સ્વાતંત્ર્યદિન નિમિત્તે, આ વર્ષની 14મી ઑગસ્ટે જેની રચનાને 125 વર્ષ પૂરાં થયાં એ ‘ગ્રીન પૅમ્ફલેટ’ પુસ્તિકાની વાત કરવી છે. એને મોહનથી મહાત્મા સુધીની યાત્રાનું મંગલાચરણ કહી શકાય. એનાથી ગાંધીજીની પોલિટિકલ ફિલોસોફી પહેલી વાર દુનિયા સામે આવી. એના લેખક મોહનદાસ કરમચંદ ગાંધી ત્યારે માત્ર 26 વર્ષના હતા.
આ પુસ્તિકા પહેલાં એમ તો ગાંધીજીએ 1994માં ગાઈડ ટુ લંડન’નામની પુસ્તિકા લખી હતી, જેમાં ભારતથી લંડન ભણવા જાય તેમને માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હતો. એ પુસ્તિકા એમણે પ્રગટ કરી નહોતી. લંડનમાં ભણતા ત્યારે ‘વેજિટેરિયન’ સામયિક માટે લેખો લખ્યા હતા.
શું છે ‘ગ્રીન પૅમ્ફલેટ’? એ લખવાનું મન ગાંધીજીને શા માટે થયું? એ સમજવા માટે થોડાં વર્ષ પાછળ જવું પડે.
1891માં ગાંધીજી બેરિસ્ટર બનીને લંડનથી ભારત આવ્યા અને 1893માં દાદા અબ્દુલ્લા એન્ડ કંપની એક કેસમાં ગોરા વકીલોની મદદ માટે, એક વર્ષનો કરાર કરી દક્ષિણ આફ્રિકા ગયા. ત્યારે દક્ષિણ આફ્રિકામાં ચાર સંસ્થાનોનો સમાવેશ થતો : નાતાલ, કેપ કૉલોની, ટ્રાન્સવાલ અને ઑરેન્જ ફ્રી સ્ટેટ. તેના કબજા માટે ડચ અને બ્રિટિશ વચ્ચે ઘર્ષણ ચાલ્યા કરતું. ગાંધીજીની આત્મકથામાં બોઅર યુદ્ધનો ઉલ્લેખ આવે છે તે આ ઘર્ષણની ચરમસીમા. આ યુદ્ધને અંતે આખું દક્ષિણ આફ્રિકા બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ બન્યું.
અહીં ખેતી અને ખાણોમાં મજૂરોની જરૂર પડતી. ગોરાઓ મજૂરી કરે નહીં ને આફ્રિકનો સ્થિર વસવાટ કરે નહીં. તેથી દક્ષિણ આફ્રિકાની બ્રિટિશ સરકારે ભારતથી મજૂરો મંગાવ્યા. 1860ની સાલમાં ભારતથી મજૂરોનું પહેલું વહાણ આવ્યું. આ મજૂરો મુદ્દત પૂરી થયે નવા કરાર કરી શકે, દેશમાં પાછા ફરી શકે અથવા અમુક જમીન મેળવી સ્વતંત્ર જીવન ગુજારી શકે એવી જોગવાઈ કરારમાં હતી. આ લોકો ભારતના ગરીબ વર્ગના હતા. સ્વચ્છ નહીં, ભણેલા નહીં, પછાત પણ ખરા. એમની જરૂરિયાતો પૂરી કરવા ભારતથી વેપારીઓ આવી લાગ્યા.
આમ દક્ષિણ આફ્રિકામાં હિંદીઓના વસવાટની શરૂઆત થઈ. 1858ના ઢંઢેરામાં રાણી વિકટૉરિયાએ કહ્યું કે ‘અમારા હિંદી મુલકના વતનીઓ’ને ‘અમારા બીજા પ્રજાજનોના અધિકાર જેવા જ અધિકારો રહેશે.’ પણ ડચ લોકોને તો પહેલેથી જ વિરોધ હતો, મહેનતુ ને કરકસરિયા ભારતીય વેપારીઓ બ્રિટિશ વેપારમાં હરીફો બન્યા ત્યારે બ્રિટિશ લોકો પણ વિરોધી બન્યા. એમણે નિયંત્રણો ને અંકુશો મૂકવા માંડ્યા. ભારતીય લોકોના અધિકારો છીનવાયા, તેમને અલગ વસવાટોમાં રહેવાની ફરજ પડી, અપમાન-માર-ગાળો રોજના બન્યાં, ગોરાઓ એમની સાથે મુસાફરી કરતાં સુગાય, હોટેલો-સ્વીમિંગ પુલોમાં પ્રવેશ નહીં, ‘કુલી’ શબ્દ તો છાપાં અને અદાલતોમાં પણ વપરાતો. ગોરા તોફાનીઓ ‘મજા કરવા’ હિંદીઓની દુકાનો બાળતાં અચકાતા નહીં. ધિક્કારને કાયદાનું રૂપ મળતાં વાર ન લાગી. ફરજિયાત પરવાના, રાતે બહાર નીકળવાની બંધી, એકમાંથી બીજા સંસ્થાનમાં જઈ ન શકે, મતાધિકાર રદ્દ કર્યો. પ્રતિષ્ઠિત હિંદીઓને રહેવું અશક્ય થયું. ગાંધીજી દક્ષિણ આફ્રિકા આવ્યા ત્યારે ગોરાઓનો જુલમ પરાકાષ્ટાએ હતો.
એક વર્ષ બાદ, પાછા જવાના આગલા દિવસે ‘નાતાલ મરક્યુરી’માં ‘ઈન્ડિયન ફ્રેન્ચાઈઝ’ શીર્ષકથી ભારતીયો પાસેથી મતાધિકાર ખૂંચવી લેતા ખરડાના સમાચાર હતા. લોકોની વિનંતીથી ગાંધીજી ત્યાં રોકાયા, જનમત જાગૃત કર્યો, નાતાલ ઇંડિયન કૉંગ્રેસની સ્થાપના કરી. મતાધિકાર માટે કામ કરતાં અન્ય પ્રશ્નો પણ સામે આવ્યા અને નાગરિક તરીકેની ફરજો અને જવાબદારીઓ અદા કરવા સાથે ન્યાય મેળવવાનો આગ્રહ રાખતી એમની લડત શરૂ થઈ.
એ જ વર્ષે ટૉલ્સટોયની ‘ધ કિંગ્ડમ ઑફ ગૉડ ઈઝ વિધિન યુ’ વાંચી અહિંસાની અનિવાર્યતા મનમાં સ્થિર થઈ. દક્ષિણ આફ્રિકામાં રોકાણ લાંબું થશે એમ લાગતાં તેઓ 1986ના મે મહિનામાં કુટુંબને લેવા ભારત આવ્યા. છએક માસનું રોકાણ હતું. દક્ષિણ આફ્રિકામાં આગેવાનોએ ગાંધીજીને વિનંતી કરી કે તેઓ ભારતની પ્રજા અને શાસકોનું ધ્યાન દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયોની દુર્દશા તરફ દોરે.
‘ગ્રીન પૅમ્ફલેટ’ને મોહનથી મહાત્મા સુધીની યાત્રાનું મંગલાચરણ કહી શકાય. દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પ્રત્યે જે વર્તાવ થતો હતો તેનું તેમાં તાદૃશ, અતિશયોક્તિ વિનાનું, પાને પાને કરુણ રસ છલકાવતું, ‘આ નિવેદનનો દરેક શબ્દ સાચો છે.’ એવી ખાતરી સાથેનું ચિત્રણ હતું. એનાથી ગાંધીજીની પોલિટિકલ ફિલોસોફી પહેલી વાર દુનિયા સામે આવી. એના લેખક મોહનદાસ કરમચંદ ગાંધી ત્યારે માત્ર 26 વર્ષના હતા …
પાંચમી જૂને ગાંધીજી નીકળ્યા. નીકળવાના આગલા દિવસે ‘નાતાલ એડવર્ટાઈઝર’ના સંવાદદાતાએ એમની મુલાકાત લીધી. ‘મિ. ગાંધી, કૉંગ્રેસ શું ઈચ્છે છે?’
‘તેને કોઈ રાજનૈતિક પ્રભાવ પાડવો નથી. એનો ઉદ્દેશ એટલી જ ખાતરી મેળવવાનો છે કે 1858ના ઢંઢેરામાં આપવામાં આવેલાં વચનો પાળવામાં આવે.’
‘તો ભાવિ કાર્યક્રમ શો છે?’
‘જે આજ પહેલાં રહ્યો છે તે જ. કૉંગ્રેસ અહીં, ભારતમાં ને ઇંગ્લેન્ડમાં સાહિત્ય પ્રગટ કરીને અને અખબારોમાં લખીને ભારતીયોની ફરિયાદો બહાર લાવવાનું ને એના પ્રચાર માટે ફાળો ઉઘરાવવાનું ચાલુ રાખશે. સાથે રંગ અંગેનો ભેદભાવ દાખલ કરવાના કોઈપણ પ્રયાસનો વિરોધ કરશે.’
પાંચમી જૂને આ અહેવાલ પ્રગટ થયો. તે જ દિવસે ગાંધીજી ભારત આવવા નીકળ્યા હતા.
9 જુલાઇએ તેઓ રાજકોટ પહોંચ્યા અને ઝડપથી ઘર, ઑફિસમાં ફેરવાઈ ગયું. એક મહિનામાં 44 પાનાંની પુસ્તિકા તૈયાર થઈ ગઈ. નામ હતું ‘ધ ગ્રિવન્સિઝ ઑફ ધ બ્રિટિશ ઈન્ડિયન્સ ઈન સાઉથ આફ્રિકા : એન અપીલ ટુ ધ ઇન્ડિયન પબ્લિક’. રંગ લીલો એટલે ગ્રીન પેમ્ફલેટ – લીલું ચોપાનિયું કહેવાયું. એના લખાણમાં ચોકસાઈ, તટસ્થતા, અભ્યાસ, નિરીક્ષણ અને સરળ ભાષા દેખાય છે. તેની 4,000 નકલ છપાવી એમણે ભારતના અગ્રણીઓને પોતાના ખર્ચે મોકલી. પછી પોતે મુંબઈ, પૂના, મદ્રાસ, કલકત્તા વગેરે સ્થળે જઈ, સભાઓ ભરી, ભાષણો આપ્યા, ચર્ચાઓ કરી, લેખો લખ્યા. અત્યાર સુધી ભારતના લોકો દક્ષિણ ભારતની સ્થિતિ અને ગાંધીજી આ બન્નેથી અજાણ હતા. બે મહિનામાં પહેલી આવૃત્તિ ખલાસ થઈ અને બીજી આવૃત્તિ, 4,000 નકલ છપાઈ.
દેશમાં અને ઇંગ્લેન્ડમાં આખી વાતના મોટા પડઘા પડ્યા. ગાંધીજીએ વાઈસરૉયને પણ આખી હકીકત અલગ રીતે મોકલી હતી. દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પ્રત્યે જે વર્તાવ થતો હતો તેનું તાદૃશ, અતિશયોક્તિ વિનાનું, પાને પાને કરુણ રસ છલકાવતું, ‘આ નિવેદનનો દરેક શબ્દ સાચો છે.’ એવી ખાતરી સાથેનું ચિત્રણ હતું. છાપાંઓએ તેને સારી પ્રસિદ્ધિ આપી. અગ્રલેખ લખ્યા. મદ્રાસમાં તો આ પત્રિકાની એક સ્વતંત્ર આવૃત્તિ જ છપાઈ.
આ પત્રિકાથી દક્ષિણ આફ્રિકાની લડતનું બીજ વવાયું. ‘ધ પાયોનિયર’ અને ‘ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના અહેવાલ અને ‘ગ્રીન પૅમ્ફલેટ’ની ટૂંકી સમરી ભારતના બ્રિટિશ પ્રતિનિધિએ લંડન મોકલી. લંડનની ઑફિસેથી ત્રણ લીટીનો તાર, જેમાં આ સમરીની સમરી હતી, દક્ષિણ આફ્રિકા ગયો. ડરબનના ગોરાઓ ગુસ્સે ભરાયા. દરમ્યાન ગાંધીજી પરિવારને લઈ દક્ષિણ આફ્રિકા આવવા નીકળ્યા. એમની સ્ટીમર રોકવામાં આવી. 1987ના જાન્યુઆરીની 13મી તારીખે તેઓ સ્ટીમરમાંથી ઊતર્યા ત્યારે ગોરાઓનું એક ટોળું તેમની રાહ જોતું હતું. ટોળાએ તેમને ઘેર્યા, ધક્કે ચડાવ્યા, માર્યા.
‘ગ્રીન પૅમ્ફલેટ’ એક પ્રમાણભૂત દસ્તાવેજ હતો. તેમાં રેસિયલ એટલે કે જાતિવાદને લગતા અને સામ્રાજ્યને લગતા મુદ્દા સ્પષ્ટ કરવામાં આવ્યા હતા. હિંદીઓના કેસની રજૂઆત કરતી વખતે સત્યને વિશે ખૂબ કાળજી રાખી હતી. હિંદના રાજકીય ઇતિહાસના આ કાળમાં ‘ગ્રીન પૅમ્ફ્લેટ’નું જેટલું વેચાણ થયું તેટલું કદાચ જાહેર પ્રશ્નના કોઈ પ્રચારસાહિત્યનું નહીં થયું હોય. બીજી આવૃત્તિમાં દક્ષિણ આફ્રિકાના દેશબાંધવો તરફથી બોલવાની પરવાનગી આપતું ‘મુખત્યારનામું’ પરિશિષ્ટરૂપે ગાંધીજીએ જોડ્યું હતું. તેના પરની પ્રતિનિધિઓની સહીઓ પરથી જણાય છે કે એ વખતે દક્ષિણ આફ્રિકામાં વસતા બધા હિંદીઓમાં એકતા પ્રવર્તતી હતી. એમના સાથથી ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં બે દાયકા સુધી એક મુશ્કેલ લડતનું નેતૃત્વ સંભાળ્યું અને એ દરમિયાન સત્યાગ્રહનું મહાન શસ્ત્ર ઘડાયું.
‘ગ્રીન પૅમ્ફલેટ’ પછી એક સ્વતંત્ર નોંધ પ્રગટ થઈ હતી, જેમાં આ સંદર્ભે કરેલાં નિવેદનો ને અરજીઓની નકલો હતી. આજે પણ અભ્યાસીઓને એ કામ આવે. ‘કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી’ અને ‘અક્ષરદેહ’ના બીજા ભાગમાં આ આખું પેમ્ફલેટ પરિશિષ્ટ અને નોંધ સાથે વાંચવા મળે છે.
મહાત્મા ગાંધી કહેતા, ‘ઈન અ જેન્ટલ વે, યુ કેન શેક ધ વર્લ્ડ.’ આ શાંત તાકાતની જરૂર ક્યારે નથી હોતી?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 15 ઑગસ્ટ 2021
https://manybooks.net/titles/gandhimother08Green_Pamphlet.html