સારાંશ :
અનુ-આધુનિક સમાજમાં સિનમા એ વ્યકિતના ‘સ્વ’નું પ્રતિબિંબ પાડે છે. સિનેમા સાથે ‘અનુ-આધુનિક સ્વ’ જોડાયેલ હોય છે, જે ધીમે-ધીમે ‘સિનેમેટિક સમાજ’ ઊભો કરે છે. સમાજ ઘડતરમાં ફિલ્મોનું અનન્ય યોગદાન છે. પરંતુ શરૂઆતના સમયગાળામાં ભારતીય ફિલ્મોમાં ઉપેક્ષિત સમુદાયના પ્રશ્નો વિશે વધારે ચર્ચા કરવામાં આવતી ન હતી. ફક્ત ઉપેક્ષિત સમાજની જાગૃતિના કારણે ફિલ્મોના વિષયવસ્તુમાં વંચિતોની સમસ્યાનું વધારે ઉમેરણ થવા લાગ્યું. પ્રસ્તુત લેખમાં ઉપેક્ષિત સમુદાયના સંદર્ભે ફિલ્મો દર્શાવવામાં આવતી સામાજિક આંતરક્રિયાની ચર્ચા કરવામાં આવી છે. જેમાં ફિલ્મોમાં કેવી રીતે જ્ઞાતિ, જાતિ, વર્ગ, ધર્મ અને પ્રાદેશિકતાને દર્શાવવામાં આવે છે? ભારતીય સામાજિક માળખાની અસરો ફિલ્મો પર કેવી થાય છે? અને ‘જય ભીમ’ ફિલ્મમાં કેવી રીતે ઉપેક્ષિત સમુદાયની વાસ્તવિકતા દર્શાવવામાં આવે છે? વગેરે પ્રશ્નો અંગે ગહન માહિતી આપવામાં આવી છે. તાજેતરમાં આવેલ દક્ષિણ ભારતની ‘જય ભીમ’ ફિલ્મમાં ઇરુલા આદિવાસી વિરુદ્ધના અત્યાચારો અને સંઘર્ષની ગાથાનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આવી ફિલ્મો દ્વારા સામાજિક અને સાંસ્કૃતિક સમસ્યાઓને વાચા આપી નિરાકરણ માટેનો પ્રયાસ પણ કરવામાં આવે છે. ફિલ્મો સમાજ માટે પ્રેરણારૂપ પણ બને છે.
ચાવીરૂપ શબ્દો : સિનેમેટિક સમાજ, જ્ઞાતિ, વર્ગ, આંતરક્રિયા અને ઇરુલા આદિવાસી, વગેરે.
પ્રસ્તાવના :
સમાજની વાસ્તવિક્તાને દૃશ્ય કે કેમેરા દ્વારા દસ્તાવેજીકરણ કરી ફિલ્મનુ સર્જન કરવામાં આવે છે. 20મી સદીમાં ફિલ્મો દ્વારા સામાજિક નિર્માણની શરૂઆત થઈ છે. સાથે-સાથે ‘સિનેમા સમાજશાસ્ત્ર’ની શાખા અસ્તિત્વમાં આવી. જેમાં ‘સિનેમેટિક સમાજ’ વિશે અભ્યાસો હાથ ધરવામાં આવ્યા. નોર્મન ડેન્ઝિન (1995) ‘સિનેમેટિક સોસાયટી’ પુસ્તકમાં સિનેમાનો પ્રભાવ કેવી રીતે દૃશ્ય સંસ્કૃતિ અને વ્યકિતઓના સામાજિક સમજણ પર પડે છે? સિનેમેટિક નજર (Cinematic Gaze) સમાજમાં શું પેદા કરે છે? સિનેમાએ કેવી રીતે સમાજના વિકાસમાં વ્યાપક રીતે ફાળો આપે છે? લોકમાનસ ઘડતરમાં સિનેમાનું શું યોગદાન છે? વગેરે પ્રશ્નોની ચકાસણી આ અભ્યાસમાં કરવામાં આવી. સિનેમા વ્યક્તિના સામાજિક વર્તનનું નિયમન કરે છે. જે સ્થાપિત હિતો મેળવવા માટે ઉપયોગી થાય છે. સિનેમા કે ફિલ્મોની અસર રોજિંદા જીવનમાં પણ જોવા મળે છે એટલે કે સમાજમાં સામાજિક ગતિશીલતા શક્ય બને છે (Denzin, 1995). સિનેમા કે ફિલ્મ એ સર્જનાત્મક અભિવ્યક્તિનું માધ્યમ છે. જે સમૂહ માધ્યમોનાં કાર્યો કરે છે જેમ કે માહિતી, શિક્ષણ, મનોરંજન અને સંસ્કૃતિનું પ્રસારણ કરે છે. ફિલ્મોની પ્રકૃતિ સમાજને પ્રભાવિત કરે છે અને સમાજમાં બનતી રોજ બ રોજની ઘટનાઓનું નિરૂપણ ફિલ્મોમાં કરવામાં આવે છે. ઉપેક્ષિત સમુદાયની સામાજિક ઘટનાઓ સમાજમાં વ્યાપક અસર નિપજાવે છે. સમાજમાં ફિલ્મોએ એક ઉત્પ્રેરક તરીકેની મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જે મનોરંજન સાથે સામાજિક પરિવર્તનનું કાર્ય કરે છે. સામાન્ય રીતે ફિલ્મોનું આકર્ષણ લોકોમાં જોવા મળે છે. લોકોના અનુભવો સીધી કે આડકતરી રીતે ફિલ્મોમાં પ્રગટ થાય છે, એટલે કે ફિલ્મ ફક્ત મનોરંજન નહિ પરંતુ વિચારોનું પ્રદાન પણ કરે છે. તથા ફિલ્મોમાં એવી વાસ્તકિતા કે પરિસ્થિતિનું ચિત્રણ કરે છે જે લોકોનાં જીવન સાથે સામ્યતા ધરાવે છે. સામાન્ય લોકો ઝડપથી અને અસરકારક રીતે સમજી શકે તે પ્રકારનું વિષયવસ્તુ રજૂ કરવામાં આવે છે. જે લોકોમાં દબાયેલ ભય અને ઈચ્છાઓને જાહેરમાં પ્રતીતિ કરાવે છે, તેમ જ વ્યક્તિગત આકાંક્ષાઓનું સૂચન કરે છે જે વર્તમાન સામાજિક વાસ્તવિક્તાના ઉકેલ માટે સક્રિય રીતે કાર્ય કરે છે. ઘણીવાર ફિલ્મો નકારાત્મક રીતે ભાવનાત્મક એકીકરણ દ્વારા સમાજમાં ખાય ઊભી કરવાનું કાર્ય પણ કરે છે. પરંતુ ફિલ્મો દ્વારા નાગરિક મૂલ્યો પેદા કરી ઉત્તમ જીવન જીવવા માટેનો સહિયારા પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે માનવીય લાગણીઓનો હકારાત્મક રીતે દોરીસંચાર ફિલ્મો દ્વારા કરવામાં આવે તો જ સમાજની સમસ્યાઓનું નિરાકરણ ઝડપી શક્ય બને. ફિલ્મોએ ફક્ત રચનાત્મક અભિવ્યક્તિ નથી, પરંતુ લોકમાનસ ઘડતરમાં અસર કરવાનું એક મહત્ત્વનું પરિબળ છે. ઉપેક્ષિત સમુદાયના સમૂહ જીવનમાં ફિલ્મની અસર એક પ્રતિકારની સંસ્કૃતિનું નિર્માણ કરે છે.
પ્રસ્તુત લેખમાં ‘જય ભીમ’ ફિલ્મ આધારિત છે. આ ફિલ્મ તમિલનાડુના કડલોર જિલ્લાનું ગોપાલપુરમ્ ગામમાં વર્ષ 1993માં બનેલ વાસ્તવિક ઘટના પર બનેલ છે. ‘જય ભીમ’ ફિલ્મની કહાની જોઈએ તો, ગામમાં ઊંચ જ્ઞાતિના સરપંચના ઘરમાંથી 40 જેટલા દાગીના ખોવાઈ ગયા. પોલીસ ખોટો આરોપ નાંખી રાજાકન્નુ(આદિવાસી વ્યક્તિ)ની ધરપકડ કરે છે. અને પોલીસ સ્ટેશનમાં બેરહેમી અનેકવાર અત્યાચાર કરવામાં આવે છે. રાજાકન્નુની પત્ની આ તમામ ઘટના જોઈને વ્યથિત થઈ જાય છે. તેમમજ પોલીસ દ્વારા જ રાજાકન્નુને પોલીસ કસ્ટડીમાંથી ગુમ કરવામાં આવે છે. વકીલ ચંદ્રૂ અને રાજકીય પાર્ટી દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે પણ સત્તાધારી કોઈ પગલાં લેતાં નથી. આખરે ચેન્નઈના વકીલ કે. ચંદ્રુ દ્વારા કાયદાકીય લડતનાં 3 વર્ષ બાદ મદ્રાસ હાઇકોર્ટ દ્વારા 1996માં ચુકાદો (જજમેન્ટ) આપવામાં આવે છે, જેમાં 2 લાખ અને 65 હજાર અને 3 એકર જમીનની સહાય સરકાર દ્વારા આપવામાં આદેશ મદ્રાસ હાઇકોર્ટ કરે છે. તથા આરોપી 5 પોલીસ કર્મીઓને 14 વર્ષની સજા અને ડૉક્ટરને 3 વર્ષની સજાનો હુકમ કરવામાં આવે છે. આ સમગ્ર કહાની વંચિત અને ગરીબ ઇરુલા આદિવાસીની છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલ ઇરુલા આદિવાસી સમુદાય વિશે સમજ મેળવીએ.
વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ તમિલનાડુમાં 7.21 લાખ આદિવાસી વસ્તી ધરાવે છે. તમિલનાડુમાં વિવિધ 36 આદિવાસી સમુદાય વસવાટ કરે છે, જેમાં ટોડા, કોટા, કુરુંબાસ, ઇરુલુર (ઇરુલા), પાનિયન અને કટ્ટુનાયકન – એમ 6 આદિવાસી સમુદાયને પ્રીમિટિવ ટ્રાયબલ તરીકે ઓળખ આપેલ છે (GTN, 2022). જેમાંથી એક ઇરૂલા આદિવાસી સમુદાય પરના શોષણ અને અત્યાચાર પર ‘જય ભીમ’ ફિલ્મ બનાવવામાં આવેલ છે. ઇરુલા નામ એ તમિલ શબ્દ ‘ઇરૂલ’ પરથી આવ્યો છે જેનો શાબ્દિક અર્થ ‘કાળો’ (Dark) જે તેમના શરીરના વર્ણ પરથી રાખવામાં આવ્યો છે. ઇરુલા લોકો પોતાની ભાષા ‘ઇરુલા’ બોલે છે. આ ભાષા તમિલ અને મલિયાલમ – એમ બંને ભાષાનું મિશ્રણ છે. તેઓ પોતાની અલગ બોલી બોલે છે. સામાન્ય રીતે ઇરુલા લોકો માંસાહરી ભોજન લે છે. પહેલા તેઓ સાપ અને ઉંદરનો શિકાર કરી ગુજરાન ચલાવતા હતા. પરંતુ ભારત સરકાર દ્વારા વર્ષ 1972માં ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ પસાર કરવામાં આવ્યો. જેમાં પ્રાણીઓના શિકાર, માંસ અને ચામડીનાં વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. આ સિવાય સરકારે વર્ષ 1976માં સાપની ચામડી વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો જેની સીધી અસર ઇરુલા આદિવાસીની આજીવિકા પર થઈ. વર્તમાન સમયમાં તેઓ અસંગઠિત ક્ષેત્રમાં ખેતમજૂરી અને અન્ય છૂટક મજૂરી દ્વારા ગુજરાન ચલાવે છે. તેમનામાં સંયુક્ત કુટુંબ પ્રથા જોવા મળે છે. ઇરુલા સમુદાયમાં પણ પેટા-જૂથો જેવા કે કસબાસ, મુડુમર્સ અને ઉરલીરૂલસ જોવાં મળે છે. સામાજિક જાગૃતિમાં વધારો થવાથી ઇરુલા આદિવાસીમાં શિક્ષણના પ્રમાણ વધ્યું છે (Emmanual D & Rajan, 2013; Stanley & Muthukumar, 2020). ઇરુલા સમુદાય વિશેની ‘જય ભીમ’ ફિલ્મ વિશે ઊંડાણપૂર્વક વિશ્લેષ્ણ કરતાં પહેલા ભારત અને ગુજરાતમાં ઉપેક્ષિત સમુદાયના સંદર્ભની ફિલ્મો વિશે માહિતી મેળવીએ.
ઉપેક્ષિત સમુદાય અને ફિલ્મો :
ભારતમાં આઝાદી પહેલા ઉપેક્ષિત સમુદાયના પ્રશ્નોને વાચા આપવાનું કાર્ય અંશત: પ્રમાણમાં શરૂ થયું હતું. જેમાં સૌ પ્રથમ ‘અછૂત કન્યા’ (1936) ભારતીય સિનેમાની પહેલી ફિલ્મ છે જેમાં જ્ઞાતિ અને અંત: લગ્નની વાસ્તવિક દર્શવાવામાં આવી છે. આ સિવાય પણ ચંડીદાસ (1932), દેવદાસ (1935), મલપિયાલ્લા (1938) અને ધર્માત્મા (1935) વગેરેમાં ફિલ્મોમાં ઉપેક્ષિત સમુદાય વિશેની વિષયવસ્તુ જોવા મળે છે. આઝાદી બાદ ગ્રામીણ જીવન અને ઉપેક્ષિત સમુદાયની સામાજિક-આર્થિક સમસ્યા ઉજાગર ફિલ્મો પ્રસારિત કરવામાં આવી. જેમાં આવારા (1951), નયા દૌર (1957), સુજાતા (1959), હમ હિન્દુસ્તાની (1960), ગોપી (1970), ઝંજીર (1973), રોટી, કપડાં ઔર મકાન (1974), અંકુર (1974), દીવાર (1975), નિશાંત (1975), મંથન (1976), પરવરિશ (1977), ખૂન પસીના (1977) અને કાળા પથ્થર (1979) વગેરેનો સમાવેશ થાય છે. સાથે-સાથે હિન્દુ-મુસ્લિમ અને જ્ઞાતિ આધારિત ફિલ્મોનું ચલણ વધવા લાગ્યું જેમાં અમર, અકબર એન્થોની (1977), બોમ્બે (1995), અર્થ (1998), પિંજર (2003), વીર-ઝારા (2004) અને પરઝનિયા (2007) વગેરેમાં હિન્દુ-મુસ્લિકરણ અને જ્ઞાતિ સમુદાયના વિષયવસ્તુ આધારિત ફિલ્મો પ્રસારિત કરવામાં આવી (Yengde, 2018). આ સિવાય લજ્જા (2001), આક્રોશ (2010) જેવી ફિલ્મોમાં દલિતની ભૂમિકા દર્શાવવામાં આવી છે (Herrero, 2021). તાજેતરમાં એમેઝોન પ્રાઇમ વીડિયો પર ‘સરદાર ઉધમ’ (2021) ફિલ્મ પ્રસારિત કરવામાં આવી હતી. આ ફિલ્મ આઝાદી પહેલા 13 માર્ચ 1919માં રોજ ઑ’ડાયરે અમૃતસરના જલિયાવાલા બાગમાં પ્રદર્શન કરી રહેલા લોકો પર હિંસક દમન કર્યું હતું. તેના વિરોધમાં સરદાર ઉધમસિંહ દ્વારા 13 માર્ચ 1940ના રોજ ભૂતપૂર્વ લેફટનન્ટ ગવર્નર માઈકલ ઑ’ડાયરની લંડનમાં હત્યા કરવામાં આવી. જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો દર્શાવતી ફિલ્મ એટલે ‘સરદાર ઉધમ’. સમગ્ર ફિલ્મમાં બદલો લેવા માટેની વ્યૂહરચના અને ઉધમસિંહના દ્રઢ સંકલ્પની ઝલક ફિલ્મમાં જોવા મળે છે (Ramnath, 2021).
દલિત મહિલાની સંઘર્ષની કહાની આધારિત ફિલ્મ ‘બેન્ડિકટ ક્વીન’ (1994) પ્રસારિત કરવામાં આવેલ જેમાં ફૂલન દેવી સાથે થયેલ સામૂહિક બળાત્કાર વિરુદ્ધ લડત દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ ફૂલન દેવીના વાસ્તવિક જીવન સાથે જોડાયેલ છે. આ સિવાય આનંદ પટવર્ધનની ‘જય ભીમ કોમરેડ’ (2011) નામની ડોક્યુમેન્ટરી ફિલ્મમાં જ્ઞાતિ અને વર્ગની અસમાનતા વિરુદ્ધનો રોજ બ રોજનો સંઘર્ષ દર્શાવાયો છે. અન્ય ડોક્યુમેન્ટરી ‘રાઈટીંગ વિથ ફાયર’ (2021) એ ડોક્યુમેન્ટરી વર્ષ 2022માં ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે. આ ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિર્દેશન રીન્ટુ થોમસ અને સુષ્મિત ઘોષે કર્યું છે. ‘રાઈટીંગ વિથ ફાયર’ની કહાની દલિત મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા અખબાર ‘ખબર લહરિયા’ પર આધારિત છે. સ્થાનિક અખબારના માધ્યમથી મહિલા પત્રકારો સમાજમાં પ્રવર્તતી પિતૃસત્તાની પ્રથા પર પ્રશ્નો ઉઠાવે છે. મહિલાઓના પ્રશ્ને પોલીસ દળ કેમ નિર્બળ અને અસમર્થ છે, તેના વિશે આ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. તથા ગ્રામ્ય વિસ્તારમાં પ્રવર્તતી જાતિવાદી માનસિકતા સામે સંઘર્ષ પણ બતાવવામાં આવ્યો છે. દલિત મહિલાઓને સમાજમાં સ્થાપિત કરવા માટેની કહાની એક પડકારરૂપે દર્શાવવામાં આવી છે (ETV Bharat, 2022).
ભારતમાં શુદ્રોની પરિસ્થિતિ દર્શાવતી ફિલ્મ એટલે ‘શૂદ્રા ધ રિઝીંગ’ (2012) ફિલ્મ પ્રસારિત કરવામાં આવી. જેમાં શુદ્ર વર્ણના લોકો પર કરવામાં આવતા અમાનવીય વ્યવહાર અને સંઘર્ષની કથા દર્શાવવામાં આવી છે. તાજેતરમાં મહારાષ્ટ્રની સફળ દલિત ફિલ્મો જોઈએ તો ફ્રેંડ્રી (2013) અને સૈરાટ (2016)માં જ્ઞાતિ આધારિત ભેદભાવ અને હિંસાને ઉત્તમ રીતે આવરી લેવામાં આવ્યું છે. ફ્રેંડ્રી (2013) જ્ઞાતિ, ઓળખ અને પ્રેમ વિશે આકર્ષક ફિલ્મ છે. ફિલ્મનો નાયક ગરીબ પરિવારમાંથી આવે છે જે ભૂંડની સફાઈ કરવી, દેખરેખ રાખવી અને બચાવ કરવો વગેરે વ્યવસાય કરી પોતાના જીવન નિર્વાહ ચલાવે છે. સાથે-સાથે મહારાષ્ટ્રના આ ગરીબ યુવાનની મોહક પ્રેમકથા પણ દર્શાવવામાં આવી છે, જે ફિલ્મના છેલ્લા સીન સુધી પ્રતિકાત્મક બનવાનું નિર્ધારણ કરે છે. સમાજશાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો ‘સમાજશાસ્ત્રીય કલ્પના’ (Sociological Imagination) કરતાં અભિનેતા આ ફિલ્મમાં દર્શાવવામાં આવે છે. અન્ય ફિલ્મ સૈરાટ (2016) ફિલ્મમાં ઉચ્ચ જ્ઞાતિની છોકરી અને નિમ્ન જ્ઞાતિના છોકરીની પ્રેમ કહાની અને ત્યારબાદ થયેલ આંતરજ્ઞાતિય લગ્નના વિરોધરૂપે લીધે ઓનર કિંલિંગનો ચિતાર દર્શાવવામાં આવ્યો છે (Yengde, 2018).
વર્તમાન સમયમાં આવેલ દક્ષિણ ભારતની ફિલ્મ ‘કબાલી’ (2016), ‘અસૂરણ’ (2019), ‘કાલા’ (2021) અને ‘કર્ણન’ (2021) વગેરેમાં ઉપેક્ષિત સમુદાયને સંદર્ભ રાખવામાં આવ્યો છે. જેમાં મુખ્યવે ‘અસૂરણ’ (2019) ફિલ્મ જમીનદાર અને નાના ખેડૂતોના વચ્ચેના સંઘર્ષ ઉજાગર કરતી ફિલ્મ છે. નાના ખેડૂતોની જમીન પચાવી અને શોષણ કરે છે. પરંતુ નાના ખેડૂતો શોષણ સામે અવાજ ઉઠાવીને પડકાર કરે છે. આ ફિલ્મ તમિલનાડુમાં વર્ષ 1968ના બનેલ કિલ્વેનમાની હત્યાકાંડમાં (કીઝવેનમાની હત્યાકાંડ) 44 દલિત મજૂરો જાહેર સભા કરી રહ્યા હતા, જેમાં જમીનદારોના જૂથ દ્વારા હુમલો કરી ખૂન કરવામાં આવ્યાં. આ ઘટનાનો ચિતાર ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે (Herrero, 2021). મારિ સેલ્વરાજની ‘કર્ણન’ (2021) ફિલ્મ મૂળ વર્ષ 1995ની કોડિયાકુલમની જ્ઞાતિગત હિંસાના બનાવ પર આધારિત છે. આ ફિલ્મમાં તમિલનાડુના બે ગામ પોડિયાકુલમ અને મેલુર વચ્ચે બસ સ્ટેશન બાબતે સંઘર્ષની કહાની છે. પોડિયાકુલમ ગામમાં વંચિત સમુદાય રહેતો હોવાથી ત્યાં બસ ઊભી રાખતા નથી. તેથી આ સમુદાયને બસમાં બેસવા માટે મેલુર ગામ જવું પડે છે. આ મેલુર ગામમાં પ્રભુત્વ જ્ઞાતિ રહે છે જે પોડિયાકુલમ ગામના વંચિત સમુદાયનાં મહિલા, વિધાર્થી અને યુવાનોને હેરાન કરે છે. કર્ણનની મુખ્યભૂમિકામાં ધનુષ છે. જે ગામના બસ સ્ટેશને બસ રોકવા બાબતે લડત કરે છે, પરિણામે પોડિયાકુલમ ગામમાં પોલીસ દ્વારા હિંસા કરવામાં આવે છે. હિંસા રોકવા કર્ણન પણ પોલીસ પર હિંસા કરે છે. અંતે કર્ણનને દસ વર્ષની સજા થાય છે પરંતુ બસ સ્ટેશનની સુવિધા ચાલુ કરવામાં આવે છે જેથી વંચિત સમુદાયના ગામમાં યુવાનો શિક્ષણ મળતું થયું છે.
ગુજરાતી ફિલ્મો સામાજિક જીવન સાથે જોડાયેલ છે. શરૂઆતમાં ગુજરાતી ફિલ્મો સંત પરંપરા આધારિત બનાવવામાં આવતી, જેમાં જેસલ તોરલ (1971) અને ગંગાસતી (1979) ફિલ્મોનો સમાવેશ થાય છે. આ સિવાય દિનેશ રાવલની ફિલ્મો અમર દેવીદાસ (1981) અને સંત રોહિદાસ (1982) સફળ ચલચિત્રોનું દિગ્દર્શન કર્યું છે. ત્યારબાદ ગ્રામીણ જીવન આધારિત ફિલ્મનો વધારો થયો. જેમાં ફિરોઝ સરકાર દિગ્દર્શિત ફિલ્મ જનમટીપ (1973) ફિલ્મ છે, જે ઈશ્વર પેટલીકર રચિત જનમટીપ (1944) નામની નવલકથા પરથી બનેલ છે. આ ફિલ્મમાં મહીકાંઠાના પછાત સમુદાયના પાત્રો અને તેમના લોકજીવન સાથે કથાનયિકાની પ્રતિકારની છટાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. વર્ષ 2000 પછી શહેરી જીવન આધારિત ફિલ્મોની વધારે પ્રમાણમાં શરૂઆત થઈ. આ આધુનિક સમયમાં શુભ આરંભ (2016), ભવની ભવાઇ (2017), રેવા (2018) અને ચલ જીવી લઈએ (2019) વગેરે ફિલ્મો દ્વારા ગુજરાતી સિનેમાના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે.
તાજેતરમાં પ્રસારિત થયેલ વંચિત સમુદાયના વિષયવસ્તુ આધારિત ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો, કૃષ્ણદેવ યાજ્ઞિકની ગુજરાતી ફિલ્મ ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ (2017) નાયક તિલોક અને તેનો નાનો ભાઈ સુંદર શૌચાલય ચલાવે છે. જ્યારે જયા અને તિલોક વચ્ચે પ્રેમ થાય છે. જેની જાણ જયાના પિતાને થતાં સંબંધ સ્વીકારતા નથી અને લોકોને ભેગા કરીને તિલોકને માર મારે છે. તિલોક જયાના પિતાને પડકાર આવે છે કે એક મહિનામાં પોતાનું મહત્ત્વ સાબિત કરશે. નાયક સમાજમાં શૌચાલયનું મહત્ત્વ સાબિત કરે છે. ડૉ. કે.આર. દેવમાનીની ફિલ્મ ‘તમે કેવા’ (2018) શહેરમાં દેખાતો જ્ઞાતિવાદ પર આધારિત છે. ફિલ્મમાં દલિત પાત્ર રામજી ભજવે છે. જે વ્યક્તિગત અને પ્રોફેશનલ જીવનમાં જ્ઞાતિવાદનો શિકાર બન્યો હોય છે. આ ફિલ્મમાં અન્ય કહાનીમાં નિમ્ન જ્ઞાતિનો પૈસાદાર છોકરો અને ઉચ્ચ જ્ઞાતિની છોકરીની પ્રેમકહાની દર્શાવી છે. પરતું જ્યારે આ બંનેના લગ્નની વાત આવે છે ત્યારે નિમ્ન જ્ઞાતિનો છોકરો પૈસાદાર હોવા છતાં ઉચ્ચ જ્ઞાતિની છોકરીના પિતા લગ્ન માટે તૈયાર થતાં નથી અને પોતાનો વિરોધ દર્શાવે છે (Mangalam, 2021). આ સિવાય અભિષેક શેઠની ગુજરાતી ‘હેલ્લારો’ (2019) ફિલ્મમાં કચ્છ રણવિસ્તારના વ્રજવાણી આસપાસ ગામોમાં વર્ષો મહિલાને ગરબા રમવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. પરતું ભુજ શહેરની એક મહિલા લગ્ન કરીને વ્રજવાણી ગામમાં જાય છે. આ મહિલા ગરબા નહિ રમવાના નિયમો તોડે છે અને દલિત ઢોલી ઢોલ વગાડે ત્યારે ગરબા રમે છે, ત્યારબાદ ગામની બધી જ મહિલા પાણી ભરવા જાય છે ત્યારે રોજ ગરબા રમે છે જેની જાણ ગામના પુરુષોને થતાં તેઓ મહિલા પર અત્યાચારો કરે છે અને ઢોલ વગાડનાર દલિત ઢોલીને ઢોરમાર મારવામાં આવે છે. આ ફિલ્મની કહાની વર્ષ 1975મા કચ્છમાં બનેલ છે. ‘જય ભીમ’ ફિલ્મ વિશે જાણકારી મેળવીએ.
‘જય ભીમ’ ફિલ્મ વિશે :
આદિવાસી સમુદાયના સંઘર્ષ પર બનેલી ફિલ્મ છે. વર્ષ 1990ની આસપાસ આદિવાસી પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા હતા તે સમયની સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. ગર્ભવતી આદિવાસી મહિલાનો પતિ પોલીસ કસ્ટડીમાંથી ગુમ થઈ જાય છે ત્યારે તેની પત્ની વકીલ ચંદ્રુની મદદથી કેસ લડે છે. સમગ્ર ફિલ્મ માનવીય સંવેદનાને જાગૃત કરે છે. આ ફિલ્મ 2 નવેમ્બર 2021ના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ મદ્રાસ હાઇકોર્ટના કેસ પર આધારિત છે જેમાં આદિવાસી સમુદાયના રાજાકન્નુ અને તેના બે સાથીઓ પર પોલીસ દ્વારા ખોટા આરોપ નાંખી બેરહમીની અત્યાચાર કરવામાં આવે છે, જેના વિરુદ્ધ રાજાકન્નુની પત્ની સેંગન્ની (સાચું નામ પાર્વથી) કાયદાકીય લડત આપી વિજય હાંસિલ કરે છે.
જય ભીમ’ ફિલ્મના ડાયરેક્ટર ટી.જે. જ્ઞાનવેલ અને મુખ્ય ધારાશાસ્ત્રીની ભૂમિકામાં સૂર્યા શિવકુમાર છે, જ્યારે લીજોમોલ જોશે આદિવાસી મહિલાની ભૂમિકામાં, મણિકંદન આદિવાસી મહિલાના પતિની ભૂમિકામાં અને અભિનેતા પ્રકાશ રાજે સ્વાભિમાની અને નીડર પોલીસ અધિકારીના રૂપમાં પોતાની ભૂમિકા દર્શાવી છે. આ ફિલ્મમાં સૂર્યા શિવકુમાર એક વકીલની ભૂમિકા તરીકે તે વંચિત, ગરીબ, અસહાય અને આદિવાસી સમુદાયના ન્યાય માટે ઊભો રહે છે. વાસ્તવિક રૂપમાં મદ્રાસ હાઇકોર્ટના નિવૃત્ત જજ કે. ચંદ્રૂથી પ્રેરિત છે. જેમને વર્ષો સુધી વકીલના વ્યવસાયમાં રહીને માનવ અધિકારો માટે અવાજ ઉઠાવી ન્યાય અપાવ્યો છે. માનવધિકારના કેસોમાં તેમને કોઈ પણ વાર પૈસા લીધા નથી. ન્યાયપાલિકામાં પ્રેરણાસ્રોત તરીકે નિવૃત્ત ન્યાયમૂર્તિ કે. ચંદ્રુ પર વધારે પ્રકાશ પાડવામાં આવ્યો છે.
‘જય ભીમ’ ફિલ્મમાં જાતિવાદ, કસ્ટોડિયલ ડેથ, તેમ જ શિક્ષા, અસ્પૃશ્યતા, અંધશ્રદ્ધા દર્શાવવા આવી છે. ફિલ્મના પહેલા જ દૃશ્યમાં જેલના પોલીસ અધિકારી જેલમાંથી છૂટતા દરેક કેદીને જાતિ પૂછીને અલગ કરે છે. ઉચ્ચ જાતિના કેદીને છોડી મૂકવામાં આવે છે જ્યારે નિમ્ન જ્ઞાતિના (કુરુવર અને ઇરુલા) કેદીઓને અલગ લાઇન કરીને બીજા ખોટા કેસોમાં ફસાવવામાં આવે છે અને પાછા જેલમાં પૂરી દેવામાં આવે છે. તેની પાછળનું કારણ એ છે કે પોલીસ રેકોર્ડમાં એવું બતાવવા માંગે છે કે પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ કેસોનું નિરાકરણ આવી ગયું. પરિણામે પોલીસ અધિકારીને આ કેસોના નિરાકરણના લીધે પ્રમોશન કે બઢતી માટે મળી શકે.
ફિલ્મમાં ઇરુલા સમુદાય ગામના છેવાડે ઝૂંપડપટ્ટી બાંધીને રહેતાં હોય છે. એક સીનમાં વરસાદનાં પાણી ઝૂંપડપટ્ટીમાં આવી જાય છે ત્યારે રાજાકન્નુ તેની પત્નીને વાયદો કરે છે કે ‘મૃત્યુ પામતા પહેલાં તને પાક્કા મકાનની માલિક બનાવીશ’. પરંતુ વાસ્તવિક્તામાં મકાન બનાવવા માટે જમીન જોઈએ. જે આદિવાસી પાસે નથી. ત્યારબાદ ઇરુલા સમુદાયને ભણાવવા ગામમાં શિક્ષિકા આવે છે. શિક્ષિકા ભણાવતા કહે છે કે ‘પટ્ટા પઢો’ ત્યારે રાજાકન્નુ કહે છે ‘જમીનના પટ્ટા તો મળવાના નથી’. એટલે કે જમીન વિહોણા આદિવાસીને રહેવા માટે જમીનનો એક ટુકડો પણ ફાળવવામાં આવતો નથી. જમીનના પટ્ટા કે ટુકડો અને અન્ય સરકારી લાભો લેવા માટે સરકારી દસ્તાવેજો જોઈએ. જે આદિવાસી પાસે નથી. ફિલ્મના એક દૃશ્યમાં આદિવાસીઓ જાતિ પ્રમાણપત્ર અને ચૂંટણીકાર્ડ મેળવવા માટે આદિવાસીઓ સરકારી કચેરીમાં જાય છે અને અનુસૂચિત જનજાતિ (એસ.ટી.) માટેનું પ્રમાણપત્ર આપવા સરકારી કર્મચારીને કહે છે ત્યારે સરકારી કર્મચારી કહે છે કે ‘એસ.ટી. પ્રમાણપત્ર માટે ‘મારી જાન કેમ ખાય છે’. તમે પાછા જંગલમાં જતાં રહો. આદિવાસીને જંગલમાં જ રહેવું જોઈએ. તમે કલેક્ટર પાસે જઈને લખાવી આવો તો જ કાઢી આપીશ. આવી જ રીતે ફિલ્મના અન્ય એક દૃશ્યમાં આદિવાસી લોકો જ્યારે સરકારી કચેરીમાં વોટ આપવા માટેના ચૂંટણી કાર્ડ કઢાવવા જાય છે ત્યારે પણ અધિકારી કહે છે કે ‘રેશનકાર્ડમાં નામ નથી તો કેવી રીતે ચૂંટણી કાર્ડ નીકળી શકે’. તથા ગામના સરપંચ ત્યારે હાજર હોય છે એ શિક્ષિકાને કહે છે ‘તમે ફક્ત ભણાવવા પર ધ્યાન આપો. ચૂંટણીકાર્ડ કઢાવી આપ્યા બાદ આદિવાસી માટે વોટ આપવા માટે માંગણી અમારે કરવાની’. આમ આદિવાસી લોકો જ્યારે સરકારી કચેરીમાં દસ્તાવેજો કઢાવવા જાય છે ત્યારે સરકારી કર્મચારી અને ઊંચ જ્ઞાતિના લોકો દ્વારા અયોગ્ય વર્તન કરવામાં આવે છે. તેમને નાગરિક તરીકે ગણવામાં પણ નથી આવતા. ફિલ્મમાં સમાજની વાસ્તવિક સ્થિતિ દર્શાવવામાં આવી છે કે આજે પણ અનેક વંચિત સમુદાયના લોકો પાસે ઓળખ માટેના દસ્તાવેજ હોતા નથી. વ્યવસ્થા તંત્રએ ઉપેક્ષિત સમુદાયના સહકાર આપી જવાબદારીપૂર્વક સરકારી ઓળખના દસ્તાવેજો કઢાવવામાં મદદ કરવી જોઈએ (Ramnath, 2021a).
ફિલ્મના એક દૃશ્યમાં રાજાકન્નુ એક ડાયલોગ કહે છે કે ‘મેં કેટલી બધી ઈંટો બનાવી છે પરંતુ મારા ઘર માટે હું પાક્કુ મકાન બનાવી શક્યો નથી’. બાબા સાહેબ આંબેડકરે 25 નવેમ્બર 1949ના સંવિધાન સભા ભાષણમાં કહ્યું હતું કે “26 નવેમ્બર 1949માં આપણે અંતવિરોધોના જીવનમાં પ્રવેશ કરવા માટે જઇ રહ્યાં છીએ. રાજનીતિમાં આપની પાસે સમાનતા હશે અને સામાજિક અને આર્થિક જીવનમાં આપની પાસે અસમાનતા હશે. રાજનીતિમાં આપણે એક વ્યક્તિ, એક વોટ, એક મૂલ્યના સિદ્ધાંતને માન્યતા આપીશું. પરંતુ આપણે સામાજિક અને આર્થિક જીવનમાં આપણે આપણાં સામાજિક અને આર્થિક માળખાના કારણે, એક વ્યક્તિ, એક મૂલ્યના સિદ્ધાંતને આલોચના કરતાં રહીશું”. બાબા સાહેબની કલ્પના સાચી સાબિત થઈ છે. વર્તમાન સમયમાં વર્ગ અને જ્ઞાતિની ખાય વધી રહી છે. આજે સામાજિક ભેદભાવ સાથે આર્થિક અસમાનતાના કારણે ગરીબ વ્યક્તિ ‘વસ્તુનું ઉત્પાદન’ કરે છે પરંતુ જે-તે વસ્તુ પોતે બનાવેલ હોવા છતાં તેનો ઉપભોગ કરી શકતો નથી. એટલે કે રાજાકન્નુના ડાયલોગમાં ગરીબ વ્યક્તિની માનસિક વ્યથા પ્રગટ કરવામાં આવી છે.
ઈરુલા આદિવાસી સાપ અને ઉંદર પકડવાનું પરંપરાગત કામ કરે છે. સાથે-સાથે રોજગારી મેળવવા આદિવાસી ઈંટોના ભઠ્ઠામાં કામ કરતાં દર્શાવવા આવે છે. ગામમાં ઊંચ જ્ઞાતિના સરપંચના ઘરમાં દાગીના ચોરી થાય છે તેનો આરોપ સરપંચના ઘરમાં સાપ પકડવા માટે આવેલ રાજાકન્નુ પર લગાવવામાં આવે છે. પોલીસ દ્વારા રાજાકન્નુની શોધખોળ કરવા માટે રાજાકન્નુના સબંધીઓ એટલે ભાઈ અને બહેનના પરિવાર બળજબરીપૂર્વક પોલીસ સ્ટેશનમાં લાવીને પોલીસ દ્વારા અસહ્ય દમન ગુજારવામાં આવે છે. રાજાકન્નુ ઈંટોના ભઠ્ઠામાં કામ કરવા ગયો હોય છે અને ત્યાંથી પરત ઘરે આવતા વચ્ચે ગામના સરપંચના માણસો દ્વારા તેને ખોટી રીતે પકડી લઈ સરપંચના ઘરે લાવવામાં આવે છે. ત્યાર બાદ સરપંચ પોલીસને ફોન કરી બોલાવીને રાજાકન્નુને પોલીસને સોંપી દે છે. પોલીસ દ્વારા રાજાકન્નુને દાગીના ચોરીના આરોપસર ખૂબ માર મારવામાં આવે છે. પરંતુ રાજાકન્નુ ખોટા આરોપનો સ્વીકાર કરતા નથી. અને એવું કહે કે છે ‘જે ચોરી અમે કરી નથી તો કબૂલ કેવી રીતે કરીએ’. પોલીસનો માર સહન ન થતાં રાજાકન્નુનો ભાઈ રાજાકન્નુને કહે છે કે ‘ભાઈ, આપણે ચોરી કરી છે એમ કહી દઈએ હવે પોલીસનો માર સહન થતો નથી’. ત્યારે રાજાકન્નુ કહે છે કે ‘પોલીસના મારના જખ્મ મટી જશે પરંતુ જે આપણા પર લગાવવામાં આવેલ ચોરીનો કલંક કેવી રીતે દૂર કરીશું’. ત્યાર બાદ પોલીસ દ્વારા ગુનાની કબૂલાત કરવા અસહ્ય માર મારવામાં આવે છે. રાજાકન્નુની પત્ની તેને ‘પોલીસ સ્ટેશનમાં ભોજન આપવા જાય છે ત્યારે રાજાકન્નુ પોલીસ મારના કારણે ભોજન ખાઈ શકતો નથી’. રાજાકન્નુને પોલીસ સ્ટેશનમાંથી છોડાવવા માટે સરપંચ પાસે જાય છે. પરંતુ સરપંચ કહે છે કે ‘હું આદિવાસીના વોટથી સરપંચ બન્યો નથી. તમે નાની જ્ઞાતિ અને મોટી વાત કરો છો’. સેંગન્ની શિક્ષિકાની મદદથી મદ્રાસ હાઇકોર્ટના વકીલ ચંદ્રુને મળે છે. ત્યાર બાદ સેંગન્ની પોલીસની બર્બરતાની કહાની વકીલને કહે છે. વકીલ દ્વારા હાઇકોર્ટમાં ‘બંધિ પ્રત્યક્ષીકરણ’ની અરજી કરે છે. ‘બંધિ પ્રત્યક્ષીકરણ’ (હેબિયર્સ કોપર) એટલે કોર્ટમાં રજૂ કરવાની અરજી. વ્યકિતને આઝાદ જીવન જીવવાનનો અધિકાર છે. તેને બંધિ બનાવી શકાય નથી. વકીલ ચંદ્રુ સેંગન્નીને કહે છે કે ‘પૂરાવાઓ વિના કેસ લડવો એ પણ ફક્ત પોલીસ વિરુદ્ધ નહિ પણ બહુ શક્તિશાળી લોકો વિરુદ્ધ અને સરકાર વિરુદ્ધ છે’. વકીલ ચંદ્રુ અને સરકારી વકીલ વચ્ચે દલીલમાં સરકારી વકીલ કહે છે કે ‘તમે માનવ અધિકારોની સહાનુભૂતિ દ્વારા કેસ જીતી શકાય નહિ’ ત્યારબાદ ચંદ્રુ કહે છે કે ‘હું કિસ્મત પર ભરોસો નથી કરતો પણ સત્ય પર કરું છું’. વકીલ ચંદ્રુ દ્વારા કેસને હાઇકોર્ટમાં મજબૂત રીતે મૂકવામાં આવે છે ત્યારે સ્થાનિક પોલીસ અધિકારી અને ગામના સરપંચ દ્વારા સેંગન્નીને કેસ પાછો ખેંચવા માટે દબાણ કરવામાં આવ છે. પરંતુ સેંગન્ની ન્યાય મેળવવાના પ્રયત્ન કરતી હોય એમ દર્શાવવામાં આવે છે. પરંતુ વકીલ ચંદ્રુને આપવા માટે પૈસા નથી એવું જ્યારે સંગીની કહે છે ત્યારે વકીલ કહે છે કે ‘તમારા સમાજના લોકોને ન્યાય મળશે એ જ મારી ફી હશે, અને ત્યારે જ હું શાંતિ થી સૂઈ જઈશ’.
કેસની ઊંડાણપૂર્વક પુનઃ તપાસ માટે વકીલ ચંદ્રુ દ્વારા સી.બી.આઇ.ની માંગ કરે છે. વકીલ કેસના તપાસ માટે આઇ.જી. પેરૂમલ સ્વામીના નામની ભલામણ કરે છે. ત્યાર બાદ આઇ.જી. પેરૂમલ સ્વામી તપાસમાં પોલીસ વિરુદ્ધ પણ પુરાવા બહાર લાવે છે. આઇ.જી. વાત કરતાં કહે છે કે ‘આપણે પોલીસવાળા ગુનેગારના પાપ જોઈએ છીએ, જ્યારે આ વકીલ ‘પોલીસવાળાના પાપ જુએ છે’. અન્ય એક સીનમાં આઇ.જી. સહાયક નટરાજ સાથે ચંદ્રુ કોર્ટ પરિસરમાં કેસ બાબતે વાત કરે છે. ત્યારે નટરાજ કહે છે કે ‘આમની જાતિમાં ચોર હોય છે’. એના જવાબમાં વકીલ કહે છે કે ‘કોની જાતિમાં ચોર હોતા નથી. મારી જાતિ, તમારી જાતિમાં મોટા-મોટા ચોર હોય છે. નટરાજ પહેલા આપણે લોકોને જાતિના આધારે વિભાજન કરવાનું બંધ કરી દેવું જોઈએ’.
આ ફિલ્મમાં ‘જય ભીમ’ ફિલ્મમાં પોલીસની બર્બરતા બતાવવાનો જ માત્ર ઉદ્દેશ નથી. પરંતુ તે માનસિકતામાં પ્રવેશવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જેમાંથી પોલીસની નિર્દયતા જેવી હિંસાનો જન્મ થાય. પોલીસ કેવી રીતે પૂર્વગ્રહો આધારિત વ્યવહાર કરે અને એક સમુદાય પ્રત્યે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવે છે (GSTV, 2021). જ્યારે ફિલ્મમાં રાજાકન્નુ પર પોલીસનો હદ બહાર દમન કરવામાં આવે છે તો પણ ખોટા ગુનાની કબૂલાત કરતા નથી. જ્યારે રાજાકન્નુનું પત્ની સેંગન્નીને DGP દ્વારા પરત લેવા વાત કરે છે અને પોલીસ દ્વારા પૈસા અપાવવાની ઓફર કરવામાં આવે છે, ત્યારે તે કહે છે કે ‘મારા છોકરા ભવિષ્યમાં પૂછશે કે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા ત્યારે હું શું જવાબ આપીશ કે આ પૈસા તારા બાપના હત્યારાઓને આપ્યા છે. અમને મારી નાંખશે તો પૂછવાવાળું કોણ છે. એનો અર્થ નથી કે અમે અમારું સ્વાભિમાન વેંચી દઈએ. કેસ હારી જઇશું તો પણ વાંધો નથી. તમારાથી થઈ શકે તો પોલીસવાળાને સજા કરાવો. આ મારી સ્વાભિમાનની લડત છે’. દમન અને અત્યાચાર કરી વ્યક્તિના સ્વાભિમાન હનન કરવાના પ્રયત્નો કરવામાં તો પણ ગરીબ અને વંચિત ઉપેક્ષિત સમાજ પોતાની અસ્મિતા અને સ્વાભિમાનની લડત માટે અગ્રેસર હોય છે. તથા વકીલ ચંદ્રુ કોર્ટ અનેક દલીલો કરતા કહે છે કે ‘આપણે તમિલ રાજ્યના મૂળ નિવાસી સાથે ખરાબ વ્યવહાર કરીએ છે. આપણે આપણો ઇતિહાસ ભૂલવો જોઈએ નહિ. નુકસાનની ભરપાઈ કરવામાં આવે અને ભોગ બનનારને શહેરમાં મકાન આપવામાં આવે’.
ફિલ્મમાં એક દૃશ્ય આવે છે જેમાં સ્કૂલમાં બાળકો દેશના મહાપુરુષોના વેશભૂષામાં તૈયાર થયેલા હોય છે એ જોઈને વકીલ ચંદ્રુ પ્રશ્ન કરે છે ‘અહીંયા ગાંધી, નહેરુ જેવા મોટા નેતાઓ છે પણ આંબેડકર કેમ દેખાતા નથી? જાહેર સ્થળોના કાર્યક્રમોમાં આયોજનપૂર્વક બાબાસાહેબ આંબેડકરના વિચારોથી બાળકોને દૂર રાખવામાં આવે છે. વિચારો ગમે તેટલા ઉત્તમ કેમ ન હોય પરંતુ કોના દ્વારા એ વિચારો કહેવામાં આવ્યા છે તે ભારતમાં ખૂબ માન્ય રાખે છે. જો ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં લોકશાહી મૂલ્યોનું સિંચન યોગ્ય રીતે કરવામાં આવે છે સમાજમાંથી અસમાન વ્યવસ્થા ઝડપી દૂર કરી શકાય.
અન્ય એક દૃશ્યમાં બાબાસાહેબ આંબેડકર, રામાસ્વામી પેરિયાર અને કાર્લ માર્ક્સના ફોટા જોવા મળે છે. દક્ષિણ ભારતની રાજનીતિમાં બાબા સાહેબ આંબેડકર, પેરિયાર અને માર્ક્સના વિચારોના સમન્વય જોવા મળે છે. જે ભારતની પરંપરાગત ડાબેરી વિચારધારાથી વિપરિત ઉપેક્ષિત નેતૃત્વનો સ્વીકાર કરવાના પક્ષધરમાં છે અને ભારત સંવિધાન થકી જ ઉપેક્ષિત સમુદાયની સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરે છે. તેમ જ ભારતની રાજનીતિમાં ફિલ્મ દ્વારા એક સંદેશ આપવામાં આવ્યો છે કે ઉપેક્ષિત સમાજની ભાગીદારી વિના ભારતનું રાજકારણ શક્ય નથી. એટલે કે એક ડાયલોગમાં વકીલ ચંદ્રુ કહે છે કે “આપણે ઇતિહાસ ભૂલી ગયા એટલે જ આ હાલત છે”. બાબા સાહેબના શબ્દો,આ કહીએ તો ‘જે વ્યક્તિ પોતાનો ઇતિહાસ નથી જાણતો એ વ્યક્તિ પોતાનો ઇતિહાસ બનાવી શકતો નથી’. વર્ણ આધારિત વ્યવસ્થામાં શુદ્ર અને અતિશુદ્ર સમુદાયને અમાનવીય અને અન્યાયી વ્યવહાર કરવામાં આવતો. આઝાદી બાદ પણ પરંપરાગત માનસિકતા સંપૂર્ણ દૂર થઈ નથી. સાથે-સાથે ઉપેક્ષિત સમુદાયે પણ પોતાના પર થયેલ અત્યાચારોને યાદ કરીને અન્યાયી વ્યવસ્થા સાથે કાયદાકીય લડત આપવાની છે. કાયદા દ્વારા જ કાયદા આધારિત શાસન વ્યવસ્થા ઊભી કરવાની છે જેમાં લોકોનો સામૂહિક પ્રયત્નોની આવશ્યકતા છે. એટલે કે ફિલ્મમાં વકીલ ચંદ્રુ બંધારણના કાયદા વિશે બોલતા કહે છે “કાયદો એક ખૂબ જ શકિતશાળી હથિયાર છે. પણ તમે આ હથિયારથી કોને બચાવો છે તેનાથી વધારે જરૂરી બીજું કશું નથી”. વંચિત અને ગરીબ ઉપેક્ષિત સમુદાયને વર્તમાન વ્યવસ્થા કેવી રીતે ન્યાય મળે તે બાબતે આપણે વિચાર કરવાની જરૂર છે.
ફિલ્મમાં ફક્ત એકવાર અત્યાચારના દૃશ્યો વચ્ચે અંગ્રેજીમાં ડૉ. બી.આર. આંબેડકરના શબ્દો કહેવામાં આવે છે કે ‘અમે ઇચ્છીએ છીએ કે અસ્પૃશ્યતાની નાબૂદી થાય. આપણે છેલ્લા 2000 વર્ષોથી અસ્પૃશ્યતાને પાળીને આગળ વધારીએ છીએ. કોઈએ તે અંગે ચિંતા કરી નથી. તમે જુઓ કોઇએ પણ તેની ચિંતા કરી નથી.’ (We want untouchability to be abolished. We have been carrying on with untouchability for the last 2000 years, nobody has bothered about it, nobody has bothered about it by B.R. Ambedkar). થિયેટર માટે ફિલ્મ બનાવવામાં આવી હતી પરંતુ કોવિડ-19ના લોકડાઉનના કારણે એમેઝોન પર રીલીઝ કરવામાં આવી હતી. ફિલ્મ પૂરી થવાની છેલ્લી ક્ષણોમાં વકીલ ચંદ્રુ પાસે આદિવાસી છોકરી (લાલ અને વાદળી કપડાં પહેરીને) બેઠી હોય છે. વકીલ જ્યારે હાથમાં છાપું લઈને જે રીતે આત્મવિશ્વાસ સાથે વાંચે છે ત્યારે એ જોઈને એવી જ રીતે એ છોકરી પણ એ જ આત્મવિશ્વાસ સાથે છાપું લઈને વાંચે છે.
જય ભીમ’ ફિલ્મના અંતમાં મરાઠી કવિતા ‘જય ભીમ’ દર્શાવવામાં આવે છે. આ કવિતામાં “જય ભીમ એટલે પ્રકાશ | જય ભીમ એટલે પ્રેમ | જય ભીમ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફની યાત્રા | જય ભીમ એટલે કરોડો વ્યક્તિઓના આંસુ |” વગેરે કહેવામાં આવ્યું છે. આ ‘જય ભીમ’ ફિલ્મમાં આવતી કવિતામાં અન્યાયરૂપી અંધકારમાંથી ન્યાયમૂલક સમાજ રચનાનું નિર્માણ કરવાની હાકલ કરે છે. તથા માનવી-માનવી સાથેના સબંધોમાં પ્રેમ અને પરંપરાગત વ્યવસ્થાનો ભોગ બનેલ કરોડો વ્યક્તિઓને સન્માનપૂર્વક જીવન જીવવાનો સંકલ્પ એટલે ‘જય ભીમ’. ‘જય ભીમ’ શબ્દની પરિભાષા જોઈએ તો ‘જય’ એટલે ‘વિજય’ (Victory) અને ‘ભીમ’ એટલે ‘વિચાર’, એટલે કે ‘વિચારનો વિજય’. ભારતના બંધારણમાં આપવામાં આવેલ મૂળભૂત અધિકારોના વિજયના સંદર્ભમાં વાત કરવામાં આવી છે. સમતા, સમાનતા, બંધુતા અને સ્વાતંત્ર્યતા વગેરે વિચારો આધારિત સમાજનું નિર્માણ થાય એ કલ્પના જ ‘જય ભીમ‘ છે.
સમાપન : ટીકાત્મક વિશ્લેષણ
દુનિયામાં ઘણાબધા માણસોની જીવનગાથા અને સાહસિક કાર્યો દરેક ક્ષેત્રમાં પ્રભાવિત કરે છે. જેમાં ફિલ્મ અભિનેતા, રાજનેતા અને સામાજિક કાર્યકરો વગેરે લોકોના જીવન પ્રેરણાસ્રોત તરીકે માનવામા આવે છે. આવી જ રીતે પ્રેરણાસ્રોત તરીકે નિવૃત્ત ન્યાયમૂર્તિ કે. ચંદ્રુ જ્યારે વકીલાત કરતાં ત્યારે અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવતા હતા. પૂર્વ ન્યાયમૂર્તિ કે. ચંદ્રુના મતે ‘ડાબેરી પાર્ટીઓ લોકોના પ્રશ્નો માટે વધારે કટીબદ્ધ છે. ફિલ્મ સંસ્થા અને વ્યક્તિગત પ્રયત્નોને દર્શાવે છે પરતું તે વકીલની વ્યક્તિગત સાહસિકતા દર્શાવતી નથી (Balasubramanyam, 2021). તેમના મત મુજબ ફિલ્મમાં દર્શાવવામાં આવેલ કેસની પ્રકૃતિ સમજવા માટે ડૉ. બાબા સાહેબનાં લખાણો અને ભાષણો ખૂબ જ મદદરૂપ થયા છે. જસ્ટિસ ચંદ્રુએ જજ તરીકે 96,000 જજમેન્ટના આપ્યા છે.
‘જય ભીમ’ ફિલ્મનું નામ ‘જય ભીમ’ કેમ રાખવામાં આવ્યું. તમિલ ફિલ્મોમાં ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના પહેલા કરવામાં આવી ન હતી. આ બધી બાબતો ધ્યાનમાં રાખીને ‘જય ભીમ’ ફિલ્મ રાખવાનું નક્કી કરવામાં આવ્યું. પરંતુ ફિલ્મ બારીકાઈથી જોઈએ તો ખ્યાલ આવે છે કે સમગ્ર ફિલ્મમાં ‘જય ભીમ’ના નારા સાથે લોકો ભેગા થઈને સંઘર્ષ કરતા હોય એવું ક્યાં ય જોવા મળતું નથી. છતાં ‘જય ભીમ’ ફિલ્મના નામના લીધે બહોળો સમુદાય કે જે ડૉ. બાબા સાહેબ આંબેડકરના વિચારોને માનનાર છે તેમના પ્રમોશનના કારણે પણ ફિલ્મ સફળ રહી છે. પરંતુ ફિલ્મમાં ડૉ. આંબેડકરના સંપૂર્ણ વિચારો લેવામાં આવ્યા નથી. માત્ર અમુક સીનમાં ડૉ. આંબેડકર વિશે આડકતરી રીતે દર્શાવવામાં આવ્યા છે. એક સીનમાં કાર્લ માર્ક્સ, બાબા સાહેબ આંબેડકર અને પેરિયારના ફોટા જોવા મળે છે. જે તમિલનાડુના વાસ્તવિક રાજકરણ સાથે સબંધ ધરાવે છે. આ સિવાય ખૂબ મહત્ત્વની વાત એ છે કે ‘જય ભીમ’ ફિલ્મના નાયક દલિત કે આદિવાસી નથી એટલે કે ફિલ્મ દ્વારા પ્રસિદ્ધિ અને આર્થિક ફાયદો બિન-દલિત અને બિન-આદિવાસી લોકોને થવાનો છે. આ ફિલ્મમાં એ ચોક્ક્સ કહી શકાય કે ન્યાયતંત્રમાં લોકો વિશ્વાસ માટે પુનઃસ્થાપિત કરવા માટે ફિલ્મ બનાવી છે. વર્તમાન સમયમાં જોઈએ તો, દલિત અને આદિવાસી સમાજ વિરુદ્ધ અત્યાચાર નિવારણ માટે એટ્રોસિટી એક્ટ, 1989 બનાવવામાં આવ્યો છે. આ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર અટકાવ અધિનિયમ 1989ના સેક્શન-4 અંતર્ગત ફરજમાં બેદરકારી અંગે સરકારી અધિકારીને સજાની જોગવાઈ કરવામાં આવે છે.
‘જય ભીમ’ ફિલ્મના લીધે સામુદાયિક અને ભાષાકીય મુદ્દા આધારિત વિરોધનો પણ સામનો કર્યો હતો. ફિલ્મમાં બતાવવામાંમાં આવેલ સમુદાયની વાત કરીએ તો, અમુક લોકોનો આરોપ છે કે ‘જય ભીમ’ ફિલ્મમાં વણીયાર્સ સમુદાય (તમિલનાડુની પછાત જાતિ) વિશે નકારાત્મક રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ દ્વારા ચોક્ક્સ સમુદાયને બદનામ કરવામાં આવ્યો છે. આ સમુદાય પોલીસના રૂપમાં ઇરૂલા આદિવાસીને ત્રાસ આપતો ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે, તે પણ સમુદાય વિરુદ્ધ હુમલા બરાબર છે જેની ભારે ટીકા સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે. આ ફિલ્મમાં ઈરાદાપૂર્વક એક સમુદાયને નબળા પાડવા માટે દર્શાવવામાં આવી છે. આ સંદર્ભે ફિલ્મ નિર્માતાને બિનશરતી માફી માંગવા અને સાત દિવસમાં 5 કરોડના નુકસાન ચૂકવવાની માંગ કરવામાં આવી છે. તથા આ સમુદાય વિરુદ્ધના નકારાત્મક સંદર્ભો દૂર કરવાની માંગ પણ કરવામાં આવી છે. અન્ય PMK પાર્ટી દ્વારા ‘જય ભીમ’ ફિલ્મના નાયક સૂર્યા પર હુમલા કરવારને 1 લાખ રૂપિયા આપવાની વાત કરી છે. ત્યાર બાદ સૂર્યાને ઘણીબધી ઘમકી પણ મળી હતી (Wire, 2021). ફિલ્મના રિલીઝ બાદ ઘમકી મળતા અભિનેતા સૂર્યાના નિવાસસ્થાને સશસ્ત્ર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સિવાય ફિલ્મમાં ભાષાકીય વિવાદની વાત કરીએ તો, રોહિત જયસ્વાલ દ્વારા તા. 2 નવેમ્બર 2021ના રોજ એક ટ્વિટ કરીને કહ્યું કે “જય ભીમ’ ફિલ્મ જોયા પછી ખરેખર મારું દિલ તૂટી ગયું. અભિનેતા કે કોઈને વિરુદ્ધ કશું પણ નથી. પરંતુ ખરખર ખરાબ લાગ્યું, ફિલ્મમાં એક સીન છે જેમાં એક વ્યક્તિ હિન્દી બોલે છે અને પ્રકાશ રાજ તેને થપ્પડ માટે છે અને તેને તમિલમાં બોલવાનું કહે છે. પ્રમાણિકપણે આ પ્રકારના સીનની જરૂર ન હતી, આશા છે કે તેને દૂર કરવામાં આવે”. દક્ષિણ ભારતમાં હિંદી ભાષાને વિરોધ એ કોઈ નવી બાબત નથી. છતાં ભાષાકીય રાજકારણને વેગ મળતા ફિલ્મમાંથી આ પ્રકાશરાજવાળો સીન દૂર કરવામાં આવ્યો હતો.
‘જય ભીમ’ ફિલ્મમાં પોલીસ તંત્રની વાસ્તવિક છબી બહાર લાવવામાં આવી છે. જેમાં પણ ખાસ કરીને પોલીસ અધિકારીમાં પોલીસ ઇન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની કેટલી હદે અસંવેદનશીલ છે તે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં પોલીસ સ્થાનિક રાજકીય લોકો અને સામાજિક શકિત ઘરાવતા લોકો માટે કામ કરવા માટે તત્પર રહે છે. પોલીસનો અભિગમ વ્યક્તિ-વ્યકિત અલગ હોય છે. ખાસ કરીને ગરીબ અને વંચિતોમાં ક્રૂર અને દમનકારી રહ્યો છે. ફિલ્મ દ્વારા પોલીસતંત્રની ચેતના વિકસિત કરવા માટેની શીખ મળે છે કે માનવીય મૂલ્યો વિના માનવી કેવો બની જાય છે તે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે, એટલે કે પોલીસ માટે સંવેદનશીલતાનો અભિગમ કેળવવો એ જ માત્ર રસ્તો છે.
ફિલ્મમાં દર્શાવવામાં આવેલ કોર્ટ રૂમમાં અને કોર્ટ રૂમની પ્રક્રિયા વાસ્તવિક જીવનની ન્યાયિક કાર્યવાહી સાથે નજીકનો સબંધ જોવા મળે છે. વકીલની વાત કરીએ તો, ફિલ્મમાં જ્યારે પોલીસનો અસહ્ય દમન કરવામાં આવતો હતો ત્યારે વકીલ દ્વારા ભોગ બનનારને સરળતાથી બહાર કાઢવાની જગ્યાએ પોતાના વ્યક્તિગત લાભ માટે પોલીસનો અત્યાચાર સહન કરવા જેલમાં જ રહેવા દે છે, એટલે કે ભોગ બનનારને જામીન અપાવતો નથી. અને ફિલ્મમાં એવું સૂચવે છે કે પોલીસ પાસે કારણ હોય છે એટલે કે ફિલ્મ પોતાનો નિશ્ચિત માર્ગને પકડી રાખે છે. રાજ્ય કેવી રીતે અન્યાય અને શોષણનો સ્રોત બની રહે છે તે દર્શાવવામાં આવ્યું છે. તથા ફિલ્મમાં આંતરિક સૂચન કરવામાં આવ્યું છે કે ઉપેક્ષિત સમુદાય માટે ન્યાયની શોધ એ જ સંઘર્ષ છે (Ramnath, 2021a).
References :
Balasubramanyam, C. (2021 , November 04). Justice K Chandru interview: Left parties more committed to the cause, ‘Jai Bhim’ will influence future policies. The New Indian Express.
Denzin, N. (1995). The Cinematic Society: The Voyeur’s Gaze. London: Sage Publications Ltd. .
Emmanuel D., Dr. Rajan. (2013). Social Status of Conjugal Womanhood: A Study with the Irula Tribe at Kunjapannai, Nilgris Region. IOSR Journal of Humanities and Social Science, 65-69.
ETV. (2022, February 9). Oscar 2022: ફિલ્મ ‘રાઈટીંગ વિથ ફાયર’ ‘જય ભીમ’ને આપી માત, જાણો કઈ રીતે. Retrieved from ETV Bharat: https://www.etvbharat.com/gujarati/gujarat/sitara/
cinema/how-different-is-writing-with-fire-from-jai-bhim-that-went-to-oscars-2022/gj
Frank Simon Stanley, Dr. P.K. Muthukumar . (2020). Socio Economic Conditions of Irula Tribe. Science, Technology and Development, 170-177.
GSTV. (2021 , November 3 ). જય ભીમ ફિલ્મ રિવ્યૂ/પોલીસની બર્બરતાનો નગ્ન ચહેરો રજૂ કરતી વાસ્તવિક કહાની, સદીઓથી અન્યાય અને અત્યાચાર વેઠતો આદિવાસી સમાજ. Retrieved from GSTV: https://www.gstv.in/jai-bhim-movie-review-gujarati-news/
GTN. (2022, April 30). Forest Department. Retrieved from Government of Tamil Nadu: https://www.forests.tn.gov.in/pages/view/Tribal_Development_on-going
Herrero, D. (2021). Anti-Caste Aesthet(h)ics in Contemporary Dalit Cinema: The Case of Asuran (2019). Revista Canaria de Estudios Ingleses, 37-49.
Mangalam, H. (2021). Dali Film and Commitment. In D. Giri, Subaltern Perspective in Indian Context Critical Responses (pp. 91-109). Delhi: Booksclinic Publishing.
Ramnath, N. (2021, November 7a). ‘Jai Bhim’ director Tha Se Gnanavel: ‘More Brutal Than Lock-up Torture is the Silence of Society. Retrieved from Scroll.in: https://scroll.in/reel/1009952/jai-bhim-director-tha-se-gnanavel-more-brutal-than-lock-up-torture-is-the-silence-of-society A
Ramnath, N. (2021, October 16). ‘Sardar Udham’ Review: A Portrait of a Man of History and Mystery . Retrieved from Scroll.in: Scroll.in: https://scroll.in/reel/1007747/sardar-udham-review-a-portrait-of-a-man-of-history-and-mystery
Wire, T. (2021 , November 22 ). Jai Bhim Row: Director Issues Apology to Vaniyyars, Says Don’t Blame Actor Suriya. Retrieved from The Wire: https://thewire.in/film/jai-bhim-row-director-issues-apology-to-vaniyyars-says-dont-blame-actor-suriya
Yengde, S. (2018). Dalit Cinema. South Asia: Journal of South Asian Studies, 1-16.
રિસર્ચ એસોસિયેટ, હ્યૂમન ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટર (HDRC), સેન્ટ ઝેવિયર્સ કોલેજ કેમ્પસ, અમદાવાદ – 380 009
E.mail : rajesh.cug@gmail.com
[પ્રગટ : ગુજરાત સામાજિક સેવા મંડળનું મુખપત્ર “સમાજકારણ”; જુલાઈ 2022; પૃ. 28-38]