આજે જગત આખામાં લોકતંત્ર ભીંસમાં છે, સર્વત્ર લોકતંત્ર સામે અસ્તિત્વનું સંકટ પેદા થઈ રહ્યું છે, પરંતુ એમાં પણ લોકતંત્ર સામે સૌથી મોટું સંકટ હોય તો એ ભારત અને અમેરિકામાં. વસ્તીની દૃષ્ટિએ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ ભારત અને સમૃદ્ધિની દૃષ્ટિએ જગતનો સૌથી શ્રીમંત દેશ અમેરિકા. આ બન્ને દેશો હજુ ગઈકાલ સુધી તેની ઉદારમતવાદી લોકતાંત્રિક પરંપરા માટે ગર્વ અનુભવતા હતા. ભારતમાં પ્રવેશતા પાકિસ્તાનીને ચીડવવા માટે કે પછી પ્રેરિત કરવા માટે અથવા તો પછી ગર્વ લેવા માટે અમૃતસર નજીક વાઘા બોર્ડર પર મોટું વિશાળકાય હોર્ડિંગ મુકવામાં આવ્યું છે જે જગતના સુથી મોટા લોકશાહી દેશમાં આગંતુક મહેમાનનું સ્વાગત કરે છે.
તો પછી આવું બન્યું કેમ? અને ખાસ કરીને જગતના તમામ લોકશાહી દેશોમાં ભારત અને અમેરિકાનાં લોકતંત્ર જ કેમ સૌથી વધુ ભીંસમાં છે? આનાં કારણો તપાસવાં જોઈએ. જો કારણો શોધવામાં આવશે તો ઉકેલ પણ જડશે.
બન્ને દેશો માટે એક કારણ સમાન છે અને એ છે લોકતંત્ર સામેનાં સંભવિત પડકારો સામે આંખ આડા કાન કરવા. પડકારો દાયકાઓથી નજરે પડી રહ્યા હતા. ફેડરલ અમેરિકામાં ફેડરલ ઢાંચાને લગતા પ્રશ્નો વિચિત્ર છે. વિશ્વના સૌથી સમૃદ્ધ લોકશાહી દેશમાં આવી પણ વિચિત્રતા અને વિસંગતતા હોય એવો પ્રશ્ન પેદા થાય. થયા પણ છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી પદ્ધતિ વિચિત્ર છે. આ સિવાય સત્તાની વહેંચણીને લગતા પણ પ્રશ્નો છે. પણ અમેરિકનોએ તેની પરવા કરી નહોતી. લોકશાહી કામ કરે છે ને! જગતમાં ડંકો વાગે છે ને! વિશ્વના સૌથી સમૃદ્ધ લોકશાહી દેશ તરીકેની અમેરિકા ઓળખ ધરાવે છે ને! ઘરઆંગણે ભલે લોકતંત્ર ભલે વિસંગતિગ્રસ્ત હોય પણ જગતમાં બીજાના સ્વાતંત્ર્યની ઐસીતૈસી કરીને દાદાગીરી કરવા મળે છે ને! બસ પછી બીજું શું જોઈએ? કોલર ઊંચા કરીને જગતના કાજી બનીને ફરવામાં અમેરિકાએ વર્ષો વેડફી નાખ્યાં. પાછો કાજી પણ પ્રમાણિક નહીં, પક્ષપાતી. અને ઉપરથી સમૃદ્ધિ પણ સાચી નહીં, ચળકાટવાળી.
આ સિવાય પણ એક કારણ હતું. અમેરિકા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે. રાજ્યોએ સાથે મળીને અમેરિકાની રચના કરી છે તે અમેરિકન રાજ્યો નથી. ભારત પણ રાજ્યોનો સંઘ છે, પણ તે ભારતીય રાજ્યો છે. ભારતનાં રાજ્યો વહીવટી સુગમતા માટે રચવામાં આવ્યાં છે જે વધુમાં વધુ સાંસ્કૃતિક ઓળખ ધરાવે છે અને તે બહુ મર્યાદિત અર્થમાં રાજકીય છે. માટે ભારતમાં આઝાદી પછીથી રાજ્યોની સંખ્યામાં ખાસો વધારો થયો છે અને થઈ રહ્યો છે. ભારતથી ઊલટું અમેરિકન રાજ્યો મૂળભૂતપણે રાજકીય છે. અમેરિકાનાં રાજ્યો અમેરિકન રાજ્યો બનવા તૈયાર નહીં થાય એવો અમેરિકનોને ડર છે. ૧૮૬૫માં આ રાજ્યોએ સંગઠિત અમેરિકા સામે અસ્તિત્વનું સંકટ પેદા કર્યું હતું અને અમેરિકા ટુકડા થતાથતા બચી ગયું હતું.
માટે જેમ ચાલે છે એમ ચાલવા દો.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 ઑક્ટોબર 2022