પથ્થરો ફોડીને
તૂટી જાય છે આ બે હાથ
દિ’રાત કાંપણી કરીને કંટાય જાય છે
અમારા હાથનું દાંતરડું
લોહીપસીનો એક કરીને
ખેતર ખેડતાં
ધૂળમાં દફન થઈ જાય છે હળ,
છતાં
ક્યાં પામી શકીએ છીએ
ભૂખને સંતોષવા લૂખોસૂકો
બે ટંકનો રોટલો
આંખેથી દડી જતાં
આંસુ
હૃદયમાં વલોવાતો વ્યથાનો દરિયો
તે ક્ષણે
ઉદરની ભૂખમાંથી ઊગે છે
કાળાં વાદળો વચ્ચે
આક્રોશનો એક સૂરજ
ને ઊગી નીકળે છે
બરછટ ભૂમિમાં
એકસાથે હજારો બંદૂકો
લચી પડે છે
તેની નાળે ગેનેટો …
ડૂબી જાય છે
ક્ષણમાં
લહેરાતાં લીલાં ખેતરો,
કાળી ઘૂળને ફોલાદી પથ્થરો
લોહીની
લાલ નદીઓમાં.
ન્યૂ યોર્ક, યુ.એસ.એ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 14