સદાકાળ પ્રસ્તુત, સદાકાળ ન ઓળખાયેલા ઝવેરચંદ મેઘાણી
રવિવાર, 02 ઑક્ટોબર 2022ના રોજ, અમદાવાદ ખાતે, ’ગુજરાતી લેખક મંડળ’ આયોજિત વાર્ષિક પરિસંવાદ – “અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાત’માં ‘મેઘાણી અદાલતનાંના કઠેડે’ વિષયના વક્તા સંજયભાઈ ભાવેનું વક્તવ્ય
ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ ‘સિંધુડો’ એપ્રિલ 1930માં પ્રસિદ્ધ થયો. દેશભક્તિની 15 રચનાઓનો આ સંચય ખૂબ લોકપ્રિય થયો. તેની પહેલી આવૃત્તિની દસ હજાર નકલોમાંથી મોટા ભાગની લોકોએ વસાવી અને બાકીની અંગ્રેજ સરકારે જપ્ત કરી. એટલે બરાબર બે વર્ષ બાદ સ્વાતંત્ર્ય સેનાનીઓએ તેની સાયક્લોસ્ટાઇલ ‘કાનૂનભંગ આવૃત્તિ’નો ફેલાવો કર્યો. તે રતુભાઈ અદાણીના સુંદર હસ્તાક્ષરે લખાઈને સાયક્લોસ્ટાઇલ થઈને વહેંચાવા માંડી. ત્યાર બાદ આ કાનૂનભંગ આવૃત્તિ, 1930ના ધોલેરા સત્યાગ્રહની સુવર્ણ જયંતી નિમિત્તે એપ્રિલ 1980માં ધોલેરા સત્યાગ્રહ સૈનિક સંઘ સુવર્ણ જયંતીના અવસરે વજુભાઈ શાહની નોંધ સાથે ફરીથી પ્રસિદ્ધ કરવામાં આવી. હમણાં એપ્રિલ 2022માં ધોલેરા સત્યાગ્રહની અને ‘સિંધુડો’ની 92મી જયંતીએ ઝવેરચંદ મેઘાણી સ્મૃતિસંસ્થાને મેઘાણી રચિત ‘શૌર્ય અને દેશપ્રપ્રેમનાં ગીતો’ નું એક પુસ્તક ‘સિંધુડો’ નામે બહાર પાડ્યું છે. તેમાં મૂળ સંગ્રહની રચનાઓ અને અન્ય સંગ્રહોમાંથી ચૂંટેલી પંદર એમ કુલ ત્રીસ રચનાઓ સાથે મૂકી છે.
જો કે, ઉપરોક્ત આવૃત્તિઓ સિવાય ‘સિંધુડો’ અલગ સંચય તરીકે અસ્તિત્વમાં નથી. જયંત મેઘાણીએ ‘સોના નાવડી’ નામે સંપાદિત કરેલાં ઝવેરચંદ મેઘાણીની સમગ્ર કવિતાના પુસ્તકમાં ઝવેરચંદ મેઘાણીના કાવ્યસંગ્રહોની યાદી આપી છે. તેમાં ‘સિંધુડો’ની બાજુમાં ફૂદડી કરીને તેમણે નોંધ્યું છે. ‘આ સંગ્રહના લગભગ બધાં કાવ્યો પછી બહાર પડેલાં કાવ્યસંગ્રહોમાં સમાવેશ પામેલાં.’ તેમને સમાવનારા મુખ્ય કાવ્યસંગ્રહ તે ‘યુગવંદના’. અલબત્ત, ’યુગવંદના’ પહેલાં આ રચનાઓ ‘પીડિતોનાં ગીતો’ (1933) નામના સંગ્રહમાં પ્રસિદ્ધ થઈ હતી. ‘સિંધુડો’નાં જે કાવ્યો ‘યુગવંદના’માં સમાવાયાં છે તેનાં નામ અને પહેલી પંક્તિ નીચે મુજબ છે :
બીક કોની મા તને? (પહેલી પંક્તિ : ‘બીક કોની! બીક કોની ! …’), કાલ જાગે (‘જાગો જગના ક્ષુધાર્થ …’), કેમ ગમે? (‘ધરતીને પટે પગલે પગલે …’), સ્વતંત્રતાની મીઠાશ (‘તારા નામમાં, ઓ સ્વતંત્રતા’), તરૂણોનું મનોરાજ્ય (‘ઘટમાં ઘોડાં થનગને …’), ભીરૂ (‘ધરા પર માહરે કોઈ શત્રુ નથી’), નવ કહેજો (‘રણવગડા જેણે વીંધ્યા …’), ઝંખના (‘મારી માઝમ રાતનાં સોણલાં …’), ગાઓ બળવાનાં ગાન! (‘ઉઠ અવનીના શ્રમજીવી …’), ઉઠો! (‘ઉઠો સાવજ-શૂરાની બેટડી ! …’), છેલ્લી પ્રાર્થના (‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ …’)
‘સિંધુડો’ના ત્રણ કાવ્યો ‘યુગવંદના’માં સમાવાયાં નથી તે ‘એકતારો’માં વાંચવા મળે છે : યજ્ઞધૂપ (‘આઘેરી વનરાઈમાં ઇંધન ક્યાં ચેતાય? …), વીર જતીન્દ્રનાં સંભારણાં (‘રણશિંગાં બજિયાં નહીં …’) અને મોતનાં કંકુ-ઘોળણ (‘કંકુ ઘોળજો જી રે …’). એ પણ નોંધવું જોઈએ કે ‘શિવાજીનું હાલરડું’ (‘આભમાં ઊગેલ ચાંદલો …’) મેઘાણીના ‘સિંધુડો’ પૂર્વેના બીજા ક્રમે પ્રસિદ્ધ થયેલા સંગ્રહ ‘કિલ્લોલ’(1929)માંથી ‘સિંધુડો’માં લેવામાં આવ્યું છે.
‘સિંધુડો’ની પહેલી આવૃત્તિ ‘ભારતવર્ષના વર્તમાન સ્વાતંત્ર્ય-સંગ્રામના તમામ સૈનિકોને’ સમર્પિત કરવામાં આવી છે. તેના ‘નિવેદન’માં કવિ માહિતી આપે છે કે આ સંગ્રહમાં તેમણે ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના મુખપૃષ્ઠ માટે લખેલાં અને થોડાં બીજાં ગીતો સમાવવામાં આવ્યાં છે. પછી તે જણાવે છે : ‘‘સિંધુડો’ શબ્દ ગુજરાત કાઠિયાવાડમાં જાણીતો છે. એ યુદ્ધના અને શૌર્યના સૂરનું સૂચન કરે છે.’ કવિ લાક્ષણિક નમ્રતાથી કહે છે કે ‘ગીતો કાવ્યત્વની કસોટીએ તો કાચાં છે જ’ અને સાથે એ પણ જણાવે છે કે તેમને પ્રસિદ્ધ કરવાની યોગ્યતા એક જ છે : ‘જેઓએ વાંચ્યાં-સાંભળ્યાં છે તેમની ચાહના. કેટલેક સ્થળે મોટી મેદનીઓ વચ્ચે પણ એ ઝિલાયાં છે.’ આ ગીતોની સર્જન-પ્રકિયાનો નિર્દેશ આપતાં મેઘાણી હંમેશની બૌદ્ધિક પ્રામાણિકતાથી સ્વીકારે છે : ‘આમાંનાં કેટલાંએક યુરોપી કવિતાનો આધાર લઈને રચાયાં છે : બાકીનાં સ્વયં-સ્ફુરિત છે. સ્વયં-સ્ફુરણાનો જેમ ગર્વ નથી, તેમ આધાર લઈને રચેલાંની શરમ નથી. શું અનુવાદમાં કે શું સ્વયં-કૃતિમાં, જેટલું સ્વાભાવિક હોય તેટલું જ સાચું છે.’
‘સિંધુડો’ની અનુક્રમણિકામાં કેટલાંક ગીતોનાં નામ આગળ નિશાની છે. અનુક્રમને અંતે કવિએ નોંધ્યું છે કે ફુદેડીની ‘નિશાનીવાળાં [ગીતો] આધાર લઈને રચાએલાં છે’. એવાં ત્રણમાંથી પહેલું ‘કાલ જાગે’ અંગ્રેજી કાવ્ય ‘એન્થમ ઑફ ધ ડિસઇનહેરિટેડ’ પર આધારિત છે. ‘ભીરુ’ કવિતા ચાર્લ્સ મેકે નામના સ્કૉટિશ કવિની ‘કૉવર્ડ’ નામની રચના પરથી ઊતારેલું છે એમ કવિએ એક પાદટીપમાં જણાવ્યું છે. ‘નવ કહેજો’ ગીત ‘શ્રી જગદીશચન્દ્ર બોઝના એક વ્યાખ્યાનને છેડે એમણે ટાંકેલી એક અંગ્રેજી કાવ્યકડી પરથી’ સ્ફુર્યું છે એમ કવિ જણાવે છે. ‘ઉઠો’ દ્વિજેન્દ્રલાલ રાયના બંગાળી નાટક ‘શાહજહાં’માંથી લેવામાં આવ્યું છે. ‘છેલ્લી પ્રાર્થના’ અંગે કવિ પાદટીપમાં નોંધે છે કે તે ‘આયરીશ વીર મેક્સ્વીનીના એક ઉદ્દગાર પરથી સ્ફુરેલું’.
‘સિંધુડો’ની રચનાઓમાંથી નેવું વર્ષ પછી પણ પસાર થતાં ઉત્તેજના અનુભવાય છે, તેની પ્રસ્તુતતા જણાય છે. મેઘાણીએ ‘કાનૂનભંગ આવૃત્તિ’ના નિવેદનમાં લખ્યું :
‘મુંબઈની સરકારે ‘સિંધુડો’ શા માટે જપ્ત કર્યો હશે? ‘સિંધુડો’ના સંગ્રામ-ગીતો શું એવાં ભયાનક છે? એક વખત ‘નીતિનાશને માર્ગે’ જેવું પુસ્તક જપ્ત કરનાર સરકારની આ પણ એક બેવકૂફી તો ન હોય! સાવ એમ તો નથી. સ્વાતંત્ર્ય-સંગ્રામની પ્રભાતે એટલે તા. 6ઠ્ઠી એપ્રિલના રોજ ‘સિંધુડોએ’ એ દેખા દીધા. દસ-બાર હજારની માનવમેદની વચ્ચે ધોલેરાના અમૃત ચોકમાં જે વખતે ‘કંકુ ધોળજો જી’ ગવાયું અને સબરસની લૂંટ કરવા જતા હજારો વર્ષની ‘વેદના’ સંભળાવી દર્દભરી વિદાય આપી, તે દિવસે ‘સિંધુડો’ની પહેલી કિંમત અંકાઈ. અને ત્યાર પછી તો ગુજરાત-કાઠિયાવાડના સૈનિકોએ મસ્તીભર એ ગીતો લલકાર્યાં. ‘સિંધુડો’ના કવિએ કોર્ટમાં ફાટતે સ્વરે ‘વેદના’ પોકારી, ત્યારે સેંકડો રડ્યા હતા. નઠોર અમલદારની આંખ પણ ભીની થઈ હતી. સરકારને ‘સિંધુડો’ જપ્ત કરવા આટલું બસ હતું.’
ઉપરોક્ત નિવેદનમાં બે અલગ પ્રેરણાદાયી ઐતિહાસિક બનાવોનો ઉલ્લેખ છે. તેમાંથી પહેલો બનાવ ધોલેરા સત્યાગ્રહનો છે. ગાંધીજીએ 6 એપ્રિલ 1930ના દિવસે દાંડીના દરિયાકાંઠે ચપટી મીઠું ઊપાડીને સત્યાગ્રહનો આરંભ કર્યો. એ વખતે સૌરાષ્ટ્રના હોનહાર પત્રકાર અમૃતલાલ શેઠના નેતૃત્વ હેઠળ ધોલેરા ખાતે સત્યાગ્રહ શરૂ થયો. આ સત્યાગ્રહની ચાર મુખ્ય છાવણીઓ હતી : ધોલેરા, ધંધુકા, રાણપુર અને બરવાળા. ધોલેરા સત્યાગ્રહમાં સૌરાષ્ટ્રના જાહેર જીવનનાં અનેક સ્ત્રી-પુરુષો જોડાયાં હતાં. તેમાંથી કેટલાંક આ મુજબ હતાં : કકલભાઈ કોઠારી, મનુભાઈ જોધાણી, વજુભાઈ શાહ, મોહનલાલ મહેતા ‘સોપાન’, રતુભાઈ અદાણી, મનુભાઈ પંચોળી, જયમલ્લ પરમાર, દેવીબહેન પટ્ટણી, અમૃતલાલ શેઠનાં પત્ની રૂક્ષ્મણીબહેન, પુત્રી લાભુબહેન, ભત્રીજી પુષ્પાબહેન (જે પૂર્ણિમાબહેન પકવાસા તરીકે જાણીતાં છે), ગંગાબહેન ઝવેરી, સુમિત્રાબહેન ભટ્ટ અને અન્ય. રતિલાલ વૈદ્ય નામનો 18 વર્ષનો યુવાન પુણેની યેરવડા જેલમાં અંગ્રેજોના અમાનુષી અત્યાચારનો ભોગ બનીને શહીદ થયો.
‘સિંધુડો’ ધોલેરા સત્યાગ્રહના ગાળામાં પ્રસિદ્ધ થયો. જો કે આ પૂર્વે નિર્દેશ થયો છે તે મુજબ તેના કેટલાંક ગીતો અમૃતલાલ શેઠના ધ્યેયવાદી સાપ્તાહિક ‘સૌરાષ્ટ્ર’ના મુખપૃષ્ઠ પર થઈને લોકપ્રિય થઈ ચૂક્યાં હતાં. આ સત્યાગ્રહમાં બરવાળાના અમૃત ચોકમાં મેઘાણીએ સત્યાગ્રહીઓને પોરસ ચઢાવતું ગીત ‘મોતનાં કંકુ-ઘોળણ’ ગાયું.
‘‘સિંધુડો’ના કવિએ, કોર્ટમાં ફાટતે સ્વરે ‘વેદના’ પોકારી, ત્યારે સેંકડો રડ્યા હતા.’ એ વાક્ય બીજા પ્રેરણાદાયી બનાવનું સૂચન કરે છે. આ બનાવ 27 એપ્રિલ 1930નો છે. એ દિવસે મેઘાણી ધોલેરા સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ અંગ્રેજ સરકારે પોલીસની અટકાયતમાં રાખેલા બરવાળાના આગેવાન ભાઈઓને મળવા ધંધુકા ગયા હતા. ત્યાં તેમણે બરવાળાના લોકોએ સત્યાગ્રહમાં દાખવેલી અદ્દભુત જાગૃતિની વાતો કરી. એ વખતે પોલીસ તેમને ગિરફતાર કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા. મેઘાણીભાઈના પત્ની દમયંતીબહેન ત્યાં હાજર હતાં, તેમણે ઇન્કિલાબની ઘોષણા કરી. ધરપકડના સમાચાર ફેલાતા ગયા તેમા ગામેગામ હડતાળો પડી. રાણપુર બંધ રહ્યું. સાંજે સરઘસ નીકળ્યું અને ત્રણ-ચાર હજારની જનમેદની રાણપુરના નદીપટ પર સભામાં ફેરવાઈ ગઈ. મેઘાણીભાઈની ધરપકડના વિરોધમાં આક્રમક ભાષણો થયાં. નદીની રેતમાં વિદેશી કાપડની હોળી દમયંતીબહેનને હાથે પ્રકટાવવામાં આવી.
અંગ્રેજ સરકારે ધોલેરા સત્યાગ્રહને અનુલક્ષીને ધંધુકામાં ખાસ અદાલત ઊભી કરી હતી. તેમાં 28 એપ્રિલ 1930ના રોજ ઝવેરચંદ મેઘાણી પર એવો આરોપ મૂકવામાં આવ્યો કે બરવાળાની જાહેર સભામાં તેમણે લોકોને મીઠાનો કાયદો તોડવા ઉશ્કેરતું ભાષણ આપ્યું. આ કેસની સુનાવણીમાં અદાલતનો આખો પરિસર જનમેદનીથી ઊભરાઈ ગયો. મેઘાણીને બચાવની તક આપવામાં આવી ત્યારે તેમણે પોતાનું નિવેદન કોર્ટમાં વાંચી સંભળાવ્યું :
‘મારા જેવા મામુલી અખબારનવેશને પોલીસે ભારે માનથી નવાજ્યો છે … જે દિવસે અને જે કલાકે ભાષણ કર્યાનું તહોમત છે તે સમયે હું રાણપુરમાં મારા ઘરમાં ઘસઘસાટ ઊંઘતો હતો. અંગ્રેજ સરકારની ન્યાયની આ અદાલતોમાં મને જરા ય એતબાર હોત તો પોલીસે ઊભાં કરેલાં જૂઠાણાં અને પ્રપંચને જમીનદોસ્ત કરવા બરવાળાના લોકોમાંથી સેંકડોને હું આ ઓરડામાં ખડા કરી દેત. પરંતુ મારા સદભાગ્યે મારો રાહ જુદો છે. મારા અંતરની વાત કહું : અદ્દભુત જાગૃતિ બતાવી રહેલાં આ યશસ્વી સત્યાગ્રહ-સંગ્રામના સુકાની બનવાનો અવસર કોઈક દિવસ મેળવવાની અને એ માનની પૂરેપૂરી કિંમત સરકારી ચોપડે જમા કરાવવાની મારી ઊંડી અભિલાષા હતી. પરંતુ સ્વાધીનતા દેવીએ તેની પ્રશસ્તી માત્ર ગાનારા મારા જેવા નિષ્ક્રિય આદમી પર બહુ વહેલાં કૃપાસ્મિત વરસાવ્યાં. તમારાથી મને ફાંસીના માંચડાની ભેટ દઈ શકાતી હોય તો પણ વધાવી લેવા હું તૈયાર છું. એ ભેટને હું મારું પરમ સૌભાગ્ય સમજીશ.’
આ નિવેદન બાદ મેઘાણીએ મૅજિસ્ટ્રેટ ઇસાણીની મંજૂરીથી ‘સિંધુડો’ સંગ્રહની ‘છેલ્લી પ્રાર્થના’ રચના ખીચોખીચ ભરેલા કોર્ટરૂમમાં ભાવપૂર્ણ રીતે ગાઈ. તેમના ગાયનથી કોર્ટમાં હાજર સહુ ભાવવિભોર થઈ ગયાં, એટલું જ નહીં પણ મૅજિસ્ટ્રેટની આંખમાં પણ આંસુ આવી ગયા. તેમણે ચૂકાદો બીજા દિવસ પર મુલતવી રાખ્યો. 29 એપ્રિલ 2030ના દિવસે જાહેર કરેલાં ચૂકાદામાં મેઘાણીને બે વર્ષની સાદી કેદની સજા ફરમાવવામાં આવી જે તેમણે ‘અ’ વર્ગના કેદી તરીકે પૂરી કરવાની હતી.
અદાલતનો પરિસર ‘ઇન્કિલાબ ઝિન્દાબાદ’ના નારાથી ગાજી ઊઠ્યો. મેઘાણીભાઈના માતૃશ્રી ધોળીમા અને દમયંતીબહેને તેમને કંકુચોખા કરીને સૂતરના હાર પહેરાવ્યા. પછી સહુ કોઈ મેઘાણીને વિદાય આપવા રેલવે સ્ટેશને પહોંચ્યા. ત્યાં લોકોને સંબોધતાં તેમણે કહ્યું :
‘ભાઈઓ,તમારામાં –હિન્દુ-મુસ્લિમોમાં – જરા સરખી ય તિરાડ હોય તો મારા લોહીથી તે બુરાઈ જાઓ એવી મારી પ્રાર્થના છે. હિન્દ માતાની આઝાદીના આ યજ્ઞમાં તમારા બલિ હોમો અને સ્વતંત્રતાને વરો. આ સરકારના અન્યાયી અને અધમાધમ તંત્રને હવે દફનાવ્યા પછી જ જંપજો.’
ત્યાર બાદ 8 માર્ચ 1931 સુધી ઝવેરચંદ મેઘાણી સાબરમતી જેલમાં હતા. ગાંધી-ઇરવીન કરાર હેઠળ તેમને બે વર્ષની પૂરી સજા કરતાં વહેલાં મુક્ત કરવામાં આવ્યા. જેલમાંથી તેમણે ‘કોઈનો લાડકવાયો’ ને ‘સૂના સમદરની પાળે’ નામે પરદેશી રચનાઓનાં અનુસર્જન ઉપરાંત ‘જેલ ઑફિસની બારી’ મૌલિક પુસ્તકનું લેખન અને ‘સોરઠી ગીતકથાઓ’નું સંપાદન કર્યું.
ધોલેરા સત્યાગ્રહ, મેઘાણીનાં ગીતોનો તેમાં પ્રભાવ, ‘સિંધુડો’ની પ્રસિદ્ધિ જપ્તી અને તેની કાનૂનભંગ આવૃત્તિનું સંભવત: એકમાત્ર સ્વાનુભવ કથન નવલકથાકાર, લોકસાહિત્યના સંશોધક અને વિવિધ વિષયો પરના ગદ્યલેખક જયમલ્લ પરમાર(1910-91)ના લેખસંગ્રહ ‘સમય સમયના રંગ’માં મળે છે. તે કથન મૂળમાં ઊતારવા જેવું છે :
સત્યાગ્રહના અમારાં સંસ્મરણો 1930થી માંડીને 1934 સુધીનાં પહોળાપટે પથરાયેલાં છે …. અમારી લડતો દરમિયાન જનતાને પાનો ચડાવવા કંઈક યુદ્ધગીતો રચાતાં-ગવાતાં અને સમૂહ કંઠે ઝીલાતાં. મેઘાણીભાઈ, જયંતભાઈ આચાર્ય અને મોહન મહેતા ‘સોપાન’નાં રચેલાયુદ્ધગીતો એ કાળે અમારા હોઠે રમતાં. મેઘાણીભાઈના ’યુગવંદના’નાં ગીતોએ પ્રજા પર અજબની મોહિની છાંટેલી.
સ્વાતંત્ર્ય સંગ્રમાની પ્રભાતે 1930ની છઠ્ઠી એપ્રિલે, ધોલેરાના અમૃત ચોકમાં સત્યાગ્રહીઓની પ્રથમ ટુકડીને વિદાયમાન અપાતું હતું, ત્યારે મેઘાણીભાઈએ પોતાના બુલંદ કંઠે ‘કંકુ ઘોળજો જી રે કેસર રોળજો’, એ શૂરવીરોને સાબદા કરવા માટેનું ગીત લલકાર્યું. મેઘાણીભાઈના કંઠે વહેતી એ ગીતધારાથી ઉપસ્થિત સમૂહમાં ચેતનાના ઘોડાપૂર ઊમટ્યાં.
એ બાદ સંગ્રામના પ્રત્યેક તબક્કે, કેદખાનાઓમાં, પોલીસના જુલમો વખતે, અમે સૈનિકો મેઘાણીભાઈનાં ગીતો મસ્તીભેર ગાતાં. ભયંકર જુલમો અને ભીષણ યાતનાઓ સામે ઝૂઝવાની તાકાત આ ગીતોએ અનેકનામાં રેડી હતી. મેઘાણીભાઈએ લડતમાં ભાગ લીધો છે તેવો ખોટો આક્ષેપ મૂકી તેમની ધરપકડ કરી અને ધંધુકાની કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે ‘હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ’ ગીત ભરી કોર્ટમાં લલકારી મેઘાણીભાઈએ અનેક લોકોને કરુણાથી ભીંજવી દીધા હતા. ખુદ ન્યાયાધીશ પોતાની જાત સંભાળી ન શકતાં તેમની આંખમાં પણ આંસુ આવી ગયા હતા.
ધોલેરા સત્યાગ્રહ સંગ્રામ સમિતિએ મેઘાણીભાઈના પસંદ કરેલાં 15 ગીતોનો એક સંગ્રહ ‘સિંધુડો’ 1930માં પ્રગટ કર્યો હતો. ‘સિંધુડો’ શૌર્યરસનો પ્રકાર છે. રણમોરચે જતાં સૈનિકોમાં જવાંમર્દીની ભાવના જાગૃત કરવા જૂના સમયમાં જે ગીતો ગવાતાં તેને ‘સિંધુડો’ કહેવામાં આવે છે.
મેઘાણીભાઈનાં કાવ્યોએ કાયરોને ખમીરવંતા બનાવ્યા હતા. લડતને મોરચે આ ગીતોએ જે મોહિની લગાવી હતી, જે વાતાવરણ ઊભું કર્યું હતું, તેથી અકળાઈને અંગ્રેજ સરકારે ‘સિંધુડા’ પર પ્રતિબંધ ફરમાવ્યો. તેની જેટલી નકલો હાથવગી હતી તેટલી જપ્ત કરવામાં આવી.
1930થી 1932ના જાન્યુઆરી સુધી અમે ધોલેરા સિવાય દેશી રાજ્યો સામેની લડતો, અમરેલીનું પિકેટિંગ, ભાલમાં ગ્રામસેવા જેવા કાર્યક્રમોમાં રોકાયેલા હતા. 1932માં ગાંધીજી ગોળમેજી પરિષદમાંથી ખાલી હાથે પાછા આવ્યા અને અને દેશભરમાં લડતો પૂરજોશમાં ચાલુ થઈ, ત્યારે અમને પ્રતિબંધિત ‘સિંધુડો’ ફરી પ્રગટ કરી સરકારને પડકાર ફેંકવાની ઇચ્છા જાગી.
પણ‘સિંધુડો’ પ્રસિદ્ધ કરવો કેવી રીત? તેની ઉપર પ્રતિબંધ હતો. કોઈ પ્રેસ તો તે છાપવાની હિંમત ન કરે. જપ્ત થયેલું સાહિત્ય પ્રગટ કરીને કાયદાભંગ કરવો તે અમારા કાર્યક્રમનો એક ભાગ હતો. 1932માં ઇશ્વરભાઈ દવે, ભિખુભાઈ ધ્રુવ, રતુભાઈ અદાણી અને રતુભાઈ કોઠારી ‘સત્યાગ્રહ પત્રિકા’નું છૂપી રીતે પ્રકાશન કરતા હતા. જો કે તે માટેનાં સ્થળો અવારનવાર બદલવા પડતા.
ભાવનગરના દાઉદભાઈ નામના એક ઑઇલ મિલ સંચાલક સાથે ઇશ્વરભાઈએ દોસ્તી કેળવી હતી. તેમને અમારી પ્રવૃત્તિથી માહિતગાર કરી ભાવનગરનું તેમનું મકાન ‘સત્યાગ્રહ પત્રિકા’ના પ્રકાશન માટે મેળવ્યું હતું. આ મકાનમાં ‘સિંધુડા’ની જપ્ત થયેલી આવૃત્તિના કદમાં, તે જ રૂપરંગમાં, હાથે લખીને રોનિયો મશીન પર ‘સિંધુડા’ની આવૃત્તિ તૈયાર કરવાનો ઉપરોક્ત ચાર મિત્રોએ સંકલ્પ કર્યો.
રતુભાઈ અદાણીના અક્ષરો પહેલેથી ચોખ્ખા અને મરોડદાર. તેમના હસ્તાક્ષરમાં મૂળ આવૃત્તિની આબેહૂબ પ્રતિકૃતિ જેવી ‘સિંધુડા’ની નવી આવૃત્તિ લખાઈ અને રોનિયો મશીન પર સાયક્લોસ્ટાઈલ થઈ ધોલેરા સત્યાગ્રહ સંગ્રામ સમિતિ તરફથી 1932ની છઠ્ઠી એપ્રિલે પ્રકાશન પામી. આ કાનુનભંગ આવૃત્તિની પાંચ હજાર નકલો છપાઈને સૌરાષ્ટ્રના ગામેગામ પહોંચતી કરાઈ હતી. પોલીસને ‘સિંધુડો’ છપાયાની ખબર પડી, પણ આખર સુધી તેનું પ્રકાશન સ્થળ શોધવામાં તે નિષ્ફ્ળ રહી. સરકારના કાયદાને તોડવાનો સંતોષ અમે સહુ મિત્રોએ અનુભવ્યો.
એ કાનુનભંગ આવૃત્તિનું લેખન રતુભાઈએ કર્યું હતું. બે પાનાંમાં તેની પૂર્વભૂમિકા વજુભાઈ શાહે સમજાવી હતી. પ્રકાશક તરીકે ભીખુભાઈ ધ્રુવ હતા. છાની રીતે વિતરણની વ્યવસ્થા ઈશ્વરભાઈ દવે તથા રતુભાઈ કોઠારીએ ઉપાડી લીધી હતી. તેના અર્પણમાં લખ્યું હતું: ‘તૂટી પડતા સામ્રાજ્યને પોતાના જાસલ થાંભલાથી ટકાવવા મથતા ધંધુકા તાલુકાના અમલદાર વર્ગને સપ્રેમ સમર્પણ’.
બરવાળા સત્યાગ્રહની બાબત ઉપરાંત પણ એક વખત ઝવેરચંદ મેઘાણીને અદાલતના કઠેરે ઊભા રહેવાનું બન્યું હતું અને તેઓ નિર્દોષ છૂટી પણ ગયા હતા. મેઘાણીના જીવનકાર્યમાં કોમી સંવાદિતા કેટલી ઓતપ્રોત હતી તે બતાવતો આ બનાવ ‘ફૂલછાબ કાર્ટૂન કેસ’ તરીકે ઓળખાય છે. તે અમદાવાદમાં 1941ના છેલ્લા અઠવાડિયામાં એપ્રિલમાં અમદાવાદમાં થયેલા કોમી હુલ્લડો અંગેનો છે. હુલ્લડોથી વ્યથિત મેઘાણીએ ‘ફૂલછાબ’ અઠવાડિકમાં 25 એપ્રિલના અંકમાં ‘મુખડા ક્યા દેખો દર્પણમેં’ મથાળા સાથે એક વ્યંગચિત્ર (કાર્ટૂન) દોર્યું, જેમાં તેમણે પોલીસ અને ગુંડાઓની સાઠગાઠ બતાવી હતી. વળી તંત્રીલેખ લખ્યો : ’શોણિતભીના શહેરને ભારતવર્ષનો સંદેશ’. તંત્રીલેખમાં મેઘાણીએ લખ્યું :
‘અમદાવાદ એટલે સેંકડો ગામડાંની વેરાન દશાએ સરજાવેલું લાખો શ્રમજીવીઓનું આશરાધામ … કાવતરું મેળવાઈ રહ્યું હતું તેના ખબર હાકેમોને અગાઉથી આપ્યા હતા, કાગળો લખ્યા હતા ને ટેલિફોને કર્યા હતા પણ જવાબ એક જ જડેલો : ‘લક્ષમાં છે, બંદોબસ્ત કરેલો છે.’ ચાર ચાર દિવસ ભૂખે-ઉજાગરે અમારી ચાલીઓમાં દળ ભીડીને ઊભાં હતાં, દેકારા કરતાં લોહી-તરસ્યાં ધાડાંને ખાળતાં હતાં. ત્યાં સત્તાવાનોએ આવીને અમારી સોટીઓ-લાકડીઓ કબજે કરી અને કહ્યું કે ‘ચુપચાપ બેસી રહો બંદોબસ્ત કર્યો છે.’
અમદાવાદે ન જોયેલું જોયું … અમદાવાદનાં હિન્દુ-મુસ્લિમ વર્ષોથી માને ખોળે ઓશિકું કરીને સૂતાં. બેઉંનું લોહી એક હતું, હાડ એક હતાં, નિસ્બત હતી માત્ર રોટી રળવાની. એમનાં સૂતેલાં કળેજામાં આ ખંજર કોણે હુલાવ્યું?’
ઠઠ્ઠાચિત્ર અને લેખથી રોષે ભરાયેલી અંગ્રેજ સરકારે મેઘાણીને કોમી એખલાસનો ભંગ કરવાના આરોપસર 4 જૂને ગિરફ્તાર કર્યા. એક રાત કોર્ટની સબ-જેલમાં ગાળ્યા બાદ બીજે દિવસે તેમને રૂ. 500/-ના જામીન પર છોડવામાં આવ્યા. અદાલતમાં ચાલેલા મુકદ્દમામાં અમદાવાદના એ સમયના બાહોશ ધારાશાસ્ત્રીઓ હિમ્મતલાલ શુક્લ, પ્રભુદાસ પટવારી અને પાંડુરંગ દેસાઈ મેઘાણીના બચાવમાં બ્રિટિશ સરકારની પરવા કર્યા વિના અને કોઈ પણ મહેનતાણું લીધા વિના લડ્યા.
મેઘાણીએ જામીન અરજીમાં લખ્યું :
‘અહિંસા અને હિન્દુ-મુસ્લિમ એકતા મારા સ્વધર્મો છે. એ આદર્શોને આચારમાં ઊતારી રહેલ છું અને છેલ્લાં વીસ વર્ષનાં ગાળામાં મેં કરેલાં અનેકવિધ લખાણો આ વાતની સચોટ સાક્ષી પૂરી રહેલ છે. કોમી એખલાસની સિદ્ધિને સારુ મેં મારી શક્તિ નિચોવી છે. મુસ્લિમ પ્રેમ, શૌર્ય અને ઇમાનદારીની મેં લખેલી વાતો સાહિત્યમાં એની પ્રતીતિ પૂરતી ઊભી છે.’
અદાલતમાં આપેલાં બચાવના નિવેદનમાં તેમણે કહ્યું :
‘…હું રાષ્ટ્રવાદી છું અને કોમીવાદનો કટ્ટર વિરોધી છું. કોમીવાદ મીટાવવામાં મેં મારાથી બનતું કર્યું છે અને કરું છું. ‘ફૂલછાબ’ના અંકોમાં કોમીવાદ વિરુદ્ધ પ્રચાર કરેલો છે. ગુંડો ન તો સાચો મુસ્લિમ હોઈ શકે ન તો હિંદુ. કોઈ પણ મજહબમાં ગુંડાગીરીને સ્થાન નથી. ગુંડો તો ગુંડાગીરીને મઝહબ માને છે. ઇસ્લામ માટે મને માન છે. મારો એ જીવન સિદ્ધાન્ત છે. એને અનુરૂપ મારું વર્તન છે. છેલ્લાં ઘણાં વર્ષથી એ સૂત્રને મારી સાહિત્ય કૃતિઓમાં ઊતાર્યું છે.’
આ મુકદ્દમામાં નિર્દોષ છૂટ્યા પછી મેઘાણીભાઈએ 12 સપ્ટેમ્બરના ‘ફૂલછાબ’ના તંત્રીલેખમાં લખ્યું :
‘વિજય અમારો નથી. જાહેર શ્રેયનો, ન્યાયનો, રહ્યાસહ્યા જીવનઅધિકારોની રક્ષા માટેનું મહાભારત ખેડતા સમગ્ર પત્રકારત્વની શુભનિષ્ઠાનો વિજય છે.’
ત્યારબાદ 26 ડિસેમ્બરના તંત્રીલેખમાં મેઘાણી ‘ન્યાયકર્તાના ફેંસલાનો’ સંદર્ભ આપે છે. તેમાં મેઘાણીના પુસ્તકો સંબંધે લખાયું છે કે ‘આ તો વીસ વર્ષ પૂર્વે લખાયેલાં પુસ્તકો છે એટલે હિન્દુ-મુસ્લિમ એકતા વિશેના લેખકના આજના વિચારોનું દર્શન તેમાંથી ખસૂસ પામી શકાય તેવું ન કહેવાય.’ અદાલતના આ મુદ્દાનો પ્રતિવાદ કરતાં મેઘાણી સાત પુસ્તકોનો ઉલ્લેખ કરે છે : ’રસધાર’ ભાગ 1, ‘બહારવટિયા’ ભાગ 1, ‘નિરંજન’, ‘સમારંગણ’, ‘રા’ગંગાજળિયો’, ‘ગુજરાતનો જય’ અને ‘તુલસીક્યારો’. પછી તેઓ કહે છે કે આમાંથી માત્ર પહેલું જ વીસ વર્ષ પૂર્વેનું છે. આગળ તેઓ લખે છે :
‘ઇસ્લામ પ્રત્યે, મુસ્લિમ કોમ પ્રત્યે અને હિન્દુ-મુસ્લિમ બિરાદરી પ્રત્યે કર્તાનાં એકધારા વલણની સિલસિલાબંધ અને અદ્યતન સાહેદી દેતાં આ સેંકડો પાનાં એક અવિચ્છિન્ન અને પ્રવાહબદ્ધ ભવના ધારાને વહાવે છે. પુસ્તકો પ્રતીતિ કરાવશે કે આ વિચારો કદી વિકંપિત થયા નથી.’
‘સિંધુડો’ પરનો પ્રતિબંધ, બરવાળા સત્યાગ્રહના સંદર્ભે મેઘાણીની ગિરફતારી તેમ જ જેલવાસ અને ‘ફૂલછાબ’ કાર્ટૂન કેસમાં તેમની પર ચાલેલો મુકદ્દમો – મેઘાણીના જાહેર જીવનના આ ત્રણ મહત્ત્વના ઓજસ્વી પ્રકરણોની પાયાની હકીકતો જણાવ્યા બાદ એમ કહેવું ઘટે કે ગિરફ્તારી તેમ જ જેલવાસ સિવાયના અન્ય બે પ્રકરણોનો મેઘાણી પરના લેખન-સંશોધન-વિવેચનમાં ઉપેક્ષિત છે. આ નિરીક્ષણ માટેનો પૂરતો આધાર જયંત કોઠારી સંપાદિત બે ખંડનો ગ્રંથ ‘મેઘાણીવિવેચનાસંદોહ’ પૂરો પાડે છે. સંપાદકે જણાવ્યું છે : ‘…આ ગ્રંથની સીમા 1999ની આખર સુધીની છે. ત્યાં સુધીમાં પ્રાપ્ત થયેલી લેખસામગ્રી અને લેખમાહિતીનો અહીં ઉપયોગ થયો છે … આ ગ્રંથ આજ સુધીની, છેલ્લાં 75 વર્ષની મેઘાણીવિવેચનાનું એક સર્વગ્રાહી ચિત્ર ઊભું કરવા તાકે છે’. અહીં મેઘાણી પરના 265 વિવેચનાત્મક લખાણો છે. તેમની તારવણી-સારવણી 19 પુસ્તકો અને ત્રણ સામયિકોનાં વિશેષાંકો તેમ જ 204 લેખોમાંથી કરવામાં આવી છે. શાસ્ત્રીય રીતે સંપાદિત આ ગ્રંથ 2002માં ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે પ્રસિદ્ધ કર્યો છે. આ ગ્રંથના પ્રસ્તુત હિસ્સા અને તેમાં સમાવાયેલી સામગ્રીમાંથી કેટલીક સામગ્રીના મૂળ સ્રોતમાંથી પસાર થતા સમજાય છે કે ‘સિંધુડો’ પરનો પ્રતિબંધ અને ‘ફૂલછાબ’ કાર્ટૂન કેસઆ બે પ્રકરણોનાં ઉલ્લેખો અલ્પોક્તિભર્યા અને જૂજ છે; એટલું જ નહીં પણ તેમની મહત્તા અને તેમનો સ્પિરિટ નહીંવત ઝીલાયાં છે.
આ ઉપેક્ષાનો બચાવ ‘‘સિંધુડો’ના કાવ્યો ‘યુગવંદના’માં સમાઈ ગયાં અને મૂળ કાવ્યસંગ્રહનું અલાયદું અસ્તિત્વ ન રહ્યું’ એ હોઈ શકે નહીં. કેમ કે ‘યુગવંદના’માં સમાવાયેલાં ‘સિંધુડો’ના કાવ્યો મૂળ સરકાર દ્વારા પ્રતિબંધિત કાવ્યો હતાં, અને પ્રતિબંધનું કારણ આઝાદી ઝંખતી જનતા પરનો તે કાવ્યોનો ચૈતન્ય-પ્રભાવ હતો. એ વાત સાવ જ પકડાઈ નથી કે આ કાવ્યો લોકોને હૈયે એટલાં બધાં વસી ગયાં હતાં કે સરકારની જપ્તી છતાં અને જપ્તી પછી પણ લોકોએ તેમને પોતાની રીતે બહાર પાડ્યાં અને ગાયાં. ગુજરાતના ઇતિહાસમાં કવિના શબ્દને લોકો – તેના પ્રતિબંધિત કાવ્યસંગ્રહને પોતાની રીતે છાપીને – સત્તાની બેડીઓમાંથી બહાર લાવ્યાં હોય તેવી આ સંભવત: એકમાત્ર ઘટના છે. તે મેઘાણીની કવિ તરીકેની શક્તિની દ્યોતક છે.
ગુજરાતી સાહિત્ય પરિષદે ઉમાશંકર જોશી અને અન્યોનાં સંપાદન હેઠળ પ્રસિદ્ધ થયેલાં ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ખંડ 4’માં, મેઘાણીનું સાહિત્યપ્રદાન’ મથાળાં હેઠળ દિનેશ કોઠારીએ લખેલાં અધિકરણમાં ‘સિંધુડો’ અને ‘ફૂલછાબ કાર્ટૂન કેસ’નો એક ઐતિહાસિક હકીકત તરીકે ઉલ્લેખ સુદ્ધાં નથી. ‘ગુજરાતી સાહિત્યકોશ’ના અધિકરણમાં આ બંને બનાવોના ઉલ્લેખ કરતાં વિશેષ કશું નથી. ગુજરાતીમાં મેઘાણીનું પૂરાં કદનું જીવનચરિત્ર લખાયું નથી. પણ કનુભાઈ જાનીએ લખેલાં નાનાં કદનાં ‘મેઘાણીચરિત’માં પણ ચરિત્રનાયકના જીવનના ઉપરોક્ત બે બનાવોની મહત્તાના પ્રમાણમાં તેમનું નિરુપણ પાંખું છે. કનુભાઈ વ્યંગચિત્રની સમજૂતી આ રીતે આપે છે : ‘અરીસે જાત જોઈ તૈયાર થતાં પોલીસની પીઠ પાછળ જ ગુંડાના હુમલા દર્શાવતું કાર્ટૂન’. નગીનદાસ સંઘવી ‘આ તડ અને આ ફડ’ (1998) પુસ્તકમાં ‘મેઘાણીનું પત્રકારત્વ’ લેખમાં જણાવે છે : ‘આ કાર્ટૂનમાં મવાલીને મુસલમાન દર્શાવીને મેઘાણી કોમી આગ ભડકાવે છે તેવા આરોપસર તેમની ધરપકડ થઈ.’
‘ફૂલછાબ કાર્ટૂન કેસ’ વિશેનું સહુથી ચોટદાર વિવરણ ચુનીલાલ મડિયાએ ‘ઊર્મી-નવરચના’ના એપ્રિલ 1947ના અંકમાં લખેલા ‘સહૃદય દાર્શનિક સમા પત્રકાર’ નામના લેખમાં મળે છે :
‘તેમના [મેઘાણીના] સાહિત્યનો પ્રધાનગુણ – વ્યાપક માનવતા અને સમભાવ – તેમના પત્રકારત્વમાં પણ સોળે કળાએ ખીલી ઊઠે છે. જ્યારે જ્યારે તેમણે માનવતાની હિજરાતી જોઈ છે, ચિરસ્થાયી માનવમૂલ્યોનો હ્રાસ થતો અનુભવ્યો છે ત્યારે ત્યારે તેમણે નિર્ભિક બનીને જેહાદ ઊઠાવી છે. અમદાવાદના પ્રથમ રમખાણ વખતે ‘મુખડા ક્યા દેખો દર્પનમેં? …’ નામક ‘ફૂલછાબે’ છાપેલું ઠઠ્ઠાચિત્ર અને એ અંગે ચાલેલો લાંબો મુકદ્દમો તો હજુ ગઈ કાલનો જ બનાવ ગણાય. તે અગાઉ પણ મુંબઈમાં આતવારે અને છાશવારે થતાં રમખાણો ‘એજન્ટ પ્રોવોકર્સ’ [વચેટિયા ઉશ્કેરણી કરનારા] જ કરાવી રહ્યા છે, અને એમને જેર કર્યા વિના શાંતિ નહીં સ્થાપાય એવું સૂચવવા ‘વાઘ-દીપડાઓને વીણી કાઢો’ શીર્ષકથી તંત્રીલેખ લખેલો અને સાંભળવા પ્રમાણે એ લેખ બદલ સરકારે જામીનગીરી માગેલી. છતાં આવા બનાવો બનવાથી પણ એમણે માનવતાની ઉપાસના કે આગ્રહમાં લગીરે બાંધછોડ કરી નથી. અમદાવદની અદાલતમાં ફૂલછાબ કાર્ટૂન કેસ ચાલતો અને અદાલત બહાર લોકોનાં ટોળાં જામતાં ત્યારે મેઘાણીભાઈ ‘હરીફ’ કોમમાં તો નામચીન બનીને આંખે ચડી ચૂક્યા હતા. છતાં તેઓ, મને યાદ છે ત્યાં સુધી, એક દિવસ તો વરસતે વરસાદે મુસ્લિમ વસાહતોની મુલાકાતે ગયેલા અને કાદવકીચડમાં ક્યાંક લપસેલા પણ ખરા !’
‘ફૂલછાબ કાર્ટૂન કેસ’ની ભૂમિકા અને મુકદ્દમાના સંદર્ભે મેઘાણીએ આપેલાં નિવેદનો ‘લોહીનાં આલિંગન’ નામના પુસ્તકમાં મળે છે. વિનોદ મેઘાણીએ કરેલાં આ સંપાદનનું પેટાશીર્ષક મહત્ત્વનું છે –‘કોમી સંવાદિતાનાં દર્શન : ઝવેરચંદ મેઘાણી’. આ પુસ્તકના પ્રાસ્તાવિક તરીકે જ ‘ફૂલછાબ કાર્ટૂન કેસ’ને લગતાં મેઘાણીના લખાણોનાં સંકલિત અંશો મૂકવામાં આવ્યા છે. ત્યાર પછીના 132 પાનાંમાં મેઘાણી સાહિત્યમાંથી કોમી સંવાદિતા અને ધાર્મિક સહિષ્ણુતા બતાવતાં આ લખાણોનો સ્માવેશ કરવામાં આવ્યો છે. તેના સ્રોત આ મુજબ છે : પત્ર, સ્વાનુભવ, વાર્તાઓ, નવલકથાઓ, લોકસાહિત્ય-સંબંધિત લખાણો, પ્રવાસાનુભવ, ટાંચણપોથીનાં પાનાં, બહારવટિયા-સંશોધનને લગતાં લખાણો અને ‘કુરબાનીની કથાઓ’ પુસ્તક. સર્જકની સામાજિક નિસબત ધરાવતાં ‘ઉમાશંકરની વિચારયાત્રા’ની જેમ ‘લોહીનાં આલિંગન’ અનોખા, દૃષ્ટિપૂર્ણ પુસ્તકની પણ જવલ્લે જ નોંધ લેવાઈ છે. મેઘાણીએ પોતાનાં સર્જનમાં અને ‘ફૂલછાબ કાર્ટૂન કેસ’માં હિન્દુ-મુસ્લિમ એકતાના મૂલ્યની જે સ્પષ્ટતા અને પ્રતિબદ્ધતાથી અભિવ્યક્તિ કરી છે તેવી મુખ્ય ધારાના કોઈ લેખકે ભાગ્યે જ કરી છે. મેઘાણીસાહિત્યના વિવેચનમાં ખંડદર્શન, એકવિધતા અને કેટલાંક સમયથી સ્થગિતતા આવી છે. તે દૂર થાય, અને પ્રગતિશીલ મૂલ્યો તેમ જ સામાજિક નિસ્બતના સંદર્ભે મેઘાણી સાહિત્યનું પુનર્મુલ્યાંકન ખૂબ જરૂરી છે.
*****
સંદર્ભ :
Ø અંતર–છબિ : ઝવેરચંદ મેઘાણીનું સંકલિત આત્મવૃત્તાંત,
સંપા. વિનોદ મેઘાણી અને હિમાંશી શેલત, ગૂર્જર, 1998
Ø ગુજરાતીસાહિત્યનો ઇતિહાસ, ખંડ 4,
સંપા. ઉમાશંકર જોશી અને અન્ય, ગુજરાતી સાહિત્ય પરિષદ, 1981
Ø મેઘાણીગાથા : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું જીવન–વૃત્તાંત,
આલેખન : પિનાકી મેઘાણી, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિસંસ્થાન, 2016
Ø મેઘાણી–ચરિત, કનુભાઈ જાની, ઇમેજ, 2002
Ø મેઘાણીવિવેચનાસંદોહ, ખંડ 2, સંપા. જયંત કોઠારી, ગૂર્જર, 2002
Ø મેઘાણી સાહિત્યની ભૂમિકા, ભરત મહેતા, ડિવાઈન, 2011
Ø લોહીનાં આલિંગન : કોમી સંવાદિતાનાં દર્શન : ઝવેરચંદ મેઘાણી,
સંપા. વિનોદ મેઘાણી, ગૂર્જર, 2003
Ø સમય સમયના રંગ, જયમલ્લ પરમાર, પ્રવીણ, 1993
Ø સાત રંગનું સરનામું, દીપક મહેતા, નવભારત, 2022
Ø સિંધૂડો : પંદર સંગ્રામ–ગીતો, ઝવેરચંદ મેઘાણી, 1930
Ø સિંધૂડો : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમનાં ગીતો,
સંકલન: પિનાકી મેઘાણી, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિસંસ્થાન, 2022
Ø સોના–નાવડી સમગ્ર કવિતા ઝવેરચંદ મેઘાણી, સંપા. જયંત મેઘાણી, ગૂર્જર, 1997
*****
12 સપ્ટેમ્બર, 2022
e.mail : sanjaysbhave@yahoo.com,
આ વક્તવ્યની પ્રતિભાબહેન ઠક્કરે લીધા વીડિયોની લિન્ક :
https://www.facebook.com/pratibha.thakker/videos/3367909316817345