ગાંધીજી : ૬ નવેમ્બર ૧૯૧૩ના રોજ દક્ષિણ આફ્રિકામાં અટકાયત થઇ ત્યારે
મનમોહન ગાંધીજીને
ગાંધી તું હો સુકાની રે:
સાચો હિન્દવાન!
હિન્દની જિંદગી અમારી –
અફળાતી અસ્થિર ન્યારી –
તેને જોગવતો તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
રાજ્ય પ્રજાના હિતનું –
મન્થન દેશે છલકાતું –
નવનીત ઉતારે તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
જનતાના જગ મહારાજ્યે –
હિન્દીજન તણા સ્વરાજ્યે –
ગજવે હિન્દી હાક તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
હિન્દી જાત જ જન્માવી;
જગમાં વિખ્યાત બનાવી-
ધપાવે સત્યાગ્રહે તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
મનમોહન, ઉદાર ભાવે,
વીરતાના પ્રસંગ લાવે,
હિન્દહિત કસ્તૂરી મૃગ! તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
સુદામાપુરના દીપક!
શ્રી કૃષ્ણનાં જગાવે સ્મારક :
ભારત નાવિક વીર તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
ગાંધી! તુજ સુજોડ પગલે,
હિન્દ-સંતતિ સંચરિયે!
શાંતિ જાય પ્રભુ અર્પે! તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
— લલિતજી
જે સંપાદનમાં આ ગીત જોવા મળ્યું તેમાં મથાળા પછી નોંધ છાપી છે : “મહાહિન્દભરમાં સૌથી પહેલું ગાંધીગીત તા. ૧૮-૧૨-૧૯૧૩ ગૂજરાત પાટણ.” (અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે) એ સંપાદન વિશેની વાત પણ રસપ્રદ છે, પણ પહેલાં આ ગીત વિષે થોડી વાત. નોંધ પ્રમાણે, માત્ર ગુજરાતી ભાષામાં જ નહિ પણ દેશની બધી ભાષાઓમાં ગાંધીજી વિશેનું આ પહેલું કાવ્ય છે. આપણી ભાષામાં જો કોઈ એક વ્યક્તિ વિષે સૌથી વધુ કાવ્યો લખાયાં હોય તો તે ગાંધીજી વિષે. અને તેમને વિષે ગુજરાતીમાં લખાય તે પહેલાં બીજી કોઈ ભાષામાં ગીત લખાય એવો સંભવ નહિવત્. અને ભારતની કોઈ ભાષામાં લખાય તે પહેલાં દુનિયાની બીજી કોઈ ભાષામાં ગાંધીજી વિષે કાવ્ય લખાય એ તો લગભગ અશક્ય. એટલે, ગાંધીજી વિશેનું આ સૌથી પહેલું કાવ્ય છે. તેના રચયિતા છે ‘લલિતજી.’ આજે લગભગ ભૂલાઈ ગયા છે.
‘લલિત’ તેમનું ઉપનામ. આખું નામ જન્મશંકર મહાશંકર બૂચ. ૧૮૭૭ના જૂનની ૩૦મી તારીખે જૂનાગઢમાં જન્મ. ૧૯૪૭ના માર્ચની ૨૫મી તારીખે અવસાન. માતાપિતા પાસેથી અનુક્રમે સંગીત અને સાહિત્યનો વારસો મળ્યો. ૧૮૮૭મા પહેલાં લગ્ન લલિતા સાથે થયાં હતાં. ૧૮૯૪માં તેમના અવસાન પછી બીજાં લગ્ન ૧૮૯૬માં તારાબહેન સાથે. પ્રથમ પત્નીની યાદમાં ‘લલિત’ ઉપનામ ધારણ કર્યું હતું. તેઓ સાત વખત મેટ્રિકની પરીક્ષામાં બેઠા હતા પણ ગણિતની મુશ્કેલીને કારણે સાતે વખત નાપાસ થયા હતા! છેવટે એસ.ટી.સી.ની પરીક્ષામાં પાસ થયા. દસેક વર્ષ લાઠીમાં રાજવી કુટુંબના શિક્ષક. કવિ કલાપીના નિકટના પરિચયમાં આવ્યા હતા અને કલાપીએ તેમને ઉદ્દેશીને ૧૮૯૬માં ‘બાલક કવિ’ નામનું કાવ્ય લખ્યું હતું. ગોંડળ સ્ટેટમાં સંગ્રામજી હાઈસ્કૂલમાં ૧૯૦૩માં પહેલી નોકરી. તે દરમ્યાન તેમનું લખેલું ‘સીતા-વનવાસ’ નાટક ભજવાયું હતું તે જોવા કલાપી અને કવિ નાનાલાલ ગોંડળ ગયા હતા. એ નાટક પુસ્તક રૂપે પણ પ્રગટ થયું હતું. ૧૯૦૮થી ૧૯૧૦ રાજકોટના અંગ્રેજી દૈનિક ‘કાઠિયાવાડ ટાઈમ્સ’ના તંત્રી. સાથોસાથ અદાલતમાં ભાષાંતર કરી આપવાનું કામ પણ કરતા. ૧૮૯૫મા ‘ચંદ્ર’ માસિકમાં પહેલી કવિતા છપાઈ. તે પછી ધીમે ધીમે લગભગ બધાં સામયિક-અખબારમાં પ્રગટ થતી. ૧૯૧૩થી ૧૯૨૦ સુધી વડોદરા રાજ્યના લાઈબ્રેરી ખાતામાં ‘લોકોપદેશક’ તરીકે કામ કર્યું. ૧૯૨૧થી ૧૯૨૫ સુધી મુંબઈના રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાં સાહિત્યના શિક્ષક હતા. ૧૯૩૮મા સેવા-નિવૃત્ત. નિવૃત્તિ પછી લાઠી જઈને રહ્યા. ત્યાં જ તેમનું અવસાન થયું.
‘લલિતનાં કાવ્યો’ (૧૯૧૨), ‘વડોદરાને વડલે’ (૧૯૧૪) અને ‘લલિતનાં બીજાં કાવ્યો (૧૯૩૪) એમના કાવ્યસંગ્રહો છે. તેમના અવસાન પછી ૧૯૫૧માં પ્રગટ થયેલ ‘લલિતનો લલકાર’માં તેમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઇ છે. કવિ નાનાલાલે તેમને વિષે કહ્યું હતું : “લલિતજી એટલે લલિત જ. લગીર પણ સુંદર. મોટાં કાવ્યો નહિ, નાનાં ગીતો. મેઘ જેવાં મોટાં પગલાં નહિ, પણ કુમકુમની નાની પગલીઓ. રસઓઘ નહિ, રસનાં છાંટણાં. લલિતજી એટલે સારંગીયે નહીં ને વીણાયે નહિ, લલિતજી એટલે મંજીરાંનો રણકો ને કોયલનો ટહુકો.”
ગાંધીજી વિશેનું લલિતજીનું આ કાવ્ય લખાયું છે ૧૯૧૩ના ડિસેમ્બરની ૧૮મી તારીખે. તો સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે તે દિવસે એવું શું બન્યું હતું કે જેને લીધે લલિતજી આ કાવ્ય લખવા પ્રેરાયા હોય. અંગ્રેજીમાં કહેવું હોય તો What triggered this poem? એક કરતાં વધુ જાણકારોને હાથે ગાંધીજીના જીવનની વિગતવાર, તારીખો સહિતની, સાલવારી અંગ્રેજી અને ગુજરાતીમાં પ્રગટ થઇ છે. તે જોતાં જણાય છે કે ‘ગ્રેટ માર્ચ’ને કારણે દક્ષિણ આફ્રિકામાં ૬ નવેમ્બર ૨૧૦૩ના રોજ ગાંધીજીની ધરપકડ થઇ હતી પણ તે જ દિવસે તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા. પણ ૮ નવેમ્બરે ફરી ધરપકડ થઇ અને ફરી જામીન પર છૂટકારો. ૯ તારીખે ફરી ધરપકડ અને ૯ મહિના વત્તા ૩ મહિનાના કારાવાસની સજા. પણ ડિસેમ્બરની ૧૮મી તારીખે અણધારી રીતે જેલમાંથી બિનશરતી મુક્તિ મળી હતી. આ સજા થઇ તે પહેલાં જ પોતે હિન્દુસ્તાન પાછા ફરવાના છે એવી જાહેરાત ગાંધીજીએ કરી હતી. એટલે તેમનો જેલમાંથી થયેલો છુટકારો એ દેશવાસીઓ માટે આનંદના સમાચાર ગણાય.
પણ વેઇટ અ મિનિટ! ૧૯૧૩માં આપણા દેશમાં હજી રેડિયો બ્રોડકાસ્ટિંગની શરૂઆત તો થઇ નહોતી. (તેની શરૂઆત ખાનગી ધોરણે થઇ ૧૯૨૩માં, અને સરકારી ધોરણે થઇ ૧૯૩૦માં.) એટલે એ વખતે દેશના તેમ જ પરદેશના સમાચારો મેળવવાનું એકમાત્ર સાધન અખબારો હતું. અને દક્ષિણ આફ્રિકામાં ૧૮મી તારીખે જે કાંઈ બન્યું હોય તેના સમાચાર તો ૧૯મીના અખબારમાં જ આવે ને? એટલે ૧૮મી ડિસેમ્બરે ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં જેલમાંથી છોડવામાં આવ્યા અને તે જ દિવસે આ કાવ્ય લખાયું એ કેવળ એક સુખદ અકસ્માત જ હોઈ શકે. એ બંને વચ્ચે કારણ-કાર્યનો સંબંધ ન હોઈ શકે.
હવે જે પુસ્તકમાં નોંધ સાથે આ કાવ્ય છપાયું છે તે પુસ્તક વિષે. પુસ્તકનું નામ : ‘ગાંધીકાવ્યસંગ્રહ.’ પ્રથમ આવૃત્તિ: ‘રેટીઆ બારસ ૧૯૯૩’ (એટલે કે ઈ.સ. ૧૯૩૭). ૧૨૭ પાનાં, મૂલ્ય ૧૨ આના (આજના ૭૫ પૈસા). પ્રકાશક : “વીલેપારલેની શ્રી ગોકળીબાઈ પૂનમચંદ પીતાંબર હાઈસ્કૂલની વિદ્યાર્થી-પંચાયત વતી શ્રી ઉમાશંકર જોષીએ પ્રસિદ્ધ કર્યું.” (પુસ્તકમાં બધે ‘જોષી’ જ છાપ્યું છે, ‘જોશી’ નહિ.) અને છેલ્લે, આ પુસ્તકના સંપાદકો હતા ઝીણાભાઈ દેસાઈ અને ઉમાશંકર જોષી. એ વખતે ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ આ શાળાના આચાર્ય હતા અને ઉમાશંકર ગુજરાતીના શિક્ષક હતા. પુસ્તકમાં કુલ ૭૦ કાવ્યો સમાવ્યાં છે. તેમાં ઝવેરચંદ મેઘાણીનાં ચાર, સ્નેહરશ્મિનાં પાંચ, લલિતજીનાં ચાર, રાયચુરા (નામ છાપ્યું નથી, માત્ર અટક છાપી છે)નાં બે, હરિહર ભટ્ટનાં બે, સુંદરજી બેટાઈનાં બે, અને ઉમાશંકર જોષીનાં પાંચ કાવ્યો જોવા મળે છે. બીજા કવિઓનું એક-એક કાવ્ય લીધું છે. છેવટે ‘બાદરાયણ’(ભાનુશંકર વ્યાસ)નાં બે સંસ્કૃત કાવ્યો મૂક્યાં છે. અલબત્ત, નિખાલસતાથી કહેવું જોઈએ કે બે પ્રતિષ્ઠિત કવિઓએ આ સંપાદન કર્યું હોવા છતાં કાવ્ય તરીકે આજે ય ટકી શકે એવી કૃતિઓ અહીં પ્રમાણમાં ઘણી ઓછી જોવા મળે છે.
આ સંપાદન જે રીતે તૈયાર થયું તે પણ ધ્યાન ખેંચે તેમ છે. ગાંધી જયંતીની ઉજવણી અંગે ગોકળીબાઈ હાઈસ્કૂલની વિદ્યાર્થી-પંચાયતે એક ઠરાવ કર્યો હતો. તેમાં છઠ્ઠી કલમ આ પ્રમાણે હતી: “પૂ. ગાંધીજીને લગતાં ગૂજરાતી કાવ્યોનો સંગ્રહ કરી શક્ય હોય તો તેને છપાવી બહાર પાડવાની યોજના.” આવું પુસ્તક તૈયાર થઇ શકે એવી શક્યતા ઓછી જ હતી. પહેલી મુશ્કેલી હતી ખર્ચ માટેના પૈસાની. પણ તે અણધારી રીતે દૂર થઇ. શનિવાર તા. ૧૮-૯-૧૯૩૭ને દિવસે ‘એક બહેન’ શાળાની પ્રાર્થના સભામાં આવ્યાં અને પુસ્તકની બધી આર્થિક જવાબદારી પોતે ઉપાડી લેવા તૈયાર થયાં. બીજી મુશ્કેલી હતી સમયની. પણ તે જ દિવસે અખબારોમાં જાહેરાત છપાવી કવિઓને પોતાનાં કાવ્યો મોકલવાની વિનંતી કરી. જવાબમાં ૨૫૦-૩૦૦ કવિઓની રચના મળી. તેમાંથી ૭૦ રચનાઓ પસંદ કરી અને ૨૧-૯-૩૭ના દિવસે મુંબઈના આનંદ પ્રિન્ટિંગ પ્રેસને મેટર છાપવા આપ્યું. ૨૮-૯-૧૯૩૭ના દિવસે ચોપડી છપાઈને તૈયાર થઇ ગઈ. એક અઠવાડિયામાં ચોપડી છપાઈને તૈયાર થઇ જાય એ વાતની આજે કમ્પ્યુટર યુગમાં આપણને બહુ નવાઈ લાગે. પણ એ યાદ રાખવું ઘટે કે એ મુવેબલ ટાઈપનો જમાનો હતો. એક-એક અક્ષર હાથ વડે કમ્પોઝ કરવો પડતો. પછી પ્રૂફ જોઈ સુધારા કરવા પડતા. વળી તે વખતનાં મશીન પર એક સાથે ૧૬ પાનાં જ છાપી શકાતાં. આજે વપરાય છે તેવી તાબડતોબ સુકાઈ જાય તેવી શાહી તે વખતે નહોતી. એટલે આઠ પાનાં છાપ્યા પછી તેને સુકાવા દેવાં પડે અને પછી બીજી બાજુ બીજાં આઠ પાનાં છાપી શકાય. પણ આ બધું કરીને એક જ અઠવાડિયામાં પુસ્તક તૈયાર થઇ ગયું.
સંપાદકીયમાં ‘સ્નેહરશ્મિ’ અને ઉમાશંકરે કહ્યું છે : “પ્રશસ્તિકાવ્યની ઉત્તમ કવિતા પ્રકારમાં ગણના થતી નથી. પણ આ સંગ્રહમાં ગાંધીજીની પ્રશસ્તિ ઉપરાંત એમના જીવનને લગતાં છતાં એમના જ નહિ પણ સારી પ્રજાના જીવનના ગણાઈ ચૂકેલા ઐતિહાસિક પ્રસંગોમાંથી પ્રેરાયેલી કૃતિઓ પણ સદ્ભાગ્યે સારા પ્રમાણમાં છે.” સંપાદકીયનું છેલ્લું વાક્ય આ પ્રમાણે છે : “ગાંધીજીનું ગૂજરાત આ ગાંધીકાવ્યસંગ્રહને અપનાવી લેશે એવી આશા છે.” પણ હકીકતમાં આ સંગ્રહ આજે તો લગભગ ભુલાઈ ગયો છે. જેમ લલિતજીનું ‘મનમોહન ગાંધીજીને’ ગીત પણ ભુલાઈ ગયું છે તેમ. પણ ગાંધીજીની સાર્ધ જન્મશતાબ્દીના આ વર્ષમાં એ ગીત અને એ સંગ્રહને યાદ કરી લઈએ.
xxx xxx xxx
Email: deepakbmehta@gmail.com