લેખક અને લેખન –
સત્ય, અહિંસા, સાધન-શુદ્ધિ એ તે કઈ બલાનું નામ
કોણ હતા એ ગાંધી અને કોણે દીધું’તું બધું સાંધી ?
આ તો, ભાઈ, એવી થઇ ભવાઈ કે કામે લાગ્યા મુન્નાભાઈના ગાંધી …
સાંપ્રત સમયમાં ગાંધી – મૂલ્યો કે વિચારો વિષે વિચારીએ ત્યારે અને એમાં પણ એક લેખકને માટે ત્યારે એક બહુ જ અસ્પષ્ટ ચિત્ર નજરે ચડે છે. મનમાં એક ચિંતાનો માહોલ ખડો થઇ જાય છે.
એક બાજુ યોજાતા એવોર્ડ સમારોહો, મહેફીલો, રેલીઓ, પ્રદર્શનોમાં અટવાયેલાં ગાંધી ચિત્રો જાણે ગુંગળામણ અનુભવતાં જોવા મળે છે. અને સ્વતંત્ર બુદ્ધિથી સામાજિક નિસ્બત સાથેનાં લેખન સામે એક પ્રશ્નાર્થ ઊભો થઇ ગયો છે. એક ધૂંધળું ચિત્ર નજર સામેથી પસાર થાય છે.
એક બાજુ માનવ આકારનાં ઘેટાંનાં ટોળાં જેવો દેખાતો સમૂહ જે લાભાર્થી લેખકોનો છે એ હાથમાં અવનવા એવોર્ડ્સ – માનપત્રો લઇ હરખાતાં હરખાતાં પસાર થાય છે, અને બીજી બાજુ બહુ થોડાં ‘માનવ’ આક્રોશ ભર્યા ચહેરાં સાથે સામાજિક નિસ્બત જાળવી લખતાં, બોલતાં નજરે ચડે છે.
અહીં મારી આજની વાત શરૂ થાય છે કે, આ પરિસ્થિતિમાં ગાંધી વિચારો અને મૂલ્યો ખૂબ જરૂરી બની રહે છે. આમ તો કોઈ પણ સમયની સમસ્યાનાં ઉકેલ માટે ગાંધીનાં ‘સત્ય’, ‘અભય’, ‘સાધનશુદ્ધિ’ આ ત્રણ સનાતન મૂલ્યોની પરખ રાખી અને અમલમાં મૂકી લખાતું સાહિત્ય માનવીય ગૌરવ ને પુરસ્કૃત કરે છે, નહિ કે સત્તાસ્થાને બેસેલાઓની ચાપલુસી કરી મેળવાયેલ પુરસ્કારો.
આપણી આસપાસના પ્રવર્તમાન માહોલમાં સ્વાર્થની આ દૌડ બહુ ભયંકર બનતી જાય છે. ચારે બાજુ ગુન્ડાગીરી, ચાંચિયાગીરી, ચમચાગીરી કે ઘેટાંગીરી જેવા શબ્દો જ્યારે લખનારા વર્ગનાં લોહીમાં ભળી ગયા હોય, ત્યારે આપણી સાથે જીવતાં લોકોની સંવેદનાઓ ને જીવતી રાખવાનો કસબ આપણને ગાંધી વિચારોમાંથી ચોક્કસ મળી આવે.
માત્ર ને માત્ર ઉપભોક્તાવાદમાં ફસાયેલો આપણો સમાજ, સત્તાનાં રાજકારણને ટૂંકી અને સ્વાર્થી બુદ્ધિથી ચલાવી લેનાર આ સમાજને જો કોઈ બચાવી શકે એમ હોય તો આ વિચારોનો ફેલાવો અને સમજ જ બચાવી શકશે.
રેગીસ્તાન બનતાં જતાં લોકોનાં ભાવજગતને ઢંઢોળવા સામાજિક નિસ્બત સાથેનું લેખન જો ગાંધી વિચારો અને મૂલ્યોથી પ્રભાવિત હશે અને લોકો સુધી પહોંચશે તો સ્વસ્થ સમાજ બનવા તરફ ગતિ કરશે.
ગાંધી વિશેનાં સાચા ખોટા લખાણો સર્વે ઊગતી પેઢીને ગેરમાર્ગે દોરે છે ત્યારે હકીકતનાં ભય વગર અને કોઈ પણ જાતની લાલચ વગર સત્ય સાથે લખનારા લેખકોની હત્યાઓનો સિલસિલો એ આ સદીની સહુથી મોટી દુર્ઘટના ગણી શકાય ત્યારે ગાંધી વિચારો અને મૂલ્યોનાં પુન:સ્થાપનની તાતી જરૂરત છે.
ઉપભોક્તાવાદને હિસાબે આખો સમાજ એક બજાર બની ગયું છે, ત્યારે બજાર કિંમત અને મૂલ્યોનાં અર્થ વચ્ચે તફાવત છે. લેખનનાં મૂલ્યોને લાગેવળગે છે ત્યાં સુધી માત્ર વાહ-વાહી મેળવવા માટેનું લખાણ સમાજ માટે પ્રશ્નાર્થ છે. ત્યારે આજની પેઢી અને આવતીકાલની પેઢી બંને જીવનનાં મૂલ્યો સમજે અને ગાંધી વિચાર પ્રમાણે સત્ય અને અભય અપનાવી નિરર્થક અને દૂષિત વિચારો અને પ્રવૃત્તિ અટકાવવાની જવાબદારી લેખકોની છે.
ધાકધમકી અને પ્રલોભનોને વશ થયા વગરનું, નિસ્બત સાથેનું લેખન જો ગાંધી વિચારો અને મૂલ્યોથી પ્રભાવિત હશે, અને લોકો સુધી પહોંચશે તો ચોક્કસ પરિણામ મળશે. અલબત્ત, વેચાઈ ચૂકેલું લેખન જગત અને પત્રકારત્વ જગત જોઈને આમાં કશું થઇ શકે નહિ એવું કહીને રેતીમાં મોં ખોસીને બેસી ન રહેતા ગાંધીગીરીને વધુ વિશાળ ફલક પર લાવવાની જવાબદારી નિસ્બત ધરાવનાર લેખકોની જ છે.
કળા ખાતર કળા નહિ પણ લેખન પ્રતિબદ્ધતા જાળવવા માટે ગાંધીનાં સત્ય, અભય અને સાધન શુદ્ધિ જેવાં મૂલ્યો આજના સમયમાં પ્રસ્તુત છે.
(‘ગુજરાતી લેખક મંડળ’ સંપાદિત ‘ગાંધી’ ૧૫૦ વિશેષાંક )
સૌજન્ય : પ્રતિભાબહેન ઠક્કરની ફેઇસબૂક દીવાલેથી સાદર