ઇસ્લામિક કાયદા-કાનૂનો પર ચાલતી ઈરાનની સરકાર સ્ત્રીઓનાં કારણે અત્યારે મુશ્કેલીમાં છે. આ વિધાનમાં વિરોધાભાસ છે. ઈરાનની સરકારની નીતિ-રીતિઓનાં કારણે ત્યાંની સ્ત્રીઓ મુશ્કેલીમાં હતી. આજે ઊંધું થયું છે. ઈરાનના પશ્ચિમમાં કુર્દિસ્તાનની બાવીસ વર્ષની એક છોકરી મહસા અમિનીનું પોલીસ હિરાસતમાં કથિત મારપીટનાં પગલે અવસાન થતાં, દેશભરમાં મહિલાઓનાં પ્રદર્શન ફાટી નીકળ્યાં છે. સરકાર આ પ્રદર્શનોને રોકવા જોર-જબરદસ્તી કરી રહી છે અને તેમાં અત્યાર સુધી લગભગ 50 લોકોનાં મોત થઇ ચૂક્યાં છે.
આ બબાલના મૂળમાં હિજાબ છે. મહસા ગયા મહિને 13મી સપ્ટેમ્બરે તેના પરિવાર સાથે તહેરાન ગઈ હતી. તેણે “બરાબર” હિજાબ પહેર્યો નહતો અને તહેરાન મેટ્રોમાં તે બેસવા જતી હતી ત્યારે પોલીસે તેને હિરાસતમાં લીધી હતી. એ પછી એ પાછી ન આવી. અધિકારીઓએ ત્રણ દિવસ પછી દાવો કર્યો કે હિજાબ કેવી રીતે પહેરાય તેની તાલીમ લેતી વખતે તેના પર હૃદય રોગનો હુમલો થતાં તેનું મોત થયું છે. મહસાના પરિવારે અને અન્ય સામાજિક આગેવાનોએ આરોપ મુક્યો કે તેને કસ્ટડીમાં માર-ઝૂડ કરીને મારી નાખવામાં આવી છે. આ ઘટનાએ દેશભરમાં સ્ત્રીઓમાં રોષ ફેલાવી દીધો અને મહિલાઓના અધિકારો અને રાજકીય દમન સામે વિરોધ-પ્રદર્શન શરૂ થઇ ગયાં.
મહસા અમિની કુર્દ યુવતી હતી. ઈરાનમાં સીમા પર કુર્દિસ્તાન પ્રાંતમાં એકાદ કરોડની આસપાસ કુર્દ લોકો રહે છે. ઈરાનની મુખ્યધારામાં તેમની ઉપેક્ષા થાય છે. ઈરાન સરકાર પર લાંબા સમયથી એ આરોપ છે કે તે કુર્દો પર અત્યાચાર કરે છે અને તેમના માનવાધિકારનો ભંગ કરે છે. કુર્દો વખતો વખત સરકાર વિરોધી પ્રદર્શનો કરતા રહે છે અને તેના કારણે સુરક્ષા બળો સાથે તેમની અથડામણ થતી રહે છે. કુર્દ લોકો પર એવો આરોપ છે કે તેઓ અલગ દેશની ગતિવિધિઓમાં સંડોવાયેલા છે. કુર્દ લોકો બાકી લોકોના પ્રમાણમાં આધુનિક અને બળવાખોર છે.
મહસાનો અપરાધ શું હતો? માથે બાંધવાના રૂમાલમાંથી તેના વાળ દેખાતા હતા. પોલીસે તેનો વાંધો ઉઠાવ્યો હતો. ઈરાનમાં સ્ત્રીઓએ બરાબર કપડાં પહેર્યાં છે કે નહીં તે માટે “નૈતિકતા પોલીસ” નામનું એક દળ છે, જેને ઈરાનમાં ગશ્ત-એ-ઈરશાદ કહે છે. ઈરાનમાં ધાર્મિક કાયદા-કાનૂન અને કપડાં સંબંધી નિયમોનું પાલન કરાવાનું કામ આ નૈતિકતા પોલીસનું છે. તેનું મુખ્ય કામ ઈરાની મહિલાઓ હિજાબના કાનૂનનું કડક પાલન કરે છે કે નહીં તે જોવાનું છે. તેનું પાલન ન થાય તો તેમને હિરાસતમાં લેવામાં આવે છે. મહસા અમિનીએ અપરાધ તો કર્યો જ હતો, ઉપરથી કુર્દ હતી એટલે પોલીસની સામે થઇ ગઈ હતી.
1978-79માં ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ પછી 1981માં તમામ મહિલાઓ માટે હિજાબ ફરજિયાત કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઇસ્લામિક ક્રાંતિ પહેલાં રઝા પહલાવીના શાસનમાં ઈરાની સમાજ પશ્ચિમના રંગે “ભ્રષ્ટ” થઇ રહ્યો હોવાની લાગણી બળવત્તર થઇ હતી અને 1978 સુધીમાં પહેલવી સામે દેશમાં વિરોધ થયો હતો અને તેના પરિણામે સત્તા પરિવર્તન પછી ઇસ્લામિક શાસન સ્થપાયું હતું.
1980 સુધી ઈરાન એટલો જ ખુલ્લો સમાજ હતો, જેટલો એક પશ્ચિમી દેશ હોય. મહિલાઓને તેમની પસંદનાં કપડાં પહેરવાની છૂટ હતી અને તે પુરુષો સાથે જાહેરમાં ફરી શકતી હતી, પરંતુ ઇસ્લામિક ક્રાંતિ પછી બધું બદલાવા લાગ્યું. એમાં “ખુલ્લું” ઈરાન “બંધ” થવા લાગ્યું. 1979માં જનમત સંગ્રહમાં 98 ટકા લોકોએ ઇસ્લામિક શાસનની તરફેણ કરી હતી. એમાં જે નવું બંધારણ અમલમાં આવ્યું તે ઇસ્લામ અને શરિયા પર આધારિત હતું. એમાં મહિલાઓ માટે ફરજિયાત હિજાબનો કાનૂન આવ્યો હતો. તે અંતર્ગત નવ વર્ષથી મોટી છોકરીઓ અને સ્ત્રીઓએ માથું ઢાંકવું અને ઢીલાં કપડાં પહેરવાં ફરજિયાત છે.
એવું કહેવાય છે 2021માં ઈરાનના નવા રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઈસીના આગમન સાથે દેશમાં ડ્રેસ કોડને લઈને વધુ સખ્તાઈ કરવામાં આવી રહી છે. ન્યાયપાલિકાના પ્રમુખ રહી ચુકેલા રઈસી પર 80ના દાયકામાં રાજકીય વિરોધીઓને ફાંસી આપવાના આરોપ લાગેલા છે. એક રિપોર્ટ મુજબ, તેમના આવ્યા પછી ઈરાનમાં 18 મહિલાઓને ફાંસી આપવામાં આવી છે. પાછલા અમુક મહિનાઓથી હિજાબના મામલે સ્ત્રીઓની ધરપકડના આંકડા પણ વધ્યા છે.
હિજાબની સખ્તાઈને લઈને ઈરાનની સ્ત્રીઓ ઘણા વખતથી વિરોધ કરતી રહી હતી, તેમાં મહસા અમિનીનું મોત બેસતા ઊંટ પર તણખલું સાબિત થયું છે. 2017માં, વિદા મોવહેદ નામની એક ઈરાની સ્ત્રીના નેતૃત્વમાં સ્ત્રીઓએ તહેરાનમાં હિજાબના વિરોધમાં દેખાવો કર્યા હતાં. ત્યારે વિદાની એક તસ્વીર દુનિયાભરમાં જાણીતી થઇ હતી, જેમાં તેણે ટોળાં વચ્ચે ઊભા રહીને હિજાબને એક લાકડી પર લટકાવીને તેનો ઝંડો ફરકાવ્યો હતો.
મહસાના સમાચાર ઈરાની દૈનિક “શાર્ઘ”(પૂર્વ)ની પત્રકાર નિલોફર હમેદીએ સાર્વજનિક કર્યા હતા, જેણે તિખારો ચાંપ્યો હતો. પોલીસે સ્ત્રીઓએ ઉશ્કેરવાના આરોપસર ગયા અઠવાડિયે નિલોફરની ધરપકડ પણ કરી છે. શરૂઆત મહસાને જે ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવી હતી, ત્યાં ભેગાં થયેલા અમુક સ્ત્રી-પુરુષોના દેખાવોથી થઇ હતી. તેમાં મહસાના પરિવારની એક 20 વર્ષની છોકરી યાસી, હિજાબના વિરોધમાં, માથા પર ઓઢવાની શાલને હવામાં લહેરાવતી ખુલ્લી સડક પર દોડી ગઈ હતી. એમાંથી એક તણખો થયો અને ધીરે ધીરે તહેરાનમાં અને અન્ય શહેરોમાં સ્ત્રીઓએ હિજાબ વિરોધી દેખાવો શરૂ કરી દીધા. માનો કે ઈરાનની સ્ત્રીઓનો દબાયેલો રોષને વ્યકત થવાનું કારણ મળી ગયું હતું.
એમાં સ્ત્રીઓએ હિજાબ ફગાવ્યા, વાળ ખુલ્લા કરીને હવામાં લહેરાવ્યા, વાળ કાપીને ઉડાડ્યા, માથું ઢાંકવાના સ્કાર્ફની હોળી કરી. એક મહિનામાં ઈરાનના 50 શહેરોમાં વિરોધ ફેલાઈ ગયો. સરકારે ઇન્ટરનેટ કાપી નાખ્યું અને વોટ્સએપ – ઇન્સ્ટાગ્રામ બ્લોક કરી દીધાં. જ્યાં સરકાર સામે કોઈપણ પ્રકારના વિરોધની સ્વતંત્રતા નથી અને જેના ધાર્મિક કાનૂનો અત્યંત સખ્ત છે તે ઈરાનમાં આટલા વ્યાપક સ્તરે સ્ત્રીઓ અંદોલન કરતી હોય એ અસાધારણ ઘટના છે. 2019માં ઇંધણની કિમતોમાં વધારાને લઈને થયેલા દેખાવો પછીનાં આ સૌથી તગડાં પ્રદર્શન છે. સરકારે જો કે સાફ કરી દીધું છે કે તે આંદોલનને સખ્તાઈથી કચડી નાખશે.
લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસના ઈરાની ઇતિહાસકાર અને પ્રોફેસર રોહમ અલવંડીએ એક અમેરિકન મીડિયાને કહ્યું હતું કે આવા વિરોધ પ્રદર્શનની ઈરાનમાં નવાઈ નથી, પરંતુ જે ઝડપથી તે દેશભરમાં ફેલાઈ ગયા છે તે યુવા પેઢીમાં ઇસ્લામિક કાનૂન અને સરકાર તરફની નારાજગી બતાવે છે. પ્રોફેસરે ટ્વીટર પર લખ્યું હતું કે “આ બળવો મહસા અમિનીની પેઢીએ પોકાર્યો છે, જે એક એવા શાસનની સખ્ત જોહુકમીમાં જીવતી આવી છે, જેણે અર્થવ્યવસ્થાને પાયમાલ કરી નાખી છે અને જેની વૈશ્વિક સ્તરે આભડછેટ છે. આ વિરોધથી નવી પેઢીની નજરમાં 1979ની ઇસ્લામિક ક્રાંતિ સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. તેની અસર માત્ર ઈરાનમાં જ નહીં, ઇસ્લામની પૂરી રાજનીતિ પર પણ પડશે.”
દેખીતી રીતે જ, ઈરાનમાં સ્ત્રીઓના વિરોધના પડધા અન્ય ઇસ્લામિક દેશો અને પશ્ચિમનાં પાટનગરોમાં પણ પડ્યા છે. વિદેશના મંત્રાલયો અને માનવાધિકાર સંગઠનોએ ઈરાનમાં સરકાર જે રીતે વિરોધને દબાવી રહી છે તે અંગે ચિંતા વ્યક્ત કરી છે. દેખીતી રીતે જ, ઈરાનમાં સુરક્ષા બળોનું તંત્ર એટલું મોટું અને તાકાતવર છે કે સરકારને આંચ નહીં આવે અને તે આંદોલનને દબાવી દેશે. ઇન ફેક્ટ, ઈરાનના વિદેશ મંત્રી હુસેન અમિરાબ્દોલ્લાહને વિદેશી રાજદૂતોને કહ્યું હતું કે આ વિરોધથી દેશમાં અસ્થિરતા નહીં સર્જાય. તેમણે કહ્યું હતું આ કોઈ મોટી વાત નથી. આવું અન્ય દેશોમાં પણ થતું રહે છે.
ઇસ્લામિક ક્રાંતિ પછી જે રીતે ઈરાનમાં લોકતાંત્રિક અધિકારો પર કાપ મુકવામાં આવ્યો છે અને મૌલવીઓની કટ્ટર વ્યવસ્થા બનાવવામાં આવી છે, તેનાથી શાસન અને શાસિત વચ્ચે સતત તનાવ વધતો ગયો છે. હિજાબનો વિરોધ આ તનાવનું પરિણામ છે. એટલા માટે આ પ્રદર્શનોમાં “તાનાશાહ મુર્દાબાદ” એવા નારા લાગ્યા છે. એ બતાવે છે કે ઈરાનની ઇસ્લામિક ક્રાંતિ લોકોના ગુસ્સાનું નિશાન બની રહી છે.
ઈરાન પર અમેરિકાએ પ્રતિબંધો લગાવેલા છે એટલે દેશની આર્થિક સ્થિતિ સારી નથી, જેથી યુવા પેઢીમાં ઘણો ગુસ્સો છે. વાસ્તવમાં, સરકાર પર મૌલવીઓનો એટલો પ્રભાવ છે કે ઈરાનમાં સામાજિક-આર્થિક સુધાર લાવવાના સરકારના પ્રયાસો સફળ થતા નથી. 19મી સદીના અંત ભાગે ઈરાનના જમીનદારો, વેપારીઓ, બુદ્ધિજીવીઓ અને શિયા મૌલવીઓએ મૂળ ટર્કીના કજાર વંશના શાસનને ખતમ કરીને ઈરાનમાં બંધારણીય શાસન સ્થાપવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પણ તેમાંથી પહલાવી વંશના જનરલ રેઝા ખાનનું ઉદય થયો હતો.
1925માં, ગ્રેટ બ્રિટનની મદદથી તેમણે ઈરાનમાં બંધારણીય રાજાશાહી સ્થાપી હતી. તેમણે ઈરાનમાં પ્રગતિશીલ પગલાં ભર્યા હતાં. ત્યાં સુધી કે તેમણે 1936માં કશ્ફ-એ-હિજાબનો કાનૂન બનાવ્યો હતો, જેમાં કોઈ સ્ત્રી હિજાબ પહેરે તો તેને હટાવવાનો પોલીસને અધિકાર હતો. રેઝા ઈરાની સમાજમાં રૂઢિચુસ્ત તાકતોનો પ્રભાવ ઓછો કરવા માંગતા હતા. તેમના દીકરા રેઝા શાહે 1963માં “સફેદ ક્રાંતિના નામે દેશને આધુનિક બનાવવા માટે આક્રમક પગલાં ભર્યા હતાં. પાછળથી તેમની સામે જ બળવો થયો અને ઇસ્લામિક ક્રાંતિનો પાયો નખાયો હતો. મજાની વાત એ છે એ ક્રાંતિમાં સ્ત્રીઓએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો.
આજે હવે એ જ સ્ત્રીઓ વર્તમાન ઇસ્લામિક શાસકો સામે જંગે ચઢી છે.
લાસ્ટ લાઈન :
“જ્યારે તમારી પર દુર્ભાગ્યની ભરતી આવે, ત્યારે મુરબ્બો પણ દાંત તોડી નાખે.”
— ઈરાની કહેવત
પ્રગટ : ’ક્રોસલાઈન’ કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 09 ઑક્ટોબર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર