મધ્ય પ્રદેશના રાયસેના જિલ્લામાં તાજેતરમાં દિગંબર સમાજના પર્યુષણ પર્વ દરમિયાન અનોખા ઉપવાસ કરવામાં આવ્યા હતા. જિલ્લાના બેગમગંજમાં, એક હજાર જૈનોએ 24 કલાક માટે તેમના મોબાઈલ ફોન મંદિરમાં જમા કરાવી દીધા હતા. સમાજના જૈન મુનિઓએ લોકો સમક્ષ ઇ-ફાસ્ટિંગનો એટલે કે ઇન્ટરનેટથી દૂર રહેવાનો સંકલ્પ મુક્યો હતો. તેની પાછળ તર્ક એવો હતો કે લોકો મોબાઈલ ફોનના એટલા જ વ્યસની થઇ ગયા છે, જેટલા ચા-બીડી-તમાકુના થઇ જાય છે અને હવે એવી સ્થિતિ છે કે તેમાંથી છૂટવા માટે ઉપવાસની ટેવ પાડવી જોઈએ.
જૈન પરંપરામાં ઉપવાસનું ઘણું મહત્ત્વ છે. નોંધપાત્ર વાત એ છે કે તન-મનની શુદ્ધિ માટેની ઉપવાસ જેવી વૈજ્ઞાનિક ક્રિયાને ધર્મની પ્રાચીનતામાં બાંધેલી રાખવાને બદલે, સમાજના ચિંતનશીલ આગેવાનો-મુનિઓએ તેને વર્તમાન જીવનશૈલી સાથે જોડીને આધુનિક અને વધુ ઉપયોગી બનાવી છે. કોઈ રીત કે રસમને તમે ધર્મ સાથે જોડી દો, તે પછી આસ્થાની તાકાતના જોરે તેનું અનુસરણ કરવાનું આસાન થઇ જાય છે.
દાખલા તરીકે, આપણે ખાવા-પીવાની એક સશક્ત સંસ્કૃતિમાં જીવીએ છીએ. આપણી તમામ સામાજિક પ્રવૃત્તિઓ અને રોજિંદુ જીવન સુધ્ધાં ખાવા-પીવાની આસપાસ ફરે છે. પૃથ્વી પર કૃષિ ક્રાંતિ અને ઔધોગિક કૃષિ પછી ખાવા-પીવાની ઉપલબ્ધતા એટલા વિપુલ પ્રમાણમાં વધી ગઈ છે કે શું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવુંના નિયમો તડકે મુકાઈ ગયા છે, અને માણસો મન થાય તે રીતે ખાતા થયા છે. જ્યારે આખી સંસ્કૃતિ ખાવા-પીવાની આસપાસ ફરતી હોય, ત્યાં સ્વૈચ્છિક સંયમ અઘરો થઇ જાય છે, પણ તમે જો સંયમને ધાર્મિક આસ્થા સાથે જોડી દો, તો લોકો હોંશે-હોંશે ઉપવાસ કરતાં થાય છે.
જેમ ખાનપાનનો અતિરેક આધુનિક જીવનનું લક્ષણ છે, તેવી રીતે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ક્રાંતિમાં ડિજીટલ અકરાંતિયાપણું વધી ગયું છે. પાછલા બે દાયકામાં ડિજીટલ ટેકનોલોજીનો એટલો તેજ ગતિએ વિકાસ થયો છે, લોકો હવે તેના વ્યસની બની ગયા છે અને તેનાં દુષ્પરિણામો પણ દેખાવા લાગ્યાં છે. ઇન ફેક્ટ, ઘણી સોશ્યલ મીડિયા કંપનીઓ ડિજિટલ પ્લેટફોર્મ પૂરાં પાડવાને નામે ‘વ્યસન વેચે’ છે. એક જમાનામાં સિગારેટ કંપનીઓ આવી રીતે વ્યસન વેચતી હતી.
હવે સરકારો પણ સફાળી જાગી છે. દાખલા તરીકે, અમેરિકન સેનેટમાં સ્માર્ટ એક્ટનો ખરડો મુકવામાં આવ્યો છે, જેમાં જે કંપનીઓ કાચી ઉંમરનાં બાળકોને ટેકનોલોજી-પ્રોડક્ટ્સના ઉપયોગથી દૂર રાખવામાં નિષ્ફળ જાય તેમને દંડવાની જોગવાઈ છે. તેમાં બીજી પણ એક જોગવાઈ છે. સોશ્યલ મીડિયા કંપનીઓએ તેમનાં પ્લેટફોર્મનો ઉપયોગ 30 મિનિટ સુધી સીમિત કરવો જોઈએ. તેથી વધુ કોઈને ઉપયોગ કરવો હોય, તો તેણે સમય મર્યાદા દૂર કરવા સૂચન કરવું પડશે. બ્રિટન પણ આવો કાયદો વિચારી રહ્યું છે.
સોશ્યલ મીડિયાના વ્યસન અને પાન-બીડી-તમાકુનાં વ્યસનમાં ફરક એ છે કે પાન-બીડી-તમાકુની લત દરેકને એક સરખી લાગે છે, જ્યારે સોશ્યલ મીડિયા વ્યક્તિ-કેન્દ્રિત વ્યસન છે. વ્યક્તિ તેનો જેટલો ઉપયોગ કરે તેટલું તે તેના માટે વ્યસન બનતું જાય, કારણ કે વ્યક્તિ શું સર્ચ કરે છે અથવા શું “આરોગે” છે તેના ડેટાના આધારે તે પ્લેટફોર્મ તેને એવી જ સામગ્રી “પીરસતું” જાય છે.
આ લખનાર જ્યારે કોલજમાં હતો, ત્યારે જોયું હતું કે શહેરના બસ સ્ટેન્ડ પાસે ચાની એક લારી પર અત્યંત ઘરાકી રહેતી હતી. ચાવાળા બીજા પણ હતા, પરંતુ આ ચોક્કસ લારીની ચાની “મજા” જ કંઇક ઔર હતી. એકવાર કોઈ ચા પીવે, પછી પાછો ત્યાં જ આવે. પાછળથી ગપસપમાં ખબર પડી કે ચાવાળો ચામાં અફીણનાં ડીંડવાં નાખતો હતો. સોશ્યલ મીડિયા પણ તમને એક ચીજનો ચસ્કો લગાડે પછી એવી જ ચીજોનાં વિકલ્પ પૂરું પાડતું જાય છે. ફરક એ છે કે પેલાની ચા બધા માટે સરખી બનતી હતી, પણ સોશ્યલ મીડિયાની લારીએ દરેક વ્યસનીની ચાનું અફીણ જુદું-જુદું હોય છે.
ધારો કે બસ સ્ટેન્ડવાળી લારીની સામે આધુનિક ટી-લોન્જ શરૂ થાય છે. એ લોન્જના માણસો તમે જે કપમાં ચા પીધી હોય તે એકત્ર કરીને લેબોરેટરીમાં મોકલે છે. એ ચાના કપમાં ચોંટેલા તમારા મોઢાના સલિવાનું લેબમાં પરીક્ષણ થાય છે. જેના આધારે તમારી બાયોલોજી કેવા વ્યસન માટે અનુકૂળ છે તેની ખબર પડે છે. બીજા દિવસે તમે ટી-લોન્જમાં જાઓ, ત્યારે તમારા કપની ચામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હોય છે, જેની તમને વધુ “મજા” આવે છે.
આવું રોજેરોજ બનતું રહે અને લોન્જવાળો ઉત્તરોતર તમારા વિશે ડેટા એકત્ર કરતો રહે અને એવી ચા બનાવતો રહે કે તમે જાતને રોકી ન શકો. હવે તમે તેની ચાના વ્યસની બની ગયા છો અને એ પ્રક્રિયામાં તમે જ તેને મદદ કરી છે. સોશ્યલ મીડિયામાં પણ આવું જ થાય છે. તમે જેટલી વાર એ પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો, કંપનીનું અલગોરિધમ તમારી હરકતોનો ડેટા ભેગો કરે છે અને તમારા માટે દરેક અનુભવને લત લાગે તેવો બનાવે છે.
સોશ્યલ મીડિયાની કંપનીઓ એવી “સિગારેટ” બનાવે છે, જેમાં તેમનો હેતુ સિગારેટનું ઉત્પાદન વધારવાનો નથી, પણ સિગારેટમાં નિકોટીન વધારતા જવાનો છે. તમે અલગોરિધમને નિકોટીન કહી શકો. જેમ જેમ તમે ઉપયોગ વધારતા જાઓ, તેમ તેમ તેના વ્યસનની તાકાત વધતી જાય. દુનિયાને હવે આ ડિજીટલ રમતની ખબર પડવા લાગી છે અને તેના વ્યસન બાબતે લોકો સભાન થવા લાગ્યા છે.
મધ્ય પ્રદેશના જૈન લોકોએ મોબાઈલ ઉપવાસની જે પહેલ શરૂ કરી છે, પશ્ચિમમાં તેની શરૂઆત ડિજીટલ ડિટોક્સિફિકેશનના નામથી થઇ છે. ડિટોક્સિફિકેશન એટલે શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢવાં તે. ડિજીટલ વ્યસનના કેસમાં, થોડા સમય માટે મોબાઈલ ફોન કે અન્ય ડિવાઈસને દૂર રાખવાં તેને ડિટોક્સિફિકેશન કહે છે, જેથી મગજને સોશ્યલ મીડિયા કે ઇન્ટરનેટ વગર રહેવાની ટેવ પડે. અમેરિકાનો એક અભ્યાસ કહે છે કે ત્યાં સરેરાસ વયસ્ક લોકો રોજના 11 કલાક ડિજીટલ મીડિયા પર વાપરે છે.
જીવનલક્ષી કોઈ ઉદ્દેશ્ય વગર માહિતીઓને અંદર ઉતારતા જવું આમ ભલે બિનહાનિકારક લાગે, પરંતુ લાંબા ગાળે તે ચિત્તમાં અસર કરે છે. પુસ્તકો અને સામાયિકોથી વિપરીત, સમાચારો અને સોશ્યલ મીડિયાની સામગ્રીઓ આપણે બેસુમાર ‘આરોગીએ’ છીએ, જે આપણને સતત સ્ટ્રેસમાં, ડરમાં, આક્રમક લાગણીઓમાં અને સંકુચિત દૃષ્ટિમાં કેદ રાખે છે. સોશ્યલ મીડિયા પર મોટા ભાગના લોકો સતત ચીડમાં હોય છે, કટાક્ષ અને નફરતની હિંસક ભાવનાઓમાં હોય છે, તે આ ઇન્ફોર્મેશન ઓવર-ઇટિંગનું પરિણામ છે. સમાચારોનો ઉપવાસ માનસિક તંદુરસ્તી માટે ઇચ્છનીય છે.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 09 ઑક્ટોબર 2022)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર