૯ નવેમ્બર, ૨૦૧૯નો દિવસ. ૯ નવેમ્બર બર્લિન દીવાલ ધ્વંસનો દિવસ પણ સાથે સાથે બારાવફાત-ઇદ-એ-મિલાદનો દિવસ પણ હતો. અને આ ૯ નવેમ્બર, ૨૦૧૯ના દિવસે, આખો દેશ કાગડોળે દેશના સર્વોચ્ચ ન્યાયાલય પાસેથી ‘ન્યાય’ની રાહ જોઈ રહ્યો હતો.
આખરે ૧,૦૪૫ પાનાંનો ચુકાદો આવ્યો. ૯૨૮ મૂળ પાનાં, ૧૧૬ પાનાંના ઉમેરણ સાથે. પાંચ ન્યાયાધીશોની સર્વસંમતિથી, પરંતુ કોઈની સહી વગરનો આ ચુકાદો હતો. ૧૧૩ વર્ષથી, જુદી જુદી ત્રણ અદાલતોમાં ચાલેલા મુકદ્દમાઓનો અંત હતો. આ ચુકાદા માટે ૫૩૩ પ્રકારના પુરાવાઓ, ૮૮ સાક્ષીઓની મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવી અને ૪૧ દિવસ સતત આ મુકદ્દમાની સુનાવણી થઈ.
દેશના બહુમતી લોકોએ ‘કજિયાનું મોં કાળું’ ગણીને, કજિયાનું મૂળ ગયું એમ સમજીને ચુકાદાથી શાંતિ અનુભવી. પરંતુ દેશવાસીઓની ‘ન્યાય’ની રાહ ફળી? આ ચુકાદાથી એવું લાગે કે સર્વોચ્ચ ન્યાયાલયને ‘ન્યાય’ કરતાં ‘શાંતિ’ની ચિંતા વધુ હતી. ‘ન્યાય’ના સિદ્ધાંતો કરતાં વહેવારુપણા ઉપર ભાર હતો. એમાં ‘લવાદ’ની ભૂમિકાએ ‘વિવાદ’ના કાયમી શમન માટેની ગોઠવણને પ્રાધાન્ય હતું. આ ચૂકાદો રાજકીય લાગતો હતો અને એવા નિર્ણયનું એમાં પ્રતિબિંબ પડતું હતું જે રાજ્ય બહુ વર્ષો પહેલાં લઈ શક્યું હોત. આ ચુકાદાએ જાણે કે ‘પુરાવાના કાયદા’ ઉપર પ્રહાર કર્યો હતો. ઘણાંને માટે આ ચુકાદો, કેસ પૂરો થયો પરંતુ ‘ઘાવ’ ખુલ્લાનો હતો. વળી, આ ચુકાદાએ તથ્યો પર નહીં પણ ‘તથ્યોની સંભાવનાઓ’ પર આધાર રાખ્યો હતો. જો અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો યોગ્ય દિશામાં નહોતો તો આ ચુકાદા વિશે પણ એવું જ કહી શકાય એમ છે. દેશના લોકશાહીપ્રેમી નાગરિકોએ તથા ન્યાય અને કાનૂન ક્ષેત્રના અગ્રણીઓએ પણ ચુકાદા અંગે અસંતોષની લાગણી જાહેર કરી છે.
ચુકાદામાં ભલે કહેવાયું કે અદાલતો ભૂતકાળની ભૂલોને સુધારી ના શકે પરંતુ ચુકાદાની ગતિ તો એ તરફની લાગી. અદાલતે પોતાને બંધારણ રચિત સંસ્થા તરીકે ઓળખાવી, વિશ્વાસ અને શ્રદ્ધાને બદલે તથ્યો ઉપર ભાર મૂકવાની વાત કહી પણ છેવટે તરફેણ તો પ્રથમની જ કરી. ૧૯૪૯માં રામલલ્લાની મૂર્તિ મૂકવાની ઘટના અને ૧૯૯૨ની બાબરી ધ્વંસની ઘટના – બંનેને ગેરકાનૂની કહ્યાં પણ તેને માટેની તપાસ – સજા કશાની ય વિગતોમાં જવાને બદલે, એ ગેરકાનૂની કૃત્યોને, પોતાના ચુકાદાથી સ્વીકૃતિની મહોર મારી?
અયોધ્યા મુદ્દો દેશમાં જે રીતે ૧૯૮૦ પછી રાજકીય કેન્દ્રસ્થાને આવ્યો છે અને તેનો ભૂતકાળ અને વર્તમાનમાં તેનો પડછાયો લઈને આપણે ચાલી રહ્યા છીએ; ત્યારે ભવિષ્યમાં બહુવિધ ધાર્મિક-સામાજિક-સાંસ્કૃતિક ઓળખોને સાથે રાખીને, એક દેશ તરીકે ચાલી શકીએ તે માટે દેશની સર્વોચ્ચ અદાલતને એક જવલ્લે જ મળતી તક મળી હતી. ન્યાયના રક્ષક તરીકે, સમાનતા અને કાયદાના શાસનના રખેવાળ તરીકે દેશની બંધારણીય સર્વોચ્ચ સત્તાનો યોગ્ય ઉપયોગ કરવાની. આ તકનો શું સર્વોચ્ચ અદાલતે યોગ્ય ઉપયોગ કર્યો ? જવાબ ‘ના’માં – નિરાશામાં છે.
આ ચુકાદામાં જે ‘આંતરવિરોધો’ છે તે આઘાતજનક છે અને તે અનેક પ્રશ્નો ઊભા કરનારા છે.
૧. આપણને સવાલ થાય કે આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના અહેવાલોની જે વાત કરાઈ છે તેમાં જે મુખ્ય અહેવાલ છે જેમાં બધાની સહી છે, તેના કહેવા પ્રમાણે મસ્જિદની નીચે મંદિરના અવશેષો નથી મળી આવ્યા. એ અહેવાલના અંતમાં સહી વગરનો ઉપસંહાર છે જેમાં કહેવાયું છે કે મળેલા અવશેષો બિનઇસ્લામિક છે. તો પછી અદાલતે સહી સાથેના અહેવાલ કરતાં સહી વગરના અહેવાલને કેમ પસંદ કર્યો?
૨. અદાલતે આ મુકદ્દમાના ઇતિહાસ ઉપર કેમ નજર ન કરી? મસ્જિદનાં ૩૦૦ વર્ષ પછી ઇસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સામ્રાજ્યવાદ સમયે આ વિવાદ શરૂ થયો હતો એ સમયગાળાને કેમ ધ્યાનમાં ન લેવાયો?
૩. અદાલતે સ્વામી વિવેકાનંદને સંભાર્યા હોત તો? એમણે ‘રામ’ના ઐતિહાસિક પાત્ર હોવા વિશે પોતાની શંકા વ્યક્ત કરી હતી.
૪. અદાલતે ૧૫૨૮થી લઈને અત્યાર સુધીનો ઇતિહાસ તપાસ્યો, તો પછી આપણી સમાજસુધારણાની ચળવળનો સમય કેમ ના તપાસ્યો? આ વર્ષે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના જન્મની દ્વિશતાબ્દીનું વર્ષ છે. જેમણે વેદાંત દર્શનશાસ્ત્રને બદલે નવજાગરણને ખભે ચઢીને આવેલ, ‘મનુષ્ય’ને કેન્દ્રમાં રાખતા તર્ક અને વિજ્ઞાનને પસંદ કર્યું હતું.
આ ‘આંતરવિરોધો’ને જોતા જ લાગે છે કે આ ચુકાદાએ ઇતિહાસના મહત્ત્વને રદ્દ કર્યું છે. અને ઇતિહાસનું સ્થાન ધાર્મિક વિશ્વાસને આપ્યું છે. આ ચુકાદો ‘ન્યાય’નો સર્વોચ્ચ નકાર પુરવાર થશે. તેણે કાયદાનાં બધાં ધોરણો, તેનું દર્શનશાસ્ત્ર અને નીતિશાસ્ત્રને અવગણ્યાં છે. લોકશાહી ન્યાયના દર્શનાશાસ્ત્રના ઇતિહાસમાં કાયદા અને ઇતિહાસના પુરાવાઓ કરતાં ધાર્મિક વિશ્વાસને અગ્રતા ક્યારે ય અપાઈ નથી. આ ચુકાદાને કારણે બહુમતી લોકોને ભલે લાગતું હોય કે દેશમાં બધા ધાર્મિક વિવાદો ઉપર પડદો પડી જશે પરંતુ કદાચ એથી ઊલટું બની શકે કે ધર્માંધ ઉન્માદને તે વધુ બહેકાવી શકે.
બાબરી ધ્વંસ વેળાએ, આ દેશમાં કવિન્યાયે, કહ્યું હતું કે, ‘… બાબરને બદલે, અકબરને યાદ કરી શકાય…!’, ‘…રામને મળ્યો બીજો વનવાસ…’ને અનેક રીતે ગંગા-જળની તહેજીબે રામ-રહીમને સાથે સંભાર્યા હતા. આ ચુકાદાને પણ ‘કવિન્યાય’ તો મળશે જ. અને સાધારણ લોકો ભાઈચારા અને પ્રેમના આધારે સંગઠિત થઈ પોતાના લોકશાહી અધિકારો માટે પણ ‘ન્યાય’ મેળવશે.
E-mail : meenakshijoshi1962@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2019; પૃ. 03 તેમ જ 05