હું એને "ચેમો" કહેતો.
એ મને "નોના શેઠ”.
"મ્હા'ત્મા ગોધરે આયા'તા તારે તારો જનમ, એમ મારા ડોહા કે'તા" એ એના પિતાની રૂડી યાદ. બાકીની બધી ભૂંડી.
માને મારઝૂડ કરતા બાપને માથે પથરો ઝીકી ખેરડી નદીને પેલે પારથી અમારી વાડીમાં ભાગી આવેલો.
બાર વર્ષની ઉંમરે, દિવસે દા'ડિયું ને રાતે "રોમ રોમ" રટતાં વાડીનું રખેવાળું કરતાં એના જીવનની શરૂઆત થઇ હતી.
ગુસ્સામાં મારા બાપુજી એને કોઈક વાર "કમીના, કોળીની જાતના" કહેતા તેથી એ પોતાની જાતને કોળી સમજતો.
કૂકડો એની સવાર પાડતો. સૂરજના તાપમાં પડતો પોતાનો પડછાયો એને સમય કહેતો. માળામાં પાછાં વળતાં પંખી એને સાંજનાં એંધાણ દેતાં અને બુડતે સૂરજે એ ચૂલો સળગાવતો.
અડધી પોતડી ને કોક વાર માથે ફાળિયા સિવાય કાળા ડીબાંગ શરીર પર બીજું કોઈ વસ્ત્ર નહીં. બીડી કે હુક્કો પીએ ત્યારે જ ખબર પડે કે અંધારામાં એ ક્યા ઊભો કે બેઠો છે.
શરીર પર ચરબીનો એક ઔંશ નહીં. બસ હાડકાંનું માળખું. જીવવાનું દ્રઢ મનોબળ જ એને પાવડા- કૂહાડી ઊંચકાવે ને હળ ચલાવડાવે.
વાર તહેવાર કે મહિના માસની એને અટકળ, પણ મોસમની તો પૂરી ભાળ.
ખેરડી નદી ચોમાસે ઉભરાય નહીં તો જીવે ઉચાટ અને પાકમાં જીવાત પડે કે જનાવર પેસે તો ય એને સંતાપ.
મોટા શેઠ એના બાપ અને ધરતી એની માવડી સમાન.
રુખલી એની બાઈડી.
બરડે સોળ ને સૂજેલી આંખો લઇ એના ધણીને મે'લી દા'ડીયે આવેલી. પછી વાડીએ જ રહી ગયેલી.
બેઉ સંગાથે બીડી પીવે.
વરસે બે વરસે છોરું જણે!
બે ચાર વરસ સુધી છોકરાં નાગા ફરે.
જીવી જાય તે ઢોર ચારે ને દસ બાર વરસે મજૂરીએ લાગી જાય.
બાપુજી દાણા આપે, રહેવાનું ખોરડું અને ઊતરેલાં કપડાં આપે.
વાર તહેવારે કે ટાણે રોકડા પૈસા ય લઇ જાય.
પૈસા ગણતાં આવડે પણ હિસાબ કરતાં ન આવડે.
છોરો પંદર વરસનો થયેલો એ પહેલાં તો લાડી લઇ આવેલો. લગન માટે લીધેલા પૈસાનું વ્યાજ આપવા એ ય ચક્કીએ ચડી ગયેલો. "ઘેમલા"ના નામે બધા એને ઓળખે.
એના બાપની જેમ એનું ય કોઈ સાચું નામ ન જાણે.
અટકનો તો સવાલ જ નહીં.
એમની ઓળખાણ એમનો અંગૂઠો!
બીડીઓએ ચેમાનાં ફેફસાં ભરખ્યાં.
ભૂવા બોલાવ્યા. ઘર ગામઠી ઈલાજ કરાવ્યા.
આખી જિંદગી અમારી વાડીમાં ગુજારી ત્યાં જ ગુજરી ગયો.
અંત સુધી એનું ખરું નામ જણાવ્યા વગર!
અને મારું નામ જાણ્યા વગર!
નદીની પેલી પાર પડતર જમીનમાં એને અગ્નિદાહ દેવાયો.
એણે જ સીંચેલા અને ઊગાડેલા પીળા ગલગોટાનો હાર પહેરાવી.
સૌજન્ય : https://www.facebook.com/bdshah810