જગતના સૌથી વિકસિત દેશ તરીકે અમેરિકાની ગણતરી થાય છે. અદ્યતન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરનારો સૌથી ધનાઢ્ય દેશ છે. આમ છતાં આ દેશની અંદર અમીશ નામની એક પ્રજા વર્ષોથી અહીં રહે છે, જે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ બિલકુલ કરતી નથી. એ લોકો કાર કે ઈલેક્ટ્રીસિટીથી ચાલતાં સાધનો વાપરતા નથી. ખેતી માટે ટ્રેક્ટર કે બીજા ઓજારોનો ઉપયોગ કરે છે પણ તે ઈલેક્ટ્રીસિટીને બદલે ઘોડાથી ચલાવવામાં આવે છે. વીજળીથી ચાલતાં સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ છે પણ જો એ બેટરી વડે ચાલતાં હોય તો ઉપયોગ થઇ શકે.
આ પ્રજા આજે પણ એની મૂળભૂત જીવનશૈલીને આધારે જીવન જીવે છે. એકવીસમી સદીમાં આવું અત્યંત સાદું અને નૈસર્ગિક જીવન જીવવા માટે જાણીતી આ પ્રજા વિષે જાણવું રસપ્રદ છે. ભારતથી મારે ત્યાં મહેમાન તરીકે આવેલા અનેક સાહિત્યકારોને હું એ પ્રદેશ જોવા લઇ જતો હોઉં છું. એ મારો એક સહજ બની ગયેલો ક્રમ છે. મને હતું કે તેઓમાંથી કોઈક તો આ વિષે લખશે. પરંતુ, મારા ખ્યાલ મુજબ એવું થયું નથી. સૌથી વધારે રસ ઇટાલીથી આવેલા કવિ અને ફોટોગ્રાફર પ્રદ્યુમન તન્નાએ લીધો હતો. ખૂબ રસપૂર્વક તેમણે ફોટાઓ પાડ્યા હતા અને એક સરસ મજાનું ફોટો આલ્બમ તૈયાર કરીને મોકલવાનું વચન આપીને ગયેલા પણ ઈટાલી ગયા પછી તબિયત બગડતા અવસાન પામ્યા અને એ કામ અધૂરું રહ્યું.
પેન્સિલ્વેનિયા રાજ્યમાં આવેલા ફિલાડેલ્ફીઆ શહેરથી લગભગ ૮૦ માઈલ દૂર પશ્ચિમ તરફ આવેલું લેન્કેસ્ટર નામનું ગામ અમીશ લોકોને રહેવા માટેનું જાણીતું ધામ છે. અમેરિકાના ૨૮ રાજ્યોમાં અને કેનેડાના ઓન્ટેરીઓ પ્રદેશમાં તેઓ છૂટાછવાયા વસે છે ખરાં પરંતુ મુખ્યત્વે તેઓ પેન્સિલ્વેનિયા, ઓહાયો અને ઇન્ડિઆના રાજ્યમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. ૧૯૨૦ની સાલમાં તેમની વસ્તી માત્ર ૫,૦૦૦ની હતી જે વધીને આજે લગભગ ત્રણ લાખની આસપાસ છે. મૂળ તો અમીશ લોકો યૂરોપથી ભાગીને અહીં આવીને વસેલી પ્રજા છે. અમેરિકા આવવા પાછળ કયા પરિબળો હતા તે જાણવું અગત્યનું છે.
૧૫મી સદીની આસપાસ યુરોપમાં ધાર્મિક પરિવર્તનનું વાતાવરણ ઉગ્ર અને ઝનૂની બની ચૂક્યું હતું. તેમાં ય ખાસ તો ફ્રાંસ, સ્વીત્ઝર્લેન્ડ, હોલેંડ, જર્મની, રશિયા અને ઝૂરીચ જેવાં પ્રદેશો જ્યાં ખ્રિસ્તી ધર્મનું વર્ચસ્વ વધી રહ્યું હતું અને ધર્મગુરુઓ તો તે સમયના રાજાઓ કરતાં પણ વધારે શકિતશાળી બની રહ્યા હતા. આવા સમયે ખ્રિસ્તી ધર્મના નાના સંપ્રદાયોની વિચારધારા સ્થાપિત ધર્મગુરુઓને અનુરૂપ ન હોવાથી તેમના માટે પડકારરૂપ બની રહી હતી. આને કારણે આ સંપ્રદાયો માટે ભયજનક પરિસ્થિતિ ઊભી થઇ અને તેમનું અસ્તિત્વ જોખમમાં મુકાયું. અમીશ લોકો આવા નાના સંપ્રદાયમાં આવે છે. તેઓની ધાર્મિક માન્યતા એવી છે કે, ધર્મ એ કોઈ વાતો કરવાનો વિષય નથી, પરંતુ ધર્મમાં જે આદેશ આપવામાં આવ્યા છે તેનું ચૂસ્ત રીતે પાલન કરવામાં છે. એમાં કર્મકાંડ, બહિર્મુખી ક્રિયાઓ, દંભ, દેખાડો તથા કહેવું એક અને કરવું બીજું એ નહિ ચાલે. ખ્રિસ્તી ધર્મમાં બાળકોને નાની ઉંમરે દીક્ષા આપવાની પ્રથા છે. અમીશ લોકો આ પ્રથાનો વિરોધ કરે છે અને માને છે કે નાના બાળકોને દીક્ષા આપી ખ્રિસ્તી ધર્મ અપનાવવા કહેવું એ યોગ્ય નથી. તેઓ યુવાન વયના થાય, ધર્મ શું છે, ધર્મના સિદ્ધાંતો શું છે, એનું પાલન કરવું કેટલું મહત્ત્વનું છે એ બધું સમજતા થાય પછી જ એમને દીક્ષા આપવી જોઇએ. સ્થાપિત ધર્મગુરુઓ આવા વિચારોને સ્વીકારવા તૈયાર નહોતા. આ પ્રશ્ન એમને માટે અવરોધ ઊભો કરતો હતો તો સાથે એક પડકાર પણ હતો. પરિણામે આવા સંપ્રદાયોને મુખ્ય ધારાના ખ્રિસ્તી ધર્મથી વિમુખ કરવામાં આવ્યા, જેને આપણે ન્યાત બહાર મૂક્યા એમ કહીએ છીએ તેવું થયું. ત્યારથી આ લોકો Anabaptist તરીકે ઓળખાયા, મતલબ કે તેઓ Baptist નથી. વાતાવરણ એવું ઉગ્ર બન્યું કે આ સંપ્રદાયોના અનુયાયીઓ પર હિંસક હુમલાઓ અને અત્યાચારો થવા લાગ્યા – તેમની ધરપકડો કરવામાં આવતી, જેલમાં પૂરવામાં આવતા અને મૃત્યુને ઘાટ પહોંચાડવામાં આવતા. નાના જૂથના આ લોકોની આર્થિક સ્થિતિ નબળી રહેતી, તેમની પાસે કોઈ વ્યવસાય કે એવી કુશળતા પણ નહોતી. તેમની આજીવિકા માત્ર ખેતી પર નિર્ભર હતી અને તેમાં ય જમીન ઉપર તેમના કોઈ હક રહેતા નહિ. આવા અનેક ત્રાસોથી કંટાળીને છેવટે તેમણે સ્થળાંતર કરવાનો વિકલ્પ સ્વીકાર્યો. પેન્સીલવેનીઆમાં તે અરસામાં વિલિયમ પેન નામનો સુધારાવાદી વિચારો ધરાવતો એક સમજદાર, શાણો, પરોપકારી અને વગ ધરાવતો પ્રભાવી માણસ હતો, જેણે તેમને જમીન અને ધાર્મિક રક્ષણ આપવાનું વચન આપ્યું. આમ તેઓને લેન્કેસ્ટર જેવા પ્રદેશમાં સાવ મફતમાં માલિકીની જમીન મળી અને સાથે ધર્મનું પાલન કરવા માટેની સ્વતંત્રતા મળી. આમ સાલ ૧૭૦૦ની આસપાસ અમેરિકા આવવા માટે અમીશ લોકોનું સ્થળાંતર શરૂ થયું.
અમીશ લોકો શિસ્તબદ્ધ, શાંતિપ્રિય, ઈશ્વરનો ડર રાખીને ચાલવામાં માનનારી સીધી સાદી પ્રજા છે. ધર્મના આદેશોનું પાલન કરવામાં માને છે. દૈનિક જીવનના વ્યવહારમાં ધર્મ જો કોઈ રીતે મદદરૂપ ન થતો હોય તો ધર્મના નામે ખોટો આડંબર કરવાનો કોઈ અર્થ નથી એવી તેમની દ્રઢ માન્યતા છે. બાહ્ય દેખાવ અને કર્મકાંડ એમને માન્ય નથી. ઈશ્વરે આપણને અહીં આ ધરતી પર કોઈ ખાસ કામથી અને ઉચ્ચ હેતુ સાથે મોકલ્યા છે. એને પરિપૂર્ણ કરવાની આપણી ફરજ છે. એટલે આપણે પ્રેમપૂર્વક એકમેકને મદદરૂપ થવાની ભાવના રાખવી જોઇએ. પરિવાર અને સમાજને ઉપયોગી બનવું જોઇએ.
ઈશ્વરમાં પૂરી શ્રધ્દ્ધા હોવાને કારણે તેઓ ‘ઈન્સ્યુરન્સ’ જેવી વસ્તુ લેવામાં માનતા નથી. મેડિકલના બિલ પોતે જાતે ભરે છે. જો ખર્ચ મોટો થયો હોય તો પરિવારના સભ્યો અને સમાજ મદદ કરે છે અને ખર્ચની જવાબદારી ઉપાડી લે છે. એટલું જ નહિ પણ અમેરિકામાં પ્રચલિત એવી ‘સોસિયલ સિક્યુરિટી’ જેવી યોજનાને પણ તેઓ સરકાર તરફથી મળતા ઈન્સ્યુરન્સનો એક ભાગ માને છે. એટલા માટે એમાંથી મળતી સવલતો અને લાભ ગમે તેટલાં પ્રલોભન આપે એવાં હોય તો પણ લેવાં નહિ અને એ જતાં કરવા જોઇએ એવું માને છે. પરિણામે તેઓ ‘સોસિયલ સિક્યુરિટી’માંથી મળતાં આર્થિક લાભો લેતા નથી અને એ માટેનો ટેક્સ ભરવાનો પણ ઇન્કાર કરે છે. ટેક્સ ન ભરવાને કારણે એક વાર સરકાર તરફથી દંડ પણ કરવામાં આવેલો, ત્યારે સુપ્રીમ કોર્ટ સુધી વાત ગયેલી. તેમની ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટે તેમને એ માટે છૂટ આપી છે.
તેઓ કોઈ પણ વસ્તુ માટે બેંકમાંથી લોન લઇને ખરીદી કરતા નથી. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા નથી. બધી ખરીદી રોકડેથી કે ચેકથી કરે છે. આને કારણે અમીશ લોકોને માથે કોઈ દેવું હોતું નથી. ધુમ્રપાન કે મદ્યપાનનો નિષેધ હોવાથી એ બંને દૂષણોમાંથી તેઓ મુક્ત છે.
બહારના કોઈને અમીશ બનવું હોય તો એ શક્ય છે, પરંતુ એમણે તેમની વિચારસરણી અનુસારનો ખ્રિસ્તી ધર્મ અપનાવવો જરૂરી છે, તથા એમની ચૂસ્ત જીવનપદ્ધતિ સ્વીકારવી પણ જરૂરી છે. પરંતુ એવું ભાગ્યે જ બને છે કેમ કે આ જમાનામાં ભૌતિક સમૃદ્ધિથી ટેવાયેલા મનુષ્યને માટે અમીશ બનવું કઠણ છે, તો સામે પક્ષે અમીશ લોકો પણ એ માટે બહુ ઉત્સુક હોતા નથી.
કૌટુંબિક જીવન :
‘વહેલા સૂઈ વહેલા ઊઠવું’ એ નિયમમાં અમીશ લોકો માને છે. પ્રજા મહેનતુ હોવાથી સવારે સાડા પાંચ વાગે કામ શરૂ કરે છે. સવારે ૪:૪૫ વાગે ઊઠવું અને રાત્રે નવ વાગે સૂવું એવો સામાન્ય ક્રમ હોય છે. અમીશનું ખેતર સરેરાશ ૮૦ એકરનું હોય છે. એમાં એમનું ઘર હોય, આંખને ઠારે એવાં લીલાંછમ હરિયાળાં ખેતરો હોય, પશુધન હોય, ટ્રેક્ટર, ઘોડાગાડી ટાઈપની બગી હોય અને ઊંચા મિનારા જેવાં silo હોય જેમાં અનાજના દાણા અને પશુઓ માટે ગોચર રાખવામાં આવે છે. એ લોકોના ફાર્મમાં ૪૦ જેટલી ગાયો હોય, તમાકુ, મકાઈ, શાકભાજી, ફ્રૂટ્સ વગેરેથી આવકના સાધનો તેઓ ઊભા કરે છે. તેઓની વાર્ષિક આવક $૧,૨૫,૦૦૦ જેટલી માનવામાં આવે છે. આવકનો વીસ ટકા જેટલો હિસ્સો બચાવવામાં તેઓ માને છે. એક સર્વે અનુસાર છ બાળકો સાથે અમીશ પરિવારનો ખાવાપીવાનો, પહેરવેશ, તથા અન્ય ઘર ખર્ચ અંદાજે ૬,૦૦૦-૮,૦૦૦ ડોલરનો છે. તેમની સાદી જીવનશૈલીને આ આભારી છે. અમેરિકન લોકોની સરખામણીમાં અમીશ લોકોની અંદર હૃદયરોગ, કેન્સર, ડાયાબિટીસ જેવા રોગોનું પ્રમાણ ઓછું છે. એ કારણે અમીશ લોકોનું આયુષ્ય પણ સરેરાશ અમેરિકન કરતાં વધારે જોવા મળે છે. તેઓ બહારની દુનિયા સાથે સંપર્કમાં રહેવાનું ટાળે છે, કારણ કે બાહ્ય જગતમાં રહેલી મોહક વસ્તુઓથી પ્રલોભનમાં પડવું સહજ બની જાય છે જે જીવનના મૂળભૂત આશયો માટે અવરોધ બની રહે છે. તેઓ સંતતિનિયમનમાં માનતા ન હોવાને કારણે પરિવારમાં ૭થી ૧૦ બાળકો હોય એ સહજ છે. એમને માટે સમાજ અને પરિવાર સૌથી મહત્ત્વનો છે. પરિવારમાં પુરુષ ખેતીનું કામ કરે છે અને સ્ત્રી ઘરકામ સંભાળે છે. ઘરમાં જર્મન અને અંગ્રેજી ભાષાનો વપરાશ હોય છે. સ્ત્રીઓ બ્લુ રંગનો ડ્રેસ પહેરે છે, બ્લુ રંગનાં કપડાંથી માથું ઢાંકેલું હોય છે. પુરુષ કાળા રંગનું પાટલૂન, મરૂન રંગનું ખમીશ અને માથે હેટ એ મુખ્ય પોશાક છે.
શિક્ષણ પદ્ધતિ :
અમીશ લોકો બાળકોને શિક્ષણ આપવામાં માને છે, પરંતુ માત્ર આઠ ધોરણ સુધી. શિક્ષણ સરકારી શાળામાં નહિ પણ પોતે સ્થાપેલી શાળામાં આપે છે જેમાં માત્ર એક રૂમનો વર્ગ હોય છે અને બધા ધોરણના વિદ્યાર્થીઓ એક જ વર્ગમાં ભણતા હોય છે. માત્ર જીવન જરૂરિયાત પૂરતું શિક્ષણ અપાય છે જેમ કે ગણિત, ભૂગોળ તથા લખવું, વાંચવું વગેરે. આઠમાં ધોરણ પછી ભણતર પૂરું થાય છે અને પછી બાળકને ખેતીના કામમાં જોડવામાં આવે છે. તેમની આ ધાર્મિક માન્યતાને કારણે સુપ્રીમ કોર્ટ તરફથી એમને આવું કરવાની છૂટ આપવામાં આવી છે.
લગ્નવિષયક રિવાજ :
૧૬ વર્ષની ઉંમરે છોકરા છોકરીઓને ‘ડેટિંગ’ માટે મંજૂરી મળે છે. ૨૦ વર્ષની ઉંમરે તેઓ લગ્નગ્રંથિથી જોડાય છે. લગ્ન માટે બંને પરિવાર ચર્ચના મેમ્બર હોય એ જરૂરી છે. લગ્ન કર્યા પછી છૂટાછેડા લેવા પર પ્રતિબંધ છે. પતિ કે પત્ની ગુજરી જાય તો ફરી લગ્ન થઇ શકે. અંગત સંબંધ, જેવા કે કાકા, મામા, માસી, ફોઈ વગેરેનાં સંતાનો વચ્ચે લગ્ન ન થઇ શકે તથા એ માટે ચર્ચની પરવાનગી પણ નથી મળતી. લગ્નની વિધિ સાવ સાદી હોય છે. વીંટી પહેરાવવી, ફૂલોના ગુચ્છા આપવા, જમવા માટે બહારથી કેટરિંગ કરવું, ફોટોગ્રાફી વગેરે જેવી ખર્ચાળ વસ્તુઓને મહત્ત્વ આપવામાં આવતું નથી. સામાન્ય રીતે પાનખર પછી ખેતીના કામમાંથી નિવૃત્તિ મળે પછી, મંગળવાર કે ગુરુવારનો દિવસ લગ્ન માટે પસંદ કરવામાં આવે છે. લગ્નની વિધિ કન્યાના ઘરે કરવામાં આવે છે. લગ્ન થઇ જાય પછી નવદંપતી કન્યાના ઘરે રાત વીતાવે છે.
અંતિમ સંસ્કાર વિધિ :
સાદગી, એ અમીશ લોકોના જીવનનું મહત્ત્વપૂર્ણ અંગ છે. અંતિમ સંસ્કાર વિધિ પણ અત્યંત સાદાઈથી કરવામાં આવે છે. જેને ત્યાં મૃત્યુ થયું હોય એને ત્યાં આ વિધિ કરવામાં આવે છે. લાકડાની શબવાહિની સાદી અને જાતે બનાવેલી હોય છે. શબને દફનાવવાની અંતિમ વિધિ મૃત્યુના ત્રણ દિવસ પછી કરવામાં આવે છે.
ઊંચાઈએ પહોંચેલી અજોડ ધાર્મિક માન્યતા :
એક આખરી વાત અમીશ પ્રજાનાં ઊંચાં ચારિત્ર્ય વિષે કરવી છે. આમ તો બહુ કરુણ ઘટનાનો પ્રસંગ છે. ૨ ઓકટોબર, ૨૦૦૬નો દિવસ અમીશ લોકો માટે ગોઝારો દિવસ બનીને રહી ગયો. ૨૬ જેટલાં અમીશ વિદ્યાર્થીઓને શમાવી શકાય એવી માત્ર એક રૂમવાળી The West Nickel Mines Schoolના વર્ગમાં તે દિવસે ૩૨ વર્ષની વયનો દૂધ માટેની ટેન્કર ચલાવતો ચાર્લ્સ રોબર્ટ નામનો માણસ બંદૂક લઈને પ્રવેશે છે. ત્યાં હાજર હતાં એ ચાર પુખ્ત વયની વ્યક્તિઓને અને ૧૫ છોકરાઓને વર્ગમાંથી બહાર નીકળી જવાનો આદેશ આપે છે. ક્લાસ રૂમનું બારણું અંદરથી બંધ કરી બાકી રહેલી ૧૦ વિદ્યાર્થિનીઓ, જેની ઉંમર માત્ર ૬-૧૩ વર્ષની હતી, તેમના પગ વાયરથી બાંધી દઇ, તેમને બ્લેકબોર્ડ તરફ જોતાં સૂઈ જવાનું ફરમાન કરે છે, પછી ગોળીઓ છોડે છે. તેમાં પાંચ બાળકીઓ મૃત્યુ પામે છે અને પાંચને ગંભીર ઇજા થાય છે. પોલીસ વર્ગમાં પ્રવેશ કરે તે પહેલાં પોતાની જાતને ગોળીથી વીંધી ચાર્લ્સ રોબર્ટ મૃત્યુ પામે છે. આ કૃત્ય કરવા પાછળ કારણ એ હતું કે નવ વર્ષ પહેલાં એને ત્યાં એક બાળકીનો જન્મ થયો હતો, અને તે માત્ર ૨૦ મિનિટનું આયુષ્ય ભોગવીને મરણ પામી હતી. એ કારણે ઈશ્વર પરથી એની શ્રદ્ધા ઊઠી ગઈ અને ભગવાન સામે બદલો લેવા માટે એણે નક્કી કર્યું કે એ બીજી બાળકીઓને મોતને ઘાટ ઉતારી ઈશ્વર સાથે વેરનો બદલો લેશે. નવ વર્ષ પછી એની વિકૃત માનસિક અવસ્થાનું પરિણામ આ નિર્દોષ બાળકીઓને ભોગવવું પડ્યું, જેમને આ પ્રસંગ સાથે કોઈ નિસ્બત નથી. આમ કરુણ ઘટના તો ઘટી પણ એ પછી જે થયું તે અમીશ લોકોનાં ચારિત્ર્ય વિષે ઘણું કહી જાય છે.
જે દિવસે આ બન્યું તે દિવસે જે પૌત્રી મૃત્યુ પામી છે, એ બાળકીના પિતામહે પોતાના પરિવારના યુવાનોને ચેતવણી આપીને કહ્યું કે ‘જેણે આ ઘાતકી કામ કર્યું છે તેના તરફ આપણાથી ધિક્કારની ભાવના ન રખાય. એના પ્રત્યે આપણે દ્વેષ રાખવાનો નથી.’ બીજા એક પિતાએ કહ્યું કે, ‘એને માતાપિતા છે, પત્ની છે, બાળકો છે અને હવે એ પરમ કૃપાળુ પરમાત્માના દરબારમાં જઈને ઊભો છે, એ એનો ન્યાય કરશે.’ તે દિવસે અમીશ સમાજની એક પણ વ્યક્તિ એવી નહોતી કે જે ઇચ્છતી હતી કે એના તરફ ઘૃણાની ભાવનાથી જોવામાં આવે. સૌ ગુનેગારને ક્ષમા આપવાની મન:સ્થિતિમાં હતા. આ કેટલી મોટી વાત છે! અધ્યાત્મ ચિંતન અને જીવન વ્યવહારમાં કેટલી ઊંચી અવસ્થાએ પહોંચ્યા હશે ત્યારે આવું બની શકે. આપણે ત્યાં કહેવાય છે કે क्षमा वीरस्य भूषणम् કે ‘હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગના’. તો આ લોકોએ તો ખરેખર આ માણસને માફ કરી દીધો કારણ કે એ એમના ધર્મનું ફરમાન છે. તેઓ એ માણસની પત્ની પાસે પણ ગયા અને કહ્યું કે તેઓ એના પતિને માફ કરે છે. એક અમીશે તો ધ્રૂસકે ધ્રૂસકે રડતા ગુનેગારના પિતાને બાથમાં લઇ કલાક સુધી સાંત્વન આપ્યું. તેના પરિવાર માટે એક ચેરિટેબલ ફંડ ઊભું કર્યું. ૩૦ જેટલા અમીશ કમ્યુનિટીના સભ્યો ગુનેગારના અંતિમ સંસ્કાર વખતે હાજર રહ્યા. કલ્પનામાં પણ ન આવે એવો આ પ્રતિસાદ છે.
આ આખા પ્રસંગને લક્ષ્યમાં રાખીને ‘Forgiving the Unforgivable’ theme હેઠળ ‘Amish Grace” નામની એક ફિલ્મ બનાવાઈ છે. તક મળે તો જરૂર જોજો. સાલ ૧૯૮૫માં બનેલી એક બીજી પણ ‘Witness’ નામની ફિલ્મ છે જેમાં Harrison Fordનો અમીશ તરીકેનો અભિનય છે અને અમીશ પ્રજાના જીવન વિષે પણ માહિતી આપે છે.
e.mail : kdesai1938@gmail.com
પ્રગટ : “ગુર્જરી” ડાયજેસ્ટ, જુલાઈ 2021; પૃ. 25-28