દેશમાં ધાર્મિક અસમાનતા અને અસલામતી ફેલાવવાની સંભાવના ધરાવતા કાનૂનને દૂર કરીને બંધારણની જાળવણી થાય તેવાં ધ્યેયથી વિદ્યાર્થીઓ એકંદર અહિંસક રીતે સરકારની સામે પડ્યા છે. તેમનાં હૈયે સારા સમાજ માટેની આરત વસેલી છે. તે બૅનરો ને પોસ્ટરોમાં વંચાય છે. સૂત્રો અને ગીતોમાં સંભળાય છે.
આખા દેશના યુવા વિદ્યાર્થીઓમાં જુવાળ જાગ્યો છે. જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં થયેલ પોલીસ દમન તેનું નિમિત્તમાત્ર જ છે. ખરું કારણ વિવાદાસ્પદ નાગરિકતા સુધારણા ધારો અને સેક્યુલર દેશની સરકારનું તેની પાછળનું માનસ છે. વિદ્યાર્થીઓ ઓછી ફી, વધુ માર્ક્સ, વધારે સગવડો, નોકરી-ધંધો ,સત્તા જેવી માગણીઓ માટે રસ્તા પર ઊતર્યા નથી. આ વાજબી માગણીઓ કરતાં ય અત્યારની નિસબત અલગ છે. સમાજમાં ધાર્મિક અસમાનતા અને અસલામતી ફેલાવવાની ક્ષમતા ધરાવતા કાનૂનને દૂર કરીને બંધારણની જાળવણી થાય તેવાં ધ્યેયથી વિદ્યાર્થીઓ એકંદર અહિંસક રીતે સરકાર સામે પડ્યા છે. તેમનાં હૈયે સારા સમાજ માટેની આરત વસેલી છે. તે બૅનરો ને પોસ્ટરોમાં વંચાય છે. સૂત્રો અને ગીતોમાં સંભળાય છે. દિલ્હીનાં ઇન્ડિયા ગેટ પર સેંકડો વિદ્યાર્થીઓએ મીણબત્તીના અજવાળે બંધારણનાં આમુખનું સમૂહ વાચન કર્યું તે યાદગાર હતું. રવીશકુમારે 18 ડિસેમ્બરના પ્રાઇમ ટાઇમ શોમાં જામિયાની દસ વિદ્યાર્થિનીઓ સાથેની મનને હલાવી દેનારી વાતચીત બતાવી છે. તેમાં વિદ્યાર્થિનીઓ કેવાં જોખમો અને ખૌફમાંથી પસાર થઈ રહી છે તેનું નિખાલસ બયાન મળે છે, જે માધ્યમોમાં અત્યારે સુધી નહીંવત આવ્યું હતું. સાથે યુવતીઓના સોંસરા શબ્દોમાં, અત્યારે મુસ્લિમ નાગરિકોમાંની ઓળખ અને અસ્તિત્વની અસલામતીની પીડાની ઝલક તેમ જ તેમના માટે હિન્દુ સમાજ કેવી રીતે સહસંવેદન ધરાવી શકે તેની ઝાંખી મળે છે.
આઝાદીની લડતનો ઇતિહાસ, સમન્વવયવાદી સાંસ્કૃતિક પરંપરા અને ઉત્તમ ઍકેડેમિક રેકૉર્ડ ધરાવતી જામિયા મિલિયાના પરિસરમાં પોલીસે 15 ડિસેમ્બરે જુલમ ચલાવ્યો. તેની સામે 17 ડિસેમ્બરે ચાળીસેક ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ કરેલાં વિરોધ પ્રદર્શનમાં કોઈ એક જ સંગઠન, આગેવાનના કે રાજકીય પક્ષના નેજા વિના છાત્રો લગભગ સ્વયંભૂ રીતે રસ્તા પર ઊતર્યા. તેમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા પણ ઘણી હતી. આતંકિત જામિયાને તેનાથી ખૂબ દૂરનાં ગુવાહાટી ને કોલકાતા, ચેન્નાઇ ને પુડુચેરીની સંસ્થાઓના યુવાઓએ પણ સાથ આપ્યો હતો. પટના અને બનારસ, અમદાવાદ અને મુંબઈ પણ હતાં. અભ્યાસેતર બાબતોમાં માત્ર આર્ટસ, કૉમર્સ, હ્યૂમૅનિટિઝ કે માસ કૉમ્યુનિકેશનનાં જ વિદ્યાર્થીઓ હોય એવી મધ્યમ વર્ગીય ધારણા અહીં ખોટી ઠરી હતી. એન્જિનિયરિંગ ટેક્નોલૉજિ, ડિઝાઈન, પ્લાનિન્ગ, મૅનેજમેન્ટ, લૉ, સાયન્સ રિસર્ચ જેવી અનેક શાખાઓના વિદ્યાર્થીઓ હતા.
આવી છાત્રશક્તિ દેશને પિસ્તાળીસ વર્ષ પૂર્વે જોવા મળી હતી. 1973-74માં ગુજરાતના વિદ્યાર્થીઓએ ભ્રષ્ટાચાર અને મોંઘવારીના મુદ્દે નવનિર્માણ આંદોલન ચલાવ્યું હતું. નવનિર્માણને પગલે જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળ દેશમાં ભ્રષ્ટાચાર-વિરોધી જે.પી. આંદોલન ચાલ્યું. તે પછી કદાચ પહેલી જ વાર દેશના વિદ્યાર્થીઓનો નોંધપાત્ર હિસ્સો વ્યાપક સામાજિક ધ્યેયથી શાસકોની સામે પડ્યો છે.
શાસકોનું વિદ્યાર્થીઓ માટેનું સંવેદન જાણીતું છે. નવનિર્માણમાં ચીમનભાઈ પટેલની કૉન્ગ્રેસ સરકારની પોલીસે કરેલા ગોળીબારોમાં વિદ્યાર્થીઓ અને નાગરિકો શહીદ થયા હતા. રાજકીય પક્ષો ચૂંટણી ટાણે યુવાધનનું ગૌરવ કરે છે, ઊગતી પેઢીઓને નોકરીનાં સપનાં દેખાડે છે, લોકશાહીમાં મતદાનનું પવિત્ર કર્તવ્ય પાર પાડવા ઝુંબેશો ચલાવે છે. પણ એ જ મતોથી ચૂંટાયેલો પક્ષ સરકાર બનાવે છે ત્યારે વિદ્યાર્થીઓની અપેક્ષાઓ અને તેમના પ્રશ્નોને સામાજિક-રાજકીય પરિપ્રેક્ષ્યમાં જોવાને બદલે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો તરીકે જુએ છે. વિદ્યાર્થી-વિરોધ પર પોલીસ તૂટી પડે છે. ગુસ્સો અને આક્રોશ વિદ્યાર્થીસહજ હોય છે. ભાંગફોડ પણ થાય છે. તેની સામે ધોરણસરનાં પગલાં લઈ જ શકાય. પણ સરકાર મોટે ભાગે પ્રમાણભાન છોડીને છેડાની પ્રતિક્રિયા આપે છે. પ્રકૃતિગત રીતે ઉત્સાહી, ઉદ્યમી અને ઉમદા યુવા માનસને ખલનાયક તરીકે ચિતરે છે. સહુથી ખરાબ તો એ કે અસંમતિ અને વિરોધનો તેમનો નાગરિક અધિકાર છિનવી લે છે. યુનિવર્સિટીઓમાં વ્યાપક માનવતાવાદી શિક્ષણ મેળવીને સરકારના મૂડીવાદી કે કોમવાદી એજન્ડા સામે સવાલ ઊઠાવનાર જાગૃત યુવાવર્ગને રાષ્ટ્રવિરોધી ગણવામાં આવે છે. વૈવિધ્ય, સ્વાતંત્ર્ય, સર્જકતા, સંવાદ, વિમર્શ, વિરોધ, વિદ્રોહની તાલીમશાળાઓ તરીકે વિશ્વમાં સદીઓથી સ્વીકાર પામેલ યુનિવર્સિટી નામના જ્ઞાનકેન્દ્રને સરકાર પોતાનાં વૈચારિક ઢાંચામાં બાંધીને પોતાને અનુકૂળ નાગરિકો ઊભા કરવા ધારે છે.
આ માનસથી કેન્દ્રની ભા.જ.પ. સરકારે પાંચેક વર્ષમાં અનેક વિદ્યાર્થી-વિરોધોને દબાવી દીધા છે : પૂનાની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિસ્ટ્યૂટ ઑફ ઇન્ડિયાના વિદ્યાર્થીઓની ઍકેડેમિક માગણી, કનૈયાકુમારની આગેવાની હેઠળનું જે.એન.યુ.નું આંદોલન, વિશ્વવિદ્યાલય અનુદાન આયોગની પ્રવેશ અને શિષ્યવૃત્તિની અન્યાયી નીતિ સામેની ‘ઑક્યુપાય યુ.જી.સી.’ ચળવળ, રોહિત વેમુલાની આત્મહત્યા વખતના વિદ્યાર્થીઓના દેખાવો જેવા દાખલા સહજ રીતે યાદ આવે. કનૈયાકુમાર, જિજ્ઞેશ મેવાણી, રામચન્દ્ર ગુહા, વિવેક અગ્નિહોત્રીને શિક્ષણ સંસ્થાઓમાં વ્યાખ્યાન માટે ન બોલાવી શકાય. યુનિવર્સિટી પ્રાંગણમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ જેવાં અણછાજતાં સુરક્ષા દળની નિમણૂક કરવામાં આવે. મુસ્લિમ સંસ્કૃત પ્રોફેસરને કૉલેજ છોડી દેવી પડે. આવી ઘટનાઓ માટેનો માહોલ ઊભો થાય તેમાં અધ્યાપકોના એક વર્ગની અને નાગરિક સમાજની નિષ્ફળતા જેટલી સરકારની સક્રિયતા જવાબદાર છે.
વિરોધ કરનાર વિદ્યાર્થીવર્ગની સામે સોશ્યલ મીડિયામાં કીચડ ઊછળે છે. અલબત્ત પત્રકારો અને નાગરિકોનો એક હિસ્સો વિદ્યાર્થીઓની તરફેણમાં છે. તેના દ્વારા વિરોધ કરનારા વિદ્યાર્થીઓને વેઠવી પડતી હાડમારી, તેમ જ દેખાવોમાં તેમની સર્જકતા, મક્કમતા, અહિંસક નીડરતાના કિસ્સા મળતા રહે છે. જામિયાનાં રમખાણોમાં ધરપકડ થયેલાંમાં કોઈ પણ વિદ્યાર્થી નથી એમ પોલીસે જણાવ્યું છે. અલબત્ત, અન્યત્ર ક્યાંક વિદ્યાર્થીઓ અને બીજા દ્વારા થયેલી તોડફોડના રસ્તા સામે સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરી છે. જામિયાના અત્યાચાર સામે સર્વોચ્ચ અદાલત દ્વારા તપાસની માગણી વિદ્યાર્થીઓ વતી ઇન્દિરા જયસિંહ અને કૉલીન ગોન્સાલ્વીસ જેવાં બાહોશ વકીલોએ કરી હતી. અમદાવાદનાં વિરોધ-પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓની સાથે રહેનારામાં નિસબત ધરાવતા નાગરિકો સાથે રિતિકા ખેરા, રાઘવન રંગરાજન અને નવદીપ માથુર જેવાં અધ્યાપકો પણ હતાં.
જામિયામાં તો ખુદ યુનિવર્સિટીનાં વાઇસ-ચાન્સલર નજમા અખ્તર એક પત્રકાર પરિષદના માધ્યમથી વિદ્યાર્થીઓની પડખે ઊભાં રહ્યાં. તેમણે યુનિવર્સિટીના સત્તાવાળાની મંજૂરી વિના પોલીસના કૅમ્પસ-પ્રવેશ અને વિદ્યાર્થીઓ સાથેની તેમની બર્બરતા સામે સખત વિરોધ નોંધાવીને યુનિવર્સિટી હિંસાચાર અને તોડફોડ માટે પોલીસ સામે એફ.આઈ.આર. અને ન્યાયિક તપાસની માગણી કરશે એમ કહ્યું. કાયદાના વિરોધ દરમિયાન પથ્થરમારો અને આગજની કરનાર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નહીં પણ બહારનાં માણસો હતાં એવી સ્પષ્ટતા પણ તેમણે કરી. પોલીસે વિદ્યાર્થીઓને પહોંચાડેલી ઇજાઓ અને યુનિવર્સિટીનાં ગ્રંથાલય સહિતની મિલકતને પહોંચાડેલાં નુકસાનની વાત કરીને તેમણે સવાલ કર્યો: ‘વિદ્યાર્થીઓની લાગણીઓને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે ? બચ્ચે જો સિચ્યુએશન સે ગુજરે હૈ ઉસે આપ દોબારા ઠીક નહીં કર સકતે.’
વિદ્યાર્થીઓ માટે આવી ઊંડી આસ્થા છાત્રવર્ગના હિતના હંમેશના સમર્થક ઉમાશંકર જોશીએ નવનિર્માણ આંદોલન વખતે વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલાં જુલમના સંદર્ભમાં સપ્ટેમ્બર 1974ના એક લેખમાં પ્રકટ કરી હતી. તેમના યાદગાર શબ્દો છે : ‘યુવક-યુવતીઓ શોષિત જનતા માટે જાનફેસાની કરવા બહાર પડતાં હોય તેમને જે દેશની નેતાગીરી રિબાવે, વેરવિખેર કરવા મથી છૂટે … એ દેશના ભાવિને વિશે શું કહેવું – બલકે તે દેશનાં તો નહીં પણ તે નેતાગીરીના ભાવિ વિશે શું કહેવું ? દેશનું ભાવિ તો સામાજિક અન્યાય સાંખી ન લેનાર મુઠ્ઠીભર યુવક-યુવતીઓ હશે તો પણ ઉજળું-ઉજળું જ છે.’
અને છેલ્લે, અમદાવાદમાં થયેલાં વિરોધ પ્રદર્શનમાં જોડાનાર વિદ્યાર્થીઓને ગુજરાત સરકારે ઇન્ટેલિજન્સ બ્યુરો અને પોલીસ થકી ડરાવવાની શરૂઆત કરી હોવાના અખબારી અહેવાલો ગુરુવારે પ્રસિદ્ધ થયા છે.
**********
20 ડિસેમ્બર 2019, રિવાઇઝડ 26 ડિસેમ્બર 2019
“નવગુજરાત સમય”, શનિવાર, 28 ડિસેમ્બર 2019ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની રજૂઆત