સૌનિક કાર્યવાહી વેળા ‘કમાન્ડ એન્ડ કંટ્રોલ’ નામની એક ઑપરેશનલ વ્યૂહરચના હોય છે. એમાં કમાન્ડરને ખબર હોય છે કે શું કરવાનું છે, ક્યારે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે અને કોણે કરવાનું છે. કમાન્ડરનું કામ આ ‘કમાન્ડ’ આપવાનું અને એને મંજિલ સુધી લઈ જવા એના અમલને ‘કંટ્રોલ’ કરવાનું. ભારતમાં કૉંગ્રેસ પક્ષ માટે વર્ષોથી ભાજપનો આરોપ હતો કે આ દેશનું હિત કોઈ એક પક્ષના હાથમાં નહીં, પરંતુ એના ‘આલા કમાન્ડ’(કૉંગ્રેસ અધ્યક્ષ, એમ વાંચો)ની મુનસફી ઉપર નિર્ભર છે.
ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના ‘કમાન્ડ એન્ડ કંટ્રોલ’ મુજબ મંત્રીઓ કામ કરે છે, નિર્ણયો લેવાય છે અને કૉંગ્રેસ પક્ષમાં કે સરકાર લોકતંત્ર જેવું કશું છે નહીં, એવો ઇલ્જામ એવો તે ઘર કરી ગયો હતો કે 2014માં નરેન્દ્ર મોદીએ ‘નવા શાસન’નો વાયદો આપ્યો તો લોકોએ એતબાર કરીને જબ્બર વોટ આપ્યા. નરેન્દ્ર મોદીએ જે પ્રગતિશીલ અને મૌલિક વચનો આપ્યાં હતાં, તેમાં એક હતું મિનિમમ ગવર્નમેન્ટ એન્ડ મેક્સિમમ ગવર્નન્સનું, એટલે કે પ્રજાજીવનમાં સરકારનો હસ્તક્ષેપ સૌથી ઓછો હોવો જોઈએ અને સરકારે શાસનની ગુણવત્તા ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ જેથી બહેતર પ્રજાજીવન માટે અનુકૂળ વાતાવરણ બને.
અગાઉની કૉંગ્રેસ સરકારો ઉપર આ જ આરોપ હતો કે એના મંત્રીઓ અને મંત્રાલયો એક વ્યક્તિની ચાંપલૂસીમાંથી ઊંચા નથી આવતાં, પરિણામે સરકારોનું કદ મોટું થતું ગયું છે અને શાસન કથળતું રહ્યું છે.
મોદીએ કહ્યું હતું કે તેમની સરકાર આવા કમાન્ડ એન્ડ કંટ્રોલમાંથી બહાર નીકળીને માત્ર સુશાસને પૂરું પાડવા પૂરતી જ સક્રિય રહેશે. ભારત માટે આ વિચાર મનમોહક હતો કારણ કે પહેલી વખત કોઈકે કલ્યાણ રાજ્ય(વેલ્ફેર સ્ટેટ)માં સરકારી હસ્તક્ષેપ ઓછો કરવાની વાત કરી હતી. અમેરિકામાં આ પ્રકારની સરકારો હોય છે.
ત્યાં સરકારો આર્થિક અને સુરક્ષાના મોટા મુદ્દા ઉપર વ્યસ્ત રહે છે અને લોકોએ કેવી રીતે જીવન જીવવું એમાં માથાં મારતી નથી. 1981-89માં અમેરિકામાં રોનાલ્ડ રીગનની સરકાર હતી ત્યારે તેમણે ‘નાની સરકાર’નો વિચાર પ્રચલિત કર્યો હતો. રીગને ત્યારે કહ્યું હતું કે, ‘આપણી મુસીબતોનો ઉપાય સરકાર પાસે નથી, (કારણ કે) સરકાર ખુદ એક મુસીબત છે.’ લગભગ આ જ તર્જ ઉપર મોદીએ લોકોને કરાર આપ્યો હતો કે અગાઉની સરકારો પ્રજાની મુસીબતો એટલા માટે હલ ન કરી શકી, કારણ કે મૂળ મુસીબત જ એ સરકારો હતી.
સરકાર એના આ વાયદા-વચનમાં કેટલી ખરી ઊતરી છે એ વિશે દાખલા-દલીલો થઇ શકે પરંતુ મિનિમમ ગવર્નમેન્ટ એન્ડ મેક્સિમમ ગવર્નન્સના આ ત્રણ વર્ષ પછી એક બાબત સ્પષ્ટ તરી આવી છે કે ભાજપની કેન્દ્રની સરકાર અને અમુક રાજ્યોની સરકાર જરીપુરાણા ‘કમાન્ડ એન્ડ કંટ્રોલ’ અંદાજમાં સરી પડી છે. આનું સૌથી ‘તેજસ્વી’ ઉદાહરણ લોકોએ શું ખાવું અને પીવું જોઇએ એની પસંદગીનું છે.
ધાર્મિક મહત્ત્વ અને સંવેદનાના નામ ઉપર ગાયોની કતલ રોકવાના નિર્ણયને ઉચિત ગણીએ તો પણ કેન્દ્ર સરકાર ‘કોણે કેટલી ઇડલી ખાવી’ તે જો નક્કી કરવા લાગી જાય તો એને સુશાસન કેવી રીતે કહેવું તે પ્રશ્ન છે.
નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’માંથી પ્રેરણા લઇને ઉપભોક્તા મામલાના મંત્રી રામવિલાસ પાસવાને આહારનો બગાડ રોકવા રેસ્ટોરાં પ્લેટમાં કેટલું પીરસી શકાય તેનો કાયદો લાવવા તૈયારી બતાવી છે.
મધ્યપ્રદેશની શિવરાજસિંહ સરકાર રાજ્યના લોકોની ‘નૈતિક અને શારીરિક’ તંદુરસ્તી જાળવવા શરાબબંધી લાદવા વિચારી રહી છે. સર્વોચ્ચ અદાલતે હાઇવે પર અકસ્માતો રોકવા 500 મીટરની અંદર શરાબ વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે.
ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારે છોકરીઓને ‘ભ્રષ્ટ’ કરતા રોમિયોને અને તંદુરસ્તીને ‘બગાડતા’ ગેરકાનૂની કતલખાનાવાળાઓને પકડવાનું શરૂ કર્યું છે. વેબસાઇટ્સ પર ‘ધંધા’ ન ચાલે તે માટે કેન્દ્ર સરકારે લગ્નવિષયક સાઇટ્સ માટે અમુક નિર્ણયો ફરજિયાત બનાવ્યા છે. સરકારનું બીજું એક વિધેયક ભારતના નકશા બનાવવા અને એનો ઉપયોગ કરવા ઉપર સખત કાનૂન લાવી રહ્યું છે. ઉત્તર પૂર્વ અને દક્ષિણમાં હિન્દી ભાષાનું પ્રચલન વધારવા કેન્દ્ર સરકારે વિશેષ યોજના તૈયાર કરી છે.
2016માં કેન્દ્ર સરકારે ‘એસ્કોર્ટ સર્વિસ’ (કૉલ ગર્લ સર્વિસ) આપતી 237 વેબસાઇટ્સ ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને એનો ભંગ ન થાય તે માટે સરકાર સતત એના ઉપર નજર રાખી રહી છે. નૈતિકતા અને સંવેદનાનું જતન કરતા ભારતીય સેન્સર બોર્ડે ‘ઉડતા પંજાબ’ ફિલ્મમાં 94 કટ્સ સૂચવ્યા હતા. એક ફિલ્મમાં પત્રકાર બરખા દત્તના નામોલ્લેખમાંથી ‘દત્ત’ શબ્દ હટાવી દીધો. ‘ફિલૌરી’ ફિલ્મમાં હનુમાન ચાલીસાના એક હાસ્ય દૃશ્યને ‘મ્યુટ’ કરી દીધું અને શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે રોમાંસ બતાવતી એક ફિલ્મને સર્ટિફિકેટ ન આપ્યું.
જેને વહીવટના પ્રશ્નો કહેવાય એવી બાબતોની એક લાંબી યાદી છે, જેમાં સરકારે હસ્તક્ષેપ કર્યો અને એને સરકારી આંટીઘૂંટીમાં ગૂંચવી નાખ્યા છે. દેખીતી રીતે આ સારું લાગે છે, કારણ કે આ બધા નિયમો, પ્રતિબંધો અને નિયંત્રણો સરસ શાસન થઇ રહ્યું હોવાનો આભાસ ઊભો કરે છે. ભારતમાં જ્યારે (1947 થી 1990) સુધી લાઇસન્સ અથવા પરમિટ રાજ હતું ત્યારે કોઈપણ ધંધો કરવા માટે સરકારની 80 એજન્સીઓમાંથી પસાર થવું પડતું હતું. સરકારે આ બધામાંથી નીકળી જઈને સિસ્ટમને વધુ સક્ષમ બનાવવા ઉપર ધ્યાન આપ્યું હતું.
મોદી સરકાર અને રાજ્ય સરકારના હસ્તક્ષેપને જાેતાં તો એવું લાગે છે કે સિસ્ટમ બરાબર કામ નથી કરતી અને સરકારે નિયમો-કાનૂનોનાં બ્રહ્માસ્ત્ર છોડવાં પડ્યાં છે. જ્યારે કશું જ ન કરવું હોય ત્યારે પ્રતિબંધ મૂકી દેવાનું બહુ જ સરળ હોય છે. વ્યવસ્થા અને પ્રક્રિયાને કાર્યક્ષમ બનાવવા કરતાં માણસોનાં હાથ-પગ-મગજ-મોઢાં ઉપર ટેપ મારી દેવાનું ખાસ્સું લલચાવનારું છે. ભારત રોજ રોજની વહીવટી ઝંઝટમાં પડવા કરતાં મોટા મોટા નિયમો અને પાબંધીઓ માટે જાણીતો છે. એટલે જ ટ્રાફિક, પ્રદૂષણ, જાહેર આરોગ્ય, ગરીબ કે નિરક્ષરતા જેવા જટિલ પ્રશ્નો હજુય અનુત્તર રહ્યા છે.
નોટબંધી જેવો આઘાત આપણને ‘કંઈક થયા’નો અહેસાસ કરાવે છે. આપણને આવા અહેસાસની ટેવ પડી ગઈ છે.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 2૩ અૅપ્રિલ 2017