પ્રકરણ : ૧૦ :
(આ પ્રકરણ ૧૯ પેજનું છે. એમાં ઉર્સુલા ઉપરાન્તનાં ૪ પાત્રોની રસપ્રદ વાર્તા છે.)
ઉર્સુલા સૉ વર્ષની થઇ ગયેલી, મોતિયાને કારણે આંધળી થઈ ગઇ હોત, તેમ છતાં, એની શારીરિક સ્ફુર્તિ, એનું માનસિક સંતુલન, એનું ચારિત્ર્ય, બધું અકબંધ જળવાઈ રહેલું. પરિવારની પ્રતિષ્ઠાને જાળવે એવા ગુણવાન પુરુષને ઘડનારું ઉર્સુલાથી ચડિયાતું કોઈ હોઈ શકે જ નહીં. એવો પુરુષ કે જે કૂકડાલડાઈઓ, ભ્રષ્ટ સ્ત્રીઓ, દુ:સાહસો અને યુદ્ધની વાતોથી, ઉર્સુલાના મતે એ ચાર આપત્તિઓથી, દૂર હોય. કેમ કે એ ચારને કારણે સ્તો સૌની બરબાદી થયેલી. બાકી એણે તો ગમ્ભીર ભાવે કહેલું, ‘આ તો પાદરી થવાનો, ને ભગવાન મને જિવાડશે તો એ ય જોવા પામીશ કે એક દિ એ પોપ થઈ ગયો છે.’ એને આવું બોલતી સાંભળીને બધાં હસતાં.
કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા વય વધવાની સાથે ખાસ્સો બદલાઈ ગયેલો. યુદ્ધ છોડ્યું એટલે દેશની વાસ્તવિકતા સાથે કશી નિસબત ન રહી, સમાજથી પણ વિમુખ થઈ ગયો. આખો દિવસ વર્કશોપમાં પુરાઈ રહૅ ને સોનાની ઝીણી ઝીણી માછલીઓ બનાવ્યા કરે. એ દિવસોમાં એક સૈનિક ઘરની દેખરેખ રાખતો’તો. એક વાર એ કળણ પાસેનાં ગામડાંમાં જઈને સોનાની માછલીઓ વેચી આવેલો ને ખૂબ સિક્કા લઈને પાછો ફરેલો; જોડે રાજ્યના ભાતભાતના સમાચાર પણ લાવેલો.
પણ ઔરેલિયાનોને એ સમાચારમાંનું કશું જ જાણવામાં રસ નથી પડતો. એણે કહ્યું, ’મારી આગળ રાજકારણની વાત ન કર, આપણું કામ હવે સોનાની આ માછલીઓ વેચવાનું છે’.
ઔરેલિયાનોને દેશદુનિયા વિશે કશું પણ જાણવાની ઇચ્છા ન્હૉતી રહી, તે એટલા માટે કે એની વર્કશોપ બરાબ્બર જામેલી. ઉર્સુલાએ એ જાણ્યું ત્યારે એને હસવું આવેલું. અતિ વ્યવહારુ બુદ્ધિવાળી એ બાઈને સમજાઈ ગયું કે ઔરેલિયાનોનો ધંધો ચાલે છે કેવી રીતે – માછલીઓના બદલામાં સોનાના સિક્કા ને પછી એ સિક્કામાંથી પાછી સોનાની માછલીઓ; પાછા સિક્કા, પાછી માછલીઓ; અને એમ ચાલ્યા જ કરે ! સાર એ કે જેમ વેચાય એમ બધો વખત એણે કામ જ કર્યા કરવું પડે – એક થકવી નાખનારું વિષચક્ર.
એ દિવસોમાં કિશોર ઔરેલિયાનો સેગુન્દોને મેલ્કીઆદેસની લૅબોરેટરીમાં રસ પડી ગયેલો. મેલ્કીઆદેસનાં ત્યાં સચવાયેલાં સ્વૈર રહસ્યોમાં એ ખાંખાખોળા કરવા લાગેલો. મેલ્કીઆદેસે એને ઘણી વાર દેખા ય દીધેલી.
અભરાઇઓ પર પૂઠાંથી બાંધેલાં પીળાં પડી ગયેલાં અને તડકામાં ઘઉંવર્ણી થઈ ગયેલી માનવત્વચાના રંગનાં પુસ્તકો હતાં. પણ હસ્તપ્રતો એકદમ બરાબર હતી. ઘણાં વર્ષો લગી રૂમ બંધ હતો તો પણ લાગતું’તું કે ઘરના બાકીના ભાગોની સરખામણીમાં રૂમની હવા વધારે તાજી છે.
ઔરેલિયાનો સેગુન્દો એક પુસ્તકના વાચનમાં ડૂબી ગયેલો. પુસ્તકનું કવર હતું નહીં ને શીર્ષક પણ ક્યાં ય દેખાતું ન્હૉતું. એણે કેટલીક વાર્તાઓમાં બહુ મજા પડી ગઈ :
એક વાર્તામાં એક સ્ત્રી હોય છે, ટેબલ પર બેઠી બેઠી ભાતના એક એક દાણાને ટાંકણીથી ઉપાડીને ખાતી’તી.
એક વાર્તામાં માછીમાર પડોશી પાસેથી એની જાળ માટેનું વજનિયું લઈ આવેલો. એ પછી પૈસાને બદલે પડોશીને એણે માછલી આપી, પણ માછલીના પેટમાં તો હીરો હતો.
બીજી એક વાર્તામાં ઇચ્છાઓ પૂરી કરે એવો એક જાદુઈ ચિરાગ હોય છે.
તો વળી, એકમાં ઊડતી શેતરંજીઓની વાત હોય છે.
એ તો આશ્ચર્યચકિત થઈ ગયેલો. એણે ઉર્સુલાને પૂછ્યું – શું એ બધું સાચું હતું? ખરેખર બનેલું? ઉર્સુલાએ સમજાવ્યું કે ઘણાં ઘણાં વરસો પર માકોન્ડોમાં જિપ્સીઓ આવેલા ત્યારે એ લોકો જાદુઈ ચિરાગ ને ઊડતી શેતરંજીઓ લાવેલા. ઉર્સુલા નિસાસો નાખીને બોલી, ‘એવું છે બેટા, દુનિયા પતવા આવી છે, એવી વસ્તુઓ આપણે ત્યાં હવે ક્યાંથી આવવાની?’
કેટલીયે વાર્તાઓના અન્ત ન્હૉતા કેમ કે પાછલાં પાનાં ન્હૉતાં. પુસ્તક એણે બંધ કર્યું ને હસ્તપ્રતો ઉકેલવા માંડ્યો; પણ ફાવ્યો નહીં કેમ કે એ અશક્ય હતું. અક્ષરો તાર પર કપડાંની જેમ સૂકવવા મૂક્યા હોય એવા લાગ્યા, વધારે તો મ્યુઝિકલ નોટેશન્સ લાગ્યા.
એક બપોરે બહુ ગરમી હતી. એવે વખતે હસ્તપ્રતોને એ કાળજીથી સમજવા કરતો’તો, એને એકાએક લાગ્યું કે રૂમમાં પોતે એકલો નથી, કોઈ બીજું પણ છે. બારીએથી અજવાળું આવતું’તું, ઘૂંટણ પર હાથ ટેકવીને કોઈ બેઠેલું, અને તે હતો, મેલ્કીઆદેસ.
મેલ્કીઆદેસની વય ૪૦-થી પણ ઓછી લાગતી’તી. એણે એ જ જૂની ફૅશનની બંડી ને હૅટ પ્હૅરેલાં – હૅટ કાગડાની પાંખો લાગે. ગરમીને લીધે એના માથેથી નિસ્તેજ લમણાં પર ‘તેલ’ નીતરતું’તું. ઔરેલિયાનો અને હોસે આર્કાદિયો નાના હતા ત્યારે જોયેલો, અત્યારે એવો જ દેખાતો’તો. ઔરેલિયાનો સેગુન્દો એને તરત ઓળખી જાય છે, એને દાદાની યાદ આવી ગયેલી, કેમ કે વારસાગત સ્મૃતિ પેઢી દર પેઢી ઊતરી આવેલી.
‘હૅલો’, એ બોલ્યો.
મેલ્કિઆદેસે કહ્યું, ‘હૅલો, યન્ગ મૅન’.
અને એ દિવસથી, કેટલાં ય વરસો સુધી, બન્ને જણા લગભગ રોજ્જે મળતા રહ્યા છે. મેલ્કીઆદેસ એની આગળ દુનિયા વિશે વાતો કરે, પોતાનું ડહાપણ એનામાં રેડવા કરે. પણ એણે હસ્તપ્રતોનો અનુવાદ કરવાની ધરાર ના પાડેલી, સમજાવેલું કે ‘કોઈ પણ વ્યક્તિ, સૉ વરસની થાય એ પહેલાં, એના અર્થ જાણી શકશે નહીં.’
મેલ્કિઆદેસ સાથેની એ મુલાકાતો ઔરેલિયાનો સદા ગુપ્ત રાખે છે.
એનો જોડિયો ભાઈ હોસે આર્કાદિયો સેગુન્દો ધરમ તરફ વળતો જણાય છે, તો પણ, અચાનક, કૂકડાલડાઈઓના ખેલાડી રૂપે, કૉક ફાઇટર રૂપે, વિકસી આવે છે, એટલું જ નહીં, કદીક, ગર્દભો સાથે કામાચાર કરતો પણ જોવા મળે છે.
એક જુદું પણ બને છે : બન્ને જોડિયા ભાઈ એકદમ જુવાન થયા, બન્ને એક સમાન લાગતા’તા, બન્નેએ એક જ સ્ત્રી સાથે સહશયન કર્યું, પેત્રા કૉટ્સ સાથે.
પેત્રા એક મુલાટ્ટો (મુલાટ્ટો = જેનાં મા-બાપમાં એક શ્વેત હોય અને એક અશ્વેત) યુવતી હતી, બદામી આકારની પીળી આંખો, પૅન્થર લાગે, પણ પેત્રાનું દિલ ઉદાર હતું, પ્રેમને માટેની એની આતશ અદ્ભુત હતી. એ માકોન્ડોમાં આવી ત્યારથી ચિઠ્ઠીઓ નાખીને લોકોને ઉપાડવા ક્હૅ ને એવી કરામતથી વસ્તુઓ વેચે. મેલ્કિઆદેસવાળા રૂમમાંથી ઔરેલિયાનો આમ તો બ્હાર જ ન્હૉતો આવતો, પણ એનામાં એકાએક કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાની જુવાની જાગે છે અને એ વાસ્તવિક દુનિયામાં દાખલ થાય છે. કરામતમાં પેત્રાએ ચાલાકી કરીને એને ઍકોર્ડિયન જિતાડેલું અને ઘણી જ પરિચિત હોય એમ અભિનન્દન આપેલાં. કેમ કે એ પહેલી જ મુલાકાતમાં એ એના પ્રેમમાં પડી ગયેલી.
બે અઠવાડિયાં પછી ઔરેલિયાનો સેગુન્દોને ખબર પડી કે પેત્રા તો પોતાની સાથે ને ભાઈની સાથે વારાફરતી સૂવે છે ને એને ખબર જ નથી કે બે પુરુષો જુદા છે ! એને અનેકવાર ભ્રમ થયેલો કે – પોતે, ભાઈ છે? ના, નથી. તેમ છતાં, પોતાની એ વાતની એણે ચોખવટ ન કરી. પેત્રા એના હૈયાને ચાળાચસ્કા કરી પલાળે ને રૂમમાં ખૅંચી જાય, ત્યારે પણ નહીં.
હોસે આર્કાદિયો સેગુન્દોને પેત્રા કૉટ્સના સંસર્ગને કારણે યૌન રોગ થાય છે. એટલે એ એની સાથેના બધા જ સમ્પર્કો કાપી નાખે છે. પરન્તુ, ઔરેલિયાનો સેગુન્દો પેત્રા સાથે રહેવા મક્કમ હોય છે. ઔરેલિયાનો અને પેત્રાને બહુ બને છે, બન્નેને એકબીજા માટે ભાવના અને ભરપૂર આવેગ હોય છે.
એમના એવા સાયુજ્યમાં જાદુઈ કંઈક એવું હતું કે જેને પરિણામે ઔરેલિયાનોના ફાર્મનાં જાનવરો અદ્ભુત રીતનાં ફળદ્રૂપ, ઉપજાઉ, બની ગયેલાં ! એની ઘોડીઓ એક સાથે ત્રણ ત્રણ બચ્ચાંને જન્મ આપવા લાગી. એની મરઘીઓ દિવસમાં બે વાર ઈંડાં મૂકવા લાગી, અને એનાં સુવર એવી ઝડપે જાડાં થવા લાગ્યાં કે એ જાતની પ્રજનનક્ષમતાનો કશો ખુલાસો જ ન મળે, સિવાય કે એને બ્લૅક મૅજિકનો ખેલ કહી દઈએ !
ઔરેલિયાનોના નસીબની બલિહારી કે થોડાં જ વરસોમાં કશી યે મહેનત વિના માલેતુજાર બની ગયો. માકોન્ડોમાં એની પ્રગતિથી લોક ખુશ ખુશ થઈ ગયેલું. ઉર્સુલા એના એ પ્રપૌત્રને કહેતી, ‘હવે થોડી બચત કર, જીવનભર આ-નું-આ નસીબ નથી ટકવાનું.’ પણ ઔરેલિયાનો સેગુન્દો એને ગણકારતો નહીં.
રેમેડિયોસ ધ બ્યુટી —
Pic courtesy : society6
એક વાર એ પૈસાભરેલી મોટી પેટી સાથે દેખાયો. એના હાથમાં પેસ્ટ ને ટૂથબ્રશ હતાં. ગળું ફાડીને એકાએક એ ‘ફ્રાન્સસિસ્કો ધ મૅન’-નાં જૂનાં ગાયન ગાવા લાગ્યો. પછી ઘર પર એણે અંદર બ્હાર ઉપર નીચે બધે વન-પેસોની નૉટો ચૉંટાડી. (Today One-Peso to INR, 4.05) પિઆનોલા લાવેલા ત્યારથી સફેદ રંગે શોભતું મકાન એ કારણે વિચિત્ર લાગવા માંડ્યું.
એણે કામ સમ્પન્ન કીધું, કીચનનો આગલો ભાગ, બાથરૂમો, બેડરૂમો, કંઈ બાકી ન રાખ્યું. અરે, વધી તે નૉટો એણે આંગણામાં ફૅંકી દીધી !
એ બધું પત્યું. પછી ઉર્સુલાએ બધી નૉટો ઉખાડી લીધી. ભીંતોના રંગની કો’ક કો’ક પોપડીઓ ઉખડી ગયેલી. ઘર આખાને એણે ફરીથી સફેદ રંગે રંગાવ્યું. એ પ્રાર્થનાપૂર્વક બોલી, ‘હે પ્રભુ, આ ગામ વસાવ્યું ત્યારે અમે હતાં એવાં તું અમને પાછાં ગરીબ કરી દે, જેથી આ બરબાદી અંગે બીજા જનમમાં તારે અમને કશું પણ પૂછવું ન પડે.
વડદાદાની માફક હોસે આર્કાદિયો બ્વેન્દ્યા પણ શોધખોળો માટે હૉંશીલો અને આવેગશીલ હતો. એણે નૌકાઓ ને વહાણો માટેનો સમુદ્ર સુધીનો નદી-માર્ગ બનાવવાનો પુરુષાર્થ હાથ ધરેલો. વડદાદાને હતું એવું જ એ ગાંડપણ હતું. માકોન્ડોથી સમુદ્ર સુધીનો નદીમાર્ગ અશક્ય હતો કેમ કે નદી-તળ ખડકાળ હતું ને વ્હૅણ કેટલા ય ભાગોમાં તોફાની. પણ હોસે આર્કાદિયો બ્વેન્દ્યા કલ્પનાને બાજુએ રાખીને અંદરના કશા અકળ ઉછાળનો માર્યો પુરુષાર્થને પકડી રાખે છે – જો કે પેત્રા કૉટ્સ સાથેનું સાહસ અનિર્ણિત હતું તો પણ એણે ટકાવી રાખેલું; એ સિવાયની કોઈ સ્ત્રીને જાણવાની એણે કદ્દીયે ચેષ્ટા નહીં કરેલી.
રેમેડિયોસ ધ બ્યુટીને કાર્નિવલની રાણી ઘોષિત કરાય છે. એ અપૂર્વ અને સૌથી રૂપસુન્દર મનાવા લાગી છે. તો પણ એક બાળકના જેવી એ અજ્ઞાન અને નિર્દોષ છે. પોતાને પવિત્ર જચાવવા પૂજારીનો સ્વાંગ રચતા કૅત્રિનાના સ્ટોરના પેલા અધમ પુરુષો રેમેડિયોસનો ચ્હૅરો પળભર જોવા મળે એ માટે ચર્ચમાં જતા. મોટા ભાગનાઓની સુખદ ઊંઘ હરામ થઈ ગયેલી. બાકી તો કળણ સમગ્રમાં સૌને એ બધા શુભ દૃષ્ટિમતિવાળા દીસતા’તા !
જો કે, કાર્નિવલમાં વિપત્તિ ઊતરી આવે છે. એક પ્રતિસ્પર્ધી રાણી ફર્નાન્ડા ડેલ કાર્પિયો આવે છે. એને ભેદી અંગરક્ષકો દોરતા હોય છે. અંગરક્ષકો હુલ્લડ શરૂ કરે છે, ફાયરિન્ગ કરે છે, ઉત્સવી અનેક માર્યા જાય છે.
===
(October 2, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર