તાવડી પર ધૂળ ચડતી જાય છે,
ઝૂંપડી માટીમાં ભળતી જાય છે.
સૂર્ય સાથે ભૂખ ઊગતી જાય છે,
ને અમર આશા ય મરતી જાય છે.
સાથે ચાલે ઝાડવાં તો ચાલીએ,
આ સડક કાળી તો તપતી જાય છે.
ભૂખથી ભૂંડી તો સમજણ નીકળી,
મોતની વાતો ય ગમતી જાય છે.
હે પ્રભુ ! થાજો ભલું આ સાંજનું,
જે દિવસને લઈને ઢળતી જાય છે.
એક વિધવા મા બીજું તો શું કરે ?
ધીમેધીમે બાપ બનતી જાય છે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 30 મે 2020
![]()


કોવિડ-19ના કારણે વિશ્વભરમાં શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ ‘ઝૂમ’ એપના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા છે. જો કે આ પ્રકારની શિક્ષણપદ્ધતિ માત્ર યુવાનો માટે નથી. અમારા જેવા પ્રૌઢો માટે પણ તે ઘણી ઉપયોગી નીવડી શકે છે. એટલે જ થોડા સમય પહેલાં મેં દેશના ટોચના આરોગ્ય નિષ્ણાતોના બે કલાકના ડિજિટલ ક્લાસ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેનો ફાયદો એ થયો કે વર્તમાન મહામારી વિશે મને વધુ ઊંડાણથી સમજવા મળ્યું, જે પ્રાઇમ ટાઇમની ટી.વી. ચર્ચાઓમાંથી ક્યારે ય ન મળી શકે.