અમે જાણીએ
ને તમે ય જાણો
આઝાદી તો મધરાતે મળેલી, ભૈસાબ.
રાતના કાળાડિબાંગ અંધકારમાં
અમને ક્યાંથી દેખાય એ આઝાદીનાં રૂપરંગ ને આકાર?
અમે શું જાણીએ?
તમે મોટા લોકોએ
કેવી મોથ મારેલી એ મધરાતે?
તમે અંગ્રેજોને જુતાં મારેલા કે પગ પખાળેલા?
તમે દેશને આડા ઊભા કેટલા ઘા મારેલા?
તમે દેશને વહેંચેલો કે વેચેલો?
અમે શું જાણીએ?
અમે તો સાવ અભણ માણહ.
તમે ધોળીફક ખાદી પેરીને રાજગાદીએ બેઠા
બગીગાડીઓમાં બેહીને તમે સંસદમાં પેઠા
અમે તો દૂરના દૂર રહેલા, છેટાને સાવ જ એંઠા
અમને શું ખબર પડે ભૈસાબ?
મધરાતના એ અંધારામાં તમે કૂલડીમાં શું ગોળ ભાંગેલો?
ને આમે ય અમારી ઝૂંપડીમાં
તો સળગતો હતો
ભગરી ભેંસના લડધામાંથી કાઢેલી ઓહનો દીવો
ને દીવાના ટમટમતા પ્રકાશમાં
અમે તો જોઈ રહેલા
અમારી છાણ લીંપેલી દીવાલ પર
લટકતા અમારા બાબા ભીમરાવને.
અમે જાણીએ
ને તમેય જાણો
આઝાદી તો મધરાતે મળેલી, ભૈસાબ.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 17 ઑગસ્ટ 2020; પૃ. 16