ભારતની આઝાદીના અમૃતપર્વનું આ વર્ષ છે. એક આખી પેઢી સ્વતંત્રતા મળ્યા પછી જન્મીને આથમી ગઈ છે, તેમ કહીએ તો પણ ચાલે. આજના નવયુવાનોને એ સમયની ખાસ કોઈ ઝાંખી નથી, તેમ તે સમયની વાત કરી શકે તેવાં લોકો પણ હવે દિવસે-દિવસે ઓછાં થતાં જાય છે. ત્યારે એ સમયને ફરી ત્વદૃશ કરવો હોય તો આપણે ફોટોગ્રાફી અને ચિત્રકળા જેવાં કલામાધ્યમો પાસે જવું પડે છે. આ નિમિત્તે આપણા કલાકારોએ આ આદોલનમાં શું યોગદાન આપેલું, તે જાણવું અને વિચારવું રહ્યું.
ભારતના સ્વાતંત્ર સંગ્રામમાં ગાંધીજીનું બહુ મોટું પ્રદાન હતું અને એમનો પ્રભાવ જનમાનસ ઉપર પણ બહુ મોટો હતો. જ્યારે સમગ્ર જન એમનાથી પ્રભાવિત થયું હોય ત્યારે કલાકારો તે પ્રભાવથી મુક્ત રહી જ ન શકે, પછી તે કોઈ પણ માધ્યમનો કલાકાર હોય. આપણે ત્યાં એવી એક માન્યતા છે કે ગાંધીજીને કલામાં રસ નહોતો, પણ એ વાત ખોટી છે. ગાંધીજીને કલામાં રસ તો હતો જ, પણ કલાની એમની વ્યાખ્યાઓ સાથે આજના કલાકારો સહમત ન થઈ શકે. ગાંધીજીએ બિથોવનના સંગીતને સાંભળેલું. અને એમને ચિત્રોમાં પણ રસ હતો. અને વિશ્વના કેટલાક મોટા અને પ્રસિદ્ધ ગણાયેલા ફોટોગ્રાફરોને એમણે ફોટા પાડવા માટે અનુમતિ આપેલી. જેનું ઉદાહરણ હેન્રી કાર્ટિયર બ્રસોના ફોટાઓમાં જોઈ શકાય છે.
હરિપુરામાં જ્યારે કાઁગ્રેસનું અધિવેશન ભરાયેલું, ત્યારે મંચ અને પંડાલના સુશોભનનું કાર્ય નંદલાલ બોઝને સોંપવામાં આવેલું. એમની સાથે જ સહાયમાં ગુજરાતના રવિશંકર રાવળ પણ કાર્યરત હતા. ૧૯૪રના 'ક્વિટ ઇન્ડિયા’ આંદોલન સમયે ફ્રાન્સીસ ન્યૂટન સેઝાએ તેમાં ભાગ લીધેલો, જેના પરિણામે એમને જે.જે. સ્કૂલ ઑફ આટ્ર્સમાંથી કાઢી મૂકવામાં આવેલા. સેઝાએ એ પછી કોઈ આટ્ર્સ સ્કૂલની કે અન્ય કોઈ ડિગ્રી લીધી નહીં અને તો પણ પછીથી તેઓ એક ચિત્રકાર તરીકે વિશ્વપ્રસિદ્ધ થયા.
કલાનું એવું એક પણ માધ્યમ નહોતું, જે એ સમયથી પ્રભાવિત નહોતું. ગાંધીજી એમના આશ્રમમાં રોજ બંને સમય પ્રાર્થના ગવડાવતા હતા. એ પ્રાર્થના વ્યવસ્થિત રીતે ગવાય ને રજૂ થાય એ માટે ગાંધીજીએ સંગીતકાર વિષ્ણુ દિગંબર પલુસ્કરજીની પાસેથી એક માણસ માગેલો, જે આશ્રમવાસીઓને આ પ્રાર્થના તૈયાર કરાવી શકે. અને પલુસ્કરજીએ એમના શિષ્ય નારાયણ મોરેશ્વર ખરેને ગાંધીજીની સેવામાં મોકલેલા. ખરેજીએ ગાંધીજીએ પસંદ કરેલાં અનેક ભજનોને સ્વરબદ્ધ કરેલાં. અત્યારના સમયમાં જે 'વૈશ્ણવજન તો તેને રે કહીએ’નો ઢાળ પ્રચલિત છે, તે ખરેસાહેબે સ્વરબદ્ધ કરેલો છે. ખરેજી દાંડીયાત્રામાં પણ ગાંધીજીની સાથે રહૃાા હતા.
ફિલ્મી દુનિયામાં પણ અનેક લોકો આ બધા સમયથી પ્રભાવિત હતા. કેટલીક ફિલ્મોનું નિર્માણ અને સર્જન આ આંદોલનના પ્રભાવમાં થયેલું. 'કિસ્મત’ને બ્રિટિશ સરકારે પ્રતિબંધિત જાહેર કરેલી. અને પછીથી એ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. સ્વતંત્રતાની સાથે-સાથે જ ભાગલાની દારુણ વેદના પણ આવી. આ વેદનાથી સૌથી વધુ પ્રભાવિત ચિત્રકારો થયા.
સાહિત્યમાં આ બધી ઘટનાઓનું નિરૂપણ ખાસ્સું થયું છે. સાથે જ ચિત્રકળાને પણ યાદ કરી શકાય. ખાસ તો, બે મહત્ત્વના ભારતીય ચિત્રકારોમાં તૈયબ મહેતા અને સતીષ ગુજરાલનાં ચિત્રોમાં આ ભાગલાની વેદના ખાસ ધ્યાન ખેંચે છે.
સી.વી.એમ. કૉલજ ઑફ ફાઇન આટ્ર્સના દ્વારા યોજાયેલા વેબિનાર 'આઝાદીની ચળવળમાં કલાકારોની ભૂમિકા’માં વ્યક્ત કરેલા વિચારો. વક્તાઓ સર્વશ્રી નટુ પરીખ, કનુ પટેલ, મનહર કાપડિયા, રાજેન્દ્ર થાનકી અને અભિજિત વ્યાસ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 05 તેમ જ 12