લગભગ અઘોષિત હિંદુ રાષ્ટ્ર બની ગયેલા નરેન્દ્ર મોદીના હિન્દુસ્તાનમાં હિન્દુને કોઈ ગુલામ, લૂંટારુ, ચોર કે ડાકુ કહે તો એની શી વલે થાય? થોભો, આ હું નથી કહેતો. ગુજરાત અને ગુજરાતીમાં સૌથી પ્રતિષ્ઠિત જ્ઞાનકોશ કમ શબ્દકોશ ‘ભગવદ્ગોમંડળ’માં ‘હિંદુ’ શબ્દનો આ અર્થ આપેલો છે. ‘ભગવદ્ગોમંડળ’, પુનર્મુદ્રણ ૧૯૮૬, પ્રવીણ પ્રકાશન, રાજકોટ, ભાગ – ૯, પાનાનંબર : ૯૨૧૬.
‘ભગવદ્ગોમંડળ’ મૂળે તો ગોંડલના વિદ્વાન અને પ્રજાવત્સલ રાજા ભગવદ્સિંહનું ભવ્ય સર્જન. એ સાંજે ફરવા નીકળતા, ત્યારે પણ ખિસ્સામાં છુટ્ટા પૈસા રાખતા અને રસ્તામાં સામે મળતા લોકોને નવા નવા શબ્દો પૂછતા અને નવો શબ્દ આપે એને એ જમાનાના રણકતા સિક્કા આપતા. એમના સેવક ચંદુભાઈ પટેલે જૂનાનવા બધા શબ્દોનું સંપાદન કરીને ૧૯૪૪થી ૧૯૫૫ દરમિયાન ગુજરાતી ભાષાની યશકલગી સમાન ‘ભગવદ્ગોમંડળ’ના નવ ભાગ પ્રકાશિત કર્યા.
ગૂજરાત વિદ્યાપીઠનો સાર્થ જોડણીકોશ માત્ર જોડણી પૂરતો શબ્દકોશ હતો, જ્યારે ‘ભગવદ્ગોમંડળ’ તો ગુજરાતી ભાષામાં આ પ્રકારનો સર્વપ્રથમ જ્ઞાનકોશ હતો. મહારાજ ભગવદ્સિંહ, ચંદુભાઈ પટેલ અને એમની કોશ કચેરીની ૨૬ વર્ષની મહેનતના પરિણામે પ્રગટ થયેલા નવ ગ્રંથોનાં કુલ ૯,૦૦૦થી વધુ પૃષ્ઠોમાં ૨,૮૧,૩૭૭ શબ્દોના ૮,૨૧,૮૩૨ અર્થો અને ૨૮,૧૫૬ રૂઢિપ્રયોગોનો સંગ્રહ છે. સામાન્ય રીતે હળવાશથી કહેવાય છે કે ગુજરાતીમાં દરેક શબ્દના બે અર્થ હોય છે, જ્યારે અહીં તો દરેક શબ્દના સરેરાશ ચાર-ચાર અર્થ છે.
આમ છતાં, એક હિંદુ રાજવીએ ‘હિંદુ’ શબ્દનો સાવ આવો અર્થ કેમ આપ્યો હશે? તમને સવાલ થવો જોઈએ. મને તો થયો. મેં અભ્યાસ કર્યો તો ખબર પડી કે ગુજરાતી, હિન્દી કે સંસ્કૃતના જૂના ગ્રંથોમાં ‘હિંદુ’ શબ્દ જ નથી તો અર્થનો તો સવાલ જ નથી. આપણા અભ્યાસુ કટારલેખક નગીનદાસ સંઘવી કહી ગયા છે કે સંસ્કૃતમાં ક્યાં ય ‘હિંદુ’ શબ્દ જ નથી. સ્વામી ધર્મબંધુએ વધુ વિગતવાર અભ્યાસ કરીને શોધ્યું કે વેદ, ઉપનિષદ, પુરાણ કે પ્રાચીન ધર્મગ્રંથોમાં, રામાયણ, મહાભારત કે સંસ્કૃત સાહિત્યમાં પણ ક્યાં ય ‘હિંદુ’ શબ્દ મળતો જ નથી, આર્ય શબ્દ છે. હિંદુ નહિ.
સ્વામી ધર્મબંધુના અભ્યાસ મુજબ, સૌ પ્રથમ આપણને હિંદુ તરીકે સંબોધ્યા આરબોએ, બાદમાં મુસલમાનોએ અને બ્રિટિશરોએ. એટલે, હિંદુ બીજા લોકોએ આપણને આપેલી ઓળખ છે, આપણે પોતે આપણને આપેલી કે ઊભી કરેલી નહિ. એમાં પણ હિંદુ પ્રજાની વાત હતી, હિંદુ ધર્મની નહિ. પછી સાદી સમજ એ બની કે હિંદુઓ જે ધરમ રીતરિવાજ પાળે, તે હિંદુ ધર્મ.
જો કે, ‘હિંદુ’ શબ્દનો અનર્થ કરવામાં ભગવદ્સિંહ, ચંદુભાઈ પટેલ કે એમની કોશકચેરીનો કોઈ વાંક નથી. એ વખતે એમણે કોઈ ફારસી શબ્દ કોષમાંથી ‘હિંદુ’ શબ્દનો અર્થ લીધો હશે, જે મુસ્લિમ દૃષ્ટિકોણથી ‘ગુલામ, લુટારુ કે ચોર અને ડાકુ’ એવો આપેલો છે. ‘ભગવદ્ગોમંડળ’નાં વખાણ તો બધાં બહુ થયાં, પણ એનો વ્યવસ્થિત અભ્યાસ ભાગ્યે જ કોઈએ કર્યો. એટલે જ આટલા મોટા અનર્થ તરફ કોઈનું ધ્યાન ના ગયું.
પ્રવીણ પ્રકાશને ૧૯૮૬માં જે ગ્રંથોનું પુનર્મુદ્રણ કર્યું, તે મૂળ ગ્રંથોનાં પાનાંના ફોટા પાડીને મૂળ રૂપે જ છાપ્યા, કારણ કે એને ફરી કમ્પોઝ કરી છાપવા લગભગ અશક્ય હતા. આ પુનર્મુદ્રણના અકલ્પ્ય વખાણ થયાં પણ એનો અભ્યાસ ભાગ્યે જ કોઈએ કર્યો અને ગુજરાતમાં ભાગ્યે જ બને એવી ઘટનામાં આ ગ્રંથો વેચાઈ પણ ગયા.
૨૦૦૭માં એની બીજી આવૃત્તિ છાપવાની થઈ ત્યારે નરેન્દ્ર મોદીની ભા.જ.પ. સરકાર મધ્યાહ્ને હતી. મોદી ગુજરાતી વિશ્વકોષના વિમોચન-કાર્યક્રમોમાં આયોજકોને જાહેરમાં ખખડાવતા કે તમારા ગ્રંથો અકબરથી શરૂ થાય છે અને ઔરંગઝેબ પર પૂરા થાય છે! આવા વાતાવરણમાં ‘ભગવદ્ગોમંડળ’માં ‘હિંદુ’ શબ્દના અનર્થ તરફ કોઈ હિંદુવાદી વિદ્વાને ધ્યાન દોર્યું. જો કે ગ્રંથો ફરી કમ્પોઝ કરવા શક્ય જ નહોતું, એને પહેલી આવૃત્તિની જેમ એની સ્કૅનકૉપી રૂપે જ છાપવાના હતા. તેમ છતાં, જુગાડ તરીકે ‘હિંદુ’ શબ્દ અને તેના અર્થવાળો ભાગ કટ કરી, ત્યાં ‘હિંદુ’ શબ્દ અને એનો નવો અર્થ પેસ્ટ કરી દીધો. જાણકાર ના હોય એ પણ જરા ધ્યાનથી જુએ તો આસાનીથી પારખી શકે કે પેસ્ટ કરેલા ‘હિંદુ’ના ફૉન્ટ અલગ છે. આટલો મોટો ફેરફાર કોઈને જાણ કર્યા વગર તદ્દન છાનામાના કરાયો. ૧૩ વરસ સુધી એના પર પણ કોઈનું ધ્યાન ના ગયું.
‘ભગવદ્ગોમંડળ’ની ૨૦૦૭ની બીજી આવૃત્તિમાં ‘હિંદુ’ શબ્દનો અર્થ છે, “૧. જે ભારતને પોતાની પવિત્ર ભૂમિ માને છે, તે લોકો હિંદુ છે. ૨. જે હિંસાને દૂર કરે, તે પ્રજા હિંદુ છે. ૩. હિંદુધર્મનો અનુયાયી. ૪. દુષ્ટોને હણે તે લોકો હિંદુ છે.” સામાન્ય ગુજરાતી પણ કહી શકે કે આ અર્થ ખરાબ ભલે ન હોય, ખોટા જરૂર છે.
આખરે હિંદુ શબ્દના આ અર્થ આવ્યા ક્યાંથી? એનો ઉત્તર મેળવવા પ્રવીણ પ્રકાશનના માલિક ગોપાલભાઈ પટેલનો સંપર્ક કર્યો. એમણે ભોળાભાવે કબૂલ્યું કે, “આપણા હિંદુ શબ્દનો આટલો ખરાબ અર્થ ચલાવી જ કઈ રીતે શકાય, એટલે અર્થ બદલી નાખ્યો.” પણ આટલો મોટો ફેરફાર કેમ અને કોની સલાહથી કર્યો? નવી આવૃત્તિમાં ‘હિંદુ’ શબ્દના નવા અર્થો કોણે કર્યા ? એનો એમની પાસે કોઈ જવાબ નથી મળતો.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 09