કોવિડ-૧૯ મહામારીને નાથવા માટે ભારત સરકારે જાહેર કરેલા પ્રથમ તબક્કાના 21 દિવસના લૉક ડાઉનને પગલે લાખો શ્રમજીવીઓએ તેઓ જે પ્રાન્તમાં કામ કરીને પેટિયું રળતા હતાં, ત્યાંથી પોતાના વતન તરફ પ્રયાણ કર્યું. તેમના આ સ્થળાંતરથી દેશનું ધ્યાન સ્થળાંતરિત શ્રમજીવીઓ અર્થાત્ માઇગ્રન્ટસ વર્કર્સ/લેબરર્સ તરફ ખેંચાયું. આપણે આ લેખમાં માઇગ્રન્ટસ-સ્થળાંતરિતો કોણ છે, તેમની સંખ્યા કેટલી છે, તે ક્યાંથી ક્યાં સ્થળાંતર કરે છે, કયાં ક્ષેત્રોમાં કામ કરે છે — એવી બાબતો જોઈએ.
ભારતમાં વર્ષ 2011ની વસતિ ગણતરી મુજબ આંતરિક સ્થળાંતરિતો અર્થાત્ ઇન્ટર્નલ માઇગ્રન્ટસની સંખ્યા 45.36 કરોડ એટલે કે દેશની લોકસંખ્યાના 37 ટકા હતી. આ સંખ્યામાં એક રાજ્યમાંથી બીજાં રાજ્યમાં જનાર તેમ જ એક જ રાજ્યની અંદર સ્થળાંતર કરનારનો પણ સમાવેશ થાય છે. (તેમાં ફક્ત શ્રમિકો જ નહીં, બધા પ્રકારની કામગીરી કરનારા લોકો આવી જાય) અત્યારે જોવા મળતું સ્થળાંતર મુખ્યત્વે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં થઈ રહ્યું છે. 2011ની વસતિ ગણતરી મુજબ વર્કફોર્સ એટલે કે (ફક્ત મજૂરીકામ નહીં, તમામ પ્રકારનું) કામ કરનારા લોકોનો આંકડો 48.2 કરોડ હતો. 2016માં તે વધીને 50 કરોડને આંબી ગયો હોવાનો અંદાજ છે. વર્ષ 2016ના ઇકોનૉમિક સર્વે વર્ષ પ્રમાણે, કુલ કામ કરનારામાંથી સ્થળાંતરિતોનો આંકડો 10 કરોડ (એટલે કે કુલ કામ કરનારાના વીસ ટકા) જેટલો છે.
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર, વર્ષ 2020
આંતરરાજ્ય અથવા ઇન્ટરસ્ટેટ સ્થળાંતરનો કોઈ અધિકૃત ડેટા ઉપલબ્ધ નથી. પણ રિસર્ચ ઍન્ડ ઇન્ફર્મેશન સિસ્ટમના પ્રોફેસર અમિતાભ કુન્ડુએ વર્ષ 2011ની વસતિ ગણતરી, નેશનલ સૅમ્પલ સર્વે ઑફ ઇન્ડિયાનાં સર્વેક્ષણો અને ઇકૉનૉમિક સર્વેના આધારે તેનો અંદાજ આપ્યો છે. તે પ્રમાણે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરનારાની સંખ્યા વર્ષ 2020માં 6.5 કરોડ છે. તેમાંથી 33 ટકા (આશરે 2.1 કરોડ) કામદારો છે. એ કામદારોમાંથી ઓછામાં ઓછો અંદાજ બાંધીએ તો પણ, છૂટક મજૂરી કરનાર કામદારો – કૅઝ્યુઅલ વર્કર્સ 30 ટકા (આશરે ૬૩ લાખ) છે. બીજા 30 ટકા કાયમી કામ ધરાવે છે, પણ અનૌપચારિક કે અસંગઠિત ક્ષેત્રમાં.
કામદારોના ડેટામાં ન ગણવામાં આવતો સામાજિક સુરક્ષા વિનાનો બીજો એક વર્ગ ફેરિયાઓનો છે. એમની સંખ્યાને પણ જો ઉપર્યુક્ત સંખ્યામાં ઉમેરવામાં આવે તો તેનો અર્થ એ થયો કે 1.2 કરોડથી 1.8 કરોડ લોકો તેમના મૂળ રાજ્યથી અલગ રાજ્યમાં રહે છે અને અત્યારે તેમની પર આવક ગુમાવવાનું જોખમ તોળાઈ રહ્યું છે. સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાઇટીઝ (સી.એસ.ડી.એસ.) અને અઝીમ પ્રેમજી યુનિવર્સિટીનાં એક સંયુક્ત અભ્યાસમાં મૂકવામાં આવેલા અંદાજ મુજબ ભારતનાં મોટાં શહેરોમાં રોજમદારોનું પ્રમાણ 29 ટકા છે. માટે, પોતાના વતનનાં રાજ્યોમાં પાછા જવાની ઇચ્છા ધરાવતા સમૂહોની વાત થાય તેમાં તેમનો સમાવેશ પણ કરવો રહ્યો.
પ્રોફેસર કુન્ડુના અંદાજ મુજબ દેશના કુલ સ્થળાંતરિતોમાંથી ઉત્તર પ્રદેશના લોકોનું પ્રમાણ 25 ટકા (આશરે 40 લાખથી 60 લાખ લોકો) અને બિહારના લોકોનું પ્રમાણ 14 ટકા (આશરે 18 લાખથી 28 લાખ લોકો) છે. ત્યાર પછીના સ્થાને આવે છે રાજસ્થાન (6 ટકા, 7 લાખથી 10 લાખ લોકો) અને મધ્ય પ્રદેશ (5 ટકા, 6 લાખથી 9 લાખ લોકો). આ તમામ લોકો સ્વાભાવિક રીતે જ પોતપોતાના વતનમાં પાછા જવા ઇચ્છતા હશે.
સ્થળાંતરિતો શું મેળવે છે? શું અનુભવે છે?
વર્ષ 2017થી 2019ના ગાળામાં સી.એસ.ડી.એસ. દ્વારા કરાયેલા એક સર્વેક્ષણનું શીર્ષક છે, ‘પોલિટિક્સ ઍન્ડ સોસાયટી બિટ્વીન ઇલેક્શન્સ’. આ સર્વેક્ષણ મુજબ રોજેરોજ તેમ જ દર અઠવાડિયે પગાર મેળવનારા કામદારોમાંથી 22 ટકા કામદારોની માસિક કૌટુંબિક આવક (હાઉસહોલ્ડ ઇન્કમ) રૂપિયા 2,000 હોય છે, 32 ટકા કામદારોની માસિક કૌટુંબિક આવક રૂપિયા 2000થી રૂપિયા 5000 જેટલી હોય છે 25 ટકા કામદારોની રૂપિયા 5000થી રૂપિયા 10,000 જેટલી, 13 ટકા કામદારોની આવક રૂપિયા 10,000થી રૂપિયા 20,000 જેટલી અને ફક્ત 8 ટકા કામદારોની આવક રૂપિયા 20,000થી વધુ હોય છે.
દિલ્હીની ફેબ્રુઆરી 2020ની ચૂંટણી વખતે સી.એસ.ડી.એસ.એ કરેલાં એક સર્વેક્ષણ મુજબ 20 ટકા ઉત્તરદાતાઓની કૌટુંબિક આવક રૂપિયા 10000થી ઓછી હતી. વળી, આટલી ઓછી આવક ધરાવનારામાં બિહારના સ્થળાંતરિતો 33 ટકા અને ઉત્તર પ્રદેશના 27 ટકા હતા.
અમેરિકાના ટેનિસિ રાજ્યની વૅન્ડરબેલ્ટ યુનિવર્સિટીના પ્રોફેસર તારીક થાચિલે ‘સરક્યુલર માઇગ્રન્ટ પૉપ્યુલેશન ઑફ ઇન્ડિયા’ વિશે અભ્યાસ કર્યો છે. તેમનું સંશોધન બતાવે છે કે સ્થળાંતરિતો તેમના ગામડાંના જીવનના સાંસ્કૃતિક અનુબંધોને પૂરેપૂરા જાળવી પણ નથી શકતા અને પૂરેપૂરા છોડી પણ નથી શકતા. એટલા માટે શહેરમાં એક વખત તેમની આજીવિકા છીનવાઈ જાય, પછી તે સેંકડો માઇલ ચાલીને પણ તેમનાં ગામડાંનાં ઘરે જવા તૈયાર થઈ જાય છે. તાચિલે તેમના સંશોધન માટે લખનૌનાં 51 બજારોના 2,400 મોસમી સ્થળાંતરિતોનું સર્વેક્ષણ કર્યું હતું. તેમાંથી એ ઉપસી આવ્યું હતું કે સ્થળાંતરિતોના વતનના અનુભવની સરખામણીમાં તેમના શહેરી જીવનમાં પોલીસ બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સર્વેક્ષણના 33 ટકા ઉત્તરદાતાઓએ એક વર્ષના શહેરી જીવન દરમિયાન વ્યક્તિગત રીતે પોલીસની હિંસક કાર્યવાહીનો અનુભવ કર્યો હતો, જ્યારે તેમના ગામડાનાં જીવન દરમિયાન આવો અનુભવ કરનારનું પ્રમાણ 5 ટકાથી પણ ઓછું હતું.
મોટે ભાગે શહેરોમાં સ્થળાંતર
વર્ષ 2011ની વસતિ ગણતરીના ડેટાને આધારે જણાય છે કે લૉક ડાઉન બાદ સ્થળાંતરિતોની મુસીબત દિલ્હી, મુંબઈ અને સુરત જેવાં શહેરોમાં વધુ જોવા મળી. અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટના પ્રોફેસર ચિન્મય તુમ્બેએ દર્શાવ્યું છે કે દિલ્હીમાં સ્થળાંતરનો દર 43 ટકા છે. એટલે કે, તેના કુલ રહીશોમાંથી ૪૩ ટકા ‘બહારના’ છે. દિલ્હીના સ્થળાંતરિતોમાંથી 88 ટકા બીજાં રાજ્યોમાંથી આવેલા છે. બીજી વિગત એવી છે દિલ્હીમાં વસતા કુલ સ્થળાંતરિતોમાંથી 63 ટકા ગ્રામીણ વિસ્તારોના છે. એ જ રીતે, મુંબઈમાં સ્થળાંતરનો દર 55 ટકા છે, 46 ટકા સ્થળાંતરિતો બીજાં રાજ્યોના છે અને 52 ટકા ગ્રામીણ વિસ્તારોના છે. સુરતમાં સ્થળાંતરનો દર 65 ટકા, 50 ટકા સ્થળાંતરિતો બીજાં રાજ્યોના અને 76 ટકા ગ્રામીણ વિસ્તારોના છે.
પ્રોફેસર તુમ્બેએ એ પણ નોંધ્યું છે કે સ્થળાંતરિતો જે જિલ્લામાંથી આવે છે અને એ જ્યાં પાછા જાય છે એ જિલ્લાને લગતી તેમના વિશેની માહિતી જૂની છે અને તે 1990ના દાયકાના અંદાજ પર આધારિત છે. પ્રોફેસર તુમ્બેના સંશોધનપત્રનું શીર્ષક છે : ‘અર્બનાઇઝેશન, ડેમૉગ્રાફિક ટ્રાન્ઝિશન ઍન્ડ ધ ગ્રોથ ઑફ સિટીઝ ઇન ઇન્ડિયા, 1870-2020’. આ સંશોધનમાં ભારતનાં મોટાં શહેરોમાં ગયેલાં સ્થળાંતરિતોનાં મૂળ ગામને લગતી વિગતો 1990ના દાયકાની છે. કારણ કે 2011ની વસતિ ગણતરીની આ બાબતને લગતી વિગતો જાહેર થઈ નથી.
આ વિગતો મહત્ત્વની છે. કારણ કે તેના પરથી સ્થળાંતરિતોના પાછા ફરવાને કારણે ચેપ ફેલાવાની સંભાવના હોય, એવા જિલ્લા ઓળખીને તેમને હાઇ ઍલર્ટ પર રાખી શકાય. દાખલા તરીકે, ઓડિશાના દરિયાકિનારે આવેલા ગન્જમ જિલ્લાના ઘણા લોકો સુરતમાં કામ કરે છે. પ્રોફેસર તુમ્બેએ નોંધ્યું છે કે ‘એઇડ્સ’નો ફેલાવો સુરતથી બીજે પ્રસર્યો હોય એવા કિસ્સા ભૂતકાળમાં નોંધાયા છે. પ્રો. સિદ્ધાર્થ ચન્દ્રાનો અભ્યાસ બતાવે છે કે 1918ના ઇન્ફ્લુએન્ઝાનો ચેપ પહેલાં વિશ્વયુદ્ધમાં યુરોપમાં લડવા ગયેલા સૈનિકો થકી ઉત્તર પ્રદેશ અને બિહારમાં ફેલાયો હતો. આ સૈનિકો વહાણમાં બેસીને મુંબઈ તેમ જ મદ્રાસ આવ્યા હતા અને પછી ચેપને તેમનાં ગામોમાં લઈ ગયા હતા.
એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં સ્થળાંતર
2016-17ના ઇકોનૉમિક સર્વેમાં સ્થળાંતરની વિગતો મળે છે. તે મુજબ સ્થળાંતરિતો પોતાનાં વતનથી જે શહેર-જિલ્લાઓમાં જાય છે તેમાંથી કેટલાકનાં નામ આ મુજબ છે : ગુરુગ્રામ, દિલ્હી, મુબઈ; ઉત્તર પ્રદેશમાં ગૌતમ બુદ્ધ નગર, મધ્ય પ્રદેશમાં ઇન્દોર અને ભોપાલ, કર્ણાટકમાં બેંગલુરુ, તામિલનાડુમાં થિરુવલ્લુર, ચેન્નાઈ, કાન્ચિપુરમ, ઇરોડ અને કોઇમ્બતૂર.
જે જિલ્લામાંથી સૌથી વધુ સંખ્યામાં શ્રમિકો બીજે જતા હોય તે જિલ્લા આ મુજબ છે. ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગર, બિજનોર, મુરાદાબાદ, રામપુર, કૌશામ્બી, ફૈઝાબાદ અને બીજા 33 જિલ્લા. ઉત્તરાખંડમાંથી ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, ટેહરી ગઢવાલ, પૌરી ગઢવાલ, પિથોરગઢ, બાગેશ્વર, અલમોડા અને ચંપાવત. રાજસ્થાનમાં ચુરુ, ઝુન્ઝુનુ અને પાલી. બિહારમાંથી દરભંગા, ગોપાલગંજ, સિવાન, સરન, શેખપુરા, ભોજપુર, બક્સર અને જેહાનાબાદ. ઝારખડમાંથી ધનબાદ, લોહારડાગા અને ગુમલા. મહારાષ્ટ્રમાંથી રત્નાગિરી અને સિંધુદુર્ગ.
હાઉસિંગ ઍન્ડ અર્બન પૉવર્ટી ઍલિવિએશન મંત્રાલયના 2017ના અહેવાલ મુજબ દેશના 17 જિલ્લા એવા છે, જ્યાં કુલ માઇગ્રન્ટસના 25 ટકા પુરુષો બહાર જાય છે. આમાંથી ત્રણ જિલ્લા ઉત્તર પ્રદેશના, છ બિહારના છે અને એક જિલ્લો ઓડિશાનો છે.
ઇકોનૉમિક સર્વેમાં નોંધવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં સરખામણીમાં ઓછાં વિકસિત રાજ્યોમાંથી સ્થળાંતર કરનારાનું પ્રમાણ મોટું હોય છે, જ્યારે ગોવા, દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં બહારથી આવતા સ્થળાંતરિતોનું પ્રમાણ વધારે હોય છે. દિલ્હીમાં સૌથી મોટા પ્રમાણમાં સ્થળાંતરિતો ઊમટે છે. દેશમાં 2015-16માં થયેલા કુલ સ્થળાંતરમાંથી અડધા કરતાં વધુ કામદારો દિલ્હીમાં ગયા હતા. પોતાનું રાજ્ય છોડીને જનારા કુલ સ્થળાંતરિતોમાંથી અડધો અડધ ઉત્તર પ્રદેશ અને બિહારના હોય છે. ઝારખંડ અને મધ્ય પ્રદેશમાંથી પણ મોટી સંખ્યામાં શ્રમજીવીઓ અન્ય રાજ્યોમાં જાય છે. જ્યારે મહારાષ્ટ્ર, ગોવા અને તામિલનાડુમાં મોટા પ્રમાણમાં સ્થળાંતરિતો આવે છે.
‘ધ રિપોર્ટ ઑફ ધ વર્કિંગ ગ્રુપ ઑફ માઇગ્રેશન’ દર્શાવે છે કે મહિલા સ્થળાંતરિતોને સમાવનારું સહુથી મોટું ક્ષેત્ર બાંધકામનું છે. તેમાં શહેરી વિસ્તારોમાં 67 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 73 ટકા સ્થળાંતરિત મહિલાઓ છે. સહુથી વધુ પુરુષ સ્થળાંતરિતોને સમાવનારાં ક્ષેત્રો જાહેર સેવાઓ (પરિવહન, ટપાલ અને જાહેર વ્યવસ્થાપન) તથા આધુનિક સેવાઓ (આર્થિક સેવાઓ, રિઅલ એસ્ટેટ, શિક્ષણ, આરોગ્ય વગેરે). તેમાં ગ્રામ્ય વિસ્તારોમાં 16 ટકા અને શહેરી વિસ્તારોમાં 40 ટકા સ્થળાંતરિતો છે.
[સૌજન્યઃ “ધ ઇન્ડિયન એક્સપ્રેસ”, અનુવાદઃ સંજય શ્રીપાદ ભાવે]
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 29 મે 2020