મોહનદાસ કરમચંદ ગાંધી એક એવો માણસ છે જે જીવનમાં પ્રવેશે તો કાંઈક આપીને જાય અને કાં લઈને જાય. આ કથન મારું નથી. આ કથન હજારો લોકોનું છે, જેમણે ગાંધીજી સાથે કામ કર્યું હતું, અથવા ગાંધીનો અભ્યાસ કર્યો હતો અથવા અમસ્તા જ કુતૂહલ ખાતર આ માણસ હતો કોણ એ જાણવા માટે ગાંધીજીને સમજવાનો પ્રયાસ કર્યો હતો. એ દરેકને એવો અનુભવ થયો હતો અને આજે પણ થઈ રહ્યો છે કે આ ગાંધી નામનો માણસ કાં આપીને જાય છે અને કાં લઈને જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કાં પકડાવીને જાય છે, કાં છોડાવીને જાય છે. તેમણે દરેકે પોતપોતાની રીતે અલગ અલગ ભાષામાં ગાંધીજી માટે આવું કહ્યું છે. ખાતરી કરવી હોય તો તમે કરી શકો છો. એકાદ હજાર કથન મળી આવશે.
અનેકાંતવાદ અથવા સ્યાદવાદ સમજ્યા વિના કે અપનાવ્યા વિના જૈન તરીકે સો વરસ જીવી શકાય અને જૈનની આગલી પેઢી મૂકી જવાય. અને આવું જ બીજા ધર્મોના અનુયાયીઓ માટે. ધર્મને સમજ્યા વિના ધાર્મિક થઈ શકાય. ખરા અર્થમાં ‘સન્યાસી’ થયા વિના વસ્ત્ર બદલીને સન્યાસી થઈ શકાય, સન્યાસી તરીકેની કીર્તિ સાથે મરી શકાય અને ચેલા પણ પાછળ મૂકીને જઈ શકાય. અંગત જીવનમાં કોઈ પ્રકારનો ત્યાગ કર્યા વિના સમાજવાદી કે સામ્યવાદી બની શકાય. વધુ સંગ્રહ (શોષણ દ્વારા) અને થોડીક સખાવત કરીને ધનપતિ દાનેશ્વરી તરીકે પંકાઈ શકાય અને મૂડીવાદનો માનવીય ચહેરો ચીતરીને મૂડીવાદી થઈ શકાય. રાષ્ટ્રને સમજ્યા વિના કે રાષ્ટ્ર માટે ઘસાયા વિના (ત્યાગ અને બલિદાન તો બહુ દૂરની વાત છે) રાષ્ટ્રવાદી થઈ શકાય. ન ગમતા અવાજોને સાંભળ્યા વિના કે તેને ગૂંગળાવીને પણ લોકશાહીવાદી બની શકાય.
આ બધું જ શક્ય છે અને માટે લોકોને ધાર્મિક, સમાજવાદી, મૂડીવાદી, રાષ્ટ્રવાદી બનવામાં કોઈ તકલીફ પડતી નથી; કારણ કે એમાં ખાસ કાંઈ છોડવું પડતું નથી કે અપનાવવું પડતું નથી. એમાં ઢોંગ અને બેવડા જીવન માટે જોઈએ એટલી મોકળાશ મળે છે. માત્ર ગાંધી એક એવો માણસ છે જે પરેશાન કરે છે.
ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેમના ‘ચંપારણ કા ઇતિહાસ’ નામનાં પુસ્તકમાં લખ્યું છે કે ગાંધીએ ભય છોડાવી નિર્ભયતા પકડાવી. તેમણે નોકર – ચાકરવાળી સામંતશાહી જીવનશૈલી છોડાવી અને સ્વાશ્રય પકડાવ્યો. તેમણે પોતાનાથી ઉતરતાની સેવા લેવાની જગ્યાએ અમને તેમની સેવા કરતા કર્યા. તેમણે કાનૂનનો આશ્રય લેવાની જગ્યાએ પ્રજવિરોધી અન્યાયી કાનૂનનો અસ્વીકાર કરતા શીખવ્યું. તેમણે અંગ્રેજની જગ્યાએ પ્રજાજનની ભાષા અપનાવતા કર્યા. તેમણે છેવાડાના માણસની દયા ખાવાની જગ્યાએ તેની અંદર રહેલી આંતરિક તાકાતનો પરિચય કરાવ્યો. હિંસાની જગ્યાએ અહિંસાની તાકાતનો પરિચય કરાવ્યો. તેમણે અમને પોતપોતાને રસોડે જમવાની જગ્યાએ એક રસોડે જમતા કર્યા. રાજેન્દ્રબાબુએ તેમની અંદર માત્ર એક અઠવાડિયામાં થયેલા પરિવર્તન વિશે ઉક્ત પુસ્તકમાં લખ્યું છે.
અને આ બધું જ માત્ર એક અઠવાડિયામાં. અને આવો અનુભવ એકલા રાજેન્દ્રબાબુને નહોતો થયો. પણ એ સમયે ચંપારણમાં ગાંધીજીની સાથે ઉપસ્થિત હતા એવા આચાર્ય કૃપલાણી, અનુગ્રહ નારાયણ સિંહ જેવા એક ડઝન નેતાઓને થયો હતો. આવું સામાન્ય જનતાની સાથે પણ થયું હતું. આવું જ, આજે પણ એ લોકોની સાથે થઈ રહ્યું છે જે ગાંધીને સમજવાનો પ્રયાસ કરે છે. આ માણસ કાંઈક છોડાવે છે અને કાંઈક પકડાવે છે.
ગાંધીજીના આગમન પછી દેશના રાજકારણમાં જે પરિવર્તન આવ્યું એ આ હતું. ઘણું બધું છોડવું પડે એમ હતું અને ઘણું બધું અપનાવવું પડે એમ હતું. આ છોડવા અપનાવવાની જદ્દોજહદ આસાન નહોતી. રૂઢ માન્યતાઓ અને સંસ્કારો છોડવા પડે એમ હતાં. બીજાં કરતાં સામાજિક કે શૈક્ષણિક રીતે ઉપરવટ હોવાને કારણે મળતા લાભ છોડવા પડે એમ હતાં. બીજા પાસે સેવા કરાવવાનાં સદીઓ જૂનાં સંસ્કાર કે અધિકાર છોડવા પડે એમ હતાં. છેવાડાના માણસ સાથે એકપંક્તિએ બેસવાનું હતું. હરિજનોને અપનાવવા પડે એમ હતાં. સાચી નિસ્બત વિનાના નકલી સમાજવાદ રાષ્ટ્રવાદની કલાઈ ટકાવી રાખવી મુશ્કેલ હતી. સ્થાનિક ભાષા અને મહિલાઓનો રાષ્ટ્રજીવનમાં સહભાગ સ્વીકારવા પડે એમ હતાં. સાદગી અપનાવવી પડે એમ હતી. હવે ઢોંગ માટે કે અંગત જીવન અને જાહેર જીવન એમ બે અલગ અને વિરોધાાસી જીવન માટે જગ્યા રહી નહોતી.
ગાંધીજીના આગમન પછી દરેક ભારતીયે છોડવા અને અપનાવવાને લગતા નિર્ણયો લેવા પડયા હતા અને આજે પણ લેવા પડે છે. આ માણસથી છૂટકારો નથી. જે લોકો ધર્મ, જ્ઞાતિ, ભાષા કે જે તે પ્રકારની સરસાઇ છોડવા માગતા નથી એવા લોકો ગાંધીજીને બદનામ કરે છે. સો વરસથી તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે. તેમનું ચારિત્ર્યહનન કરવામાં આવે છે અને હનન (હત્યા) પણ કરવામાં આવી છે. જે લોકો સુખસુવિધાવાળું જીવન છોડી શકતા નથી અને લોકોની વચ્ચે લોકોની જેમ રહી શકતા નથી, જે લોકોને અંગ્રેજી દ્વારા આર્થિક સુખાકારી મળે છે અને તેને જે છોડવા માગતા નથી એવા લોકો ગાંધીજીને અવ્યવહારુ આદર્શવાદી કહીને પોતાનો પિંડ છોડાવે છે.
પણ તમને શું લાગે છે? ગાંધીજી જે છોડવાનું અને અપનાવવાનું કહે છે એ યોગ્ય છે કે અયોગ્ય? એ ગાંધીજીના યુગ માટે, આજ માટે અને આવતીકાલ માટે દુરસ્ત છે અને માટે ગાંધી લાખ પ્રયત્નો પછી પણ મારતો નથી અને મારવાનો પણ નથી.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 ઑક્ટોબર 2022