો, મૂલ્યો, અને વળી ભાષા પણ લગભગ એકસરાખાં છે. આથી ભારતની સહાય વિશેષ કામની છે. આવાં હૂંફટેકાને કારણે ભારત અને આફ્રિકા તો મજબૂત બનશે, પણ સાથે સાથે દુનિયાનો ય વિકાસ થશે.
હિંદ અને આફ્રિકાના સંબંધો આજના નથી. એ સંબંધો સંસ્થાનવાદને કારણે ય બંધાયા નથી. કાકાસાહેબ કાલેલકર કહેતા હતા તેમ તે સામે પારના પાડોશીઓના સંબંધો છે. આફ્રિકાના મોટા ભાગના દેશોની સ્વતંત્રતાની લડતમાં ભારતની સ્વતંત્રતાની ઝુંબેશનું બહુ જ મોટું યોગદાન છે. આ દેશોમાં આજે પણ મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુની ભારે મોટી અસર જોવાની સાંપડે છે. અને પરિણામે, સમાદાર સમજણ તથા સલુકાઈ સાથે ભારત જો અર્થતંત્રના વિકાસ અર્થે પગલાં ભરશે તો ભારત માટે આફ્રિકા ખંડ સંગાથે મજબૂત સંબંધ ખીલવવામાં લગીર તકલીફ પડવાની નથી.
(૨૩.૦૬. ૨૦૦૮)
સૌજન્ય : ‘લંડન કૉલિંગ’ નામે “જન્મભૂમિ – પ્રવાસી”માં પ્રગટ થયેલી લેખકની કટાર, “ઓપિનિયન”, 26 જુલાઈ 2008; પૃ. 04-05